Opinion Magazine
Number of visits: 9753257
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચીનને આખા વિશ્વે પાઠ ભણાવવાની જરૂર છે

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 August 2020

૭૪મું આઝાદીપર્વ હમણાં જ ઉજવ્યું ને લાલકિલ્લા પરથી ત્રિરંગો લહેરાતો આપણે માધ્યમો દ્વારા અનુભવ્યો. વડાપ્રધાને લગભગ દોઢેક કલાકનાં પ્રવચનમાં અનેક અંજલિઓ આપી ને સૌને ભાવથી યાદ કર્યા. આપણા વડાપ્રધાનો સૂત્રો આપતા આવ્યા છે ને એ સિલસિલો હજી પણ ચાલુ જ છે. ‘આરામ હરામ હૈ’, ‘જય જવાન, જય કિસાન’, ‘ગરીબી હટાવ’ ને એવા કૈંક સૂત્રો દેશની પ્રજાને અપાયાં ને હવે આપણે ‘મેઈક ઈન ઇન્ડિયા’, ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ સુધી આવ્યાં છીએ.

આવાં સૂત્રો એક ધ્યેય અને દિશા તો નક્કી કરે છે ને એનાથી પ્રજા દોરવાય છે ને તેનામાં ઉત્સાહ ને જોમ પણ ઉમેરાય છે. તે રીતે સૂત્રો જરૂરી પણ છે, પણ તેનાથી પેટ ભરાતું નથી. ‘ગરીબી હટાવ’વા જતાં ઘણાં હટી ગયાં ને ગરીબી હજી ત્યાં જ ઊભી છે. અનેક યોજનાઓ અને પેકેજો અનેક સરકારોએ જાહેર કર્યાં ને એ ક્રમ હજી જળવાયેલો જ છે, પણ એમાં પ્રજાની ભક્તિ વધી છે, શક્તિ વધી નથી. એ સાચું છે કે જેમ જેમ યોજનાઓ અને સૂત્રો વધ્યાં તેમ તેમ વસ્તી પણ વધી અને કરેલાં કામો દેખાય જ નહીં એવી સ્થિતિ પણ આવી. એ આજે પણ છે. ભ્રષ્ટાચાર છતાં, કામો થયાં જ છે, યોજનાઓનો અમલ પણ થયો જ છે. વીજળી, પાણી ને ખોરાકની દિશામાં પ્રગતિ થઈ જ નથી એવું નથી, પણ વાસ્તવિકતા એ છે કે ગમે એટલું કરો, પનો ટૂંકો જ પડે છે. એમાં ભ્રષ્ટ તંત્રો, પડોશી દેશોની સતત ચાલતી કનડગત, વધતી વસ્તી, આગ-રેલ-રોગચાળો-ભૂકંપ-પર્યાવરણીય પ્રશ્નો જેવી બાબતોને કારણે બે ડગલાં આગળ ચાલીને ત્રણ ડગલાં પાછળ આવવા જેવું જ થાય છે. એમાં કરેલું ધોવાઈ જાય છે.

આખા વિશ્વે એ વિચારવાની જરૂર છે કે સંરક્ષણ બજેટ ઘટે એવું શક્ય છે કે કેમ? એક વખત નહીં, અનેક વખત આ પૃથ્વીનો નાશ થઈ શકે એટલાં શસ્ત્રો આપણે વિકસાવ્યાં છે. આ વિકાસ ડરને કારણે થયો છે. કોઈ દેશ હુમલો કરે તો પોતાનું રક્ષણ કરવા અણુશસ્ત્રો આખા જગતે વિકસાવ્યાં છે. એવી સ્થિતિ નથી કે કોઈ દેશ હુમલો જ ન કરે ને દરેક પોતપોતાના દેશમાં શાંતિથી રહે. યુદ્ધ લાલચ વગર જન્મતું નથી. આ લાલચ અધિકાર વગરની હોય છે. એ લાલચ અતિક્રમણને જન્મ આપે છે ને એ યુદ્ધની ભૂમિકા બને છે. બબ્બે વિશ્વયુદ્ધો અને જાપાનના સર્વનાશ પછી પણ આપણે યુદ્ધોને બાજુ પર મૂક્યાં નથી તે વૈશ્વિક કમનસીબી છે. અણુકરારો કે ના-યુદ્ધ કરારો છતાં નાનામોટાં યુદ્ધો વિશ્વમાં થતાં જ રહ્યાં છે. એમાં ચીન જેવાને વિશ્વસત્તા બનવાની ચળ ઊપડી છે ને તેણે એક યુદ્ધમાં ન થાય એવી મોટી ખુવારીને, કોરોના દ્વારા આખા વિશ્વમાં જન્મ આપ્યો છે. એણે ભારત સાથે મૈત્રીનું નાટક કરીને સરહદી વિશ્વાસઘાત કર્યો ને ભારતની મુશ્કેલી વધારી છે. એ હજી ભારતને ૧૯૬૨નું ભારત જ સમજે છે. તેનો વળતો જવાબ ભારતે આપ્યો જ છે, પણ હજી વધારે કડકાઈથી ભારતે વર્તવાની જરૂર છે.

ખાસ કરીને આત્મનિર્ભર ભારતની વાત સાથે જે વાતો જતી નથી તે અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ભારતની નીતિ અત્યાર સુધી કાચા માલની નિકાસ કરીને તૈયાર માલની આયાત કરવાની રહી છે. આવું ક્યાં સુધી ચાલશે એવી ચિંતા ખુદ વડાપ્રધાને કરી છે. અહીં વાત આયાત ઘટાડવાની જ નથી, આત્મિક કુશળતા વધારવાની પણ છે. આપણે ખરેખર જ આત્મનિર્ભર થવા માંગતા હોઈએ તો આપણામાં રહેલા વિરોધાભાસો અંગે પુનર્વિચાર કરવાનો રહે છે.

ઉદાહરણ તરીકે ચીનની સાન ઠેકાણે લાવવા ભારતે ઢગલો ચાઇનીઝ એપનો જડબેસલાક બહિષ્કાર કર્યો. એની અસર પણ પડી. ચીન થોડું નરમ પણ પડ્યું. તેણે સરહદ પર છમકલાં ઘટાડ્યાં. તે સુધરી જવાનું નથી, પણ તેની મનમાનીમાં ફરક તો પડ્યો જ છે. આ બહિષ્કાર ચાલુ રહેવો જોઈએ, પણ એવું ઓછું જ થાય છે. વડાપ્રધાન એક તરફ આયાત ઘટાડવાની વાત કરે છે ને બીજી તરફ એ જ ચીન પાસેથી આયાત ચાલુ રાખે છે તે બેવડી નીતિ સમજાતી નથી.

આમ ગયાં વર્ષ કરતાં ચીની માલની આયાત ઘટી છે, પણ કોરોના કાળની શરૂઆતમાં આયાત બધા જ દેશોની ઘટી, તે જ રીતે ભારતની પણ ઘટી, પણ છેલ્લા થોડા મહિનાઓમાં ભારતની ચીન પાસેથી આયાત વધી છે. જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ભારતે ચીન પાસેથી ૩૨.૨ અબજ ડોલરની આયાત કરી છે ને માત્ર જુલાઈની જ વાત કરીએ તો ભારતે ૫.૬ અબજ ડોલરની ચીજવસ્તુઓની આયાત કરી છે. ૨૦૧૯ની તુલનામાં આયાત ૨૪ ટકા ઘટી છે તે સાચું, પણ હાલના સંજોગોમાં, જ્યારે સંબંધો પૂરા વણસેલા હોય ને બહિષ્કારનો દોર ભારતે જ ચાલુ કર્યો હોય ત્યારે આટલી આયાત પણ શું કામ થવી જોઈએ તે પ્રશ્ન તો છે જ ! એમ કહેવાય છે કે આ આયાતો મેડિકલ પ્રોડક્ટ્સની છે. એનો અર્થ એ થયો કે આરોગ્યને મામલે હજી આપણે ચીન પર જ નિર્ભર છીએ. આ સ્થિતિ સુધરવી જોઈએ. એક તરફ ‘આત્મનિર્ભર ભારત’ની મોટે ઉપાડે જાહેરાત થતી હોય ને બીજી તરફ શત્રુ રાષ્ટ્રની ચીજવસ્તુઓ વગર આપણને ચાલતું ન હોય એ બરાબર નથી. અન્નક્ષેત્રે ભારત સ્વાવલંબી થયું જ છે, પણ મેડિકલ બાબતોમાં પણ આ સ્વાવલંબન અપેક્ષિત છે. એ રાતોરાત ન થાય તે સાચું, પણ સ્વતંત્રતા પ્રાપ્તિનાં ૭૩ વર્ષ પછી આટલી અપેક્ષા વધારે પડતી નથી.

જ્યાં સુધી ચીની માલની આયાતનો પ્રશ્ન છે ત્યાં સુધી ભારતે બહુ જ ચેતીને ચાલવા જેવું છે. ચીન સુપર પાવર થવા હવાતિયાં મારી રહ્યું છે ને તેને માટે તે કંઈ પણ કરી શકે એમ છે. ચીન દવાઓ ને અન્ય સામગ્રીમાં ભયંકર છેતરપિંડી કરી શકે એમ છે. તે જો કોરોના વિશ્વમાં ફેલાવી શકે તો ભારત સાથે તો તે ગમે તે હદની બદમાશી કરી જ શકે. એવામાં દવાઓને મામલે તે વિશ્વાસધાત ન કરે ને નકલી કે ઝેરી દવાઓ ન જ મોકલે એમ માનવાને કોઈ કારણ નથી. આ કોઈને કદાચ વધારે પડતું લાગે પણ તેણે ખેતીને ક્ષેત્રે તેવું કર્યાની વાત બહાર આવી છે.

એવી શંકા છે કે ભારત સહિત અમેરિકા અને અન્ય દેશોમાં એવું બિયારણ ચીને કુરિયર દ્વારા મોકલ્યું છે જે રોગ ફેલાવી શકે. ભારત સરકારના કૃષિ સંશોધન વિભાગને એવાં પેથોજન્સ (રોગકારકો) બિયારણમાંથી મળ્યાનું લાગ્યું છે ને તેણે એ અંગે તપાસ શરૂ કરી છે. ગુજરાત સરકારે પણ આવાં શંકાસ્પદ બીજ પાર્સલોથી ચેતવાની જાણકારી સંબંધિત વિભાગોને આપી છે. અમેરિકાએ પણ આ અંગે તપાસ શરૂ કરી છે ને તેને પાકી શંકા છે કે આવાં રોગકારક બિયારણ વિશ્વભરમાં ચીન પાર્સલ કરી રહ્યું છે. ભારતે અધિકૃત રીતે આ કામ ચીનનું જ છે એવું કહ્યું નથી, પણ ચીન તરફની શંકા અમેરિકાએ તો દર્શાવી જ છે. તે ગંભીરપણે માને છે કે પેથોજન્સ ધરાવતાં બીજ ચીન જ મોકલી રહ્યું છે. અમેરિકા ઉપરાંત કેનેડા, જાપાન, ન્યુઝીલેન્ડ, યુરોપના દેશોમાં પણ આવાં ખોટાં લેબલવાળાં પાર્સલો પહોંચ્યાની વાત બહાર આવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના વડાએ પણ એ મામલે ચિંતા પ્રગટ કરી છે કે આવાં પેથોજ્ન્સવાળાં બીજ કામમાં લેવાય તો અન્ન સુરક્ષાના ગંભીર પ્રશ્નો ઊભા થાય. કેટલાક મહિનાઓથી હજારો શિપમેન્ટ અનેક દેશોમાં આવાં બિયારણના પહોંચ્યાં છે ને તે અંગે તપાસ વૈશ્વિક લેવલે ચાલુ થઈ છે.

ટૂંકમાં આ પ્રકારનાં બિયારણ દેશની બાયોડાયવર્સિટીને નુકસાન પહોંચાડી શકે એમ છે, એટલું જ નહીં, તે ગંભીર પ્રકારના રોગોને આમંત્રણ પણ આપી શકે એમ છે. આવી સ્થિતિ હોય ત્યારે ચીનની કોઈ પણ પ્રકારની મદદ ભારતે કે અન્ય દેશોએ શું કામ લેવી જોઈએ? હાલના સંજોગોમાં ભારતે જ શું કામ, તમામ દેશોએ ચીનનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવો જોઈએ એવું નથી લાગતું? ચીનને પાઠ ભણાવવાનું આખા વિશ્વે નક્કી કરવું જોઈએ, કારણ તેણે આખું વૈશ્વિક સંતુલન અને અર્થકારણ ખોરવવાનો અક્ષમ્ય અપરાધ કર્યો છે ને આ તેને માટેની ઓછામાં ઓછી સજા છે. શું કહો છો?

૦

e.mail : ravindra21111946@gmail.com

Loading

17 August 2020 admin
← હિંદુ વિચાર અને હિંદુમાનસ કઈ રીતે વિકસ્યા ?
સારપને સંકોરવાનું પુણ્યકાર્ય →

Search by

Opinion

  • સરકાર કહે છે કે ભાવ વધવા દીધા નથી ને ભાવ તો વધે જ છે …
  • સંસદ અને ધારાગૃહોમાં સરકારોની કસોટી કરતો પ્રશ્નકાળ
  • ચૂંટણીમાં ઘુસપેઠિયાનો મુદ્દો માપ બહાર ઉછાળાય છે
  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved