Opinion Magazine
Number of visits: 9481662
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જ્યોર્જ ફર્નાન્ડિઝ : મજદૂર નેતાથી રક્ષામંત્રી!

કિરણ કાપુરે|Opinion - Opinion|27 August 2022

પૂર્વ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝના જીવન પર હાલમાં ‘ધ લાઇફ એન્ડ ટાઇમ્સ ઑફ જ્યોર્જ ફર્નાન્ડિઝ’ના નામે પુસ્તક પ્રકાશિત થયું છે. જ્યોર્જના અવસાનને ત્રણ વર્ષ થઈ ચૂક્યા છે. આ ફાયર બ્રાન્ડ નેતા તેમના અવસાનના એક દાયકા અગાઉથી જ જાહેરજીવનથી અલોપ થઈ ચૂક્યા હતા. અલોપ થવાનું એક કારણ કેન્દ્રમાં મંત્રીપદું સંભાળતી વખતે લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અને બીજું, લાગુ પડેલી અસાધ્ય બીમારીઓ. આજે રાજકીય જગતના એવા ઘણા ચહેરાઓ છે જેઓ મીડિયામાં અવારનવાર દેખા દે છે. તેમની હાજરી માત્રથી ન્યૂઝ બને છે, જ્યોર્જ ફર્નાન્ડિઝને પણ આવા ન્યૂઝ-મેકર નેતા કહી શકાય. 1998થી 2004 દરમિયાન ભા.જ.પ.ની આગેવાનીમાં રચાયેલી ‘એન.ડી.એ.’ સરકારમાં તેઓ રક્ષામંત્રી રહ્યા. અને પછી તો તેઓ એક સિઝનડ્ રાજકીય નેતા તરીકે સ્થાપિત થયા. તે અગાઉના જ્યોર્જ ફર્નાન્ડિઝની છબિ ટ્રેડ યુનિયનિસ્ટ તરીકેની રહી. તેમની ટ્રેડ યુનિયનિસ્ટની છબિ વર્ષો સુધી દેશના બહુલક લોકોના માનસ પર જડાયેલી રહી; પણ રાજકારણમાં પ્રવેશ પછી તે છબિ ધૂંધળી થતી ગઈ અને પછી તો સાવ ભૂંસાઈ.

ટ્રેડ યુનિયનિસ્ટનો રસ્તો સીધો દિલ્હીના ગલિયારા સુધી પહોંચ્યો તે દરમિયાન તો તેમની રજૂઆત સુધ્ધા બદલાઈ; એટલે જ્યારે 2004માં રક્ષામંત્રીના પદે હતા તે સમયે ‘આપ કી બાત બી.બી.સી. કે સાથ’ નામના કાર્યક્રમમાં રૂબરૂ થયા ત્યારે એક શ્રોતાએ તેમને બે પ્રશ્નો કર્યા. જ્યોર્જ ફર્નાન્ડિઝને થયેલાં તે બે તીખાં સવાલો આ હતા : “અમે તમને ટ્રેડ યુનિયનના એક મસીહાથી ઓળખતા હતા. આજે તે ઓળખ અમારા મસ્તિષ્કમાંથી અલોપ થઈ ચૂકી છે. તમે રામમનોહર લોહિયાના માર્ગે ચાલ્યા તે વાત પૂરી થઈ ચૂકી છે. અને બીજો પ્રશ્ન કે તમારો રક્ષામંત્રી તરીકેનો કાર્યકાળ રહ્યો તેમાં તમારી ભૂમિકા જયલલિતાને કે મમતા બેનરજીને મનાવવાની, તો વળી ક્યારેક ચંદ્રાબાબુ નાયડુને મનાવવાની રહી. બીજાનું ઘર તોડીને ‘એન.ડી.એ.’ સરકારનું ઘર કેવી રીતે ટકી શકે તે તમારું મુખ્ય કામ રહ્યું છે.” બી.બી.સી.નો આ કાર્યક્રમ દુનિયાભરમાં સંભળાતો હતો.

આ પ્રશ્નોના ઉત્તર જે રીતે અપાયા તેમાં ટ્રેડ યુનિયનિસ્ટ જરા સરખો નહોતો, બલકે તે એક સરેરાશ રાજકીય નેતા હતો. જવાબમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ આ રીતે બોલે છે : “હું રક્ષા મંત્રી છું, ટ્રેડ યુનિયનિસ્ટ નથી. ટ્રેડ યુનિયનિસ્ટ હતો ત્યારે મજૂરો માટે જીજાન લગાવીને કામ કર્યું. હવે હું રક્ષા મંત્રી છું અને તે નાતે જે કામ મારું છે તે કરી રહ્યો છું. કોઈને તે પસંદ હોય ન હોય.” બીજા પ્રશ્નના બચાવમાં જ્યોર્જ કહે છે કે, “મારે સુરક્ષાના કારણે સૌને મળવું પડે અને હું પ્રથમ રક્ષામંત્રી છું જે સિયાચીન 38 વાર ગયો છું. મારી પહેલાં ભાગ્યે કોઈ રક્ષામંત્રી એક વાર પણ ત્યાં ગયા હશે.”

ખડતલ બાંધાના જ્યોર્જ ફર્નાન્ડિઝ જ્યારે તસવીરો અને વીડિયોમાં દેખા દે ત્યારે તેમની મક્કમતા ચહેરા પરથી ઝળકતી હતી. તેમનું પાંત્રીસી પહેલાનું જીવન ઊથલપાથલ ભર્યું રહ્યું. જ્યોર્જ મૂળે મેંગ્લોરના અને 1946માં તેમને પાદરી બનવા અર્થે બેંગ્લોર મોકલવામાં આવ્યા. પણ ત્યાં ન ટક્યા ને 1949માં તેઓ મુંબઈ આવ્યા. અખબારમાં પ્રૂફરિડર તરીકે જોડાયા. પછીથી દેશના રક્ષામંત્રી બનનારા આ વ્યક્તિ યુવાન મુંબઈના ચોપાટી પર ઊંઘી જતો, જ્યાં તેને પોલીસ આવીને ઊઠાડીને બીજે મોકલતી. આ દરમિયાન પ્લેસિડ ડિ મેલો, રામમનોહર લોહિયાના સંપર્કમાં આવ્યા અને સોશિયલિસ્ટ મૂવમેન્ટમાં જોડાયા. 1950 અને 1960ના દાયકામાં તેમના એક અવાજે મુંબઈમાં સદંતર બંધ પળાતો. ઇન્ડિયન રેલવેમાં તેમણે કરેલી અનેક હડતાળો આજે પણ મુંબઈની વાતોમાં વણાયેલી છે. યુવાન જ્યોર્જ મુંબઈ પર મજૂરવર્ગ પ્રત્યેની નિસબતના કારણે રીતસરનું ‘રાજ’ કરવા લાગ્યા. દેશને આઝાદ થયાને હજુ બે દાયકા થયા હતા ત્યાં જ્યોર્જે આર્થિકનગરી પર પોતાનો અવાજ બુલંદ કરવા માંડ્યો હતો. પાંત્રીસના જ્યોર્જની આ સફળતા અદ્વિતીય લેખાતી. પછી તો રાજકારણનો માર્ગ પણ ખૂલ્યો અને તેઓ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય થયા. 1967માં તેમણે મુંબઈની દક્ષિણ બેઠક પરથી કૉંગ્રેસના કદાવર નેતા એસ.કે. પાટીલને હરાવ્યા. તે વખતે નામ મળ્યું : ‘જ્યોર્જ ધ જાયન્ટકિલર’. જે પક્ષમાંથી લડ્યા તે હતો ‘સંયુક્ત સોશિયલિસ્ટ પાર્ટી’, તે પછીનું જોડાણ જનતા દળ સાથે રહ્યું અને અંતે 1994માં પોતાની જ ‘સમતા પાર્ટી’ સ્થાપી.

શિખરે પહોંચ્યા પછી નીચે આવવાનું થાય તેમ જ્યોર્જની ખ્યાતિ મુંબઈમાંથી ઓસરવા લાગી. ખ્યાતિ ઓસરવામાં ફટકો આપનારું એક ફેક્ટર પ્રાઇવેટ સેક્ટરનો વધતો વ્યાપ હતો. અત્યાર સુધી જ્યોર્જનું જીવન રસપ્રદ લાગે છે અને તેથી તેઓ પુસ્તકના વિષય બન્યા. હવે તે પુસ્તક ચર્ચામાં પણ છે. પુસ્તક પ્રકાશિત કર્યું છે પ્રતિષ્ઠિત પેંગ્વિન પ્રકાશને અને પુસ્તકના લેખક છે રાહુલ રામાગુંદમ્‌. લેખક રાહુલ જામિયા માલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં એસોશિયેટેડ પ્રોફેસર છે. ‘ધ લાઇફ એન્ડ ટાઇમ્સ ઑફ જ્યોર્જ ફર્નાન્ડિઝ’ પુસ્તકમાં લેખકે જ્યોર્જના જીવનનાં અનેક કિસ્સા ટાંક્યા છે, જે આજ દિન સુધી જાહેર થયા નથી. તેમાં સૌથી ચર્ચિત પ્રકરણ તેમના લગ્નજીવનનું છે. જ્યોર્જનાં પત્ની લીલા કબીર હતાં. એક તરફ લગ્નજીવન શરૂ થયું અને બીજી બાજુ જ્યોર્જનો ગ્રાફ જાહેરજીવનમાં ઊંચો ચઢતો ગયો. દીકરો સુશન્તોના આગમન પછી પણ જ્યોર્જનું પરિવાર પ્રત્યેનું આકર્ષણ ન રહ્યું. 1980 આવતાં સુધીમાં તો આ લગ્નજીવન તૂટ્યું અને જ્યોર્જના જીવનમાં જયા જેટલીનો પ્રવેશ થયો. જયા જેટલી સાથેનો સંબંધ આજીવન ટક્યો. જ્યોર્જના અંગત-જીવનની સ્ટોરીઓ તેમનાં રક્ષામંત્રી કાળ દરમિયાન પણ ખૂબ પ્રકાશિત થઈ. આજે તેમણે સ્થાપેલા ‘સમતા પાર્ટી’નું નામોનિશાન નથી; પરંતુ જ્યોર્જ રક્ષામંત્રી હતા ત્યારે દિલ્હીમાં જયા જેટલીનો પણ દબદબો રહ્યો. તે દરમિયાન તહેલકા મેગેઝિને ‘ઓપરેશન વેસ્ટ લેન્ડ’ નામનું જે સ્કેન્ડલ બહાર પાડ્યું હતું, તેમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ અને જયા જેટલી સહિત ભા.જ.પ.ના અનેક નેતાઓના નામો ખરડાયાં. આ બધા નેતાઓ પર રક્ષા મંત્રાલયમાં ભ્રષ્ટાચાર કરવાના આરોપ હતા. 2020માં જયા જેટલીને કોર્ટે આ મામલે ચાર વર્ષની જેલની સજા પણ સુનાવી.

જ્યોર્જના જીવનનાં આરંભના પડાવમાં સૌથી અગત્યનો રહ્યો તેમાં એક છે 1974ની રેલવેની હડતાળ. તે વખતે જ્યોર્જ ‘ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશન’ના પ્રમુખ હતા. કારીગર વર્ગને મળતાં ઓછાં ભથ્થા સિવાય પણ અનેક માંગણીઓ આ હડતાળ પાછળ હતી. દેશના ખૂણેખૂણેથી હડતાળને સપોર્ટ મળ્યો. સરકારે સખ્ત પગલાં લીધાં. ધરપકડો કરી. એમ પણ કહેવાય છે કે આ દેશવ્યાપી વિરોધથી તત્કાલિન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને અસુરક્ષિતતા અનુભવાઈ અને 1975માં તેમણે કટોકટી લાદી. કટોકટીકાળની જ્યોર્જની હાથમાં હાથકડી સાથેની તસવીર તે સમયની એક આઇકોનિક તસવીર બની ચૂકી છે.

કટોકટી પછી પૂરા દેશમાં જ્યોર્જ ફર્નાડિઝનું નામ ચર્ચામાં આવ્યું અને 1977માં લોકસભાની ચૂંટણીમાં તેઓ બિહારના મુઝ્ઝફરનગરમાંથી ત્રણ લાખ વોટથી જીત્યા. આ જીતથી મુઝ્ઝફરનગર લોકસભાની ચૂંટણી માટે તેમનું કાયમી ક્ષેત્ર બન્યું. આશ્ચર્યની વાત એ છે કે તેઓ જેલમાં હોવાથી પોતાના મતક્ષેત્રમાં એક દિવસ સુધ્ધા જઈ શક્યા નહોતા. કૉંગ્રેસની સરકાર ગઈ અને જનતા સરકાર બની. જનતા સરકારમાં તેઓ કેન્દ્રના ઉદ્યોગ મંત્રી બન્યા. તેમના મંત્રીકાળ દરમિયાન તેમણે મલ્ટિનેશનલ કંપની ‘આઈ.બી.એમ.’ અને ‘કોકાકાલા’ પર તવાઈ આણી. ફરી તે વખતે પણ તેમના કેન્દ્રી સમાચાર અખબારોમાં ચમક્યા. અહીંયા પણ સરકારમાં મહત્ત્વને પદે સંભાળતી વખતે તેમણે અટલ બિહારી વાજપેયી અને અડવાણી જેવાં નેતાઓનો આર.એસ.એસ. સાથેના જોડાણની ટીકા કરી. આ મુદ્દે સરકાર ભીંસમાં મૂકાઈ અને જનતા (સેક્યૂલર) પાર્ટીનું શાસન આવ્યું. વી.પી. સિંઘના વડા પ્રધાન કાર્યકાળ દરમિયાન પણ તેઓ રેલવે મિનિસ્ટર રહ્યા. આજે વખણાતી કોંકણ રેલવેનો પાયો નાંખનાર જ્યોર્જ હતા અને તે સિવાયના પણ રેલવેમાં ધરમૂળથી પરિવર્તન તેમણે કર્યા. 1994માં સમતા પાર્ટી સ્થાપ્યા બાદ તેમની નજદીકી ભા.જ.પ. સાથે વધતી ગઈ અને 1998માં નેશનલ ડેમોક્રેટીક એલાયન્સની સરકાર બની ત્યારે તેમાં તેઓ રક્ષામંત્રી બન્યા. તેમના રક્ષામંત્રીના કાર્યકાળ દરમિયાન કારગિલ યુદ્ધ થયું અને પોખરણ પરમાણુ પરીક્ષણ થયું. ઠીકઠાક આ કાર્યકાળમાં ધબ્બો ત્યારે લાગ્યો જ્યારે તેહલકાએ સ્ટિંગ ઓપરેશન કર્યું અને તે પછી યુ.પી.એ.ની સરકાર આવી. 2009માં રાજ્યસભાના સભ્ય બન્યા ત્યાર બાદ જ્યોર્જ ક્યારે ય જાહેરમાં ન દેખાયા. જ્યોર્જનું જીવન ખાસ્સું ઉતારચઢાવવાળું રહ્યું અને દેશની કેટલીક અતિ મહત્ત્વની ઘટના સાથે જ્યોર્જ સંકળાયેલાં રહ્યા છે. તેમના આ પુસ્તકમાં બધું જ વિસ્તારથી ચર્ચાયું છે.

e.mail : kirankapure@gmail.com

Loading

27 August 2022 Vipool Kalyani
← રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ
એન્ડ્રોઈડના આકાશમાં – →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved