સ્વિમીંગ પુલમાં તરવા જેટલી તાકાત તો આ બુઢ્ઢા, દમિયલ ખોળિયામાં નથી. પણ ચાર લેપ ચાલવાનો મહાવરો જરૂર રાખ્યો છે. ચોખ્ખાઈની ચિવટ માટે પડી ગયેલી ટેવના સબબે, પુલની ફર્શ પર કશુંક પડ્યું હોય તો તેને પગથી ધક્કો મારી, ઉપર લાવી, ઊઠાવી લેવાની આદત પણ પડી ગઈ છે.
એક નાનકડા સંતોષનું ક્ષણિક સુખ
પણ આજે એક ચળકતો, સોનેરી રંગનો સિક્કો દેખાયો. એ ભારેખમ માલ- થોડો જ અન્ય કચરાની જેમ ઉપર તરી આવે? ડુબકી મારીને તેને ઝડપી લેવા પણ કોશિશ કરી. પણ શ્વાસ રોકી રાખવાની ક્ષમતા હવે થોડી જ રહી છે? બેચાર વાર આમ થયું અને આ પ્રયત્ન છોડી દેવો જ પડશે – એમ લાગ્યું. પણ આ ગુજરાતી જીવ સોનેરી સિક્કાને એમને એમ થોડો જ જતો કરે?! હવે પગથી ધક્કો મારી પુલની ફર્શની છીછરી સપાટી સુધી ધકેલી જવાનો પ્રયત્ન શરૂ થયો. એ અમીરી જણ થોડો જ નાનકડા ધક્કાથી જોજન દૂર ખસે?! માંડ એકાદ ફૂટ દૂર જઈ એ તો પાછો તળિયે બેસી જાય.
દસેક ધક્કા પછી, આ પ્રયત્ન પણ છોડી દેવો પડશે – એમ હાયકારો થઈ ગયો! પણ સ્વભાવગત લાલચ અને ખાંખત ફરી ફરીને ઉજાગર થવા લાગ્યાં. ખાસી દસેક મિનિટના ઉધામા પછી, પુલના છેક છેવટના ભાગ સુધી તો એ અમીરને ધકેલી દીધા! હવે તો કામ પતી જશે, એમ લાગ્યું. પણ ફરી પાછી ડૂબકી મારવાની અશક્તિ. હવે પગના પંજાથી એને ઊભી દીવાલ પર સરકાવી, પકડી શકાય એટલી ઊંચાઈ સુધી લાવવાનું અભિયાન ચાલુ કર્યું! એમાં ય વળી એની એ જ મોંકાણ. એ તો ચંચળ જીવ. ફરી ફરીને પાછા તળિયે સરકી જાય. આવી મહામૂલી મિલકત સરી જાય – એ તો કેમ પોસાય?! જાતજાતના પેંતરા કર્યે જ રાખ્યા.
છેવટે અથાક પરિશ્રમના પ્રતાપે એ જણને એક પગથિયું ઉપર બઢતી આપવામાં સફળતા મળી. પણ એટલે સુધી પણ ડૂબકી શી રીતે મારવી? ફરી પાછી એ જ પગના પંજાની મથામણ – અને એ અમીરને એક વધારે ઊંચા સ્તર સુધી લાવી શકાયો! આ મહાન સાહસના અંતે એ ચમકદાર, દમકદાર સોનેરી સિક્કો ચડ્ડીના ખિસામાં પહોંચી ગયો.
લે! કર વાત. આ સોના મહોર થોડી જ હતી? મોલમાં, બાળકોને વીડિયો ગેમ કે કોઈન મશીનમાં રમાડવા માટેનો આ તો મામૂલી સિક્કો. એક ડોલરમાં તો આવા ઘણા બધા સિક્કા મળી જાય.

આવી મજા પહેલાં પણ માણી હતી. ૧૦ સેન્ટના સિક્કાની અમૂલ્ય સંપદા પ્રાપ્ત થઈ હતી!
પણ, બહુ સંપત્તિવાન બની જવાનો ઈરાદો થોડો જ હતો?
મસ મજાની, મનભાવન રમત માત્ર જ
આ નવરા જણની એ રમતની વાત તો પતી ગઈ. હવે અવલોકન કાળ. આમ તો આ ટાઈમ-પાસ રમત અને લખાણ લાગે. પણ, જરાક ઊંડાણથી વિચાર દોહન કરીએ તો થોડાક સત્યો ઊભરી આવે છે.
આપણી જીવન-રીત survival માટેની કુદરતી વ્યવસ્થા કરતાં બહુ આગળ નીકળી ગઈ નથી? સંપત્તિ એકઠી કરવાનો ધખારો જ્યારથી શરૂ થયો, ત્યારથી આપણી જઠર ખોરાક માટે જરૂરી કદ કરતાં ઘણી મોટી બની ગઈ છે. અલબત્ત એ કારણે કોઈ પ્રાણીને ન હોય એટલું મોટું પેટ અને એના કારણે આકાર લેતાં દર્દો આપણે જાતે વહોરી લીધાં છે! માત્ર જઠર જ કેમ? તિજોરીઓ, બેન્ક એકાઉન્ટો અને બીજાં ઘણાં પણ ખરાં જ ને?
આ રમત રમનારનો આશય એ ન હતો.
કેવળ મોજ જ મોજ
આખું આયખું આવી સામાન્ય રસમમાં જીવ્યા બાદ, એ સત્ય સમજાયું છે કે, જીવનનું પાયાનું ધ્યેય – ‘સુખની શોધ’ – ચીલાચાલુ રસમથી બહુ વેગળું જતું રહ્યું છે. એ ભ્રમ ‘જીવન એક રમત છે.’ એવો ભાવ સેવતા રહેવાથી દૂર થઈ શકે છે. કદાચ સો ડોલર મળ્યા હોત, તો પણ આ આનંદ ઉપલબ્ધ ન થયો હોત. આ ભાવ સદા જાગૃત રહે તે માટે, એ રમત રમવાનો સિક્કો અને એ દસ સેન્ટ ‘સદ્દવિચાર’ની જેમ આ અવલોકનકારે એના ટેબલની બાજુમાં સાચવી રાખ્યાં છે. આ રહ્યાં ….
બીજી એક અગત્યની વાત એ પણ ઊભરી આવે છે કે, નિષ્ફળતાથી ડગ્યા વિના પ્રયત્ન સતત જારી રહે, તો મોટા ભાગે ધ્યેયસિદ્ધિ શક્ય બનતી હોય છે. એ આનંદનો અનુભવ કોને નહીં થયો હોય?
અસ્તુ. ईदं अनेन।
e.mail : surpad2017@gmail.com
![]()

