
રાજ ગોસ્વામી
બે મહિના પહેલાં, આપણે આ કોલમમાં લખ્યું હતું કે, “પૂર્વોત્તર રાજ્યો પ્રત્યે દેશના બાકી ભાગોમાં કેવી ઉપેક્ષા છે તેનું તાજું ઉદાહરણ મણિપુર છે. મણિપુરમાં સ્થાનિક જાતિઓ વચ્ચે સ્ફોટક પરિસ્થિતિ નિર્માણ થઇ છે, પરંતુ તેમને મુખ્ય ધારાનાં મીડિયામાં તેના વિશે કશું જ વાંચવા નહીં મળે. મણિપુરમાં આદિવાસી સમૂહો વચ્ચે હિંસાનાં પગલે લશ્કરે ફ્લેગ માર્ચ કરી છે. ઇમ્ફાલ, ચુરચાંદપુર અને કોંગપોકપીમાં હિંસક ઘટનાઓ પછી રાજ્યના આઠ જિલ્લાઓમાં અચોક્કસમુદ્દતનો કર્ફ્યું લાદવામાં આવ્યો છે. મણિપુર સરકારે આગામી પાંચ દિવસ સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. રાજ્યના વિવિધ ભાગોમાં હિંસાના પગલે 4,000 લોકોએ લશ્કરી અને સરકારી છાવણીઓમાં આશ્રય લીધો છે.
ભારતીય મહિલા મુક્કેબાજ મેરી કોમે ગુરુવારે વહેલી સવારે લગભગ પોણા ત્રણે વાગે ટ્વીટ કરીને વડા પ્રધાનની મદદ માગી હતી. તેણે લખ્યું હતું, “મારું રાજ્ય મણિપુર સળગી રહ્યું છે. મહેરબાની કરીને મદદ કરો.” મેરીએ વડા પ્રધાન મોદી, વડા પ્રધાન કાર્યાલય, ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને ટેગ કરીને હિંસાની તસવીર પણ જોડી હતી.”
અગાઉ લખ્યું હતું તેમ, તાજેતરની ઉશ્કેરણીનું નવું કારણ મણિપુર હાઇકોર્ટનો એ ફેંસલો હતો, જેમાં તેણે બહુમતી (53 ટકા) મૈતેઈ સમુદાયના લોકોને અનુસૂચિત જનજાતિનું આરક્ષણ આપવા કહ્યું હતું. તેનાથી કૂકી લોકો અકળાયા હતા અને તેમની એક વિરોધ રેલીમાંથી હિંસાની શરૂઆત થઇ હતી. બંને સમુદાયો વચ્ચેના અવિશ્વાસનો મામલો 1960ના દાયકા જૂનો છે અને સમય સમય પર તેમની વચ્ચે હિંસા થતી રહી છે.
અલગ-અલગ સરકારોએ અલગ-અલગ રીતે આ સમસ્યાને ઉકેલવા પ્રયાસ કર્યા છે, પરંતુ રાજકીય લાભ લેવાની વૃત્તિ કહો, અણઆવડત કહો, ઉત્તર-પૂર્વના પ્રદેશો તરફ બાકી ભારતની ઉદાસી કહો કે પછી આ ત્રણે બાબતોનો સરવાળો કહો, સરવાળે મણિપુર સળગતું જ રહ્યું છે અને વર્તમાન બિરેન સિંહની સરકારમાં એ આગમાં ઘી હોમાયું છે. આરોપો તો એવા થઇ રહ્યા છે કે બિરેન સિંહની સરકારે આ વખતે મૈતેઈ સમુદાયનો પક્ષ લઈને કૂકી સમાજના લોકોને નિશાન બનવા દીધા છે.
બીજી બાજુ, સરકારનો દાવો એવો છે કે કૂકી લોકો મોટા પ્રમાણમાં ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલા છે (કૂકીઓનું મણિપુરના પર્વતીય વિસ્તારોમાં પ્રભુત્વ છે) અને પાડોશી મ્યાનમારમાંથી પણ ઘણા ઘુસણખોરો એમાં મદદ કરી રહ્યા છે. બિરેન સિંહની સરકારે ડ્રગ્સના ધંધા પર અને ઘુસણખોરી પર પંજો કસ્યો છે એટલે કૂકીઓને તે ગમ્યું નથી.
ગમે તે કારણ હોય, પણ મેરી કોમના મણિપુરની એ આગ ન ઠરી અને ઊલટાની એવી વકરી કે કૂકી સમાજની બે મહિલાઓને નગ્ન કરીને સાર્વજનિક રીતે તેમની સાથે બેઈજ્જતીના એક વીડિયો મારફતે એ આગની જાણકારી આખી દુનિયાને થઇ. ભારતની સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ચેતવણી આપવી પડી કે સરકાર જો કોઈ પગલાં નહીં ભરે તો અમારે કંઇક કરવું પડશે.
વડા પ્રધાન, જે છેલ્લા બે મહિનાથી મણિપુરના મુદ્દે મૌન હતા, તેમણે ચુપ્પી તોડવી પડી અને દેશના લોકોને કહેવું પડ્યું કે આ ઘટનાથી તેમને વ્યથા થઇ છે અને 140 કરોડ લોકોને શરમ અનુભવવી પડી છે. મણિપુરની દીકરીઓ સાથે જે થયું છે તેને માફ કરી શકાય તેમ નથી.

વિરોધ પક્ષો જ નહીં, નાગરિક સમાજના લોકો અને મણિપુરમાં ભા.જ.પ.ના જ નેતાઓએ પણ કહ્યું કે વડા પ્રધાને મણિપુરની હિંસામાં સમયસર પગલું ભરવામાં મોડું કરી દીધું છે. વીડિયો આવ્યા પછી મણિપુરની પોલીસે આ સ્ત્રીઓને નગ્ન કરનાર 7 લોકોની ધરપકડ કરી છે, પરંતુ ત્યાંના મૈતેઈ અને કૂકી સમાજ વચ્ચે વૈમનસ્ય અને અવિશ્વાસની જે ખાઈ પહોળી થઇ છે તે જલદી ભરાવાની નથી.
ઊલટાનું, મણિપુરની ઘટનાના પડઘા પૂરા ઉત્તર-પૂર્વમાં અને દિલ્હીની રાજનીતિમાં પડ્યા છે. નજીકના મિઝોરામમાંથી મૈઈતી સમુદાયના લોકોએ ઉચાળા ભરવાના શરૂ કર્યા છે. મણિપુરની હિંસાના પગલે મિઝોરામમાં ‘આદિવાસીઓ માટે ન્યાય’ની રેલીનું આયોજન થતાં, સોમવારે 1,000 મૈતેઈ લોકો આસામ જતા રહ્યા હતા. આસામ સરકારે સરહદ પર રાહત શિબિરો પણ સ્થાપી છે. બીજી તરફ, ઓલ આસામ મણિપુર સ્ટુડન્ટ એસોસીએશને મિઝો લોકોને આસામ ખાલી કરવાની ધમકી આપતાં દક્ષિણ આસામમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
શાંતિ માટે સુરક્ષા બળોના તમામ પ્રયાસો છતાં, 26મી તારીખે મ્યાનમાર સરહદે આવેલા એક ગામમાં 30 ખાલી ઘરોને સળગાવી દેવાંમાં આવ્યાં હતા. એ પહેલાં, સુરક્ષા બળોને લઇ જવા માટેની બે બસોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે છેલ્લાં 9 વર્ષમાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં શાંતિ સ્થાપવા માટે ઘણી મહેનત કરી છે અને તેમાં ઘણા અંશે સફળતા પણ મળી છે, પરંતુ જાણકાર લોકો કહે છે કે મણિપુરની હિંસાને જો ડામવામાં ન આવી તો કર્યું કારવ્યું ધૂળમાં મળે તેમ છે.
વૈશ્વિક આતંકવાદ પર નજર રાખીને તેનાં સંભવિત જોખમો પર લોકોને અને સરકારોને સાવધ કરવાનું કામ કરતા અમેરિકા સ્થિત કાઉન્ટર ટેરરિઝમ ગ્રુપના 19 જૂનના એક અહેવાલ અનુસાર, મણિપુરના મૈતેઈ અને કૂકી સમુદાયના લોકોના સામાજિક, રાજકીય અને આર્થિક અસંતોષને જો દૂર કરવામાં નહીં આવે, તો આતંકવાદની દૃષ્ટિએ ઉત્તર-પૂર્વ સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુઃખાવો બનેલું રહેશે.
અહેવાલ લખે છે, “એવી પૂરી શક્યતા છે કે મણિપુરની અશાંતિ પાડોશી રાજ્યોમાં ફેલાઈ જાય. અન્ય રાજ્યોમાં રહેતા નિરાશ્રિતો ખાવા-પીવા અને આશ્રયોમાં ભાગ પડાવશે અને એથી સ્થાનિક લોકોમાં નારાજગી વધશે. મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાના સૂચનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં ધ્રુવીકરણ ઊભું થયું છે.”
મણિપુરે કેન્દ્રની રાજનીતિમાં પણ આકરું ધ્રુવીકરણ ઊભું કર્યું છે. 18મી જુલાઈએ શરૂ થયેલા સંસદના ચોમાસું સત્ર પર મણિપુર છવાયેલું રહ્યું હતું. આ લખાય છે ત્યાં સુધી, આખું અઠવાડિયું કોઈ કામકાજ વગર જ પસાર થયું છે. વિરોધ પક્ષોના નવા સંગઠિત ‘ઇન્ડિયા’ મોરચાએ મણિપુર અંગે સંસદમાં ચર્ચાની અને વડા પ્રધાનના નિવેદનની માંગણી કરીને બંને ગૃહોને ઠપ્પ કરી દીધાં હતા. કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઓફિસમાં એકઠા થયેલાં વિપક્ષી નેતાઓએ નક્કી કર્યું હતું કે ગૃહમાં મણિપુરની ચર્ચા ન થાય અને વડા પ્રધાન નિવેદન ન કરે તો કોઈ કામકાજ થવા ન દેવું.
સરકાર (જો રાજસ્થાન અને બંગાળમાં સ્ત્રીઓ પર અત્યાચારની ચર્ચા પણ કરવામાં આવે તો) મણિપુર અંગે ચર્ચા માટે તૈયાર હતી, પરંતુ વિરોધ પક્ષો વડા પ્રધાનનું નિવેદન માગી રહ્યા છે, જેના માટે સરકાર તૈયાર નહોતી. મણિપુરનો વીડિયો સામે આવ્યો અને સુપ્રીમ કોર્ટે પણ સખ્ત ટીપ્પણી કરી તે દિવસે સંસદમાં આવતાં પહેલાં, વડા પ્રધાને બહાર પત્રકારો સમક્ષ ઘટનાની ટીકા કરતુ નિવેદન કર્યું હતું, પરંતુ વિપક્ષી નેતાઓની માંગ હતી કે વડા પ્રધાને ગૃહમાં બોલવું જોઈએ. સરકાર આના માટે તૈયાર નહોતી.
છેવટે, 26 પક્ષોના ‘ઇન્ડિયા’ મોરચે મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મુકવાનું નક્કી કર્યું હતું. 543 સભ્યોના ગૃહમાં, ભા.જ.પ.ની આગેવાની હેઠળના એન.ડી.એ. મોરચા પાસે 330થી વધુ સભ્યો છે, ઇન્ડિયા પાસે 140ની આસપાસ છે અને 60 સભ્યો બંનેમાંથી એકે ય જૂથમાં નથી. દેખીતી રીતે જ, સરકાર આ પ્રસ્તાવ જીતી જવાની છે, પરંતુ વિપક્ષો માટે મુદ્દો એ નથી. તેમને તો મણિપુરના મુદ્દે સરકારને ઘેરવી છે અને એ બહાને ગૃહમાં વડા પ્રધાનનું મોઢું ખોલાવું છે.
સંસદીય લોકશાહીમાં, અવિશ્વાસના પ્રસ્તાવને વિપક્ષોનું હથિયાર કહેવાય છે. પ્રસ્તાવ મારફતે તે સરકારની નિષ્ફળતાની ગૃહમાં ચર્ચા કરે છે અને સરકારે તેનો જવાબ પણ આપવો પડે છે. 1999માં, અટલ બિહારી વાજપેઈની સરકાર એક મતથી અવિશ્વાસનો પ્રસ્તાવ હારી ગઈ હતી, પરંતુ ગૃહમાં તેની જે વિસ્તૃત ચર્ચા થઇ હતી તે આજે પણ સંસદીય લોકશાહીના વિધાર્થીઓ માટે અગત્યનો પાઠ છે. 2018માં, આંધ્ર પ્રદેશના મુદ્દે તેલુગુ દેસમ પાર્ટી મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી હતી, જે 199 મતોથી સરકાર જીતી ગઈ હતી.
તે વખતે, પ્રસ્તાવનો જવાબ આપતાં, વડા પ્રધાન મોદીએ કાઁગ્રેસને ટોણો માર્યો હતો, “તમે જરા વધુ મહેનત કરો એવી હું આશા કરું છું, જેથી 2023માં તમને ફરીથી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો અવસર મળે.”
કાઁન્ગ્રસે તો એના માટે શું મહેનત કરી હતી એ તો ખબર નથી, પણ મણિપુરની બિરેન સિંહની સરકારે તો ચોક્કસ એવી સ્થિતિ સર્જી છે કે મણિપુરમાં બે સમુદાયો વચ્ચે જે અવિશ્વાસ પેદા થયો છે તે સંસદમાં પણ પહોંચ્યો છે.
લાસ્ટ લાઈન:
“માણસો બ્રિજ ઓછા અને દિવાલો વધુ બનાવે છે.”
— જોસેફ ફોર્ટ ન્યુટન, અમેરિકન ધર્મઉપદેશક
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 30 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



મણિપુરની આ હિંસામાં જમીન પરના અધિકારોનો પ્રશ્ન તો છે જ પણ ભારત-મ્યાનમાર સરહદે થતો હેરોઈનનો ગેરકાયદે વ્યાપાર આ સંઘર્ષને તીવ્ર બનાવે છે. મણિપુરના ડુંગરાળ પ્રદેશમાં પૉપીની મોટા પાયે ખેતી થાય છે, ખસખસના આ છોડમાંથી અફીણ બને છે અને મણિપુરની સરહદેથી તેનો બેફામ ગેરકાયદે વેપાર ચાલે છે. મણિપુરની હિંસામાં નાર્કોટિક્સ એક ન ટાળી શકાય એવો ભાગ ભજવે છે. જમીનના હકનો ટંટો મોટો થાય છે કારણ કે આદિવાસી પ્રજાતિઓ અફીણની ખેતમાં સંડોવાયેલી છે, તેમનું આર્થિક ગાડું આ નશાના જોર પર ચાલે છે. આ પરિસ્થિતિ વધારે જટિલ બને કારણ કે મ્યાનમાર સશસ્ત્ર શરણાર્થીઓને આ તરફ ધકેલે છે. આતંકી જૂથોને નાર્કોટિક્સના વ્યાપારથી ફાયદો થાય છે અને મૈતેઈ જાતિના લોકો કુકી જાતિના લોકોને આ તમામ માટે જવાબદાર ઠેરવે છે. સ્વાભાવિક છે કે કુકી જાતિના જે લોકો આમાં હિસ્સેદાર નથી તેમને આ ‘લેબલ’ સામે વાંધો હોય જ. ત્યાં શાસક વર્ગ અને વિરોધ પક્ષ વચ્ચેનું રાજકારણ પણ હિંસાની આગમાં ઘી હોમવાનું કામ કરે છે. તાજેતરમાં પણ એ મુદ્દો ઊઠ્યો કે મણિપુરના મુખ્ય મંત્રીએ ‘ડ્રગ્ઝ સામેનું યુદ્ધ’ જાહેર કર્યું એમાં સંજોગો ધાર્યા કરતાં વધારે વણસ્યા. વળી અફીણના વ્યાપારના ઇતિહાસ વિશે વિગતવાર લખનારા પ્રસિદ્ધ લેખ અમિતવ ઘોષે હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં એમ વાત કરી હતી કે હિંસાનું વિશ્લેષણ થાય ત્યારે અફીણના વ્યાપારને ગણતરીમાં લેવો જ પડે.
તમને કદાચ જાણ હશે કે કે.આર. નારાયણન્ જન્મે દલિત હતા. કેરળના એક નાનકડા ગામમાં તેમનો જન્મ થયો હતો અને હરિજન સેવક સંઘની આશ્રમશાળામાં તેમનું શિક્ષણ થયું હતું. ભણવામાં હોંશિયાર હતા, સ્કોલરશીપ મળતી હતી અને અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કર્યા પછી તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસમાં પ્રવેશ મળ્યો હતો. તેમને જે.આર.ડી. તાતાએ સ્કોલરશીપ આપી હતી અને એ ઉપરાંત કનૈયાલાલ મુનશીએ તેમના અંગ્રેજી સામયિક ‘સોશ્યલ વેલ્ફેર’ના લંડનના પ્રતિનિધિ બનાવ્યા હતા. એ સમયે વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને રાજનીતિશાસ્ત્રી હેરોલ્ડ લાસ્કી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસના વડા હતા અને વિશ્વપ્રસિદ્ધ ફિલસૂફ કાર્લ પોપર તેમ જ એટલા જ ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને રાજનીતિશાસ્ત્રી ફ્રેડરિક હાયેક ત્યાં ભણાવતા હતા. નારાયણન્ આ ત્રણેયના વિદ્યાર્થી હતા અને લાસ્કીના તો લાડલા હતા.