Opinion Magazine
Number of visits: 9658260
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ

સોનલ પરીખ|Opinion - Opinion|11 February 2023

સ્માર્ટ ફોન, આપણને એનું વ્યસન થઈ જાય એ રીતે જ ડિઝાઈન થયો છે. ઈલાજ એ નથી કે સ્માર્ટ ફોનનો ઉપયોગ બંધ કરવો. ઈલાજ એ છે કે સ્માર્ટ ફોન કરતાં વધારે સ્માર્ટ થવું. નવા વર્ષે એ જ સંકલ્પ લઈએ તો?

મહાભારતના દુર્યોધનની ‘જાનામિ ધર્મમ્‌ ન ચ મે પ્રવૃત્તિ, જાનામ્યધર્મમ્‌ ન ચ મે નિવૃત્તિ’ ઉક્તિ મહાભારત યુગથી માંડીને મોબાઈલ યુગ સુધીની માનસિકતાને લાગુ પડે. શું યોગ્ય છે તે જાણવા છતાં એ થઈ શકતું નથી અને શું અયોગ્ય છે એ જાણવા છતાં એ છોડી શકાતું નથી – આ સંઘર્ષ ત્યારનો કે આજનો નહીં, કોઈપણ સમયનો છે.

સોનલ પરીખ

2022 હર્મન હેસની પ્રખ્યાન નવલકથા ‘સિદ્ધાર્થ’નું શતાબ્દીવર્ષ હતું. હેસે બંને વિશ્વયુદ્ધમાં વિશ્વને ખુવાર થતું નજીકથી જોયું અને ‘ઓ ફ્રેન્ડ્ઝ, નોટ ઈન ધીસ ટોન’માં લખ્યું, ‘આપણે જાણીએ છીએ કે પ્રેમ ધિક્કારથી મોટો છે, સમજદારી દ્વેષ કરતાં ઊંચી છે અને શાંતિ યુદ્ધ કરતાં ઉમદા છે પણ વિશ્વવિગ્રહે આપણાં મૂલ્યોને ઊલટાંસૂલટાં કરી નાખ્યાં છે.’

ગઈ સદીમાં મૂલ્યોને ઊલટાંસૂલટાં કરી નાખવાનું જે કામ વિશ્વયુદ્ધોએ કર્યું હતું તે કામ આજે ટૅક્નૉલૉજી કરી રહી છે. તાજી વાત કરીએ તો 2020ની ડૉક્યુ-ડ્રામા ‘ધ સોશ્યલ ડિલેમા’માં અમેરિકાના ટૅક્નૉલૉજી-એથિસિસ્ટ ટ્રિસ્ટન હેરિસે કહ્યું, ‘હું તો સ્માર્ટ ફોનની દરેક ચાલ સમજતો હતો, છતાં એને છોડી શકતો નહોતો. મહામુશ્કેલીએ હું એને મારા કાબૂમાં કરી શક્યો. પણ મારી ખરી ચિંતા એ છે કે આપણે નવી પેઢીને એવી ટ્રેઈનિંગ, એવું કન્ડિશનિંગ આપી રહ્યા છીએ કે દરેક ઉદ્વેગ, એકલતા, ભય કે અનિશ્ચિતતાની સ્થિતિનો ઉકેલ આપણા “ડિજિટલ પેસીફાયર” એટલે કે સ્માર્ટ ફોન પાસે છે. એનાથી આપણી કુદરતી ઉકેલક્ષમતા નકામા અવયવની જેમ નાશ પામશે.’

કેવું બદલાઈ ગયું છે આપણું ભાવવિશ્વ – આપણું સુખ એટલે બ્રાન્ડ ન્યૂ સેલફોન, આપણું દુ:ખ એટલે સાયલન્ટ મોડ પર મૂકેલો સેલફોન ખોવાઈ જવો, ગુસ્સો એટલે કોઈનો સેલફોન છુપાવી દો પછી તેને થાય તે, આપણો આનંદ એટલે સરસ સેલ્ફી અપલોડ થાય તે અને આપણી પીડા એટલે એડિટ કર્યા પછીની પ્રોફાઈલ તસવીર જેવા ન દેખાઈ શકવું તે. ઊલટાંસૂલટાં થવાનું એટલી હદે પહોંચ્યું છે કે આપણે જ શોધેલી ટૅક્નૉલૉજી હવે આપણને એની આંગળીઓ પર નચાવે છે, ને આપણે નાચીએ પણ છીએ, કેમ કે આપણો સ્માર્ટ ફોન આપણા કરતાં વધારે સ્માર્ટ છે. જે સહેલાઈથી દૂર બેઠેલા લોકો નજીક છે એવો ભ્રમ આપે છે એ જ સહેલાઈથી બાજુમાં જ બેઠેલી વ્યક્તિને દૂર કરી દે છે. આપણી સંવેદના કોઈ કાનમાં બૂમો પાડે ન સંભળાય એવી બધિર બનાવી સ્માર્ટ ફોન આપણી એટેન્શન સિકિંગની આદિમ વૃત્તિ પર ટાર્ગેટ કરી પોતાનો આખો કારોબાર ચલાવે છે.

સ્માર્ટ ફોનને વખોડવાનો આશય નથી, પણ જ્યારે એ આપણા જીવનનો અગત્યનો હિસ્સો બની ગયો છે ત્યારે આપણે એના વિશે થોડું સમજી તો લેવું જોઈએ. આપણે એના વિશે પૂરું જાણતા નથી જ્યારે એ આપણા વિશે આપણાથી વધારે જાણે છે. સોશ્યલ મિડિયા કંપનીઓના કેટલાક ‘હિડન એજન્ડા’ છે – એ આપણી દરેક ક્લિક રેકૉર્ડ કરે છે, એનું એનાલિસિસ કરે છે, એને ટાર્ગેટ કરે છે અને આ ડેટાનો ફ્યુચર મોડેલ બનાવવામાં ઉપયોગ કરે છે. બે વ્યક્તિ વચ્ચેની ઓનલાઈન ફ્રેન્ડશીપ કોઈ ત્રીજી વ્યક્તિ નક્કી કરે છે ને કમાય છે. મનોવિજ્ઞાન કહે છે કે ભ્રમ ત્યારે કામ કરે છે, જ્યારે એ તમારા દિમાગના એવા હિસ્સાને સ્પર્શે છે જેની તમને જાણ નથી. લાઈકથી ખુશ થતી વખતે આપણને ખબર હોતી નથી કે એને લીધે આપણી પોકળતા-હોલોનેસ વધે છે. આ ખાલીપો ફરી ફરી, વધુ ને વધુ લાઈક મેળવીને જ ભરાય છે. આખું સોશ્યલ મિડિયા ફોસલાવવાની રમત છે. ફેસબુક ફોસલાવવામાં એટલું ઉસ્તાદ છે કે લગભગ આખા દેશની જનતાને કાબૂમાં લઈ શકે છે.

આપણે બધા, ખાસ તો નવી પેઢી વૉટ્સ અપ, ફેસબુક ને ટ્વિટર પર જે મુકાય તેને સાચું માની લે છે. એની ઈચ્છાશક્તિ એને ખબર ન પડે એમ નિયંત્રિત થવા લાગે છે. એક આભાસી વિશ્વ, ઈનામ મળવાથી થતી લાગણી ઉત્પન્ન કરતા ડોપામાઈન નામના રસાયણનો સ્રાવ વધારે છે. આત્મવિશ્વાસ મળવા ને તૂટવાની ઘટના સેલ્ફીને મળતી કૉમેન્ટ્સ પર આધાર રાખતી થઈ જાય છે. મોબાઈલ-મેનિયા પછી તરુણોની આત્મહત્યા 65 ટકા વધી છે એ આપણે જાણીએ છીએ? આપણી મોબાઈલ-નિર્ભરતાનો કટ્ટરવાદીઓ, અલગતાવાદીઓ અને ફેકન્યૂઝવાળા પુષ્કળ લાભ ઉઠાવે છે. એ લોકોને બરાબર ખબર છે કે જૂઠી ખબર, સાચી ખબર કરતાં અનેકગણી વધારે ઝડપે ફેલાય છે ને ભડકામણી વાતો ફેલાવવી સરળ છે કેમ કે લોકો ઉતાવળમાં હોય છે, સાચું-ખોટું પારખવાની ઝંઝટમાં પડતા નથી ને એમને ઉશ્કેરાવું ગમે છે.

સ્માર્ટ ફોન, આપણને એનું વ્યસન થઈ જાય એ રીતે જ ડિઝાઈન થયો છે, એ આપણને એવા વહેમમાં રાખે છે કે કર્તાહર્તા આપણે જ છીએ કેમ કે આપણે વહેમમાં રહીએ તો જ વ્યસનની પ્રતીતિ ન થાય. આપણે સ્ક્રીન પર રોકાયેલા રહીએ તેમ એ વધારે નફો કમાય, આપણા અભિપ્રાયો-લાગણીઓ-માનસિકતા બદલવામાં સફળ થાય અને અને ખોટા સમાચાર કે લાભદાયક થિયરી ફેલાવી શકાય. સ્માર્ટ ફોનનો ઉપયોગ બંધ કરવો એ આનો ઈલાજ નથી, અને એ શક્ય પણ નથી. ઈલાજ એ છે કે સ્માર્ટ ફોન કરતાં વધારે સ્માર્ટ થવું. એનો યોગ્ય ઉપયોગ કરવો, એના ગુલામ ન થવું.

પણ, એની લતમાંથી છૂટવું કઈ રીતે?

પહેલા તો પોતાની સ્થિતિ જાણો. જો તમે ત્રણ કલાકથી વધારે મોબાઈલ વાપરો છો તો તમને એની લત લાગી છે એ સમજી લો. એ પણ મોનિટર કરો કે કેટલી વાર, કેટલા સમયાંતરે મેસેજ ચેક કરો છો. જાગૃતિ પહેલું પગલું છે. ‘ચેકી’, ‘ટાઈમર’ જેવી એપ્સ ડાઉનલોડ કરો જે તમારા વપરાશને ટ્રેક કરે.

પછી પ્લાન બનાવો. એક્દમ વપરાશ છોડશો તો અજંપો-એંક્ઝાયટી આવશે. દિવસમાં સવારે એક કલાક ને રાતે એક કલાક નક્કી કરો, એ સિવાય ફોનને અડવાનું નહીં. અડધી કલાકે એક વાર ચેક કરો. એના કરતાં ઓછો વાપર્યો હોય તો પોતાને રિવૉર્ડ આપો. મોબાઈલ આંખથી દૂર રાખો. કામના કલાકોમાં મોબાઈલ સાયલન્ટ રાખો. કોઈને આપી રાખો અને વાપરવો હોય ત્યારે માગો. અઠવાડિયામાં એક દિવસ ‘હોલિડે’ રાખો. બધાને કહી દો કે આ દિવસે મોબાઈલ ઑફ હશે. ફોન વિશે વિચાર્યા ન કરો. વાંચન, સંગીત, મિત્રો, ફરવું વગેરે બહેતર વિકલ્પ તૈયાર રાખો. માઈન્ડફુલનેસ અને સર્જનાત્મકતા કેળવો. એ તમને મોબાઈલના વ્યસનથી તો મુક્ત કરશે, પણ વ્યક્તિત્વ-વિકાસની દૃષ્ટિએ પણ કામ આવશે. રચનાત્મક રીતે વ્યસ્ત રહો.

એક ઉપાય સેટિંગ બદલવાનો પણ છે. પેમેન્ટ સિસ્ટમ બદલી કાઢો. પે એઝ યુ ગો એવા પ્લાન હોય છે અને અમુક એમાઉન્ટ ભરો એટલે અમુક મિનિટની જ છૂટ મળે એવી સગવડ પણ હોય છે. ટેવ બદલો.

આ બધું છતાં જો છોડી ન શકાય તો ટ્રીટમેન્ટ લેતા અચકાતા નહીં. સ્માર્ટ ફોનના સ્માર્ટ યુઝર બનવું એ આજની અનિવાર્યતા છે. નવા વર્ષે એ જ સંકલ્પ લઈએ તો?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 01 જાન્યુઆરી 2023

Loading

11 February 2023 Vipool Kalyani
← यात्रा से आगे
ચલ મન મુંબઈ નગરી—183 →

Search by

Opinion

  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?
  • સેનાપ્રમુખની નિર્ણય -કટોકટી : રાષ્ટ્રીય નેતૃત્વની આઘાપાછી?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved