વાસ્તવિકતા એ છે કે હિમાલયની સરહદે યુદ્ધ જેવા સંજોગોમાં આપણે સી.ડી.એસ. બિપિન રાવતને ગુમાવ્યા છે તેનાથી વરવું કંઇ ન હોઇ શકે
તમિલનાડુના કુન્નુરમાં ખરાબ હવામાનને કારણે સી.ડી.એસ. બિપિન રાવતનું ચૉપર ક્રેશ થયું. ૮ ડિસેમ્બરની બપોરથી લઇને એક અજીબ તણાવમાં દેશની નસેનસમાં વર્તાયો. તેમની સિદ્ધિઓ, તેમની કાબેલિયત, તેમના અભિગમની ચર્ચાઓ ન્યૂઝરૂમથી માંડીને ત્યાં બધે જ થઇ જ્યાં વિકી કૌશલ અને કૅટરીના કૈફના લગ્નની પંચાત નહોતી ચાલતી. એક રાષ્ટ્ર તરીકે આપણે માટે આ બહુ મોટો ધક્કો છે.
પહેલાં તો બિપિન રાવત વિશે થોડી વધુ વિગતો જાણીએ અને પછી ચર્ચા કરીએ એવા રાજકીય મૃત્યુઓની જે આજે પણ એક રહસ્ય છે, ખાસ કરીને એર ક્રેશમાં ગુજરી ગયેલા મહત્વનાં રાજકીય ચહેરાઓ!
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતને આ પદવી એટલે કે સી.ડી.એસ.ની પદવી – ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ મળી હતી. મૂળ ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં જન્મેલા બિપિન રાવત લેફ્ટનન્ટ જનરલ લક્ષ્મણ સિંહ રાવતના દીકરા હતા. તે સેન્ડ એડવર્ડ સ્કૂલ શિમલા અને નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસનાના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ડિસેમ્બર ૧૯૭૮માં દહેરાદૂનની મિલિટરી એકેડેમીમાંથી ૧૧મી ગોરખા રાઇફલ્સની પાંચમી બટાલિયનમાં તેમને પહેલીવાર કમિશન કરાયા અને આ જ બટાલિયનમાં તેમને સ્વૉર્ડ ઑફ ઓનરનું સન્માન મળ્યું હતું. સી.ડી.એસ. બનેલા બિપિન રાવત દેશના ૨૭મા આર્મી ચીફ હતા. વૉર ઝોન, આતંકવાદ સામેની લડાઇ વગેરેમાં તે માહેર હતા અને અગણિત મેડલથી નવાજાયેલા બિપિન રાવતની છાતીએ જેટલા મેડલ્સ હતા, તે તમામની વિગતે વાત કરવા લાંબો સમય અને અઢળક વર્ડ સ્પેસ જોઇએ. સર્જીકલ સ્ટ્રાઇક્સ અને કાઉન્ટર ઇમર્જન્સી ઓપરેશન્સના એક્સપર્ટ બિપિન રાવતે ૪૦ વર્ષ સેનામાં સેવા આપી. સેનાની ત્રણેય પાંખ વચ્ચે કોર્ડિનેશન રહે તે માટે ૨૦૧૯માં વડા પ્રધાને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના પદની રચના કરી. સી.ડી.એસ. બિપિન રાવતનું ચૉપર ક્રેશ થયું તેના અફસોસ અને હાયકારા વચ્ચે અનેક કૉન્સપિરસી થિયરીઝ પણ ચર્ચાવા માંડી છે. એ થિયરીઝની ચર્ચા કરીએ, પણ પહેલાં એ તમામ ભારતીય રાજકીય ચહેરાઓને યાદ કરીએ જે એર ક્રેશમાં માર્યા ગયા.
સંજય ગાંધીઃ ૨૩મી જૂન ૧૯૮૦માં સંજય ગાંધી જે જનરલ ઇલેક્શન્સને પગલે ફરી સત્તા પર આવ્યા હતા તે એર ક્રેશમાં માર્યા ગયા. દિલ્હીના સફદરજંગ એરપોર્ટ પાસે આ ઘટના ઘટી. જે ટ્રેનર તેમની સાથે હતા, તેનું પણ આ ઘટનામાં મોત થયું હતું. નજરે જોનારાઓનું કહેવું હતું કે નાનકડા એરક્રાફ્ટમાં પાયલટ તરીકે તાલીમ પામેલા સંજય ગાંધી કોઇને કોઇ કરતબ કરી રહ્યા હતા અને એમાં એરક્રાફ્ટ ધસમસતું નીચે આવ્યું અને તેના ફુરચા ઊડી ગયા. કન્સપિરસી થિયરીઝના મતે સંજય ગાંધીના વધતા પ્રભાવને કારણે તેમણે રાજકારણમાં ઘણા દુશ્મનો ખડા કર્યા હતા, જેમણે તેમના મોતનો કારસો ઘડ્યો હતો. બીજા એરક્રાફ્ટ ક્રેશ થાય તો ભડકે બળે એવું આ કિસ્સામાં નહોતું થયું બલકે એરક્રાફ્ટ જમીન તરફ ધસ્યું અને ગોળ ગોળ ફરતું ફરતું જમીન પર પડ્યું. કહેવાય છે કે દીકરો ગુમાવ્યાના આઘાતમાં ઘટના સ્થળે પહોંચેલા ઇંદિરા ગાંધીએ દીકરાની ઘડિયાળ અને કિ રિંગ્ઝ શોધવાની કોશિશ કરી, પણ એ પણ કોઇ સગું લઇ ગયું હતું.
મોહન કુમારમંગલમઃ કાઁગ્રેસના લીડર અને પૂર્વ લોક સભા એમ.પી. ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા જે દિલ્હીમાં ક્રેશ થઇ હતી અને તેમનું મોત થયું હતું.
સુરેન્દ્ર નાથઃ તે સમયે પંજબના ગવર્નર તરીકે નિમાયેલા સુરેન્દ્ર નાથ ૧૪ સીટર બીચક્રાફ્ટ પ્લેનમાં ચંદીગઢથી કુલુ જઇ રહ્યા હતા. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ૯ જુલાઇ ૧૯૯૪ના દિવસે પ્લેન ક્રેશ થયું અને તેમની સાથે પ્લેનમાં મુસાફરી કરનારા પરિવારના ૯ સભ્યો પણ માર્યા ગયા.
માધવરાવ સિંધિયાઃ કાઁગ્રેસના સિનિયર સભ્યે કાનપુર જઇ રહ્યા વહતા જ્યારે તેમના ચાર્ટર્ડ ફ્લાઇટ યુ.પી. પાસેના એક ગામમાં ક્રેશ થઇ ગઇ. ૨૦૦૧ થયેલા આ અકસ્માત સમયે તે ૫૬ વર્ષના હતા.
જી.એમ.સી. બાલાયોગી: લોકસભાના સ્પીકર અને તેલુગુ દેશમ્ પાર્ટીના લીડર બાલોયોગી આંધ્રપ્રદેશ પાસેના ક્રિષ્ના જિલ્લા પાસે ચોપર ક્રેશમાં ૩ માર્ચ ૨૦૦૨ના રોજ માર્યા ગયા.
સૌંદર્યાઃ અભિનેત્રી અને ભા.જ.પા. સભ્ય કે.એસ. સૌમ્યા જેને સૌંદર્યા તરીકે લોકો સારી પેઠે જાણતા હતા, તે ૧૭ એપ્રિલ ૨૦૦૪માં હેલિકૉપ્ટર ક્રેશમમાં મોતને ભેટ્યાં. તે બેંગલુરુથી કરિમનગર એક ઇલેક્શન કેમ્પેઇન માટે જઇ રહ્યાં હતાં.
ઓ.પી. જિંદાલ અને સુરેન્દર સિંઘઃ જાણીતા ઉદ્યોગકાર ઓ.પી. જિંદાલ એક સમયે હરિયાણાના પાવર મિનિસ્ટર હતા, ત્યારે માર્ચ ૨૦૦૫માં એક ચૉપર ક્રેશમાં માર્યા ગયા હતા. તે ચંદીગઢથી દિલ્હી પાછા ફરી રહ્યા હતા અને તેમની સાથે રાજ્ય સ્તરીય કૃષિ મંત્રી સુરેન્દર સિંઘ પણ હતા, જેમનો પણ આ ક્રેશમાં જીવ ગયો હતો.
વાય.એસ. રાજશેખરા રેડ્ડીઃ તે સમયે આંધ્રપ્રદેશના ચિફ મિનિસ્ટર તરીકે કામ કરનારા વાય.એસ. રાજશેખરા રેડ્ડીનું ટ્વિન એન્જિન્ડ બેલ ૪૩૦ હેલિકૉપ્ટર નલ્લામાલા હિલ્સમાં ક્રેશ થયું. ૨૦૦૯ સપ્ટેમ્બરની આ ઘટનામાં તેમનું મોત થયું હતું.
દોરજી ખાંડુઃ અરુણાચલ પ્રદેશના માજી મુખ્ય મંત્રી પણ આવા એક હેલિકૉપ્ટર ક્રેશમાં માર્યા ગયા હતા. ભારત ચીનની બોર્ડરથી ૩૦ કિલોમિટર દૂર તવાંગ પાસે આ અકસ્માત થયો હતો અને તેમનું શરીર પાંચ દિવસ પછી મળ્યું હતું.
આ તરફ બિપિન રાવતના મોત પછી ચીને આ આખો અકસ્માત ઊભો કર્યો હોવાની કન્સપિરસી થિયરીની ચર્ચા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ચાલવા માંડી. જાન્યુઆરી ૨૦૨૦માં તાઇવાનના ચિફ ઑફ જનરલ સ્ટાફ શે યી મિંગ અને બીજા સાત જણા તૈપી પાસે આવેલી ટેકરીઓ પાસે હેલિકૉપ્ટર ક્રેશ થતા માર્યા ગયા હતા.
જનરલ રાવતના ચૉપર ક્રેશની સરખામણી તાઇવાનના ચિફ ઑફ જનરલ સ્ટાફ સાથે કરનારાઓનું કહેવું છે કે સૈન્ય સાથે સંકળાયેલા અગત્યના લોકો શા માટે આ જ રીતે મૃત્યુ પામી રહ્યા છે. પી.સી.આર.ની ઉગ્રતા સામે લડનારા મુખ્ય લોકોને ખતમ કરવાનું આ ષડયંત્ર છે. વળી કહેનારાઓના મતે આ બન્ને ક્રેશ વચ્ચે કંઇ કનેક્શન છે, એમ નથી પણ જો જોવું જ હોય તો એ સવાલ તો કરવો પડે કે મિલિટરી હેલિકૉપ્ટર્સ આટલી બદતર હાલતમાં કેવી રીતે હોઇ શકે? વળી આટલી અગત્યની વ્યક્તિ મુસાફરી કરવાની હોય તો છેડા ઢીલા મુકાયા હોય કે મેઇન્ટેન્સ વગરનું ચૉપર લેવાયું હોય તે વાતમાં કોઇ દમ નથી. આ થિયરીની ચર્ચા ચાલી ત્યાં ચીનના ગ્લોબલ ટાઇમ્સે એમ કહ્યું કે યુ.એસ.એ.નો તેમાં હાથ હોઇ શકે કારણ કે ભારત રશિયા પાસેથી s-400 મિસાઇલ ડિફેન્સની ડિલીવરી લઇ રહ્યો છે. કન્સપિરસી થિયરીઝ જે કહે એ પણ વાસ્તવિકતા એ છે કે હિમાલયની સરહદે યુદ્ધ જેવા સંજોગોમાં આપણે સી.ડી.એસ. બિપિન રાવતને ગુમાવ્યા છે તેનાથી વરવું કંઇ ન હોઇ શકે.
બાય ધી વેઃ
લાલ બહાદુર શાસ્ત્રીના મોતને લઇને અનેક થિયરીઝ ચાલી. તેની પર ફિલ્મો સુધ્ધાં બની. સુભાષચંદ્ર બોઝ તો ગાયબ જ થઇ ગયા હતા અને તે બીજે ક્યાંક જીવતા હતા તેવી વાતો આજે ય થાય છે. લાલ બહાદુર શાસ્ત્રીના મોત અંગે ભારત સરકારે સેવેલી ચુપકીદી પર ઘણીવાર સવાલ ઊઠ્યા છે. તાશ્કંત કરાર પર સહીં કર્યાના કલાકો પછી શાસ્ત્રીજીનું મોત, ભુરું પડેલું શરીર જેવું કેટલું ય છે જેના કોઇ જવાબ નથી. બદલાયેલા સમય સાથે હત્યાની તકનિકો પણ બદલાઇ છે. આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે મહત્વના રાજકીય ચહેરાઓ, કાબેલ અધિકારીઓને આપણે કોઇ પણ પ્રકારના અકસ્માતોમાં ન ગુમાવીએ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 ડિસેમ્બર 2021