Opinion Magazine
Number of visits: 9456150
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લગે રહો ભદ્રંભદ્ર…

પ્રા. જિજ્ઞેશ ઉપાધ્યાય|Samantar Gujarat - Samantar|1 December 2012

સમય : ૩૦ થી ૩૫ મિનિટ

કરુણાશંકર: હે ભગવાન…કલિકાલનો, વ્યાપક પ્રભાવ સમગ્ર જીવ, જન જગત પર પડી રહ્યો છે. સતયુગ જેવો માનવી રહ્યો નથી. પશ્ચિમની સંસ્કૃતિએ આ ગુર્જર ભૂમિને રસહીન, સંસ્કારહીન કરી છે. તારા ભક્તો ત્રાહિમામ્ પોકારી ગયા છે હે દીનાનાથ ! તેં જ ગીતામાં કહ્યું છે ને ?…..
યદા યદા હી ધર્મસ્ય….ગ્લાનિર્ભવતિ ભારત,
અભ્યુત્થાનમ્ અધર્મસ્ય…સંભવામિ યુગે યુગે…
(આટલું બોલતાં બોલતાં આકાશ સામું‌ હાથ જોડી કરુણાશંકર ગોઠણભેર બેસી જાય છે.)
(ત્યાં પાછળથી બે વ્યક્તિ પ્રવેશે છે… જેમાં પ્રથમ અંબારામ છે…જે નાની પીપુડી વગાડતો…વગાડતો પ્રવેશે છે…. પાછળ ભદ્રંભદ્ર છે જેના એક હાથમાં જલપાત્ર છે… અને તેમાં પાણીને બદલે ફૂલ ભર્યા છે જે બીજા હાથથી પોતાના પર જ જલપાત્રમાંથી ફૂલ નાખતો આવે છે.)
કરુણાશંકર: (બંને તરફ આશ્ચર્યથી જોઈ) હે… પ્રભુ આપ કોણ છો? બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ? યક્ષ કે ગાંધર્વ ? દેવાધિદેવ ઈન્દ્ર, વરુણ, અગ્નિ કે જલદેવતા ?… મારી પ્રાર્થના સાંભળીને આપ કોણ દેવતા પધાર્યા છો?
અંબારામ: હે… પામર પ્રાણી… તારી પ્રાર્થનાનો પોકાર સાંભળી જેણે અહીં આવી તારા પર ઉપકાર કર્યો છે… તે તો બ્રાહ્મણ શ્રેષ્ઠ શ્રીમન્ ભદ્રંભદ્ર છે…
કરુણાશંકર: પદડમ્ પદ્ડ?
અંબારામ: ભદ્રંભદ્ર…(ભાર દઈને)
કરુણાશંકર: ભદડમ્ ભદ્રડ? હા, પણ… ઈ કોણ?
અંબારામ: તું જે ભગવાનની વાત કરે છે… તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ… આ શ્રીમન્ ભદ્રંભદ્રની આજ્ઞા વિના કોઈ કાર્ય કરવા સમર્થ નથી. હે.. પૃથ્વીવાસી પામર પ્રાણી તું જે ભગવાન વરુણની વાત કરે છે તે વરુણ દેવ તો ભદ્રંભદ્રને ત્યાં આંગણું વાળે છે. શ્રીમન્-ને ત્યાં સ્વયં અગ્નિદેવ રસોઈ બનાવે છે, જલ દેવતા જળ ભરવા આવે છે. અરે, ઈશ્વરના દર્શનથી તારા આ ભવના પાપ બળે પરંતુ શ્રીમન્ ભદ્રંભદ્રના સાક્ષાત્કારથી તારી સાત પેઢીના અને સાત જન્મોના પાપ આજે બળીને ભસ્મ થઈ ગયા…
ભદ્રંભદ્ર: અંબારામ, તારી વાણીને વિરામ આપ… વધુ પડતું થઈ ગયું.
અંબારામ : એમ…વધુ પડતું થઈ ગયું?
કરુણાશંકર: પણ ભદડમ્ ભદ્ડ અહીં પધાર્યા છે શા માટે?
અંબારામ: સાંભળ્યું છે કે આજકાલ આ ગુણિયલ ગુર્જર દેશ પર ફરી સુધારાવાળાનો ઘેરો પ્રભાવ વર્તાય છે… આ ધરાની સંસ્કૃતિ અને સંસ્કારોને ભૂલી સૌ મોજ, શોખ અને મસ્તીમાં જ લીન રહે છે ! તે સર્વ લોકોના ઉપદેશાર્થે શ્રીમન્ ભદ્રંભદ્રએ સ્વર્ગ પરથી આજે અવતરણ કર્યું છે.
કરુણાશંકર: અરે ભાઈ !… આજકાલ ગુર્જર દેશમાં બાવા સાધુઓના ભાષણો અને ઉપદેશો જ લોકો સાંભળે છે… અને તે પણ અવસ્થા અને સંસ્કાર જેવી ટી.વી. ચેનલો પર. આને… સાંભળવા આવશે કોણ?…
(આકાશ તરફ જોઈને) જો તો મેં…ભગવાનને બોલાવ્યા હતા અને ભગવાને આ કયું પ્રાણી મોકલ્યું?)
અંબારામ : અરે મૂર્ખ… (ગુસ્સામાં) ગીતામાં કૃષ્ણએ કહ્યું છે… સંભવામિ યુગે… યુગે… પરંતુ તેં કહ્યા પછી ભગવાન કૃષ્ણને ભદ્રંભદ્રનો પરિચય થયો… તેથી ભગવાને વારંવાર પૃથ્વી પર જન્મ લેવાને બદલે…જ્યારે લાગે કે…સુધારાવાળાઓનો ઉત્પાત ગુર્જર દેશમાં વધી ગયો છે અને 'સાધુનામ્ પરિત્રાણાય' થાય છે ત્યારે શ્રીમન્ ભદ્રંભદ્ર સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ કરે છે…
કરુણાશંકર: લે… આલે… આવું તો મેં પહેલીવાર સાંભળ્યું.
ભદ્રંભદ્ર : હે મૂર્ખ… લંપટ… સંશયયુક્ત પાપાત્મા… આટલા બધા સંશયોને કારણે તું મારા ક્રોધ અને દંડને પાત્ર થયો છે. હમણાં જ મારા જલપાત્રમાંથી જલ છાંટી બાળીને ભસ્મ કરી દઈશ…
અંબારામ :  (ભદ્રંભદ્રના કાન પાસે જઈને) શ્રીમન્ આજે જલપાત્રમાં જલ જ નથી…
ભદ્રંભદ્ર : કેમ…
અંબારામ : સ્વર્ગમાં નળ ક્યાં સમયસર આવે છે? તેથી તેનો સંશય દૂર થાય તેવો પાંડિત્યપૂર્ણ પ્રત્યુત્તર પાઠવો. આ સંશયી આત્માનો સંશય દૂર કરો…
ભદ્રંભદ્ર : તે જ યોગ્ય રહેશે…
અંબારામ : જી…પ્રભુ…
ભદ્રંભદ્ર: હે પાપાત્મા… હું આ પહેલા બે વખત પૃથ્વી પર અવતાર લઈ… અવતરી આ સચરાચરમાં વિચરણ કરી ચૂક્યો છું…
કરુણાશંકર: ક્યારે વળી? મેં તો કોઈ પાસેથી આપનું નામ પણ સાંભળ્યું નથી…
ભદ્રંભદ્ર : સૌ પ્રથમ શ્રીમન્ રમણભાઈ મહિપતરામ નીલકંઠના આવાહ્નથી અને બીજી વાર શ્રીમન્ રતિલાલ બોરીસાગરની વિનંતીથી હું પૃથ્વી પર આવ્યો હતો.
કરુણાશંકર: એટલે ? તમને કોઈ બોલાવે એટલે તમે આમ દોડ્યા આવો એમ?
ભદ્રંભદ્ર : નહીં…નહીં… જ્યારે જ્યારે સુધારાવાળા માથું ઊંચકે ત્યારે જ મારું અવતરણ થાય છે… પહેલાં યવનોએ ઉત્પાત મચાવેલો તેથી રમણભાઈએ મને બોલાવ્યો… અને ત્યારપછી આ નર્મદાવાળાના ઉત્પાતને કારણે રતિલાલ બોરીસાગરે મને બોલાવ્યો..
પણ અત્યારે તો આ ગુર્જર દેશ.. વિકાસના રાહ પર છે.. ત્યારે આપ શા માટે ભૂલા પડ્યા છો?
ભદ્રંભદ્ર : કલિકાલના આ સમયમાં શિક્ષિતોનો ઉત્પાત વધ્યો છે. સર્વને શિક્ષિત કરવાનો મહાયજ્ઞ કરે છે… આ લોકો સમાજના છેવાડાના લોકો સુધી શિક્ષણ ફેલાવવા ઈચ્છે છે. મહિલાઓને પણ શિક્ષિત કરવા ઈચ્છે છે. તેની માટે સુરક્ષાના કાયદા બનાવે છે અને બધી જ જગ્યાએ તેત્રીસ ટકા જેટલું આરક્ષણ રાખે છે. અરે, બધા જ શિક્ષિત થઈ જશે તો તો સમજદાર થઈ જશે… અને પ્રજા સમજદાર થઈ જશે તો અમારા જેવા વિદ્વાનોનું શું થશે?
અંબારામ : સાંભળ્યું ?…કેવી મહાવ્યથાને કારણે શ્રીમન્ ભદ્રંભદ્રનું હૃદય વલોવાય છે? આ પહેલાં પણ આવી જ મહાવ્યથાને કારણે બે વાર પૃથ્વી પર પધારી ચૂક્યા છે…અને બંને વાર કેટકેટલો માર ખાધા પછી પણ સુધર્યો નથી. અને આ તૃતીયમ્ વાર સુધારાવાળાઓ સામે જંગે ચડ્યા છે.
ભદ્રંભદ્ર : અંબારામ … તે વખતે તારા કહેવાથી જ મેં સર્વ સુધારાવાળાને ક્ષમાદાન આપેલું… આજે તો ગુર્જર ધરાના સંસ્કાર બગાડનાર આ શિક્ષિત લોકોની ખેર નથી.
કરુણાશંકર: (ભદ્રંભદ્રના પગ પકડી લે છે) મને માફ કરો…મને માફ કરો.. હું આપને સમજી ના શક્યો આપના જેવા મહાત્માઓની જ અત્યારે જરૂર છે. આપનો આ ગુર્જર દેશ સાવ બગડીને બેહાલ થઈ ગયો છે…
ભદ્રંભદ્ર : શું વાત કરો છો ?…. મારા બે વખતનાં આગમન પછી પણ કોઈ ફેરફાર નહીં? અંબારામ શું આ સત્ય છે?
અંબારામ : હા, શ્રીમન્ આપ સ્વર્ગલોકમાં પરત ફર્યા પછી પણ સુધારાવાળાઓનું આ ગુર્જર દેશમાં બળ સદા વૃદ્ધિ પામતું રહ્યું છે.
કરુણાશંકર: હા, આર્યો હવે કશા જ શોચ વિના પરદેશગમન કરતા રહે છે.
ભદ્રંભદ્ર : શું…વાત કરો છો?
કરુણાશંકર: એટલું જ નહીં… પોતાના પરદેશ ગમન વિશે વર્તમાન પત્રોમાં વિજ્ઞાપન પણ પ્રસિદ્ધ કરે છે.
અંબારામ : અને પ્રભુ પરદેશથી આવ્યા પછી હવે પ્રાયશ્ચિત પણ કરતા નથી અને આપણા જેવા બ્રાહ્મણો પણ જમાડતા નથી.
ભદ્રંભદ્ર: અંબારામ ? તું આ સર્વ બાબત જાણે છે?
અંબારામ : જાણે જ ને હવે તો સ્વર્ગમાં પણ ઘણા બધા દૈનિકો 'સ્વર્ગ આવૃત્તિ' પ્રસિદ્ધ કરે છે.
ભદ્રંભદ્ર : વર્તમાનપત્ર સ્વર્ગમાં આવે છે? તો મને કેમ જાણ નથી !
અંબારામ : ક્યાંથી હોય ? આપને ક્યાં વાચતાં આવડે છે?
કરુણાશંકર: અરે હજુ સાંભળો તો ખરા, આ બ્રાહ્મણો પણ બગડી ગયા છે. નથી જનોઈ ધારણ કરતા કે નથી સંધ્યા વંદના કરતા અને શિક્ષિત થયા પછી આભડછેટના નિયમો પાળતા નથી.
ભદ્રંભદ્ર : બસ હવે હું ક્રોધાયમાન થઈશ તો પૃથ્વી ડોલવા માંડશે.
અંબારામ : પ્રભુ, પે'લા સીધા ઊભા'રો નહિ તો પડી જશો.
કરુણાશંકર: વળી ભક્ષાભક્ષના કોઈ નિયમો પાળતું નથી હવે તો બધા હોટેલ, રેસ્ટોરન્ટ અને લારીઓ પર બધું જ ખાય છે.
ભદ્રંભદ્ર : બસ… બસ… વધું સાંભળીશ તો મારા ક્રોધથી આ સમુદ્ર સુકાઈ જશે.
કરુણાશંકર: બહુ ગુસ્સો રહેવા દો બી.પી. વધી જશે !
ભદ્રંભદ્ર : બી.પી….?
અંબારામ : લોહી પરિભ્રમણ દબાણ…
ભદ્રંભદ્ર : અહીં ગુર્જર સંસ્કારો તળિયે પહોંચ્યા છે ને ત્યારે તમને પી.ફી. ને બી.પી. યાદ આવે છે?
કરુણાશંકર: અરે, શ્રીમન્… આ શિક્ષણથી સૌથી વધુ સંસ્કારો તો સ્ત્રીઓના બગડ્યા છે… સ્ત્રીઓ પશ્ચિમની સ્ત્રીઓનું આંધળું અનુકરણ કરીને પુરુષ સમોવડી બનવા પ્રયત્નશીલ રહે છે… જીન્સ અને ટોપ જેવા પુરુષ જેવા વસ્ત્રો ધારણ કરે છે. સંપૂર્ણપણે બાળઉછેર, પતિસેવા અને ગૃહકાર્યનું કોઈ કર્તવ્ય આજની નારી બજાવતી નથી….
અંબારામ : આ સર્વ કલિકાલનો પ્રભાવ છે, પ્રભુ…
ભદ્રંભદ્ર : ભલે કલિકાલનો પ્રભાવ હોય.. ભલે શિક્ષિતો ચારે બાજુ ફેલાયેલા હોય… હું એક એક સુધારાવાળાઓને શોધી શોધીને બાળીને ભસ્મ કરી નાખીશ… સાંભળી લો ગુણિયલ ગુર્જર દેશમાં સંતાયેલા સર્વ દુષ્ટો.. જ્યાં સંતાવું હોય ત્યાં સંતાવ હવે શ્રીમન્ ભદ્રંભદ્રથી તમે બચી નહીં શકો…
(ત્યાં બે કાળા કપડાં પહેરેલી વ્યક્તિ પ્રવેશે છે જેમાંથી એક વ્યક્તિએ સફેદ રંગની ટાઈ પહેરી છે… જે યમરાજ છે.)
બંને સાથે : માફ કરો.. અમને માફ કરો… આટલા બધા ગુસ્સે ન થાવ…
(બંને ભદ્રંભદ્રના ચરણોમાં દંડવત્ પ્રણામ કરે છે.)
ભદ્રંભદ્ર : અરે યુવાનો, મારા ચરણોમાંથી ઊભા થાવ. આ ભદ્રંભદ્ર તમને અભય વચન આપે છે.
(બંને ઊભા થાય છે – (ટાઈ પહેરેલા યમરાજ છે બીજો યમદૂત)
યમરાજ : પ્રભુ, મને ઓળખ્યો?
ભદ્રંભદ્ર: આપનું મુખારવિંદ અને આપનો સ્વર આ પહેલાં જોયો-સાંભળ્યો હોય એવું લાગે છે. પણ સ્મરણમાં આવતું નથી.
યમદૂત : અને મને જોઈને કશું સ્મરણ થાય છે?
ભદ્રંભદ્ર: ના, સ્મૃતિ જાગૃત થતી નથી…
યમરાજ: પ્રભુ હું આપનો સેવક યમરાજ, ને આ મારો સેવક યમદૂત.
કરુણાશંકર : લે… આલે… હજી આ બે ગાંડા (ભદ્રંભદ્ર અને અંબારામ તરફ ઈશારો કરી) કોણ છે તે બરાબર સમજાતું નથી ત્યાં વળી આ બે આવી કહે હું યમરાજ ને યમદૂત છું… કાં એ ગાંડા છે… અને કાં…. મને ગાંડો કરી મૂકશે… ભાગો… આ પાગલોની વસ્તીમાં ઊભા ન રહેવાય.
(કરુણાશંકર….દોડતા… જાય છે અંબારામ તેને રોકવા પ્રયત્ન કરે છે.)
અંબારામ : અરે.. પણ તમે આમ ક્યાં જાવ છો?
ભદ્રંભદ્ર : (અચાનક કશું યાદ આવ્યું હોય તેમ) હા… સ્મરણ થયું… આપ તો યમરાજ છો… પણ આપના વસ્ત્રો કેમ વિચિત્ર છે? આપનું વાહન… આપના મસ્તક પરના બે શૃંગ… આ બધું ક્યાં?
યમરાજ : પ્રભુ, આ ગુણિયલ ગુર્જર દેશ તો વિકાસના પથ પર ગતિ કરી રહ્યો છે…. અહીં આવ્યા પછી મને સમજાય છે કે મારો પોષાક અને બાહ્ય દેખાવ અને મારું વાહન પાડો તો આઉટ ઓફ ડેટ છે?
ભદ્રંભદ્ર : આ શબ્દ યવની કે ઍંગ્લો? તમે પણ… પણ એટલે શું?
યમદૂત : પ્રભુ… એટલે કે એ બધું જૂનું થઈ ગયું છે… તેથી જ યમરાજાએ ધોતી છોડી આ ઝેડ બ્લુનું બ્લેક પેન્ટ અને કાઉટન્સનું આ બ્લેક શર્ટ ધારણ કર્યું છે… વળી તેમાં એક સાથ એક ફ્રીની સ્કીમ ચાલતી હોવાથી મને પણ એક જોડી કપડાં અપાવ્યા છે….
ભદ્રંભદ્ર : પણ તમે બંનેએ એક સરખા વસ્ત્રો ધારણ કર્યા છે. ખબર કેમ પડે કે યમદૂત કોણ અને યમરાજ કોણ…
યમરાજ : અરે શ્રીમન્ આ ધરા પર ટાઈ પહેરીને આંટા મારતો હોય તે જ બોસ હોય… જુઓ મેં ટાઈ ધારણ કરી છે તેથી હું યમરાજ…
ભદ્રંભદ્ર: ટાઈ? ટાઈ એટલે શું?
અંબારામ : કંઠ લંગોટ…
યમરાજ : અને મહારાજ… હવે આ પાડો બહુ‌ મોંઘો પડે છે… લીલું-સૂકું કેટલું ખાય? દરરોજ છકડા ભરી-ભરી કડબ લાવી થકી ગ્યો… તેથી પાડો કાઢી નાખ્યો અને તેને બદલે આ બ્લેક કલરનું પલ્સર ધ ડીઝીટલ બાઈક લઈ લીધું… પેટ્રોલ પુરાવો… અને સેલ્ફ સ્ટાર્ટ કરો.. અને રોકેટની ગતિએ ઉપડો…
યમદૂત : અને ધૂમની જેમ બાઈક રોડ પર ચલાવીએ ને ત્યારે બધી જ કન્યાઓ આપણી સામે જુએ…
યમરાજ : અને આ ગુર્જર દેશમાં બાઈક ચલાવીએ ત્યારે હેલ્મેટ ફરજિયાત છે.
ભદ્રંભદ્ર : હેલ્મેટ એટલે?
અંબારામ: લોહટોપ.
યમરાજ : હવે હેલ્મેટ પહેરતા મારા શૃંગ એટલે કે શીંગડા નડતા હતા, હવે હેલ્મેટમાં હૉલ પાડી મારા શીંગડા તો બહાર કઢાય નહીં… તેથી શીંગડા જ કઢાવી નાખ્યા…
ભદ્રંભદ્ર : શિવ..શિવ… આ સુધારાવાળાના કલ્યાણ અર્થે પૃથ્વી પર અવતરણ કર્યા બાદ લાગે છે, સૌ પ્રથમ મારે આપના જેવા મૂળ સ્વર્ગલોકવાસી અને મતિભ્રષ્ટ થયેલાને પરત મૂળ માર્ગે વાળવા પડશે…
યમરાજ : અરે શ્રીમન્… ભદ્રંભદ્ર આ ગુણિયલ ગુર્જર દેશમાં‌ આપ થોડો સમય નિવાસ તો કરો. આપ પણ આ ગુણિયલ ગુર્જર દેશના મોહમાં પડી જશો.
અંબારામ: અસંભવ… અસંભવ…શ્રીમન્ ભદ્રંભદ્ર આ ગુર્જર દેશના મોહમાં પડે જ નહીં… શ્વાનની પૃચ્છ આ ધરતીમાં આરોપવાથી તે તેના વલયો મિટાવે છે? માટે હે યમરાજ! આપશ્રી ભેંસલડીના મુખ પૂર્વે ભાગવત પઠન ના કરો… ના કરો…
ભદ્રંભદ્ર : અંબારામ… ક્યારેક મને સંશય થાય છે… કે તું મારી સાથે છો કે…
અંબારામ: આપનો સંશય દૂર કરો… પ્રભુ… હું આપની સાથે જ છું…
ભદ્રંભદ્ર : ભલે વત્સ… (યમરાજ સામું જોઈ) અરે.. પણ યમરાજ આ બધું તો‌ ઠીક પણ આપ તો મૃત્યુલોકના દેવ છો… આપને ગદા વિના કઈ રીતે ચાલી શકે???
યમદૂત : તેનો પણ ઉપાય અમારી પાસે છે…
(ખિસ્સામાંથી એક જોકરવાળી પેન્સિલ કાઢે છે.)
ભદ્રંભદ્ર : આ શું છે???
યમરાજ : આ છે બૂમ બૂમ શાકાલાકાની પેન્સિલ… આમ ફેરવો… બોલવાનું બૂમ બૂમ શાકાલાકા… એટલે સામે વાળી વ્યક્તિના પ્રાણ આવી જાય આપણી જોળીમાં… આટલા કામ માટે ગામમાં ગદા લઈને ફરાય?….
ભદ્રંભદ્ર : લ્યો, ગુણિયલ ગુર્જર દેશના લોકો તો પછી…. મારે તો પ્રથમ સ્વર્ગવાસીઓને જ કલ્યાણાર્થે ઉપદેશ આપવો પડશે… મને લાગે છે મારે તો પૃથ્વી અને સ્વર્ગ બંને પર સુધારાવાળાને અટકાવવા પડશે.
અંબારામ: ખરું હો… લગે રહો ભદ્રંભદ્ર…..લગે રહો…
યમદૂત: લગે રહો.. બોલ્યા અંબારામ… તમે શું.. સ્વર્ગમાં પણ લગે રહો મુન્નાભાઈ રીલીઝ થઈ ગયું?
યમરાજા : અને અંબારામ હું ધરા પર આવ્યો ત્યારે સ્વર્ગમાં ઈલાયન્સનો રિસ્યુ બહાર પડવાનો હતો… પડ્યો કે નહીં?… મેં પણ તેમાં સર્કીટ લગાવી છે.
ભદ્રંભદ્ર: એટલે? તમે કેટલા સમયથી અહીં જ છો?
જમરાજ : લગભગ… પાંચ-છ વર્ષથી. છેલ્લે ધીરુભાઈ સાથે ત્યાં આવેલો.
ભદ્રંભદ્ર : તો… સ્વર્ગમાં તમારો વ્યવહાર કઈ રીતે ચાલે?
જમરાજ : જુઓ… જેના પ્રાણ હરવાના હોય…તેનો ચિત્રગુપ્ત ફેક્સ કરી દે છે….
અંબારામ: પણ તેમાં… એક સરખા નામ હોય તો ભૂલ ન થાય !? એકના બદલે બીજું ગુજરી ન જાય?
યમદૂત : ના બને…. અમે સ્વર્ગ સાથે ઇન્ટરનેટથી જોડાયેલા છીએ… ઇમેઈલમાં…. તેનો ફોટો આવે ને?
ભદ્રંભદ્ર : ભાઈ અંબારામ… આ સર્વ કથાઓ સાંભળી મારું ચિત્ત ભ્રમિત થયું હોય તેવું લાગે છે.. મને ચક્કર આવે છે.
અંબારામ: તો બેસો… સોરી… સોરી… સ્થાન ગ્રહણ કરો…
ભદ્રંભદ્ર : આ સોરી શું છે?
અંબારામ: વાતાવરણના પ્રભાવથી મારા મુખારવિંદમાંથી પણ એંગ્લો શબ્દાર્થ નિસર્યા… ક્ષમા કરો…શ્રીમન્…
ભદ્રંભદ્ર : એ બધું તો ઠીક… યમરાજ પણ… દેવાધિદેવ ઈન્દ્રએ મને કહ્યું હતું… આ ધરતી પર દ્રવ્ય વિના નથી ચાલતું…
યમરાજ : હા… શ્રીમન્.. અહીં ડગલે ને પગલે પૈસા તો જોઈએ જ.
ભદ્રંભદ્ર : (પોતાની ધોતી પર બાંધેલો કાપડનો બટવો-થેલી કાઢી બતાવે છે.) તેથી જ મને ઈન્દ્ર રાજાએ આ મંજૂષા આપી છે અને કહ્યું છે જ્યારે જરૂર પડે ત્યારે આમાં હાથ નાખી જોઈએ તેટલું દ્રવ્ય મેળવી લેશો… પણ તમે કેમ વ્યવસ્થા કરો છો?
યમરાજ : (ખિસ્સામાંથી એક કાર્ડ કાઢે છે) અમારે મંજૂષાની જરૂર નથી. આનાથી જ કામ… ચાલે છે…
અંબારામ: આ શું છે?
યમદૂત: (યમરાજના હાથમાં રહેલું કારડ લઈ અંબારામ પાસે જઈ) આ છે… એ.ટી.એમ. કાર્ડ… યંત્રમાં નાખો એટલે પૈસા બહાર…ફર…ફર..
યમરાજ: છે ને? બધી જ વ્યવસ્થા સ્વર્ગ જેવી?
અંબારામ: પણ એ.ટી.એમ.માં પૈસા તો નાખવા પડે ને… એ કેવી રીતે વ્યવસ્થા કરો છો?
યમરાજ : તેની પણ વ્યવસ્થા મેં કરી લીધી છે.. આ યમદૂતને ઈન્સ્યોરન્સ પોલિસીનો એજન્ટ બનાવ્યો છે…
અંબારામ: બોલો….યમદૂત ઈન્સ્યોરન્સનો એજન્ટ હોય પછી ધારે એ વિમો પાકી જ જાય ને?…
ભદ્રંભદ્ર : યમરાજ… મારી અજ્ઞાનની આશંકાને દૂર કરશો ?… આપ કહો છો… કે આ ગુણિયલ ગુર્જર દેશ… સુધારાથી સ્વર્ગ જેવો થઈ ગયો છે… પણ તે કઈ રીતે બની શકે? સ્વર્ગમાં તો અપ્સરાઓ છે…
યમરાજ : ઈ…તો હજારો વર્ષ જૂના મોડેલ છે.. અરે અહીં તો અપ્સરાને ભૂલો તેવી કન્યાઓ છે… જુઓ ત્યાં રંભા છે… તો અહીં રાની છે.. ત્યાં ઉર્વશી છે તો અહીં ઊર્મિલા છે. ત્યાં મેનકા છે તો અહીં ઐશ્વર્યા ને દીપિકા છે…
યમદૂત: અરે… ચિત્રગુપ્તનો મોબાઈલ આવે છે… (ખિસ્સામાંથી મોબાઈલ કાઢી વાત કરતો કરતો દૂર જાય છે.)
ભદ્રંભદ્ર: મોબાઈલ ?
અંબારામ : હા… પ્રભુ… આજે તો ગુર્જર દેશના બાળકો પણ આ દૂરધ્વનિ.. શ્રવણયંત્ર ધરાવે છે. વળી તે પોતાના ખિસ્સામાં રાખી શકાય છે.
યમદૂત : મહારાજ આપણે તત્કાળ જવું પડશે.. પાછો અમેરિકાએ પાકિસ્તાન પર બૉમ્બ મારો કર્યો છે.. આપણે ઘણા બધા પ્રાણ હરવાના છે.
યમરાજા : હા.. ચાલો ત્યારે
બંને : હે.. રંગલો જામ્યો ..(રાસ લેતાં લેતાં બહાર જાય છે.)
ભદ્રંભદ્ર : આ..આ…શું ?
અંબારામ : લાગે છે આ ગુર્જર ધરાની નવરાત્રિની અસર હજુ પણ યમરાજાના ચિત્ત પર છે…
ભદ્રંભદ્ર : અંબારામ…આ પૂર્વે હું બે વાર આવ્યો, આવ્યો છું…પણ સુધારાવાળાની આટલી અસર ના હતી… અરે..આ સમયે… તો ખુદ યમરાજ અને યમદૂત પણ તેનાથી પ્રભાવિત થઈ…તેના રંગે રંગાઈ ગયા છે…
અંબારામ : હા… પ્રભુ હવે સત્વરે કશુંક કરવું પડશે…
ભદ્રંભદ્ર : હા.. સત્વરે હું અહીં એક સભા કરી… સર્વેને મારો ઉપદેશ આપી સૌને શિક્ષણના માર્ગેથી પરત કરીશ… પણ તે પહેલા…હું આ ગુર્જર દેશના… કેટલાક પ્રદેશ વિશેષ અને મહત્ત્વના શહેરોની મુલાકાત લેવા ઇચ્છું છું.. કયા પ્રદેશની મુલાકાત લઈશું ?
અંબારામ : લો… તમારા પ્રશ્નોનો જવાબ મળી ગયો… આ પેલા કરુણાશંકર જ આવે છે. તેને પૂછી લઈએ.
કરુણાશંકર: (પ્રવેશતાં જ) હજુ તમે બંને અહીં જ છો…પેલા યમદૂત નામવાળા ભાઈ ગયા ?
અંબારામ : હા… એ તો ગયા…પણ ભાઈ કરુણાશંકર…અમારી થોડી મદદ કરશો ? અમને આ ગુર્જર ઘરાના કોઈ એવા શહેરમાં લઈ ચાલો… જ્યાંના લોકો…ખાવાના શોખીન હોય, ઊર્મિથી ભર્યા હોય…દેખાવમાં સુંદર હોય…મસ્તીમાં ઝૂમતા હોય, વિદ્યાર્થી ગુરુઓને માન આપતા હોય…સંઘર્ષમાં સૌ એક થઈ જતા હોય…અને ખુશીને સૌ ઉત્સવ બનાવી ઉજવતા હોય…
કરુણાશંકર: અરે શ્રીમન્…આવું સુંદર અને સંસ્કારોથી ભર્યું ભર્યું શહેર…એટલે રંગીલું રાજકોટ.
ભદ્રંભદ્ર : એમ..તો ચાલો…સૌ પ્રથમ આપણે ત્યાં જ જઈએ. (ત્રણે ચાલતા ચાલતા મંચના એક છેડેથી બીજા છેડે જાય છે. સામે છેડે ત્રણ યુવાનો કસરત અને જોગીંગ કરતા હોય છે.)
કરુણાશંકર: (દૂર કસરત કરતાં માણસોને દર્શાવી) આ છે અમારા રાજકોટનું હૃદય એવું રેસકોર્સ.
અંબારામ : રેસકોર્સ અર્થાત્ અશ્વદોડ સ્થળ ?
કરુણાશંકર: હા…કદાચ વર્ષો પહેલા અહીં ઘોડા દોડતા હશે…પણ અત્યારે સવાર સવારમાં બધા જાડીયા દોડે છે.
(ત્રણે ચાલતાં ચાલતાં મંચના સામેના છેડે જાય છે.)
(આ દરમ્યાન મંચના સામે છેડે ગોગલ્સ, ટીશર્ટ પહેરેલા, કાનમાં હેડફોન ભરાવેલા ત્રણ યુવાનો મંચના તે છેડે વાતો કરતા આવે છે.)
ભદ્રંભદ્ર : આ…ચતુષ્ક પર આટલા બધા યુવાનો ? આ તો ખૂબ સંસ્કારી શહેર લાગે છે ? સવારમાં વહેલા ઊઠી તે યોગ-પ્રાણાયામ-ધ્યાન કરવા માટે જ પ્રાત: વહેલા જાગૃત થઈ અહીં આવી પહોંચતાં લાગે છે.
કરુણાશંકર: ના..ના..એવું નથી, પરંતુ કેટલીક મહિલા કૉલેજનો સમય સવારનો છે…એટલે એ રોજ તૈયાર થઈને ઊભા રહી જાય છે અને રવિવારે રજા રાખે છે…જો કે એકેય સવારમાં ન્હાતા નથી…છતાં લાગે છે ને ફ્રિજમાંથી કાઢેલા સફરજન જેવા તાજા ?
(ત્યાં બે યુવતીઓ ત્યાંથી પસાર થાય છે. યુવાનો તેની પાછળ જાય છે.)
ભદ્રંભદ્ર : અને આટલા બધા ભવનોથી સુશોભિત આટલા લોકોની અવર જવર વાળો આ કયો પ્રદેશ વિશેષ છે ?
કરુણાશંકર: પ્રભુ, એ અમારું વિશ્વવિદ્યાલય છે…અને ત્યાં સર્વજનો પીએચ.ડીની ઉપાધિ પ્રાપ્ત કરવા ધક્કા મુક્કી કરી રહ્યા છે. જે આજકાલ સત્યનારાયણના પ્રસાદની જેમ સર્વ જન સામાન્યને વહેંચવામાં આવી રહી છે. પ્રભુ! પીએચ.ડી. રૂપી પ્રસાદીનાં પડિયા આ કલિકાલમાં કરુણામૂર્તિઓ દ્વ્રારા આમ જ વહેંચાઈ રહ્યા છે.
ભદ્રંભદ્ર : પણ પીએચ.ડી.અર્થાત્ ?
અર્થાત્ વિષયને મધ્યમાં રાખી તત્ત્વવિષયક પ્રાપ્ત થયેલી ઉચ્ચ પદવી..(દૂર જોઈને) અરે… પણ સામે શું ઝઘડો ચાલી રહ્યો છે ?
(દૂર મંચના સામા છેડે એક માણસ ઊભો છે બીજો તેના પગમાં બેસી કશી વિનંતી કરી રહ્યો છે.)
કરુણાશંકર: એ ગુરુશિષ્ય છે, શિષ્ય ગુરુને વિનંતી કરી રહ્યો છે.
અંબારામ : લાગે છે શિષ્ય કસોટીમાં ઉત્તીર્ણ થયો નથી. એટલે ગુરુને પોતાને ઉત્તીર્ણ કરવા માટે વિનવી રહ્યો છે.
કરુણાશંકર: ના ના એવું નથી…અહીં તો ઉલ્ટું છે. અહીં શિષ્ય કહી રહ્યો છે હું નાપાસ છું… નાપાસ છું..ગુરુ કહે છે નહિ..તું પાસ છો…પાસ છો..શિષ્ય કહે છે..નાપાસ કરો..નાપાસ કરો…ગુરુ કહે છે ન થાય.. ન થાય..
આને કહેવાય અવળી ગંગા, આને કહેવાય કલિકાલનો પ્રભાવ…બસ આ નગરની આટલી જ વિશેષતા છે ?
કરુણાશંકર : અરે પ્રભુ, આ તો કંઈ નથી. ખરી મજા તો હવે દેખાડું. આ ગુર્જર ધરાના જીવનને જીવવું હોય, આ ગુણિયલ  ગુર્જર પ્રજાને સ્પર્શવું હોય અને તેના રંગે રંગાઈ જવું હોય તો તમારે ગુર્જર ધરતી પર ઊતરી તેનો રંગનો, ભજનનો અને રૂપનો એ ત્રણ મેળામાંથી એક મેળો માણવો જોઈએ, રૂપનો મેળો માધોપુરમાં, ભજનનો શિવરાત્રિએ ભવનાથ જૂનાગઢમાં અને રંગનો મેળો તરણેતરમાં ભરાય છે. ચાલો તમને આજે અમારા રંગના મેળે મ્હાલવા લઈ જાઉં..ચાલો તરણેતરના મેળે..
(ત્રણે ચાલે છે…પાછળ..રમેશ પારેખનું સુપ્રસિદ્ધ ગીત 'મન પાંચમના મેળામાં…વાગી રહ્યું છે. મંચ પર મેળાનું દૃશ્ય. પરંપરાગત વસ્ત્રોમાં સ્ત્રી-પુરુષો ફરી રહ્યા છે. કેટલાક ગીતના તાલે હુડો રમે છે. ફુગ્ગાવાળી સ્ત્રી…વગેરે દૃશ્યો કરવા.)
ભદ્રંભદ્ર : બસ… બસ… બંધ કરો નાચ-ગાન-બહુ થયું… આ સર્વ ઉટપટાંગ નૃત્યો અને રંગરાગમાં મ્હાલતા લોકોને જોઈને લાગે છે કે આ ગુણિયલ ગુર્જર દેશને મારા ઉપદેશ વિશેષની ખાસ આવશ્યકતા છે. એટલે આજે હું સર્વજનોને મારું સંબોધન કરીશ. હે ગુર્જરધરાના વાસીઓ…આપ સૌ સ્થાન ગ્રહણ કરો…
અંબારામ : પ્રભુ..પ્રભુ…આ સમયે ઉપદેશ ઉપયુક્ત નથી…
ભદ્રંભદ્ર: નહિ…અત્યારે જ, આ સમયે અને આ સ્થાને જ હું લોકોને ઉપદેશ આપીશ…હે ગુર્જરભૂમિના પુરુષરત્નો સાંભળો.
(મેળાના દૃશ્યમાં નાચતા બે-ત્રણ યુવકો સભામાં બેઠા હોય તે રીતે ભદ્રંભદ્રની સામે મંચ પર બેસી જાય છે. ભદ્રંભદ્ર ઊભા ઊભા તેમની અસ્ખલિત વાણીમાં જુસ્સાભેર પ્રવચન કરે છે.)
હે..ગુર્જરભૂમિના યોદ્ધાઓ, પૃથ્વી પટ પર આદિ-અનાદિ કાળથી છાતી ફુલાવીને ફરતા પુરુષ સમાજ પર ઘેરા સંકટના વાદળો ઘેરાયા છે. આ વાદળો મેઘરાજા દ્વારા નિર્મિત નથી કે ઘેરાય અને વરસ્યા વિના વિખાય જાય..આ વાદળો મહિલા સમાજ દ્વારા ઉત્પાદિત છે. તેથી માત્ર ઘેરાતા નથી વરસે પણ છે. આ વાદળોના મારથી આજે પુરુષ સમાજ ગંભીર રીતે ઘાયલ થયો છે.
(ભદ્રંભદ્ર પોતાના જુસ્સામાં પ્રવચન ચાલુ રાખે છે. તેના હાથ અને ચહેરાના હાવભાવ ચાલુ છે…લાગે છે પ્રવચન શરૂ છે…પણ તે દરમ્યાન…)
કરુણાશંકર: અંબારામ…આ તમારા ભદ્રંભદ્રને રોકો…કોઈ બહેનો સાંભળી જશે તો નક્કી માર ખાશે.
અંબારામ: નહિ…નહિ…હવે એ મારા હાથની વાત નથી. શ્રીમન્ ભદ્રંભદ્ર મારા હાથથી છટક્યા છે અને હવે માર ખાધા વિના યથાસ્થાને પરત નહિ ફરે.
ભદ્રંભદ્ર : (હવે ભદ્રંભદ્રનું પ્રવચન સંભળાય છે.) (ભાષણ આગળ ચલાવતા) સમયનું ચક્ર ફર્યું છે, પુરુષો વધુને વધુ નિર્બળ બનતા જાય છે. જ્યારે સામે યુવતીઓ કસરત કરે છે, દંડ બેઠક કરે છે, તથા ફુંગફૂ અને કરાટે પણ શીખે છે. ત્યારે તેની સામે તૈયારી કરવાને બદલે આપણા ગુણિયલ ગુર્જર દેશના પુરુષ સમાજના કેટલાક મૂર્ખાઓ સૌંદર્ય સ્થાનોએ જઈ જેને આજકાલ પાર્લર કહે છે ત્યાં ત્વચાઓ યુવતીઓ જેવી સુકોમળ બનાવવા તલપાપડ છે….
(આ પ્રવચન ચાલુ હોય છે ત્યાં પાછળથી ત્રણ યુવતીઓ પ્રવેશે છે જે થોડી વાર ઊભી રહી ભદ્રંભદ્રનું પ્રવચન સાંભળે છે. આ દરમ્યાન પ્રેક્ષક તરીકે બેઠેલા યુવાનો યુવતીઓને જોઈ એક પછી એક ભાગી જાય છે.)
ભદ્રંભદ્ર : (આગળ ચલાવે છે.) માટે હે પુરુષ રત્નો ! આ મહિલાઓની સામે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. કોઈએ ડરવાનું નથી. અંતે તો સ્ત્રી છે, નારી છે, અબળા છે….
(આ સાંભળી ત્રણે યુવતીઓ ગુસ્સામાં આવી ભદ્રંભદ્ર ફરતાં ગોળ ગોળ ફરે છે.)
કરુણાશંકર: અંબારામ…જીવ બચાવવો હોય તો ભાગો આ ગુજરાતની વીરાંગનાઓ છે. ભદ્રંભદ્રની સાથે આપણી પણ ખબર લઈ લેશે.
અંબારામ : એવું હોય તો ભાગો…
(બંને ભાગી જાય છે… ભદ્રંભદ્ર ડરતા ડરતા નીચે બેસી જાય છે…)
ભદ્રંભદ્ર : (બૂમ મારી) અંબારામ…કરુણાશંકર…આમ આ ગુર્જર કન્યાઓ વચ્ચે મને એકલો મૂકી ક્યાં જાવ છો?
(ગોળ ગોળ ફરતી યુવતીઓ સામે જોઈ)
માતાઓ..બહેનો…આપ કોણ છો? અને મારી પસે શા પ્રયોજનથી આવ્યા છો?
(ત્રણેય યુવતીના નામ મહી, તાપી, નર્મદા છે.)
મહી : હું મહીં…
તાપી : હું તાપી…
નર્મદા : અને હું નર્મદા…
મહી : અમે આ ગુણિયલ ગુર્જરદેશની ગરવી ગુજરાતણો છીએ.
તાપી : અમે અમારા ગુજરાતી બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનું કામ કરીએ છીએ.
નર્મદા : અને તમે, અહીં આડું અવળું ભાષણ આપી અમારા ગુજરાતી યુવાનોને ભડકાવો છો?
ભદ્રંભદ્ર : જુઓ માતાઓ, બહેનો હું યવન કે એંગ્લો શબ્દ પ્રયોગ કરતો નથી…તેનાથી હું ભ્રષ્ટ થાવ છું.
મહી : હવે હમણા અમારી ભાષાની એક મણની…દેશી કાઠિયાવાડી… દઈશને..તો ભ્રષ્ટ નહિ, પણ સાંભળીને જ બળીને ભસ્મ થઈ જઈશ.
તાપી: અમે ગુજરાતના લોકોએ કેટલું સહન કર્યું છે ખબર છે તમને ? ભૂકંપ, વાવાઝોડું, કોમી રમખાણો, પૂર….
નર્મદા: એ બધી મુશ્કેલ અને વિકટ પરિસ્થિતિઓ સામે લડી સંઘર્ષ કરી ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી ફરી ફરીને બેઠા થયા છીએ.
મહી: આટલા સંકટોમાં પણ અમે કોઈની પાસે મદદ લીધી નથી કે સહાયનો હાથ પણ લંબાવ્યો નથી અને ખેરાત પણ નથી લીધી.
તાપી: રાખમાંથી ફરી બેઠા થતા પક્ષીને ફિનિક્સ કહેવાતું હોય….તો સંકટો ને સંઘર્ષોની સામે બાથ ભીડનાર મનુષ્યને ગરવો ગુજરાતી કહેવાય છે.
નર્મદા : કોણે કહ્યું…અમે પુરુષ સમોવડી બનવા ઇચ્છીએ છીએ…અમારે પુરુષ સમોવડી બનવું પણ નથી…અમારે તો એકબીજાના પૂરક બનવું છે…
મહી: જ્યાં અમારો ગુજરાતી સંઘર્ષ કરશે, સંકડામણ અનુભવશે ત્યાં અમે ખભે ખભા મિલાવી સહકાર આપીશું.
તાપી: અને જ્યાં એની આંખમાં આંસુ આવશે ત્યારે અમારા પાલવથી તેની આંખો લૂછીશું.
નર્મદા: આજે દરેક ગુજરાતી સિક્ષણનું મહત્ત્વ સમજતો થયો છે. તેથી જ ગુજરાતમાં સુવર્ણયુગ આવ્યો છે.
મહી: અને વિકાસ કાંઈ સરકારી ખેરાત નથી, પ્રદેશનો વિકાસ તો થયો છે લોહીનો પરસેવો થાય તેવી કાળી મહેનતથી.
તાપી: આ બધું અમે અમારી સહિયારી મહેનતથી પ્રાપ્ત કર્યું છે ત્યારે તમારી જેવા કહેવાતા દંભી, રૂઢિચુસ્તો અમારા યુવાન બાળકોને બહેકાવે છે…
નર્મદા: પરંપરાનો ઢોલ પીટ્યા કરતાં તમે, સતયુગને ખૂબ સારો કહો છો સ્ને કળિયુગને ધિક્કારો છો તો કહો સતયુગમાં આટલી આરોગ્યની વ્યવસ્થા હતી ? વાહનવ્યવહારની-સંદેશા વ્યવહારની આટલી વ્યવસ્થા હતી ?
મહી: તમારા બાળકો અને પરિવારની જરૂરિયાતોને પૂરી કરવા માટે તમે આર્થિક રીતે સદ્ધર હતા ?
તાપી: અરે, તનતોડ મહેનત કરી રૂપિયા કમાઈ અને પોતાના પરિવાર અને બાળકો સાથે થોડી મોજ મસ્તી કરે તો એમાં તમને શું તકલીફ છે ?
નર્મદા: આપ બહારથી આવ્યા છો અને અમારા મહેમાન છો તો મહેમાન તરીકે રહો. અમે અમારી સંસ્કૃતિ મુજબ આપનું સ્વાગત કરીશું.
મહી: માટે હવે કોઈ ઉપદેશ કે કાનભંભેરણી કર્યા વિના આપ આપના સ્થાને પરત થશો તેવી આશા.
તાપી: ચાલો બહેનો આપણે હવે મોડું થાય છે હોં…
(ત્રણે જાય છે.)
ભદ્રંભદ્ર: (નીચે બેસી જાય છે અને બબડે છે) બાપરે…આ વિફરેલી ગુજરાતણો તો ભારે છે. તેની ઝપટે ચડાય નહીં હો…આ અંબારામ અને કરુણાશંકર તો તેનાથી ડરી ભાગી જ ગયા ….. અંબારામ …ઓ… અંબારામ (બૂમ પાડે છે)
(અંબારામ, કરુણાશંકર પ્રવેશે છે.)
કરુણાશંકર: આ અમારી ગુજરાતણોએ ભદ્રંભદ્રને ઠમઠોર્યા લાગે છે.
અંબારામ: શું…શ્રીમન્… આ વખતે પણ માર ખાધો ? આ પહેલાના બે અવતરણોમાં પુરુષોએ આપને માર્યા હતા અને આ વખતે સ્ત્રીઓએ ? પ્રભુ, તેમના વતી હું આપની માફી માગું છું. આપ ક્રોધિત ન થશો. તે બહેનોને પ્રભુ ક્ષમા અર્પો.
ભદ્રંભદ્ર : નહીં…અંબારામ…નહીં…હું જરાપણ ક્રોધિત થયો નથી, પરંતુ એક નવા જ કાર્ય માટે પ્રેરિત થયો છું. આજે મારું ત્રીજું લોચન ખુલ્યું છે કે સ્ત્રીઓ હકીકતમાં આપણા સમાજની અર્ધાંગિનીઓ છે…આ સરકારમાં તેંત્રીસ ટકા અનામત આપે છે તેના બદલે પચાસ ટકા આરક્ષણ આપવું જોઈએ માટે મારે પણ કાર્ય કરવું હશે તો પહેલા એક કામ કરવું પડશે પછી જ હવે હું કાર્ય કરી શકીશ…
અંબારામ : શું કહો છો શ્રીમન્ સમજાતું નથી… શું હવે તમે આ ગુર્જર દેશમાં સુધારાવાળાની સામે જંગે નહીં ચડો ?
ભદ્રંભદ્ર : નહીં અંબારામ…જંગે તો ચડીશ…સુધારાને પણ અટકાવીશ પણ એકલો નહીં…એ પહેલાં તમારે એક કામ કરવું પડશે…
કરુણાશંકર : એકલા નહીં, તો કોની સાથે કામ કરશો ?
અંબારામ : તે પહેલાં મારે કયું કામ કરવાનું છે ?
ભદ્રંભદ્ર : ગુણિયલ ગુર્જરદેશમાંથી પ્રસિદ્ધ થતા તમામ વર્તમાનપત્રોમાં જાહેરખબર આપો…જોઈએ છે….જોઈએ છે…શ્રીમન્ ભદ્રંભદ્ર માટે કન્યા જોઈએ છે….
અંબારામ: કાળી, જાડી, બટકી…..ગમે તેવી પણ કન્યા જોઈએ છે.
ભદ્રંભદ્ર : હા…હું સુધારા કરીશ તો નવી અર્ધાંગિની શોધીને જ.
અંબારામ-કરૂણાશંકર : (એક સાથે) લગે રહો ભદ્રંભદ્ર, લગે રહો…
(પડદો)
અગત્યની સૂચના : આ નાટકનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,
ડૉ. યાજ્ઞિક રોડ, રાજકોટ.
ફોન : 98252 12338

(મુદ્રાંકન : શ્રુતિ અમીન )

 


 

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved