લગ્ન અને કારકિર્દીનું સંતુલન આજની સ્ત્રીની બહુ મોટી સમસ્યા છે. ભારતનો કાયદો લગ્નને ભાગીદારી ગણે છે અને સ્ત્રીને કારકિર્દી અને કમાણીનો અધિકાર આપે છે. કમાવા જતી સ્ત્રી હવે અજુગતી નથી લાગતી પરંતુ જો તે પોતાના નિર્ણયમાં અડગ રહે અથવા ઘરની જવાબદારી ઓછી લઇ શકે તો એને ‘પૂર્ણ સ્ત્રી’નું બિરુદ નથી મળતું

સોનલ પરીખ
૪૦ આસપાસની ઉંમરની રીના આમ તો સુખી ગણાય. સારું કમાતો, નિર્વ્યસની અને ફેમિલી-પર્સન કહેવાય એવો પતિ, આઠેક વર્ષનો ધમાલિયો દીકરો, મહાનગરમાં ત્રણ બેડરૂમનો ફ્લેટ, પોતાની પણ સરસ કારકિર્દી – બીજું શું જોઈએ? પણ એ એની માને ઘણીવાર કહે છે, ‘મારે રાત જાગીને મારું કામ કરવું પડે છે. નયન મને રોકતો નથી અને જોઈએ તે બધું હાજર કરે છે એટલું જ. પણ નયનને કામ માટે કદી ઉજાગરા નથી કરવા પડતા. દિવસે પણ એને કામ કરવું હોય ત્યારે એ કરી જ શકે છે. મારે દિવસે ઘર અને દીકરાને જોવાનાં. સાસુસસરા આવે ત્યારે મહિનાઓ સુધી એમનું જોવાનું. રસોઈ અને બીજાં કામ માટે નોકરો છે, તો ય એકસરખો, એકાગ્ર થવાય એવો સમય આ બધામાંથી ફ્રી થાઉં ત્યારે મળે તેટલો મળે. બાકી ઉજાગરા કરવાના. આવું ન હોય ને?’
મા પાસે જવાબો છે પણ, નથી પણ. પોતાના સમય કરતાં રીનાની પેઢીનો સમય એને ઘણો સારો લાગે છે. પણ એને કારકિર્દી બનાવતી અને ઘર-કુટુંબ પણ સાચવી લેતી આધુનિક સ્ત્રીઓની સમસ્યા પણ સમજાય છે. નયન શાંત છે, પણ ક્યારેક કહે છે, ‘રીનાને વર્ક-મેનેજમેન્ટ આવડતું નથી. પછી ઉજાગરા કરવા પડે.’ ઘરસંસાર રીનાનાં કેટલાં સમય-શક્તિ ખાઈ જાય છે એ એને નથી સમજાતું.
લગ્ન અને કારકિર્દીનું સંતુલન આજના યુગની સ્ત્રીની બહુ મોટી સમસ્યા રહી છે, તાજેતરમાં સુપ્રિમ કોર્ટે આપેલા એક ચુકાદાથી આ બાબત નવેસરથી સામે આવી. કેસ અમદાવાદના એક મહિલા ડેન્ટિસ્ટ અને આર્મી ઓફિસર પતિ વચ્ચેના છૂટાછેડાનો હતો. 2009માં લગ્ન થયાં અને આ સ્ત્રી પૂણેમાં ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ છોડીને કારગિલમાં પતિ સાથે રહેવા ગઈ. પછી દીકરી આવી, એની તબીબી સમસ્યા હતી. સારવાર માટે તે અમદાવાદ આવી અને પછી પોતાના ડેન્ટલ ક્લિનિક (કારકિર્દી) અને બાળકની સારવાર (બાળક બીમાર હતું) માટે અમદાવાદમાં રહેવાનું પસંદ કર્યું. પતિ કારગિલમાં પોસ્ટિંગ પર હતો. સમય જતાં છૂટાછેડા પર વાત આવી. ફેમિલી કોર્ટે પત્નીને ‘ડિઝર્શન’ના આધારે ક્રૂરતા માટે જવાબદાર ગણીને છૂટાછેડા મંજૂર કર્યા. પતિ કે પત્ની કોઈ નક્કર કારણ વગર, એકબીજાની સંમતિ વગર કે એકબીજાના વિરોધ છતાં લાંબો સમય અલગ રહે તેને કાયદાની ભાષામાં ડિઝર્શન કહે છે. તે છૂટાછેડા માટેનું માન્ય અને સ્વીકાર્ય કારણ ગણાય છે.
ગુજરાતની ફેમિલી કોર્ટે અને હાઇકોર્ટે કહ્યું કે, પત્નીની નૈતિક ફરજ છે કે પતિ જ્યાં હોય ત્યાં તેની સાથે રહેવું. કારકિર્દીને પ્રાધાન્ય આપી અલગ રહેવું એ વૈવાહિક ક્રૂરતા છે. સુપ્રિમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મેહતાની બેન્ચે આ અભિગમને અતિ રૂઢિચુસ્ત, પછાત, સામંતવાદી અને પુરુષપ્રધાન કહી પત્ની વિરુદ્ધ ક્રૂરતા અને ડિઝર્શનની નોંધ રદ્દ કરી. છૂટાછેડા યથાવત રાખ્યા, પરંતુ તે ‘ક્રૂરતા’ના આધારે નહીં, પરંતુ ‘ઇરરિટ્રાઈવેબલ બ્રેકડાઉન ઑફ મેરેજ’ એટલે કે લગ્નમાં પડેલા કાયમી ભંગાણના આધારે. વધારામાં જણાવ્યું કે પત્ની પતિના ઘરની કોઈ ‘એપેન્ડેજ’ એટલે કે વધારાની વસ્તુ નથી. તેને પોતાની અલગ ઓળખ અને વ્યાવસાયિક આકાંક્ષાઓ હોય છે. પત્ની દાસી નથી, જીવનસાથી છે. પતિએ પત્નીની કારકિર્દી અને સ્વપ્નો પર ગર્વ અનુભવવો જોઈએ, ન કે તેને છૂટાછેડાનું કારણ બનાવવું જોઈએ. પત્ની પોતાની કારકિર્દી બનાવવા માટે પતિથી અલગ રહે અથવા ઘરકામ ન કરે, તો તેને ‘ક્રુઅલ્ટી’ કે ‘ડિઝર્શન’ ન ગણી શકાય. જો ભૂમિકા ઊલટી હોત, તો પતિ પાસેથી એવી અપેક્ષા ન રખાત કે તે પોતાની કારકિર્દી છોડી દે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતા ભારતની સર્વોચ્ચ અદાલતના માનનીય ન્યાયાધીશો છે. તેમની બેન્ચે ઘણા મહત્ત્વપૂર્ણ કેસોની સુનાવણી કરી છે, જેમાં કૌટુંબિક કાયદા, લગ્ન, અને કોર્પોરેટ બાબતો સંબંધિત નિર્ણયો સામેલ છે.
આ ચુકાદો ભારતમાં કામ કરતી મહિલાઓના અધિકારોને મજબૂત કરે છે અને સ્ત્રીઓને લગ્નજીવનમાં પોતાની વ્યાવસાયિક આકાંક્ષાઓ પૂરી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ ચુકાદા દ્વારા સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, સ્ત્રી-સશક્તિકરણના આ યુગમાં પત્નીની વ્યવસાયિક સફળતાને પતિ કે સાસરી પક્ષની લાગણી દુભાવનારું કૃત્ય માનવું એ કાયદાકીય રીતે અસ્વીકાર્ય છે. ૨૧મી સદીમાં પણ, જો કોઈ સક્ષમ મહિલાના કેરિયર બનાવવાના નિર્ણયને વૈવાહિક ક્રૂરતા ગણવામાં આવે તો તે ખૂબ જ ચિંતાજનક છે. મદ્રાસ હાઈકોર્ટે પણ ગયા વર્ષે એક ચુકાદો આપ્યો હતો કે પત્ની દ્ધારા પોતાની કારકિર્દી અને શિક્ષણને પ્રાથમિકતા આપવી અને પતિ સાથે તેના કાર્યસ્થળ પર જવાનો ઇનકાર કરવો તે ક્રૂરતા ગણાશે નહીં. આમ ભારતનો કાયદો સ્પષ્ટ કહે છે કે લગ્ન ભાગીદારી છે, ગુલામી નહીં. સ્ત્રીને કારકિર્દી અને કમાણીનો અધિકાર છે. પતિ અથવા સાસરા પક્ષ દ્વારા તેને નોકરી કરતા રોકવી તે માનસિક ઉત્પીડન ગણાઈ શકે છે.
કેરિયર વુમન એટલે એવી સ્ત્રી જે પોતાનાં વ્યાવસાયિક વિકાસ, કાર્યક્ષેત્રમાં સફળતા અને આર્થિક સ્વાતંત્ર્યને અગ્રિમતા આપતી હોય. આ શબ્દ અમેરિકામાં ૧૯૩૦ આસપાસ વપરાવો શરૂ થયો. વધુ શિક્ષણ સ્ત્રીના શરીર અને મન માટે ખરાબ છે એવું ત્યારે મનાતું. ૧૯૦૦ના દાયકામાં અમેરિકામાં લગ્ન પછી કમાતી સ્ત્રીઓની સંખ્યા સોએ એક હતી. ૧૯૫૦ના દાયકામાં, કારકિર્દીમાં રસ ધરાવતી સ્ત્રીઓને અસામાન્ય અને અવ્યવસ્થિત બંને રીતે વર્ણવવામાં આવતી અને તેના સ્ત્રીત્વને નકારાત્મક રીતે જોવામાં આવતું. ૧૯૯૦માં ૭૦ ટકા મહિલાઓ જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરતી થઈ, પણ વેતનમાં તફાવત સાથે. વેતનમાં તફાવતનો એક લાંબો ઇતિહાસ છે અને વર્તમાન પણ. આજે પણ, આખી દુનિયામાં પુરુષો જેટલી જ નોકરી અને જવાબદારીઓ ધરાવતી મહિલાઓને ઓછો પગાર મળે છે.
ભારતમાં ઘણીબધી સ્ત્રીઓ શિક્ષિત અને આર્થિક રીતે આત્મનિર્ભર છે, પણ આર્થિક નિર્ણયો ભાગ્યે જ લે છે. પિયરમાં જરૂર પડે તો પોતાની આવક વાપરી શકતી નથી. મા બન્યા બાદ નોકરી છોડતી સ્ત્રીઓની સંખ્યા ૭૦ ટકા જેટલી છે. ઘરકામને એક તરફ અનિવાર્ય અને બીજી તરફ નકામું, બિનઉત્પાદક ગણવામાં આવે છે.
પુરુષ ઘર ચલાવે અને સ્ત્રી ઘર સાચવે – આપણી આ મૂળભૂત વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આપણા સામાજિક નિયમો અને કાયદા ઘડાયા છે. ભારતના અંદાજે ૬૦ ટકા વિસ્તારમાં સ્ત્રીની નોકરી પરવાનગીનો વિષય છે. કમાવા જતી સ્ત્રી હવે અજુગતી નથી લાગતી પરંતુ જો તે પોતાના નિર્ણયમાં અડગ રહે અથવા ઘરની જવાબદારી ઓછી લઇ શકે તો એને ‘પૂર્ણ સ્ત્રી’નું બિરુદ નથી મળતું. વર્કિંગ વુમનને સતત એક પ્રકારનું ગિલ્ટ-અપરાધભાવ રહે એવું વાતાવરણ લગભગ બધે છે. 1990 પછી જન્મેલી પેઢીના પુરુષો ડાયપર બદલવા, ગ્રોસરી લાવવી કે ઘરનાં અન્ય નાનાંમોટાં કામમાં સાથ આપતા થયા છે, પણ જોઈએ એટલી જવાબદારીથી નહીં. ‘રોલ કોન્ફ્લિક્ટ’નો યોગ્ય ઉકેલ હજી મળ્યો નથી.
સમસ્યા ઊભી થાય ત્યારે સૌથી પહેલી જરૂરિયાત એકબીજા સાથે વાત કરવાની હોય છે. કમનસીબે મોટા ભાગના લોકો આવા સંજોગોમાં વાત કોઈ ત્રીજા માણસને કરે છે. ત્રીજો માણસ પોતાની સમજણ પ્રમાણે સાચીખોટી સલાહ આપીને લગ્નને તૂટતાં અટકાવે છે કે પછી તોડે છે. એને બદલે જરૂર પડે તો નિષ્ણાતની મદદ લો. ન્યાયી રીતે લડો. એકબીજા પર નહીં, સમસ્યા પર હુમલો કરો. મતભેદોની ચર્ચા કરો, ખામીઓની નહીં.
લગ્ન એક પસંદગી છે. જોડાતા પહેલા બાળકો, આવક, વડીલો, ઘરકામ જેવી બાબતો વિગતે ચર્ચી લો અને સંમત થવાય પછી જ સંસાર માંડો. લગ્નમાં પ્રેમ અનિવાર્ય છે. સાથીના વ્યક્તિત્વ અને સ્વતંત્રતાનો આદર થાય તો જ પ્રેમ ટકે, લગ્ન સાર્થક થાય.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 24 મે 2026
![]()

