પડે છે
આભ ઉપરથી
મિસાઇલ,
બહુમાળી બિલ્ડિંગ ઉપર
એક મોટો અવાજ, ધડાકો
આગના ફૂંફાડા મારતો,
કચ્ચરઘાણ કરતો,
ગોળીઓની બઘડાટી વચ્ચે,
રાતના અંધારામાં
દોડમદોડી
ભાગમભાગ
ચીસાચીસ
બચાવો બચાવો
કોઇ છે? કોઇ છે?
અચોક્કસ
અસ્તવ્યસ્ત
કાટમાળનો ખડકલો,
ને એમાં
દટાયેલા
તરફડતા
અનેક શ્વાસોચ્છવાસ
ક્ષતવિક્ષત માનવ અંગો
બળેલા, કપાયેલા
વત્તા ઓછા ઘવાયેલા
તરફડિયાં મારતાં આબાલવૃદ્ધો,
રોતાં નાનાં બાળકોની
અસહ્ય હાલત,
ક્યાં ખબર હતી ..
મનુષ્યો સૂતાં હતાં
સુખના સૂર્યની રાહમાં
રંગબેરંગી સપનાં જોતાં જોતાં ..
પણ અચાનક આ શું થયું?
પરાણે,ના છૂટકે
ઓચિંતા આવી પડેલું યુદ્ધમાં
જોતરાઈ ગયા છે
ભાગમભાગમાં …
બિલ્ડિંગથી થોડે દૂર મેદાનમાં
ઉગેલા પારસ પીપળાની
બે ડાળી વચ્ચે બાંધેલ માળામાં
ધરતીકંપ જેવો ભાસ થાય છે
કાગડો ને કાગડી
કા કા કર્યા કરે છે સતત
અને તાજું અવતરેલું બચ્ચું
ખોરાક માટે વલખાં મારે છે
ડર્યા વગર, ગભરાયા વગર,
ઉપર એક કોયલ
મધુર અવાજે
કૂહુ કૂહુ કર્યા કરે છે
કોઇ સાંભળતું નથી અરેરે ..
જોજનો દૂર બેઠેલા
પાષાણ હૃદયવાળા
કૈંક લોકો વ્યથિત થયા છે
વીડિયો જોઇ જોઇને
મૌન સંવેદના દઇ
સૂઇ જાય છે એ લોકો પણ
અઘોર તંદ્રામાં
શું કરે??
એક દેશના સાર્વભૌમત્વ પર
બીજા દેશોનો બળાત્કાર
દુનિયા આખી હોંશે હોંશે જૂએ છે
કૂદરતી નહીં,
માનવીય આપદામાં
સહન કરવાનું શીખવે છે નેતાઓ
ભૂલ ભરેલાં ભાષણો કરી કરીને
ડરાવે છે, ધમકાવે છે પ્રજાને,
ગેસના બાટલા નથી, પેટ્રોલ નથી
એમને ક્યાં લાઇનોમાં ઊભાં રહેવું પડે છે
તકલીફ તો પ્રજાને જ થાય છે
પૃથ્વી ભલે નિ:વંશ થઇ જાય
મિસાઇલ બનાવો, ડ્રોન બનાવો,
પરમાણું બોમ્બ બનાવો
દૂર દૂર સુધી ફેંકો,
ખેદાન મેદાન કરી નાખો બધું
તમારા બાપનું શું જાય છે?
તકલીફ તો બીજાને થાય છે
શું યુદ્ધ અનિવાર્ય છે??
જીવો અને જીવવા દો
વહેંચી ને ખાઓ
માનવતા રાખો
વસુધૈવ કુટુંબકમની ભાવના રાખો
આ સૂત્રો,
લાગે છે આ સૂત્રો ખાલી કહેવાના જ છે,
વાગે છે … બહુ વાગે છે ..
મગજ પર ભાર લાગે છે,
એનો અમલ ક્યારે કરાશે
છે કોઈ જવાબ …
૨૫/૦૩/૨૦૨૬
e.mail : naranmakwana20@gmail.com
![]()

