બારીમાંથી ડોકિયું – એક અવલોકન
સુરેશ જાની
બારીમાંથી ડોકિયું. પણ ઘરની બહાર નહીં; ઘરની અંદર!
લો! કેવા માણસ છો – તમે? કોઈના ઘરમાં ડોકિયું કરાય? ઘરમાંનું કોઈ તમને જોઈ જાય તો પણ તમે અટકો નહીં; અને બસ, જોયા જ કરો?
આ વાત સાંભળી તમને ઉત્કંઠા થઈ ગઈ ને કે, આ સંવાદ કોની સાથે છે? લ્યો ત્યારે સાંભળો વાત ..
તે દિવસે હું મારા દીકરાના ઘેર સોફા ઉપર, લિવિન્ગ રૂમના છેક છેડે, બેક યાર્ડમાં ખૂલે છે તે બારી તરફ પીઠ કરીને બેઠો હતો. સોફા પર બેઠાં બેઠાં, આખા ઘરના મુખ્ય ભાગનું સરસ દૃશ્ય ખડું થઈ જાય છે. લિવિન્ગ રૂમના છેડે, ઉપર જવાની સીડી છે. એની બીજી બાજુ ઘરના બન્ને માળ જેટલો ઊંચો, દીવાનખંડ અને એની ય પાછળ ઘરનું પ્રવેશદ્વાર છે. એની ઉપર લગભગ બારેક ફૂટની ઊંચાઈએ એક બારી છે.
એ બારીમાંથી એ જનાબ ડોકિયું કરી રહ્યા હતા!
લો ગધેડાને તાવ આવે એવી વાત લાગી ને? ના, પણ એમ જ હતું. ઘરના આંગણામાં, એક સરસ, ઊંચું ઝાડ છે. ખાસું વધી ગયેલું છે. એની ટોચની નાજૂક ડાળી છેક તેરેક ફૂટની ઊંચાઈને આંબી ગઈ છે. ત્રણ ચાર પાંચ કુણી પાંદડીઓ પવનના ઝપાટે નાચતી, એકદમ તરોતાજા અને પ્રફુલ્લિત, ઘરના માહોલથી સાવ અલિપ્ત, મહાલી રહી હતી. અને હવામાં ઝૂલતાં ઝૂલતાં એ બારીમાંથી, ઘરમાં ડોકિયું કરી રહી હતી!
તમે કહેશો, વાતમાં આટલું બધું મોણ શીદ નાખતાં હશો? એમાં તે શી નવાઈ? એ તો એમ જ હોય ને? પણ માત્ર ચાર વરસ પહેલાં એ મકાન બન્યું હશે ત્યારે, અત્યારે જાડી અને રુક્ષ બની ગયેલી, એની સૌથી નીચેની ડાળી પણ આવી જ કૂણી હશે. એની ઉપર પણ આવી જ કોઈક પાંદડીઓ, આમ જ પવનમાં મહાલતી હશે અને ઘરના બંધ બારણામાંથી આમ જ ડોકિયું કરવા વ્યર્થ પ્રયત્ન કરી રહી હશે. પણ એ તો પોતાના ભારથી ઝૂકી ગઈ. એમાંથી ફૂટેલી બીજી ડાળીએ આકાશ તરફની ગતિ ચાલુ રાખી હશે અને એ પણ ઝૂકી ગઈ હશે. આ પ્રક્રિયા સતત ચાલતાં ચાલતાં, મૂળ ડાળીના કંઈક કેટલામા ય વંશજ એવા આ જનાબ અત્યારે આ ઊંચાઈએ પહોંચી ગયા છે. કદાચ એના હજુ બીજા ત્રણ ચાર વારસ બનશે અને એ ઘરના છાપરાને ય આંબી ઘરની પાછલી પારની દુનિયામાં ડોકિયું કરવા અભિયાન આદરશે!
સતત વિકાસ – સતત ઊંચે ને ઊંચે જતા જવાની આકાંક્ષા – સૂર્યના પ્રકાશનું પહેલું કિરણ પ્રાપ્ત કરવા માટેની આશા.
ઝાડની ડાળી અને પાંદડાંના કણ કણમાં આ જીજીવિષા, આ અભિપ્સા સળવળતી રહી હશે.
આપણે સૂક્ષ્મ બનીને, એ સળવળતી અભિપ્સામાં ડોકિયું કરી શકતા હોઈએ તો? પણ જીવનમાં આગળ અને ઊંચે જવા માટેની દોડમાં આપણને આમ બિન્ધાસ્ત, નિર્દોષ ડોકિયાં કરવાની નવરાશ જ ક્યાં છે?
આગળ અને ઊંચે એટલે? વધારે સમ્પત્તિ, વધારે મોટું પદ, વધારે માન અને સ્થાન, મિત્રો, સગાંઓ અને પ્રશંસકોનો વધારે મોટો સમૂહ. વધારે મોટો અને વકરેલો અહમ્. એ જ આપણો ઊંચે ગયાનો માપદંડ. આપણે છ ફૂટથી વધારે ઊંચે ક્યાં જઈ શકવાના? ઝળહળતા સૂર્યની વધારે નજીક જવાની કોઈ ઉત્કંઠા જ નહીં. નવા જીવનને ધબકાવતા પ્રકાશના કિરણને પામવાની કોઈ તાલાવેલી જ નહીં. સાવ અભાન બનીને, કેવળ વર્તમાનમાં ઝૂલતા રહેવાની કોઈ આરજૂ જ નહીં – કોઈ ઓરતા જ નહીં.
આપણે જ બનાવેલી, આપણી પોતાની કેદમાં આપણે સતત પૂરાયેલા. સતત સડેલા, વીતેલા, સોગિયા કે ભવ્ય ભૂતકાળમાં ગરક્યા કરવાનું. અથવા ભવિષ્યના શેખચલ્લીના ખાલી મહેલમાં મહાલવા માટે હવાતિયાં માર્યા કરવાનાં.
આ જ તો આપણું જીવતર. એમાં એ નાનકડી પાંદડીઓમાં ધબકતું પ્રગલ્ભ જીવન ક્યાં, એ નાદાન બચપણ ક્યાં?
કદીક તો અંતરની બારીમાંથી આમ ડોકિયું કરી લઈએ તો? કરતાં જ રહીએ તો?
e.mail : surpad2017@gmail.com
![]()

