પ્રકરણ -10 (સારસંક્ષેપ)
બીજા દેશમાં જઈને તમે – you – ઍટાગુઇટેનિયાના સીક્રેટ મિશનમાં મદદગાર થશો એ શરતે એ તમને મુક્ત કરે છે. સ્ટેટ પોલીસના આર્કાઇવ્ઝ વિભાગના ડાયરેક્ટર આર્કાદિયન પોર્ફિરિચ સાથે તમે ચા પીતા હોવ છો અને એવી રીતે ઇર્કાનિયા દેશથી તમારો છૂટકારો થાય છે. આર્કાદિયન પોર્ફિરિચ તમને સમજાવે છે કે આખી દુનિયામાં પોલીસ આ જ ધ્યેય સિદ્ધ કરવા મથતી હોય છે, અને તેથી, પ્રતિસ્પર્ધી રાષ્ટ્રોની પોલીસ જોડે આરામથી સહયોગી થઈ જતી હોય છે.
આર્કાદિયન પોર્ફિરિચનું એમ માનવું છે કે જુદાં જુદાં રાજ્યોની પોલીસ લિખિત શબ્દોમાં જ માનતી હોય છે કેમ કે પુસ્તકો બૅન્ન કરવા માટે તેઓને એ જ શબ્દોને અનુસરવું પડે છે. એ તમને એમ પણ જણાવે છે કે બૅન્ન થયેલાં પુસ્તકો એવાં જ પુસ્તકોની એકથી બીજા દેશમાં લેવડદેવડ માટેનાં સમર્થ પ્રતીકો છે અને એને ગુપ્ત કરારો પણ કહી શકાય.
આર્કાદિયન પોર્ફિરિચ પોતાના સ્પિરિટને વાચા આપે છે, જેમાં, પોલીસ ફોર્સના કાર્યમાં વિશ્વાસ રાખવો, સૅન્સરશિપના અમલ માટે અને એ પ્રકારે રાજ્યને સહકારી થવું, જેવી ભાવનાઓ રહેલી છે. આર્કાદિયન પોર્ફિરિચના કેટલાક શબ્દો તમને – you – ડિસ્ટર્બ કરે છે, છતાં, પોતાનાં કામ પૂરાં કર્યાં પછી એ માણસ વાચનની મજા લે છે, એ વાતે તમને સારું લાગે છે. તમે એર્મિસ મારનના સંદર્ભે તમે સાંભળેલી ઍપોક્રિફા-કાવતરાની વાત કરો છો, પણ આર્કાદિયન પોર્ફિરિચ એ વિશે બધું જ જાણતો હોય છે. જો કે, એ કાવતરાના કેન્દ્રમાં રહેલી (લુદ્મિલા જેવી) કો’ક રહસ્યમય રમણીને એ અને એની ટીમ હજી શોધી શક્યાં નથી.
તમે – you – બૅન્ન પુસ્તકોના આર્કાદિયન પોર્ફિરિચના વિનિમયકાર્યમાં પ્રદાન અર્થે એને કાલિક્ષ્તો બાન્દેરાકૃત “Around an empty grave” ભેટ આપો છો. એ જણાવે છે કે પુસ્તકને પોતે જોઈ જશે. એ દરમ્યાન, પોલીસ ઍનાતોલિ ઍનાતોલિનકૃત “What story down there awaits its end” નામના એક અતિ મહત્ત્વના બૅન્ન પુસ્તકને જપ્ત કરવા માટેનો પ્લાન બનાવતી હોય છે.
ઍનાતોલિ ઍનાતોલિનકૃત એ પુસ્તકને પોલીસ જપ્ત કરી લે એ પહેલાં તમે – you – મેળવવા માગો છો. લુદ્મિલા તમને ટ્રેનમાં મળી છે એવું એ રાત્રિએ તમને સ્વપ્ન આવે છે. સવારે તમે જાગો છો અને પાર્કની એક બૅન્ચ પર બેસી ઍનાતોલિનની રાહ જોતા હોવ છો. સંવારેલી દાઢીવાળો એક જુવાન – ઍનાતોલિન – આવે છે અને તમને જણાવે છે કે સમગ્ર પાર્ક પાકી દેખરેખ હેઠળ છે. ઍનાતોલિન તમને કેટલાંક પેપર્સ આપે છે, વધારાનાં પેપર્સ આપવા એ ખિસ્સામાં હાથ નાખતો હોય છે, પણ ત્યાં, એક વાડમાંથી નાગરિક પોશાકમાં સજ્જ બે એજન્ટ ફૂટી નીકળે છે – એને ઍરેસ્ટ કરવા.
કથક નગરના ‘પ્રોસ્પેક્ટ’ નામના ઇલાકામાં થઈને જતો હોય છે, માત્ર પોતાને ગમતી ચીજો જ જોતો જાય છે. એને એમ થાય છે કે મિત્ર ફ્રાન્ઝિસ્કા મળી જાય તો … કેમ કે એને ફ્રાન્ઝિસ્કાને મળવું ગમે છે બહુ પણ સમ્બન્ધથી કદી બંધાતો નથી.
કથક જગત પર જાણે ઈશ્વર જેવું પ્રભુત્વ ધરાવે છે, એટલે એવી વસ્તુઓ બનાવવા માંડે છે, જે કદી અદૃશ્ય ન થાય. જાહેર ઇમારતો, સરકારી કારભારીઓ અને પોલીસ સ્ટેશનોથી છૂટકારો મેળવવાનું શરૂ કરે છે. જો કે જ્યારે એને થાય છે કે અગ્નિશમનવાળાઓથી અને પોસ્ટના ટપાલીઓથી પોતે આઘો ગયો એ ભૂલ હતી, અગ્નિ અને અને ટપાલોનો નાશ કરે છે. આર્થિક વ્યવસ્થાઓનો ત્યાગ કરતાં પહેલાં સરકારી તન્ત્રોથી છૂટવાની મથામણ કરતો રહે છે. એ પછીથી તો, કથક પ્રકૃતિથી પણ છૂટવા કરે છે – ત્યાં લગી કે ‘પ્રોસ્પેક્ટ’ વેરાન થઈ જાય.
કથક ચાલ્યા કરતો હોય છે, એકાએક, ફ્રાન્ઝિસ્કા મળી જાય છે. જેવો એ એની નજીક જાય છે, ઓવરકોટ અને હૅટધારી બે શખ્સ એને રોકે છે. કથકને અચરજ થાય છે કેમ કે એને યાદ આવે છે કે એ બન્ને જેવાઓને પોતે ક્યારના ભૂંસી નાખ્યા છે. બન્ને શખ્સ કથકને અભિનન્દન આપે છે કેમ કે એઓને કથક એમનામાંનો લાગ્યો હોય છે, એ રીતે કે એઓ પણ વિશ્વના ઘણા ભાગોને ભૂંસી શકે એવા છે. પોતે ભૂંસી નાખેલા ભાગો વળી દેખાતા થાય એ માટે કથક મથે છે ખરો પણ નિષ્ફળ જાય છે.
કથક અને ફ્રાન્ઝિસ્કા વચ્ચેની ધરતીમાં તિરાડ પડે છે, તિરાડ પ્હૉળી થવા લાગે છે. સૅક્શન – ડી કહેવાતા વિભાગના ગણાતા એ હૅટધારીઓ કથકને એનાં કાર્યો માટે શાબાશી આપે છે. કથક એમનાથી છૂટીને ફ્રાન્ઝિસ્કા ભણી સરકે છે, પરન્તુ એ વેળાએ એક મોટી ખાઇ એમને બન્નને જુદાં પાડી દે છે. સામેથી ફ્રાન્ઝિસ્કા સ્મિત કરે છે – જ્યારે પણ મળી જતાં, ત્યારે કરતી એવું સ્મિત. ત્યાંથી બોલે છે — નજીકમાં એક કાફે છે, કાફેમાં સંગીત પણ હોય છે, લઈ જઈશ મને ત્યાં?
= = =
(06/22/24 : A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર