Opinion Magazine
Number of visits: 9446991
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરિષદ-પ્રમુખની ચૂંટણી સંદર્ભે થોડા સ્ફુટ વિચાર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 June 2020

અનલૉકડાઉનનાં આરંભિક અઠવાડિયાં ગુજરાતનાં અક્ષરજીવન અને જાહેરજીવનના સંદર્ભમાં વળી એક પડકાર અને વિચારમુદ્દા સાથે ઉપસ્થિત થયાં છે. નવું ‘પરબ’ (જૂન ૨૦૨૦) જોગાનુજોગ ટ્‌વેન્ટી ટ્‌વેન્ટી તરેહના એક સમાચાર લઈ નવા પરિષદ-પ્રમુખ માટેની ચૂંટણીના સમયપત્રક સાથે આવ્યું છે. સામાન્યપણે ‘પરબ’ અને સાહિત્ય પરિષદ પોતપોતાના ગોખલામાં સક્રિય હોય, પણ અક્ષરજીવન અને જાહેરજીવન સાથેલગાં સામે આવી ઊભે, ત્યારે આવા મુદ્દા કોચલા/ કુંડાળા છાંડી ચાચરચોક મોઝાર આવી ઊભે છે. વાસ્તે, થોડીએક સહવિચાર કોશિશ.

દેખીતી રીતે જ, વર્તમાન પરિષદ-પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્રની પારી પૂરી થવામાં છે. ચાલુ પ્રવૃત્તિઓને એમણે ‘આનંદની ઉજાણી’ અને ‘નૉળવેલની મહેક’ જેવા ઉપક્રમોથી, ખાસાં ભારઝલ્લાં તેમ વ્યાપક એટલાં જ ઊંડળમાં જઈ શકતાં જ્ઞાનસત્રોથી ચોક્કસ જ એક ગરવાઈ આપી છે. ઇ-ક્ષેત્રને વિશેષ સક્રિય કરવાની એમની કોશિશ પણ ધ્યાનાર્હ છે. અહીં એમના કાર્યકાળની કોઈ હેવાલનોંધ આપવાનો ખયાલ સ્વાભાવિક જ નથી. માત્ર, જે એક ઉલ્લેખ અધોરેખિતપણે કરવો જોઈએ તે એ છે કે ધીરુ પરીખ તથા ચંદ્રકાન્ત ટોપીવાળા, એ બે પૂર્વપ્રમુખોની પરંપરામાં સિતાંશુ પણ ટટ્ટાર ઊભા છે અને સ્વાયત્તતાને મુદ્દે ઢીલ નહીં મૂકતાં વળગી રહ્યા છે. એને પરિષદનું ને સવિશેષ તો ગુજરાતના સારસ્વત સમાજનું સદ્‌ભાગ્ય ગણવું જોઈએ કે આ ગાળામાં પૂર્વપ્રમુખ અને ટ્રસ્ટી, આપણા એકના એક નિરંજન ભગત, આયુષ્યના નવમા દાયકામાં પણ અડીખમ ઊભા રહ્યા અને સ્વાયત્તતાનું મૂલ્ય ઘૂંટતે ઘૂંટતે બૂટ સોતા સોલ્જરની પેઠે મૃત્યુને ય નવજીવન આપતા ગયા.

હમણાં નિર્દેશ કર્યો તે ટટ્ટાર પ્રમુખપરંપરાએ જો સ્વાયત્તતાના મૂલ્યનો નંદાદીપ પ્રજ્વલિત રાખ્યો છે, તો પરિષદના સર્વસામાન્ય સભ્યોને પણ આપણે એના યશભાજન તરીકે બિરદાવવા રહે છે. જ્યારે ધીરુ પરીખના અનુગામીનો પ્રશ્ન ઊભો થયો ત્યારે તેણે આ મૂલ્ય બાબતે પ્રતિબદ્ધ ટોપીવાળાની સાથે રહેવું પસંદ કર્યું. રાજ્યના સંબંધિત મંત્રીએ અન્ય ઉમેદવારની તરફેણમાં બળ નાખ્યું, તે છતાં. ત્યાર પછી નવા અનુગામી ચૂંટવાનો પ્રસંગ આવ્યો ત્યારે પણ મતદારોએ પક્ષપરિવાર સમર્થિત હોઈ શકતા ઉમેદવારને બદલે – એમની સોબતમાં સંભવિત વગ અને વર્ચસ્‌ની સંભાવના ઓળાંડી જઈ – સ્વાયત્તતાનિષ્ઠ સિતાંશુની સાથે રહેવું પસંદ કર્યું.

આ ચર્ચા જરી ઉતાવળે પણ અહીં છેડવાનું કારણ એ પણ છે કે થોડા મહિના પરના પાલનપુર પ્રસ્તાવને પગલે સ્વાયત્તતા આંદોલનને લોકમોઝાર લઈ જવાની જે સંભાવના હતી, તે લૉકડાઉનવશ સ્વાભાવિક જ પાળી શકાઈ નથી. નહીં તો, પેલો મતદારસીંચ્યો નંદાદીપ જરી ઓર પ્રજ્વલિત બની રહ્યો હોત.

વાચક જોશે કે મેં પ્રમુખ અને મતદાર પર મૂક્યો છે એવો ને એટલો ભાર પરંપરાગત પરિષદમંડળ પર મૂક્યો નથી. ૨૦૦૩થી અકાદમીના ચૂંટાતા પ્રમુખની પ્રક્રિયા અભરાઈએ મૂકી દેવાઈ તે પછી ખાસાં બાર વરસનો મોટો હિસ્સો નામ કે વાસ્તે એક-બે પત્રો કે એક-બે ઔપચારિક અનૌપચારિક મુલાકાતો સિવાય પડ લગભગ સૂતું અને સૂનું રહ્યું. બેશક, વચમાં નારાયણ દેસાઈ જેવા પ્રમુખ આવી ગયા અને એમણે ગાંધીનગરમાં, રિપીટ, ગાંધીનગરમાં ૨૦૦૭માં સ્પષ્ટ શબ્દોમાં ૨૦૦૨ના મહાપાતક અને સ્વાયત્ત અકાદમીના લોપ વિશે કહેવા જેવું કહ્યું, ખોંખારીને કહ્યું અને અકાદમી બાબતે જે ઠરાવ તે મધ્યસ્થ કે કારોબારીમાં સીમિત નહીં રાખતા સમસ્ત ગૃહ સમક્ષ જઈ ખુલ્લા અધિવેશનમાં પસાર કરાવ્યો. પણ એ નિયમ નહીં, નિયમસિદ્ધ કારી અપવાદ જેવો એક હ્રસ્વકાળ બની રહ્યો. ક્યારેક સરકારે લટકાવેલી પ્રક્રિયા હાથ ધરાશે અને અકાદમી ચૂંટાયેલો પ્રમુખ પામશે, એવા એક અંજીરપાંદ (ફિગલીફ) આશાવાદ સાથે સંબંધિતોએ ગજાસંપત મુજબ રોડવ્યું, જોગવ્યું, ગોઠવ્યું. જો કે ૨૦૦૩ અને ૨૦૦૭ના ઘોર ઘંટનાદ સાંભળ્યા નહીં સાંભળ્યા વૅકપ કૉલ બાદ એપ્રિલ ૨૦૧૫માં પેરેશૂટ પ્રમુખની નિમણૂક સાથે સ્વાયત્તતાના નામે રહ્યાસહ્યા ફિક્‌શનનું બાષ્પીભવન થયું. તે સાથે હમણાં લગી સુસ્ત જેવી પરિષદથી ઉફરાટે-સ્વાયત્તતા આંદોલનનો સૂત્રપાત થયો. ગામેગામના લેખકોની સહીઝુંબેશ સાથેની એ પ્રક્રિયા ધીરુ પરીખને બળ આપનારી તો એમના અનુગામીની ચૂંટણીને સર્વસામાન્ય મતદાર તરફથી નિર્ણાયક વળાંક આપનારી બની રહી.

પરિષદના સર્વસામાન્ય મતદારે ૨૦૨૦ ઊતરતે, ટ્‌વેન્ટી ટ્‌વેન્ટીના માહોલમાં ગુજરાતના વ્યાપક પ્રજામતને સમજાય તે રીતે પ્રમુખની તેમ જ બાકી ચૂંટણીઓ પરત્વે સવિશેષ સક્રિય બનવાપણું છે. ચૂંટણી પર અસર પાડવાની સરકારની પરોક્ષ કોશિશો હમણાં લગી પાછી પડી છે તે તો પાછી પડવી જ જોઈએ પણ સોયના નાકામાંથી પસાર થઈ જતી પોઠોની પોઠો બાબતે બેફિકર, બેજવાબદાર સૌને પણ પોતે આટઆટલાં વરસથી શું દરગુજર કહી રહ્યા છે ને શેમાં હિસ્સેદાર છે એ ય સમજાવું જોઈએ.

કેમ કે આપણે પરિષદ પ્રમુખની ચૂંટણીનું નિમિત્ત લઈ વાત શરૂ કરી હતી, એટલે એવી છાપ ઊઠવા સંભવે છે કે આ પ્રશ્ન પરિષદ અને અકાદમી વચ્ચેનો છે. પણ હકીકતે એવું નથી. આ પ્રશ્ન પરિષદ સહિત સર્વ સાહિત્ય સંસ્થાઓનો છે, કેમ કે આપણો સંદર્ભ કોઈ પરચક્રનો નથી, સ્વચક્રનો – અને તે પણ પ્રજાસત્તાક સ્વરાજનો છે. ખરું જોતાં અકાદમીનો ઉલ્લેખ પણ અપૂરતો છે. યુનિવર્સિટી આદિ શૈક્ષણિક સંસ્થાનો પણ ઉત્તરોત્તર સ્વાયત્તતા ગુમાવી રહ્યાં છે. સારસ્વતસમાજ કહો, વિદ્યાસમાજ કહો, એ જો આ સંદર્ભમાં સક્રિય નિસબત નહીં દાખવી શકે, તો તે લોકશાહીના  ધોવાણને ખાળી પણ નહીં શકે.

જ્યાં સુધી પરિષદ-કારણનો પ્રશ્ન છે, અક્ષરજીવન અને જાહેરજીવન સંદર્ભે છાત્ર પ્રકાશનું પહેલું સ્મરણ ૧૯૫૫માં નડિયાદમાં ગોમાત્રિના શતાબ્દી વર્ષે મળેલ પરિષદનું છે. સાહિત્ય પરિષદે, ત્યારે મુનશીની ‘આજ્ઞાંકિતા’ મટી ઉમાશંકર આદિનું ‘સખીકૃત્ય’ સ્વીકાર્યું હતું. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતનાં અક્ષરજીવન અને જાહેરજીવનની એ એક મોટી ઘટના હતી. છાત્ર પ્રકાશ ત્યાં પ્રત્યક્ષ ઉપસ્થિત નહોતો પણ અધિવેશનોત્તર જે નોંધ ઈ.ર.દ.(ઈશ્વરલાલ ર. દવે)એ ‘ગુજરાત સમાચાર’ની એમની કૉલમમાં લીધેલી એમાં થયેલા આ બે પ્રયોગો એને યાદ રહી ગયા છે. વળી વ્યક્તિગત સાંભરણ અંબોળું તો કૉલેજ-છાત્ર પ્રકાશ ત્યારે મુનશીની નવલકથાઓનો ઉત્કટ ચાહક-વાચક હતો અને એટલો જ એ ૧૯૫૫ના અમદાવાદમાં ઉમાશંકર ને જયન્તિ દલાલ જેવાની જે સ્ફૂર્તિપ્રદ હાજરી હતી – ઉમાશંકર કહેતા કે દલાલ એટલે સનશાઇન – એનોયે ચાહક હતો. પાછળ નજર કરતાં તે વાતે રાજીપો અનુભવું છું કે બંને ખેંચાણ લગભગ બરોબરીનાં છતાં પસંદગી નિઃસંશય ઉમાશંકર માટે હતી. કારણ, તે વખતે મને છેક આછુંપાતળું જે સમજાતું હતું, તે પશ્ચાદ્‌વર્તી ધોરણે આજની પ્રગલ્ભ હોઈ શકતી ધાટીએ કહું તો પરિષદ-કારણ કોઈ વ્યક્તિગત સત્તા-પ્રતિષ્ઠાનને વશવરતીને ચાલે એ ક્યારેક વિવેકબૃહસ્પતિ કહેવાયેલ ગુજરાતને – અને તે પણ પ્રજાસત્તાક સ્વરાજવર્ષોમાં – શોભીતી વાત નહોતી તે નહોતી.

પછીથી જ્યારે ઉમાશંકરનો ક્ષર-અને-અક્ષર-પરિચય વધ્યો ત્યારે સમજાયું કે એમનામાં શી વાતે સંગતિ અને ધૃતિ હશે. મુનશીગત પરિષદમાં ગાંધીજીએ પ્રમુખપદ લેવાની સ્વીકાર્યું ત્યારે ઉમાશંકરે કહેવાજોગ વિનયપૂર્વક પણ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું. (હવે સ્વાતિ જોશી સંપાદિત પત્રસંચયમાં એનો સમગ્ર પાઠ સુલભ છે.) તે પછી બે’ક દાયકે, ૧૯૫૫માં, નડિયાદમાં ઉમાશંકરે ધ્વજ ઉપાડ્યો (આગળ ચાલતાં ધ્વજદંડ સાહ્યો) એ લાંબી દાસ્તાંમાં નહીં જતાં અહીં એટલું જ કહીશું કે એમાંથી પરિષદનું લોકશાહી રૂપ ખીલ્યું.

ઉમાશંકરનાં અંતિમ વર્ષોમાં આ પ્રશ્ને એમના બાહ્યાભ્યંતર સંઘર્ષનો કંઈક ખ્યાલ આવે છે. ગુજરાતના લોકમતે નોંધવો જોઈતો મુદ્દો અને પરિષદના સર્વસામાન્ય મતદારને પકડાવો જોઈતો મુદ્દો કદાચ એ છે કે અકાદમીની સ્વાયત્તતાનો સંઘર્ષ ખેલી રહેલ પરિષદને સારુ આ બધાં વર્ષ આંતરિક સ્વાયત્તતાની મથામણના પણ રહ્યાં છે.

અક્ષરજીવન અને જાહેરજીવનને શો સંબંધ એવો એક સલામત અંતરનો નિષેધાત્મક સવાલ ઘણી વાર અજબ જેવી માસૂમિયતથી પુછાય છે. એનો મને જડેલો ઉત્તર ગોમાત્રિ અને ઉમાશંકરની સાખે આપું? ઉમાશંકરે ૧૯૫૩ના મે મહિનામાં દર્શક કૃત ‘દીપનિર્વાણ’ વિશે ‘મનહર અને મનભર’ એ મથાળે પ્રાસ્તાવિક વચનો લખતાં નોંધ્યું હતું : આ કૃતિ ગોવર્ધનરામે નિરૂપેલા ‘સાક્ષરજીવન’ના ઉચ્ચ આદર્શની કાંઈક ઝાંખી કરાવે એવા એક લેખકની છે. કર્મશીલ ને કલમશીલ એવી જે એક ઉજમાળી પરંપરા તે, એમ તો, ઉમાશંકરનાં પોતાનાં વચનોમાં પણ સરસ ઝિલાઈ છે : ‘સ્વાતંત્ર્ય, સામાજિક ન્યાય, માનવીય ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનાના સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ જાણે કે કાવ્યરચનાની પૂર્વશરત નહીં તો પણ ભૂમિકા જેવું રહ્યું છે. આ બંને વસ્તુઓ સર્જનકાર્યની વિરોધી જેવી લેખાતી હોય છે. મને એવી લાગી નથી – કહો કે મારે માટે એ બાબતમાં પસંદગીને અવકાશ જ નથી.’ [આત્માની માતૃભાષા, (સમગ્ર કવિતા’ની પ્રસ્તાવના) ૧૯૮૧]

રણજિતરામની પ્રજાસૂય પહેલથી ૧૯૦૫માં ગોવર્ધનરામના પ્રમુખપદે પહેલી પરિષદ મળી. તવારીખની તેજછાયામાં રિનેસાંસની પરંપરામાં તપતે તપતે આયુર્યાત્રાને એકસો પંદરમે ગુજરાતની પ્રજાસૂય પરિષદ એકંદર જાહેર મતને અને સવિશેષ તો પોતાના સર્વસામાન્ય મતદારને કેમ જાણે એક ખરા જિગરનો જાસો આપે છે કે ગોમાત્રિ-ગાંધી શી ગરવી પરંપરામાં પરિષદને એવું નેતૃત્વ સંપડાવવામાં સહાયરૂપ થાઓ જે વ્યક્તિગત કે જૂથગત મહત્ત્વાકાંક્ષાથી અધિક તો સાર્વજનિક ઉચ્ચાકાંક્ષાથી પરિચાલિત હો. નિઃસ્વાર્થ, કર્મઠ ને સત્યને પડખે ટટાર ઊભું રહી નિર્ભયપણે કાર્યરત રહે. આ સંદર્ભમાં સહિયારું દાયિત્વ ને ઉત્તરદાયિત્વ બેઉ સાદ દે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2020; પૃ.23 તેમ જ 22

Loading

15 June 2020 admin
← મોરારિબાપુએ ખોટું તો નથી કહ્યું પણ તેમની ભાષાનું બિયારણ હવે જરૂર બદલાયું છે
મુશ્કેલ સમયમાં (23) →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved