
પ્રભુદાસ ગાંધી
સાબરમતી આશ્રમના આરંભનાં વર્ષોમાં રાષ્ટ્રીય શાળા શરૂ કરવામાં આવી હતી. જેમાં આચાર્ય કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, વિનોબા, નરહરિભાઈ પરીખ, જુગતરામભાઈ દવે જેવા પ્રતિભાશાળી શિક્ષક હતા. બાપુજીના આદેશ અનુસાર વિદ્યાર્થીઓને પૂર્ણ સ્વતંત્રતાનો નિયમ હતો. કોઈ પ્રકારની સજા કે માર નહીં મારવાનો આદર્શ હતો, જે એ જમાના માટે નવો પ્રયોગ હતો. પરિણામે અમે વિદ્યાર્થીઓ સાવ બેપરવા થઈ ગયા હતા. કિશોરલાલભાઈ રેખાગણિતનો વર્ગ લેવાનો શરૂ કરે, અને મારા જેવા અલ્લડ લંગોટ બાંધીને સાબરમતી નદીમાં તરવા પહોંચી જાય.
મને અભ્યાસમાં જોતરી દીધો
હું ઉદ્દંડ તો હતો જ; એક દિવસ આ શિક્ષકો વિશે કંઈ ને કંઈ ફરિયાદો લખીને એ કાગળ બાપુને આપ્યો. બાપુએ વાંચ્યો, બોલ્યા : ‘ઠીક છે.’ પછી એમણે એ પત્ર શિક્ષકોની સભામાં મૂક્યો. મેં મારી વાત રજૂ કરી. મારે વ્યાકરણ શીખવાની કંઈ જરૂર નથી. મારી માએ ભાષા શીખવતી વખતે વ્યાકરણ શીખવ્યું હતું. અને સંસ્કૃતનાં રૂપ-વિભક્તિ વગેરે યાદ કરવાની ઝંઝટ મારાથી થશે નહીં. સભામાં ચર્ચા ચાલી. વિનોબાએ કહ્યું, ‘પ્રભુદાસને મને સોંપી દો, હું પ્રયોગ કરી જોઉં. હું શીખવું એ પાઠના બધા શબ્દો શબ્દકોશમાં જોઈને તેના અર્થ એણે સમજી લેવાના.’
મેં હા ભણી. પરંતુ થયું શું ? એ તો ૧૫-૨૦ મિનિટ ભણાવતા, પરંતુ એની તૈયારીમાં મારે ત્રણ-ચાર કલાક શબ્દોના અર્થ શોધવામાં લાગી જતા. વળી એ ભણાવતા પણ હતા ખાતાં ખાતાં ! થોડું શીખવતા હતા, પણ ગહન શીખવતા હતા. ‘રઘુવંશ’નો બીજો અધ્યાય, વાલ્મીકિ રામાયણમાં પ્રવેશ, નીતિશતક, બ્રહ્મસૂત્રની પ્રસ્તાવના વગેરે. પછી તો ઘણી વાર કહેતો પણ ખરો કે વ્યાકરણ શીખવોને. તો જવાબ મળતો, ‘તારે તો વ્યાકરણ શીખવાનું નથી ને ? તને તો આવડે છે ને !’ આમ, હું એમનો વિદ્યાર્થી બની ગયો. તેમ છતાં બાપુ પાસે મારી ફરિયાદો પહોંચતી કે વિનોબા તો સૂતાં સૂતાં ભણાવે છે, સામાવાળાને તો કાંઈ ગણતા જ નથી, પોતાને જ ‘સબકુછ’ સમજે છે …. વગેરે વગેરે.
કઠોર, પણ કેવા મૃદુ – માખણ જેવા !

વિનોબાજી
એ વાતને બે વર્ષ થઈ ગયાં. હવે પૂરો સમય હું એમના સાંનિધ્યમાં રહેતો હતો. સવારે ચાર વાગે મને ઉઠાડે. બ્રહ્મમુહૂર્તમાં મને સાબરમતી નદીમાં સ્નાન કરવા લઈ જતા. સ્નાન-પ્રાર્થના પછી નિયમસર વ્યાયામનો કાર્યક્રમ રહેતો. પછી પોતાની કુટિર પાછળ નદીના કાંઠે પૂર્વ બાજુ બેસીને, આસન લગાવીને પોતાના ભજન-ચિંતનમાં તલ્લીન થઈ જતા – જાણે આ જગતને ભૂલી ગયા હોય ! તુકારામ – જ્ઞાનેશ્વરનાં ભજન ગાતાં ગાતાં એ આનંદ-સમાધિમાં ડૂબી જતા. એમની આંખોમાંથી એકધારી આંસુની ધારા વહેતી. આ બધું હું જોતો અને વિચારવા લાગતો કે જીવનમાં સાવ રૂખા-સૂખા, કોઈની સાથે માયા-મમતા ના રાખનારા, રાત-દિવસ કઠોર જીવન જીવનારા વિનોબા હૃદયથી કેટલા મૃદુ, માખણ જેવા છે !
એક વાર હું વિનોબા પાસે ભણવા જઈ રહ્યો હતો, રસ્તામાં બાપુ મળ્યા. પૂછવા લાગ્યા, ‘કોઈ રાવ-ફરિયાદ ?’
‘ના, ના, બિલકુલ નહીં. મારા તો એ ગુરુ છે.’
‘તો એમ કરો, આજે પ્રાર્થનામાં એમની માફી માંગો.’
…. અને સાંજની પ્રાર્થનામાં બધાં વચ્ચે આંખમાં આંસુ સાથે મેં માફી માગી અને કહ્યું, ‘ગુરુ હોય તો આવા જ હજો.’
અમે કાંઈ બોલી જ ન શક્યાં
એ વખતે એમનું બપોરનું ભોજન લઈ આવવાનું કામ મને સોંપ્યું હતું. મહિનાઓ સુધી આ કામ ચાલ્યું. વીસ મિનિટમાં એ ભોજન કરી લેતા. સાથે સાથે મને ભણાવતા પણ હતા. ચાવી-ચાવીને ખાતા હતા. વીસ મિનિટમાં બરાબર ચાવીને ખાઈ શકાય એટલો જ ખોરાક લેતા હતા. ત્રણ નાની રોટલી, થોડુંક શાક, થોડીક દાળ, બસ ! કસ્તૂરબા થાળી પીરસીને મને આપતાં. પછી કોણ જાણે કેમ એમણે આ આહાર પણ બંધ કરી દીધો. દૂધ અને ખારેક પર રહેવા લાગ્યા. અમારા ઘેર કોક દિવસ ભોજન કરે એવો મારી બાનો બહુ આગ્રહ હતો. એક વાર ઘેર આવ્યા. એમનું ભોજન હતું ૩૫૦ ગ્રામ દૂધ અને ગણેલી પાંચ ખારેકો ! બસ, દિવસમાં બે વાર આ જ ખોરાક લેતા હતા. આટલું ખાવામાં એમણે અર્ધો કલાક કર્યો. થોડુંક વધારે લે એવી બાને ઉત્કટ ઇચ્છા થતી હતી. પણ મા અને હું કાંઈ બોલી જ ન શક્યાં. એટલું ઉગ્ર એમનું તેજ હતું.
રસ્તા વચ્ચે ત્યાં વાઘ ઊભો હતો
એક વાર સહ્યાદ્રિ પર્વતના જંગલમાં વિનોબા અને બે સહપાઠી સાથે પ્રતાપગઢનો પગપાળા પ્રવાસ કરતા અમે જતા હતા. નિશ્ચિત રસ્તો છોડીને પહાડ પર સીધા ચડવા લાગ્યા. પછી ભૂલા પડ્યા. આગળ જઈ શકાય એમ જ નહોતું. અમને ત્રણને એક ખુલ્લી જગ્યામાં મૂકીને વિનોબા રસ્તો શોધવા ગયા; પણ મળ્યો નહીં. એટલે પાછા આવીને ગંભીર અવાજે બોલ્યા, ‘જે રસ્તેથી આવ્યા, ત્યાંથી જ પાછા ચાલો. આખરે કિલ્લાના ચોગાન પાસે પહોંચી ગયા, ત્યાં ખાધું.
પછી જોયું તો વિનોબાને તાવ આવી ગયો હતો. અમને કોઈને તાવ આવે તો એ કહેતા કે તાવ આવ્યો નથી, તમે એને લાવ્યા છો. હવે એમના શબ્દો એમને સંભળાવતાં મેં કહ્યું, “તમને તાવ આવ્યો નથી, તમે લાવ્યા છો.”
જવાબમાં એમણે કહ્યું, “હું તાવ લાવ્યો નથી, પણ તારા કારણે મને તાવ ચડ્યો છે. રસ્તો મળતો નહોતો, આવેલા રસ્તે પાછા ફરવાનું મેં કહ્યું ત્યારે ત્યાં એક વાઘ ઊભો હતો. વીજળીની પેઠે એની આંખો ચમકી રહી હતી. એ વખતે તમને કહ્યું હોત તો તમે લોકો ભાગવા લાગત અને મોટી મુસીબત થઈ જાત. મનમાં ભારે ચિંતા પેદા થઈ કે જો તમને કશુંક થયું હોત તો કાશીબહેન સામે કયું મોઢું લઈને ઊભો રહી શકીશ ?”
वज्रादपि कठोराणि मृदुनि कुसुमादपि − એવું એમનું હૃદય હતું !
(પ્રભુદાસ ગાંધીના હિંદી લેખનો અનુવાદ)
સ્ત્રી અધ્યાપન મંદિર સામે, ગાંધી આશ્રમ, અમદાવાદ – ૩૮૦ ૦૨૭
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 નવેમ્બર 2023; પૃ. 09 તેમ જ 17
![]()


When citizens cannot engage in rational, thoughtful discussions, the health of democracy is in peril