તોફાની વરસાદ
અને એક નાનકડી કીડી
અચાનક આરંભાયેલા તાંડવમાં
ખોવાયેલી કીડીનાં
લીલાંછમ પગલાં
ઘરડા ઓકનાં પીળચટ્ટાં પાન પર
તરતાં તરતાં નદીએ પહોંચ્યાં
કીડી વિહોણાં પગલાંથી
ઉશ્કેરાયેલી બ્હાવરી નદી
ઘરેલું વહેણ –
કિનારા છોડી
કીડી શોધવા દોડી
પ્રવેશ્યા જો પાણી
શણગારાયેલી બારીઓમાં
પછી બુઝી રોશની:
કોઈક વાસી છાપું – કીડીનો તરાપો
સમાચાર: હવા ભરેલી હોડી
હાલક ડોલક વાડી ફળિયાં
ડૂબું ડૂબું શેરી બજાર
ને બાર ગાઉ અંધાર
ઉપર પાણી કાળું
છાપ્યું એક મથાળું
તોફાની વરસાદ
અને એક નાનકડી કીડી