ટ્રોડૉલરના અંતનો આરંભ, કટોકટી સમયની તૈયારી કે ભવિષ્યની ગણતરીઓ જેવા અનેક પ્રશ્નો ખડા કરતા વર્તમાન સંજોગો નવા ઇતિહાસનો ડંકો વગાડશે એમ લાગે છે

ચિરંતના ભટ્ટ
જ્યારે લગ્નો તૂટી જાય ત્યારે તેની પાછળ કોઈ એક કારણ કે દલીલ નથી હોતાં. બહુ બધી ન કહેવાયેલી વાતો હોય, અમુક બાબતોમાંથી ઉડી જતો રસ હોય, એવી ક્ષણ હોય જ્યારે કોઈ એક પક્ષ નક્કી કરી લે કે આવામાં રહેવા કરતાં તો પોતાની ઓળખ સાચવીને અથવા ફરી ઘડવાની હિંમત કરીને નીકળી જવું બહેતર છે. UAEએ (United Arab Emirates) OPECમાંથી 1લી મેએ નીકળી જવાનું નક્કી કર્યું એ પણ એવી જ એક ક્ષણ હતી; આ ક્ષણ માટેની તૈયારી જાણે અંદરખાને કેટલા ય વખતથી ચાલતી હશે, દેખીતી રીતે આ એક્ઝિટ બહુ નમ્રતાપૂર્વક થઈ હોય એમ લાગે પણ ખરેખર તો વિશ્વમાં ઊર્જા ક્ષેત્રના ભવિષ્ય પર આ પગલાંનો પ્રભાવ ડૉ. ડેંગની થપ્પડ જેવો રહેવાનો. એટલે કે, તેની ગુંજ દૂર સુધી અને લાંબો સમય સંભળાશે.
અબુ ધાબીએ 1967માં હજી નવાસવા OPEC સંગઠનમાં જોડાવાનું નક્કી કર્યું. ત્યારે UAE હજી રાષ્ટ્ર તરીકે ઘડાયું નહોતું. છતાં તેણે OPECને એક એવો સામૂહિક મંચ બનવામાં મદદ કરી જેને કારણે યુદ્ધ પછીની વૈશ્વિક વ્યવસ્થા જ બદલાઈ ગઈ. ઓઇલ શોક્સ, કિંમતોને લઈને ચાલેલા યુદ્ધો, COVID કાળમાં ખોરવાઈ ગયેલું તંત્ર હોય કે પછી બરડ શિસ્તનાં વર્ષો હોય; આ બધામાં UAEએ OPECનો સાથ ન છોડ્યો. UAEની ધીરજ ત્યારે ખૂટી જ્યારે પોતાનું ઓઇલ વેચવાને મામલે એણે બીજાની સૂચના સાંભળવી પડી. પોતાના ઓઈલના ભંડારોમાંથી કેટલું ઓઈલ વેચવું એ કોઈ બીજું નક્કી કરે એ પચાવવું મુશ્કેલ હતું.
ઓઇલના ઉત્પાદન અને વેચાણ અને નિયત હિસ્સા વગેરેનું ગણિત સમયાંતરે બદલાઈ ગયું હતું. UAE પોતાની ઉત્પાદન ક્ષમતા વધારીને રોજના 4.8 મિલિયન બેરલ સુધી પહોંચાડી દીધી પણ OPEC અનુસાર તેને માત્ર 3.2 મિલિયન બેરલ ઉપ્તાદન કરવાની જ મંજૂરી હતી. રોજનું 1.6 મિલિયન બેરલ ઓઇલ પડ્યું રહે, તેનું કંઈ ન થઈ શકે. વૈશ્વિક પુરવઠાના 1.5 ટકા જેટલું ઓઈલ જમીનમાં જ પડ્યું રહે અને બીજા દેશોના ઓઇલ માર્કેટમાં થતી હિલચાલને અબુ ધાબીએ મૂંગા મ્હોંએ જોયા કરવાની. આ સ્થિતિ કંઈ લાંબો સમય ચાલે એવી હતી નહીં. UAEના ઊર્જા મંત્રીના મતે OPECમાંથી નીકળવાનો નિર્ણય લાંબી સમીક્ષા અને વિચાર બાદ લેવાયો હતો. સ્વાભાવિક છે કે આ બહુ સહેલું નહોતું પણ કેટલાંક વર્ષોથી આ સંજોગોના એંધાણ તો હતા જ.
જો કે આવી ઘટનાઓમાં સમય સૌથી મહત્ત્વનો હોય છે.
જેમ છૂટાછેડા પછી મળેલી સ્વતંત્રતાનો તરત લાભ લેવો સહેલો ન હોય તેવી જ સ્થિતિ અહીં UAEની પણ છે. તે પોતાની નવી સ્વતંત્રતાને તરત પોતાના ફાયદામમાં વાપરી શકે તેમ નથી. 33 કિલોમિટર લાંબા અને સાંકડા દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝનો રસ્તો અત્યારે ઇરાન અને અમેરિકાને કારણે બંધ છે. આ રસ્તે આખી દુનિયાના ઓઇલના એક તૃતિયાંશ હિસ્સાની આવન-જાવન થાય છે. ઇરાને પોતાની વાત મનાવવા માટે સ્ટ્રેટ ઑફ હોર્મુઝનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. UAE પાસે ગલ્ફ ઑફ ઓમાન પર આવેલા કુજૈરાહ ટર્મિનલનો વિકલ્પ છે, જે હોર્મુઝને પૂરી રીતે બાયપાસ કરે છે. ગયા વર્ષે જ તેનો ઉપયોગ કરીને 1.7 મિલિયન બેરલ ઓઇલની નિકાસ કરાઇ હતી. પણ કુજૈરાહ કોઈ કાયમી રસ્તો નથી એ તો વચગાળાની રાહત માટેનું માધ્યમ હતું. અબુ ધાબી હવે જે પ્રમાણમાં ઉત્પાદન વધારીને નિકાસ કરવા માગે છે એ બધાનું વહન કરવાની ક્ષમતા કુજૈરાહમાં નથી.
UAEનો એક્ઝિટનો નિર્ણય વર્તમાન સંજોગોને કારણે નથી, આ એક એવો દાવ છે જે ભવિષ્યમાં યુદ્ધ અટકશે અથવા કોઈ સમજૂતી પછી સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી ઓઇલ ટેન્કર્સની અવર-જવર ફરી શરૂ થશે એ દિવસને ધ્યાનમાં રાખીને લેવાયેલો છે. એ દિવસ આવે ત્યારે UAEની ક્વોટા કે મહત્ત્વાકાંક્ષા પર કોઈ બીજા દેશની લગામ ન હોય તેવી તેની ગણતરી છે. એવો વખત આવે ત્યારે ઓઈલ તરસ્યાં બજારોને UAE પોતાના લૉઅર કાર્બન ધરાવતા ઓઈલ બેરલ્સથી ભરી દેવા માગે છે. આ બધું UAEને એ વખત પહેલાં કરવું છે જ્યારે ઓઈલની માંગ ઘટવાની લાંબી મજલ સંજોગો ફેરવી નાખે.
આ ઠંડા દિમાગે, બહુ વિચારીને અમલમાં મુકેલું ‘પીક ઓઇલ લૉજિક’ છે, એમાં લાગણીઓના કોઈ દિવા નથી પુરાયા. UAEના વ્યૂહકારોને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અત્યારે ઓઇલની માગ વૈશ્વિક સ્તરે ટોચ પર છે, સૌથી વધુ અને એક તબક્કા પછી આ માગ પડી ભાંગવાની છે, ઘટવાની છે, ભલે તે ધીમે ધીમે ઘટે પણ ટોચ પર પહોંચેલી માગ નીચે ગગડવા માંડશે એ નક્કી છે. OPECએ લાદેલી ઉત્પાદનની મર્યાદાઓમાં ગાળેલું દરેક વર્ષ જમીનમાં પડેલા ઓઈલને નકામું બનાવનારું સાબિત થશે. OPECથી અલગ થઇને UAEએ બંધનમાં રહીને ઓછું અને સસ્તું ઓઇલ વેચવા કરતાં આઝાદ રહીને જેટલું છે એટલું ઓઇલ વેચીને આર્થિક તાકાત વધારવાની ગણતરી મનમાં રાખી છે.
આ ઘટનમાં બારીક સબટેક્સ્ટ કે ક્લેવર છે જે પૂરી રીતે જિઓપૉલિટીકલ છે. OPECનું ખરું સુકાન છે સાઉદી અરેબિયા પાસે અને તેની સાથે UAEના સંબંધો છેલ્લા કેટલાક વખતમાં દેખીતી રીતે જટિલ બન્યો છે. યેમનના મુદ્દે મતભેદ છે, યુદ્ધ પછીના ગલ્ફ વિસ્તારના ભૂગોળ અંગે પણ મતભેદ છે. ખાસ કરીને અબ્રાહમ એકોર્ડ્ઝ પછી અબુ ધાબીએ વૉશિંગ્ટન અને તેલ અવીવ સાથે પોતાના સ્વતંત્ર સંબંધો કેળવ્યા છે. અબુ ધાબી માટે આ સંબંધો વ્યૂહાત્મક મૂડી છે તેને રિયાધે ક્યારે ય નથી આપી. OPEC સાથે છેડો ફાડવાનો એક અર્થ એ પણ છે કે અબુ ધાબીને હવે સાઉદીના છત્રની જરૂર નથી. અબુ ધાબીનો આ આત્મવિશ્વાસ કેટલો ટકશે એ આવનારાં વર્ષોમાં ખબર પડશે.
આ બધું ચાલે છે એમાં ઈરાને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે સંઘર્ષ પૂરો થશે પછી પણ હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાના નિયંત્રણમાંથી તે આર્થિક લાભ લેવા માગે જ છે. એ ફાયદો ટોલ તરીકે મળે કે પછી ટ્રાન્ઝિટ ફીઝ તરીકે મળે, તેનાથી ઈરાનને કંઇ ફેર નથી પડતો. જો આવું થાય તો ગલ્ફમાંથી ઊર્જા નિકાસની ભૂગોળ હંમેશ માટે બદલાઈ શકે છે અને કુજૈરાહ માર્ગનું મહત્ત્વ હંગામીમાંથી કાયમી બની જશે.
UAEએ કોઈપણ ઊહાપોહ કર્યા વિના નવી વિશ્વ વ્યવસ્થા માટે તૈયારી કરી લીધી છે, અત્યારે ભલે યુદ્ધ ચાલતું હોય પણ UAEએ યુદ્ધ પછીની ઊર્જા વ્યવસ્થાનો નકશો દોરવાનું શરૂ કરી દીધું છે.
આ સંજોગોમાં દરેકનાં મનમાં એક સવાલ સળવળે છે પણ કોઈ બોલતું નથી. એ સવાલ છે – ‘શું આ બધુ પેટ્રો ડૉલરના અંતની શરૂઆત છે?’
1974માં હેન્રી કિસિન્જર અને સાઉદી અરેબિયા વચ્ચે ગોઠવણ થઈ હતી કે ઓઈલનો વેપાર ડૉલરમાં જ થશે અને વધારાના ડૉલરનું ટ્રેઝરીમાં ફરી રોકાણ કરાશે. આ ગોઠવણ લગભગ પચાસ વર્ષથી અમેરિકી નાણાંકીય વર્ચસ્વનો પાયો રહી છે. અત્યારે અમેરિકા વિશ્વનો સૌથી મોટો ઉત્પાદ કે ધિરાણ આપનાર દેશ ન હોવા છતાં પણ આ એક વ્યવસ્થાને કારણે ડૉલર વૈશ્વિક સ્તરે અનામત ચલણ તરીકે અડીખમ ઊભો છે. પેટ્રોડૉલર કોઈ ઊર્જા નીતિ નથી પણ એ યુદ્ધ પછીની આર્થિક વ્યવસ્થાની ન દેખાતી આધારભૂત દીવાલ છે.
UAE, હવે OPEC ના સંકલનમાંથી મુક્ત છે અને ચીન સાથે તેના યુઆન-સેટલમેન્ટ (yuan-settlement) કરારોને વધુ ગાઢ બનાવી રહ્યું છે. આ કાર્ટેલમાંથી નીકળીને UAE પેટ્રોડૉલરની મજબૂત દીવાલને રાતોરાત ધરાશયી નથી કરી રહ્યું પણ ડૉલર વગર થઈ શકતા વ્યવહારોની યાદીમાં વધારો કરે છે. ડૉલરની માયાજાળમાંથી નીકળવાના માર્ગ, દ્વિપક્ષીય ઉકેલો પણ આ યાદીમાં સામેલ છે. કોલાહલ વિના એક વૈકલ્પિક માળખું ખડું થઈ રહ્યું છે જેમાં USA અને એના ડૉલરનો ગજ નહીં વાગતો હોય. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર ઈરાન જો પોતાના સૂચિત ટોલની સિસ્ટમ અમલમાં મૂકશે તો તે પણ ડૉલરમાં નહીં જ હોય. UAEની આ વિદાય USAની પકડ કે સામ્રાજ્યનો અંત લાવશે તેમ નથી અને સામ્રાજ્યને જો પોતાનો અંત દેખાશે તો તે તેની જાહેરાત નહીં કરે. ભૂતકાળનો સંદર્ભ લઈને ભવિષ્યમાં ઇતિહાસ લખનારાઓ આ સંજોગો નાણશે.
એક વિકાસશીલ દેશ તરીકે આપણે આ સ્થિતિ જોવી જોઇએ. ભારત તેના ક્રૂડ ઓઈલની જરૂરિયાતનો લગભગ 85 ટકા હિસ્સો આયાત કરે છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝની નાકાબંધી પહેલા, તે આયાતનો લગભગ અડધો હિસ્સો આ ત્યાંથી જ પસાર થતો હતો. જ્યારે આ રસ્તો બંધ થયો, ત્યારે તેના પરિણામો તાત્કાલિક અને ઘણું શીખવનારા સાબિત થયા. જેમ કે, માર્ચ મહિનામાં ભારતની ક્રૂડ ઓઇલની આયાત યુદ્ધ પહેલાનાં સ્તર કરતાં 13 ટકા ઘટી ગઈ હતી. ભારતના આયાત બાસ્કેટમાં પશ્ચિમ એશિયાઈ ઓઇલનો હિસ્સો ઘટીને 26.3 ટકા થઈ ગયો, જે અત્યાર સુધીનો સૌથી નીચો આંકડો છે. નવી દિલ્હીએ સંજોગો સાચવ્યા ઝડપથી સપ્લાયરોમાં વૈવિધ્ય લાવીને, થોડા અઠવાડિયામાં આપણા સપ્લાયર દેશોની સંખ્યા 27 દેશોથી વધીને 40 દેશો સુધી પહોંચી, અને યુ.એસ.એ. પાસેથી છૂટ મેળવ્યા પછી સમુદ્રમાં જ રશિયાનું ઓઈલ ખરીદવાનું શરૂ કર્યું. માર્ચમાં ભારતીય ક્રૂડ બાસ્કેટ $113.57 પ્રતિ બેરલ સુધી પહોંચી. વૈશ્વિક ઓઈલના ભાવમાં દર $10નો વધારો ભારતની જી.ડી.પી. વૃદ્ધિમાં અંદાજે 0.1થી 0.2 ટકાનો ઘટાડો લાવે છે.
આપણે આ કટોકટી વાજબી ક્ષમતા સાથે સાચવી લીધી. રિફાનરીઓ પૂરી કેપેસિટી પર ચાલી, વ્યૂહાત્મક અનામત (Strategic reserves) ઉપયોગ પણ કરાયો. અંગોલા, કોંગો તથા રશિયાથી થતી આયાતે પશ્ચિમ એશિયાની ખોટ આંશિક રીતે પૂરી કરી. ક્રૂડની 70 ટકા આયાતને હોર્મુઝની સામુદ્રધુનીની બહારના માર્ગે વાળી દેવાઈ. ઊર્જાના આટલા મોટા આંચકા વચ્ચે આ કોઈ નાની સિદ્ધિઓ નથી.
કટોકટીને સમયે દાખવેલી કાર્યક્ષમતા અને કટોકટી પહેલાં ઘડેલી વ્યૂહરચના સમાન બાબત નથી. UAEના OPECમાંથી છૂટા પડવાથી જે વિશ્વ સર્જાશે તેને માફક આવે એવા ઊર્જા સિદ્ધાંત (Energy Doctrine) ભારત પાસે નથી. આ એક એવી સ્થિતિ તરફની ગતિ છે જ્યાં OPECની શિસ્ત જાળવવાની શક્તિ નબળી પડી રહી છે, અહીં ઉત્પાદનના નિર્ણયો કાર્ટેલ સંગઠનને બદલે વ્યક્તિગત રાષ્ટ્રની ગણતરીઓ પર વધુ આધાર રાખે છે અને જ્યાં ભાવમાં થતી અસ્થિરતા કાયમી સમસ્યા બનશે, પ્રાસંગિક નહીં રહે. આવી વિશ્વ વ્યવસ્થામાં સપ્લાયર્સનું વૈવિધ્યકરણ જરૂરી છે પણ પૂરતું નથી. તેના સીધાં કારણો એ છે કે આપણી રિફાઈનરીઝ પશ્ચિમ એશિયાના ક્રૂડ ઓઇલ અનુરૂપ તૈયાર કરાઈ છે. આપણો વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ, વિસ્તરણ છતાં, માત્ર ગણતરીના દિવસોના વપરાશને જ આવરી લે છે. વધારા પછી પણ ઈલેક્ટ્રિક વાહનોનો વ્યાપ હજી પણ 1.5 ટકાથી નીચે છે. જો પેટ્રોડૉલરનું ધોવણ વેગ પકડશે તો ભારતનું ડૉલર નિર્ધારિત ઊર્જા આયાત બિલ એનર્જી રિસ્કની સાથે કરન્સી રિસ્ક પણ બનશે.
UAEનું આ પગલું ભારતની ઊર્જા ગણતરીઓ પર તરત અસર નહીં કરે. આપણે એ જોવાનું છે કે આ માળખું તેમણે જ ખડું કર્યું હતું અને ઊર્જાના આ ખેલાડીએ સ્વેચ્છાએ જ એ તોડી પણ પાડ્યું. જ્યારે પચાસથી વધુ સમયગાળા બાદ અબુ ધાબી એવો નિર્ણય લઈ શકે કે OPECનું સભ્યપદ હવે તેના હિતમાં નથી ત્યારે એ સવાલ જરૂરી બની જાય છે કે વૈશ્વિક ઊર્જા વ્યવસ્થા વિશેની બીજી કઈ સંભાવનાઓની તપાસ કરવાનો વખત પાક્યો છે.
બાય ધી વેઃ
લાંબા ગાળાની વ્યવસ્થા વિચારીએ તો આપણને આપાદામાં અવસર જોવાની જે ટેવ છે તે કાયમ ચાલે એ જરૂરી નથી. કંઇ થાય ત્યારે છેલ્લી ઘડીએ વ્યવસ્થાઓ કરવી એ ખર્ચાળ હોય, પ્રેશરમાં થયેલી કામગીરી હોય અને એમાં જતું ય કરવું પડે. આપણે અત્યારથી જ વિચારવું પડશે કે આપણે કેવા ઊર્જા રાષ્ટ્ર બનવું છે, કટોકટી આવે ત્યારે નહીં પણ તે પહેલાં. અબુ ધાબીએ પોતાની પસંદગી કરી લીધી અને તેણે સામૂહિક શિસ્તની સગવડને બદલે સ્વતંત્રતા અને લાંબા ગાળાનો ખેલ પસંદ કર્યો છે. બની શકે કે દરેક આ પસંદગી સાથે સંમત ન હોય પણ આ નિર્ણય કટોકટીના દબાણમાં નહીં લાંબાગાળાના વિચાર પછી લેવાયો છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ હજી બંધ છે, ટેન્કરો રાહમાં છે અને જે રાષ્ટ્રો ખરા અર્થમાં દીર્ઘદૃષ્ટિ ધરાવે છે તે દસ વર્ષ આગળનું વિચારીને વૈશ્વિક વ્યવસ્થા ફરી ગોઠવી રહ્યા છે
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 મે 2026
![]()

