Opinion Magazine
Number of visits: 9817111
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાનો ભોગ બનેલાં અમેરિકનોને ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ની મૌલિક અને સંવેદનશીલ શ્રદ્ધાંજલિ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|25 May 2020

જાણીતી કહેણી છે કે એક વ્યક્તિનું મૃત્યુ કરુણતા છે અને વધુ લોકોનાં મૃત્યુ કેવળ આંકડા. અમેરિકામાં ટ્રમ્પ તંત્રની ઊડીને આંખમાં ખૂંચે એવી બેદરકારીને કારણે કોરોના-મૃતકોનો આંકડો એક લાખે પહોંચવામાં છે, ત્યારે ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સે’ આ પ્રસંગની ગંભીરતા પારખીને, કંઈક અનોખું છતાં સંવેદનશીલ કરવાનું વિચાર્યું. તેનું પરિણામ છે રવિવાર, ૨૪ મે ૨૦૨૦ના ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’નું પહેલું પાનું. તેમાં કોરોનાથી મૃત્યુ પામેલી હજારેક વ્યક્તિઓનાં નામ, વય, સ્થળ અને માણસ તરીકે તેમની ખાસિયત વર્ણવતી એક-એક લીટી—આટલું ભારે જહેમતપૂર્વક સંકલિત કરીને મૂકાયું છે. સમાચારનું પેટામથાળું છેઃ ધે વેર નોટ સિમ્પલી નેમ્સ ઑન અ લિસ્ટ. ધે વૅર અસ. (મૃતકો કંઈ નકરી નામાવલિ ન હતાં. એ આપણા જેવાં જ માણસો હતાં).

મૃતકોનો આંકડો એક લાખે પહોંચે ત્યારે તેની રજૂઆત ચોટદાર રીતે થવી જોઈએ, એવું તો નક્કી હતું. પણ ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’નાં ગ્રાફિક્સ વિભાગનાં આસિસ્ટન્ટ એડિટર સિમોન લૅન્ડન અને તેમના સાથીદારોને લાગતું હતું કે લોકો કોરોના વિશેની માહિતીથી થાક્યા છે. તેમને આ આંકડાની કરુણતાનો અહેસાસ થાય એવું કંઈક કરવું જોઈએ. એ માટે પહેલા પાને એક લાખ ટપકાં કે એક લાખ લીટીઓ મૂકવાનો વિચાર તેમને આવ્યો હતો, પણ તેમાં મૃતકોની ઓળખ ને તેમની સાથે પોતીકાપણાનો ભાવ જોડાય નહીં. પછી લૅન્ડનને વિચાર આવ્યો કે આખા અમેરિકાનાં નાનાં-મોટાં છાપાંમાં પ્રગટ થયેલી શ્રદ્ધાંજલિઓ-મરણનોંધોનું સંકલન કરવું. એ કામ માટે એક સંશોધકને કામે લગાડાયા. તેમણે એકઠી કરેલી વિગતોમાંથી ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ના સ્ટાફની એક ટીમે અને ત્રણ પત્રકારત્વના સ્નાતક વિદ્યાર્થીઓએ સાથે મળીને વિગતો ચૂંટી અને આ યાદી તેયાર થઈ. તેમાં મૃતકની નોંધ કેટલી સરસ રીતે લેવાઈ છે તેનાં ત્રણ-ચાર ઉદાહરણઃ

રોડા હૅચ, ૭૩, શિકાગો, તેમના કુટુંબમાંથી કૉલેજનાં પગથિયાં ચડનાર પ્રથમ વ્યક્તિ. બાર્બરા યઝબૅક વીથૅખ, ૭૪, સેઇન્ટ ક્લૅર શોર્સ, મિશિગન, તેમનાં ડઝન પોતરાંને ઉછેરવામાં મદદ કરતાં હતાં. કમાલ અહમદ, ૬૯, ન્યૂ યૉર્ક સિટી, હૉટેલ બૅન્ક્વેટ વર્કર અને બાંગલાદેશી આગેવાન. ફ્રેડરિક કાર્લ હૅરિસ, ૭૦, મેસેચુસેટ્સ, પ્રસન્ન હાસ્ય.

હજારેક મૃતકોનું આવું વર્ણન તેમનાં નામને માત્ર નામાવલિ બનતાં અટકાવે છે અને સાવ અજાણ્યા વાંચનારને પણ, કમ સે કમ થોડી વાર માટે, સ્પંદિત કરી શકે છે. શરૂઆતમાં એક વિચાર એવો પણ હતો કે આખું પહેલું પાનું તસવીરોથી ભરી દેવું. (જે પણ થાય તેમાં પહેલું પાનું આખેઆખું વાપરવાનું તો નક્કી હતું) છેવટે, નામ અને વ્યક્તિની એકાદ ખાસિયતના વર્ણનનો ભારે કડાકૂટવાળો આઇડિયા અમલ માટે પસંદગી પામ્યો. બાળબોધી ચબરાકીગ્રસ્ત મથાળાં, પ્રાથમિક કક્ષાની શબ્દરમતો અને ‘અપની અદા પે મૈં હું ફીદા’માં રાચતાં પ્રસાર માધ્યમો સામે ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ની સંવેદનસભર મૌલિકતાનું મૂલ્ય વધારે સમજાય એમ છે.

કાર્ટૂન સૌજન્ય : મરિઆન કમેનસ્કી

ભારતના સંદર્ભે આવું પાનું બનાવવાનું થાય તો તેમાં સરકારની ઘોર બેદરકારી, આયોજનના અભાવ અને તે બધાથી ચડે એવી અસંવેદનશીલતાને કારણે ભારતના બળબળતા ઉનાળામાં સેંકડો કિલોમીટર ચાલીને પગપાળા પોતાના વતન પહોંચેલા અને જીવતાં નહીં પહોંચી શકેલાં શ્રમિકોનાં નામ આ રીતે મૂકવાં પડે. જો કે, શ્રમિકો વિશેના પરિચયની એક લીટી પણ ક્યાંથી લાવવી, એ સવાલ રહે. કારણ કે ન તેમની શ્રદ્ધાંજલિ વાંચવા મળે કે ન તેમના મૃત્યુની નોંધ. તેમને માણસમાં ગણનારા – માણસ તરીકે જોનારા જ પ્રમાણમાં ઓછા હોય, ત્યાં બીજી વાત ક્યાં રહી? અને હા, ભારતની દશા અંગે ઉપરનું કાર્ટૂન બનાવવાનું થાય તો તેમાં ટી.વી.ના પડદે, માસ્ક બાજુ પર મૂકીને, સાબુને પાણીને ફૂંકો મારીને રંગબેરંગી પરપોટા ઉડાડતા અને તેનાથી હરખાતા વડાપ્રધાનનું કૅરિકેચર મૂકવાનું થાય. નીચે, વડાપ્રધાનની કાર્યક્ષમતાનાં વખાણ કરતું, તેમના આંખે પાટા બાંધેલા સમર્થકોનું ચહેરા વગરનું ટોળું પણ બતાવી શકાય.

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 મે 2020

Loading

25 May 2020 admin
← કોરોનાનો ભોગ બનેલા પદ્મશ્રી સન્માનિત રાગી નિર્મલસિંઘ ખાલસાના અંતિમ દિવસ અને અંતિમ સંસ્કારની કહાણી
ન્યાયની પ્રક્રિયા સારુ ડાબે ઝૂકતી લોકશાહી પ્રક્રિયાનો મરમ ને માયનો →

Search by

Opinion

  • जब कैमरा बोला करता था … 
  • હમ ‘આપ’ કે હૈં કૌન?
  • આશા ભોસલેઃ પીડા, આઝાદી, આનંદના સૂરો વચ્ચેના પ્રવાસમાં પોતાની મીંડ શોધી જીવનારાં
  • લોકશાહીનો ‘શાંત કોલાહલ’ : હંગેરીની યાદ અપાવતું ભારતનું ભારે મતદાન
  • ચલ મન મુંબઈ નગરી—338 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા
  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved