Opinion Magazine
Number of visits: 9894910
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—344 

દીપક મહેતા|Opinion - Opinion|6 June 2026

કેનેડી બ્રિજ અને કેનેડી સી ફેસ – અમેરિકાના પ્રમુખ કેનેડી સાથે સનાન–સૂતકનો ય સબંધ નથી    

મુંબઈની બે પ્રખ્યાત જગ્યા સાથે ‘કેનેડી’ નામ જોડાયેલું છે. પણ ના, જી, ના. મુંબઈના એ બંને સ્થળોને અમેરિકાના પ્રેસિડન્ટ જોન એફ. કેનેડી સાથે સનાન-સૂતકનો ય સંબંધ નથી. આ બંને જગ્યા સાથે ‘કેનેડી’ નામ જોડવામાં આવ્યું ત્યારે પ્રેસિડન્ટ કેનેડી(૧૯૧૭-૧૯૬૩)નો તો જન્મ પણ થયો નહોતો. એ બે જગ્યા તે બી.બી.સી.આઈ. (આજની વેસ્ટર્ન) રેલવેની લાઈન ઉપર બંધાયેલો પહેલવહેલો બ્રિજ, નામે કેનેડી બ્રિજ. અને બીજી જગ્યા તે ચોપાટી પછીનો પાળ બાંધેલો દરિયા કિનારો, કેનેડી સી ફેસ.

પણ આ બન્ને વિષે વધુ વાત કરતાં પહેલાં GIP અને BBCI રેલવે લાઈન પર બંધાયેલા બ્રિજ વચ્ચેના તફાવતો વિષે થોડી વાત. બોરી બંદર સ્ટેશનથી ઉત્તરમાં આગળ વધો તો એક જમાનામાં ઘણાં નાનાં-મોટાં બંદર આવે. આ બધાં બંદરોનો દેશ તેમ જ દેશાવરો સાથે વેપાર. આજે પણ મુંબઈના બધા ડોક, નેવલ એસ્ટાબ્લિશમેન્ટ, પૂર્વ કિનારે જ આવેલ છે. કારણ હકીકતમાં આ કિનારો ઠાણેની ખાડીનો ભાગ છે અને અહીનાં કિનારાની રચના જ કુદરતી ડોક જેવી છે. આજે પણ મુંબઈના ડોકની ગણના દુનિયાના ઉત્તમ કુદરતી ડોકમાં થાય છે. જ્યારે પશ્ચિમ કિનારો તો સીધો અરબી સમુદ્રનો કિનારો છે. એ બાજુ ડોક બાંધવાનું અશક્ય નહિ તો ય ઘણું મુશ્કેલ. 

૧૮૫૩માં બોરી બંદરથી ઠાણે સુધીની પહેલવહેલી લોકલ લાઈન શરૂ થઈ ત્યારે બંદરો રેલવે લાઈનની પશ્ચિમના મુંબઈથી અલગ પડી ગયાં, કારણ વચમાં રેલવે લાઈન આવી ગઈ. એ વખતે માલ-સામાનની હેરફેર થાય બળદ ગાડાં દ્વારા. શરૂઆતમાં તો લેવલ ક્રોસિંગ (ફાટક)થી ગાડું ગબડ્યું. પણ પછી જેમ જેમ બે ટ્રેન વચ્ચેનો સમયગાળો ઘટતો ગયો તેમ તેમ મુશ્કેલી વધવા લાગી. કારણ માલ ભરેલાં ગાડાંઓએ લાંબા વખત સુધી ફાટક ખૂલે તેની રાહ જોવી પડે. આ મુશ્કેલી દૂર કરવા માટે GIP રેલવેની લાઈન પર ઘણી જગ્યાએ પુલ બંધાયા.

BBCIની ટ્રેન શરૂ થઈ ત્યારે સૌથી પહેલું ટર્મિનસ હતું ગ્રાન્ટ રોડ. તે પછી ચર્ની રોડ, મરીન લાઈન્સ અને ચર્ચગેટ સ્ટેશન બંધાયાં. જૂના ફોટા અને નકશા જોઈએ તો જણાય કે ગ્રાન્ટ રોડ પછીનાં ત્રણે સ્ટેશન લગભગ દરિયા કિનારે બંધાયાં હતાં. આજના મરીન ડ્રાઈવનું તો અસ્તિત્વ જ એ વખતે નહોતું. અને બીજું, આ બાજુના કિનારા પર બંદરો નહોતાં. એટલે માલ-સામાનની હેરફેર ભાગ્યે જ થતી. તેથી શરૂઆતનાં કેટલાંક વરસ લેવલ ક્રોસિંગથી કામ ચાલ્યું ગયું. રાહદારીઓ અને ગાડાં કે ઘોડાગાડી થોડી વધુ વાર રાહ જુએ તો એ જમાનામાં કાંઈ આભ ફાટી ન પડે. 

હવે નામશેષ થયેલો પટેલ બ્રિજ

આવું એક ફાટક ચર્ની રોડ સ્ટેશનથી ઉત્તર દિશામાં થોડે દૂર આવેલું હતું તે આ લખનારે નજરોનજર જોયું છે એટલું જ નહિ, એ ફાટકમાંથી પસાર થઈ દરિયા કિનારે જવાનું અનેક વાર થયું છે. પછી એ ફાટક બંધ થયું અને તેની જગ્યાએ રાહદારીઓ માટે ફૂટ ઓવર બ્રિજ (FOB) બંધાયો જે ‘અંબાલાલ પટેલ બ્રિજ’ તરીકે ઓળખાતો. બીજા ઘણા બ્રિજ કરતાં આ બ્રિજ કેટલીક રીતે જુદો પડતો હતો. તે બાંધવા માટેનું ડોનેશન એક ખાનગી કંપનીએ આપ્યું હતું. બ્રિજનો રસ્તા ઉપરનો ભાગ મુંબઈની મ્યુનિસિપાલિટીએ બાંધ્યો હતો. પણ તે એવી રીતે કે તેનો એક છેડો વેસ્ટર્ન રેલવેના FOB સાથે જોડાઈ જાય. એટલે તેનો ઉપયોગ બે રીતે થઈ શકતો. એક, રેલવે લાઈન ઓળંગીને પૂર્વ તરફથી પશ્ચિમના દરિયા કાંઠે આવવા માટે. અને બીજું, ટ્રેનમાંથી ઊતરેલા મુસાફરો રસ્તો ક્રોસ કર્યા વગર છેક દરિયા કિનારા સુધી પહોંચી શકે તે માટે. અને બ્રિજ એવી રીતે બાંધેલો કે તેના એક છેડાથી બીજા છેડા સુધી રાહદારીઓ અને ટ્રેનના પ્રવાસીઓની આવનજાવન એકબીજાથી અલગ રહે. ૧૯૫૩માં બંધાયેલો આ પટેલ બ્રિજ વખત જતાં ઠેર ઠેરથી કટાઈ ગયો, ખવાઈ ગયો, એટલે ૨૦૨૩માં તેને તોડી પાડવામાં આવ્યો. પણ તે પહેલાં જાહેરાત એજન્સીઓ માટે આ પુલ સોનાનાં ઈંડાં આપતી મરઘી જેવો બની રહ્યો હતો. કારણ સવાર-સાંજ આ પુલ નીચેથી હજારો વાહનો પસાર થાય, એટલે લાખો લોકો તેના પરની જાહેર ખબર જુએ એમ મનાતું. છેક ૨૦૦૬માં પણ આ બ્રિજ પર દસ દિવસ માટે જાહેર ખબર મૂકવાનું ભાડું હતું ૨૦થી ૨૪ લાખ રૂપિયા! એ જમાનામાં જાહેર ખબર માટે આટલું ભાડું આખા દક્ષિણ-પૂર્વ એશિયામાં બીજે ક્યાં ય લેવાતું નહોતું. 

મુંબઈના પૂર્વ કાંઠે બંદરો આવેલાં હતાં એટલે એ બાજુ દરિયો પૂરીને જમીન મેળવવાની શક્યતા ઓછી. ૧૮૬૫માં મુંબઈનો કોટ કહેતાં ફોર્ટ તોડી પડાયો તે પછી શહેર એટલું ઝડપથી વિકસતું ગયું કે જગ્યાની ઓછપ વરતાવા લાગી. દરિયો પૂરીને જમીન મેળવવા માટે અનેક કંપનીઓ રાતોરાત ફૂટી નીકળી. પણ બીજી બાજુ એ જ વરસે અમેરિકન સિવિલ વોર પૂરી થતાં કપાસના ભાવ ગગડ્યા, બેંકો ડૂબી, રેક્લમેશન કંપનીઓ પાણીમાં ગઈ. 

એક જમાનામાં ક્વીન્સ રોડ હતો દરિયા કાંઠો 

પી.એમ. બાથ પાસેના થાંભલા પર કોતરેલું નામ, કેનેડી સી ફેસ 

એટલે ઘણાં વરસ સુધી ક્વીન્સ રોડ (આજનો મહર્ષિ કર્વે રોડ) મુંબઈનો પશ્ચિમ કાંઠો બની રહ્યો. સાંજ પડ્યે ગોરા અમલદારો (મોટે ભાગે પોતાની) પત્ની સાથે બે ઘોડાની ગાડીમાં ‘હવા ખાવા માટે’ ક્વીન્સ રોડ પર આવતા. બે પાંદડે સુખી હોય તેવા ‘દેશીઓ’ પણ પોતાની બગીમાં બેસીને અહીં આવતા (મોટે ભાગે પત્નીને ઘરે મૂકીને). છેવટે છેક ૧૯૧૫માં પશ્ચિમ કિનારે દરિયો પૂરીને જમીન મેળવવાનું કામ શરૂ થયું. એ વખતે એ વિસ્તાર ‘બેક બે’ તરીકે ઓળખાતો. (યાદ છે, એક જમાનામાં આજના ચર્ચગેટ અને મરીન લાઈન્સ સ્ટેશન વચ્ચે બેક બે નામનું એક સ્ટેશન હતું.) પણ આ કિનારાને ‘બેકબે’ એટલે કે ‘પાછલો કિનારો કેમ કહ્યો? બંદરોથી ભરેલો પૂર્વ કિનારો એ ‘ફ્રન્ટ બે’ અને એટલે આ ‘બેક બે.’ પશ્ચિમ કિનારે ૧૯૧૫માં શરૂ થયેલું દરિયો પૂરવાનું કામ ૧૯૨૦માં પૂરું થયું. આ નવા કિનારાને નામ અપાયું સર માઈકલ કેનેડી સી ફેસ. એવણનો જન્મ ૧૮૨૪માં, અવસાન ૧૮૯૮માં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ‘બોમ્બે એન્જિનિયર્સ’ વિભાગમાં ૧૮૪૧માં જોડાયા. ૧૮૬૧માં તેમને લેફ્ટનન્ટ કર્નલ તરીકે બઢતી મળી અને ૧૮૬૩માં તેમની નિમણૂક બોમ્બે ગવર્નમેન્ટના PWD ખાતાના સેક્રેટરી તરીકે થઈ. વખત જતાં તેઓ ‘સર સાહેબ’ પણ બન્યા અને ૧૮૮૦માં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા. આજના બિરલા ક્રીડા કેન્દ્ર પાસે એક સુશોભિત થાંભલો આજે પણ ઊભો છે. તેના ઉપરના ભાગમાં લાઈટની વ્યવસ્થા છે. અને નીચેના ભાગમાં મોટા અક્ષરે ‘કેનેડી સી-ફેસ’ નામ લખ્યું છે અને આ કિનારાની જમીન મેળવવાનું કામ ક્યારે શરૂ અને ક્યારે પૂરું થયું તેની તારીખો કોતરી છે. જો કે આ નામ ક્યારે ય લોકજીભે તો ચડ્યું જ નહિ. આ કિનારો મરીન ડ્રાઈવ અને ‘ક્વીન્સ નેકલેસ’ તરીકે જ આજે પણ ઓળખાય છે. જો કે આ રસ્તાનું સત્તાવાર નામ હવે નેતાજી સુભાષચંદ્ર બોઝ રોડ છે. 

લેફ્ટનન્ટ કર્નલ જોન પિટ કેનેડી 

સરખાં નામને કારણે ઘણા માને છે કે આ કેનેડી સી ફેસ અને કેનેડી બ્રિજ, બંને નામ એક જ વ્યક્તિ પરથી પડ્યાં છે. પણ ના. ઓપેરા હાઉસ વિસ્તારને નાના ચોક વિસ્તાર સાથે જોડતા કેનેડી બ્રિજનું નામ પડ્યું છે બીજા એક કેનેડી પરથી. કર્નલ જોન પિટ કેનેડી બી.બી.સી.આઈ. (આજની વેસ્ટર્ન) રેલવેના સ્થાપકોમાંના એક હતા. વ્યવસાયે એન્જિનિયર. બી.બી.સી.આઈ. રેલવેની લાઈનો નાખવામાં, તેમાં વચમાં આવતી નદીઓ પર પુલ બાંધવામાં, સ્ટેશનો બાંધવામાં, તેમનો મોટો ફાળો. ચર્ની રોડ અને ગ્રાન્ટ રોડ સ્ટેશનો વચ્ચે આ પુલ બાંધવામાં આવ્યો તેનું મુખ્ય કારણ એ કે અગાઉ અહીં જે ફાટક હતું તે ઘણા રાહદારીઓનો ભોગ લેતું હતું. આ કેનેડી બ્રિજ ક્યારે બંધાયો એ અંગે ખાતરીપૂર્વક જાણવા મળતું નથી. પણ કેટલાકને મતે એ ૧૮૬૬માં બંધાયો હતો. પણ એટલું તો નક્કી કે BBCI રેલવેના મુંબઈ વિભાગમાં આ પહેલવહેલો પુલ બંધાયો હતો. અને તે બંધાયો હતો મુખ્યત્વે માલસામાનની હેરફેર માટે નહિ પણ લોકોની આવનજાવન માટે. એટલે જેમ જેમ મુંબઈના વિસ્તારોમાં વસતી વધતી ગઈ તેમ તેમ વેસ્ટર્ન રેલવે લાઈન પર નવા નવા પુલ બંધાતા ગયા. 

કેનેડી બ્રિજ – ગઈ કાલે અને આજે 

એક જમાનામાં મધ્યમ વર્ગનાં ઘણાંખરાં ઘરોમાં ફાટેલું કપડું સાંધીને કે થીગડું મારીને પણ પહેરવાનો રિવાજ હતો. આજે તો ફાટ્યું ન હોય, પણ એક-બે ડાઘ પડ્યા હોય તો ય એ કપડાને નાખો કચરામાં, અને લઈ આવો નવું, મોંઘુ ડાટ કપડું. તેવી જ રીતે આજના મુંબઈમાં રિડેવલપમેન્ટ યુગ ચાલે છે. મકાન, રસ્તા, બ્રિજ, જૂનાં થઈ ગયાં છે? રિપેર કરીને એનું આયુષ્ય વધારવાની વાત તો જૂનવાની થઈ ગઈ. તોડો, ફોડો. અને એની જગ્યાએ નવું બાંધો. ૧૯૭૫ના અરસામાં અંધેરીનો ગોખલે બ્રિજ બંધાતો હતો તે આ લખનારે નજરોનજર જોયું છે. ૨૦૧૮માં તો આ બ્રિજનો થોડો ભાગ તૂટી પડ્યો! તપાસણી, મોજણી, વગેરે કર્યા પછી ‘નિષ્ણાતોએ’ જાહેર કર્યું કે હવે આ પુલ કામનો રહ્યો નથી. તો? તોડો. તોડ્યો. નવો પુલ બાંધો. બાંધ્યો. ત્યારે તેને બરફીવાલા બ્રિજ સાથે જોડવાની યોજના બનાવેલી. ગોખલે બ્રિજ બંધાઈ ગયા પછી ધ્યાનમાં આવ્યું કે આ બન્ને બ્રિજની ઊંચાઈમાં તો દોઢ-બે ફૂટનો ફરક છે. એ બેને જોડવા કઈ રીતે. પછી જેમતેમ કરી તોડ કાઢ્યો અને બંને બ્રિજ જોડાયા. 

૧૮૬૬માં બંધાયેલો કેનેડી બ્રિજ જૂનો થઈ ગયો છે એ વાત ૧૯૭૦ની આસપાસ સમજાઈ ગઈ. પણ એટલે કાંઈ એ પુલને તોડી પડાય? તેનું માળખું લોઢાના ગર્ડરનું બનેલું હતું અને તેના પર બાંધકામ થયું હતું. એ જમાનામાં અસલ પુલને તોડ્યા વગર, જૂના સડેલા ગર્ડર કાઢીને તેની જગ્યાએ નવા ગર્ડર ફીટ કરવામાં આવ્યા. તેના પરના ચણતર અને રસ્તાનું પણ સમારકામ કરવામાં આવ્યું. અને ૧૮૬૬માં બંધાયેલો કેનેડી બ્રિજ ગોખલે બ્રિજની જેમ તૂટી પડ્યો નથી. ટટ્ટાર ઊભો છે. બ્રિજના બંને છેડે ઘણું બદલાયું છે, પણ બ્રિજ બહુ ઓછો બદલાયો છે. આ કેનેડી બ્રિજ આવ્યો છે ચર્ની રોડ અને ગ્રાન્ટ રોડ સ્ટેશન વચ્ચે. 

હવે પછી કયું સ્ટેશન, કયો બ્રિજ? સાત દિવસની રાહ જોવી પડશે તમારે, પ્રિય વાચક!

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 06 જૂન 2026 

Loading

6 June 2026 Vipool Kalyani
← છૂપા લો યું દિલ મેં પ્યાર મેરા … 

Search by

Opinion

  • છૂપા લો યું દિલ મેં પ્યાર મેરા … 
  • માણસે પોતાની જ કેદમાંથી મુક્ત થવાનું છે : થોમસ પેઈન
  • અલ નીનો
  • પથ્થર – એક અવલોકન
  • બાઅદબ, બા મુલાહિજા હોશિયારઃ જંતરમંતરે કોક્રોચ ફોજ ખાબકશે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved