ભારતમાં અત્યારે અર્થતંત્રમાં તેજીનો પુનઃસંચાર થઈ રહ્યો છે એવી વાતો, ખાસ કરીને શાસકો દ્વારા કરવામાં આવે છે. પણ ૨૦૨૧ના ડિસેમ્બરમાં બેકારી વધીને ૭.૯૧% થઈ હતી જે ૨૦૧૮-૧૯માં ૬.૩% હતી અને ૨૦૧૭-૧૮માં ૪.૭% હતી. શહેરી વિસ્તારોમાં ૨૦૨૧માં બેકારીનું પ્રમાણ ૯.૩૦% હતું અને ગ્રામીણ વિસ્તારોમાં બેકારીનું પ્રમાણ ૭.૨૮% હતુ. ૨૦૧૯-૨૦ અને ડિસેમ્બર ૨૦૨૧ વચ્ચે ઉદ્યોગોમાંથી ૯૮ લાખ નોકરીઓ ઓછી થઈ અને ખેતીના ક્ષેત્રે ૭૪ લાખનો વધારો થયો. આ ઘટના અંગ્રેજોના શાસનમાં ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને કારણે ભારતમાં ઉદ્યોગોના ક્ષેત્રે ઘટેલી રોજગારી અને ખેતીના ક્ષેત્રે શ્રમિકોનો વધારો થયો તેની યાદ આપે છે.
નોકરીઓની ગુણવત્તા પણ કથળી છે. ઉજળિયાત નોકરીઓ જેમાં ચૂકવાતા વેતનને અંગ્રેજીમાં સેલેરી કહેવામાં આવે છે તેનું પ્રમાણ ઘટ્યું. ૨૦૧૯-૨૦માં એ પ્રમાણ ૨૧.૨% હતું જે ઘટીને ૨૦૨૧માં ૧૯% થયું. આનો અર્થ એવો થાય કે એટલા પ્રમાણમાં લોકો બેકાર થયા અથવા બિનસંગઠિત ક્ષેત્રમાં જોડાયા. જો કે, બિનસંગઠિત ક્ષેત્ર પોતે પણ સંકોચાયું છે. આ સમય દરમિયાન કુલ રોજગારી ૪૦.૮૯ કરોડ હતી. એ ઘટીને ૪૦.૦૬ કરોડ થઈ. દરમિયાન એક કરોડ યુવાનો રોજગારીની શોધમાં શ્રમના બજારમાં આવ્યા હતા.
વ્યાપક રીતે પ્રવર્તતી બેકારીનું એક પરિણામ એ આવ્યું છે કે ભારતમાં જેને અર્થશાસ્ત્રમાં શ્રમની સામેલગીરીનો દર કહેવામાં આવે છે તે ઘણો નીચે રહે છે. ૨૦૨૦માં તે ભારતમાં ૪૬% હતો એટલે કે કામ કરી શકે એ વયના ૪૬% લોકો રોજગારીમાં હતા કે બેકાર હતા. જે લોકો રોજગારીની શોધમાં હોય અને બેકાર હોય તેને પણ સામેલગીરીના દરમાં સમાવવામાં આવે છે. જે લોકો રોજગારીની શોધમાં ન હોય એને જ શ્રમના સામેલગીરીના દરમાં સમાવવામાં આવતાં નથી. ભારત જેવા વિકાસશીલ દેશમાં સામેલગીરીનો દર કેટલો હોય છે તેના કેટલાક આંકડા નોંધીએ. બ્રાઝિલમાં ૫૭%, ચિલીમાં ૫૭%, ચીનમાં ૬૭%, ઘાનામાં ૬૬% અને મલેશિયામાં ૬૪% હતો. આનો અર્થ એ થાય કે ભારતમાં આપણે શ્રમશક્તિનો પ્રમાણમાં ઓછો ઉપયોગ કરીએ છીએ. આપણી ગરીબીનું આ એક કારણ છે.
ભારતમાં રાજ્યો દીઠ બેકારીનો પ્રમાણમાં મોટો તફાવત છે. ૨૦૨૧ના ડિસેમ્બરમાં સૌથી વધારે બેકારી હરિયાણામાં હતી જે ૩૪% હતી. બીજા નંબરે રાજસ્થાન હતું જ્યાં ૨૭% લોકો બેકાર હતા. ત્રીજા નંબરે ઝારખંડ હતું જ્યાં ૧૭% લોકો બેકાર હતા. બિહારમાં બેકારીનું પ્રમાણ ૧૬% હતું.
એન.એસ.એસ.ઓ.ના રિપોર્ટ પ્રમાણે ૨૦૧૯માં ભારતમાં ૪૫ વર્ષમાં સૌથી વધારે બેકારી હતી. ખાસ કરીને યુવાનોમાં બેકારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. ૨૦થી ૨૪ વર્ષની વયની વ્યક્તિઓમાં તે ૩૪% હતું. અને ૨૦થી ૨૯ વર્ષની વયની વ્યક્તિઓમાં બેકારીનું પ્રમાણ ૨૮% હતું. એનો અર્થ એવો થાય કે ૩ કરોડ યુવાનો બેકાર હતા એની સરખામણીમાં ૨૦૧૭માં ૧.૭૮ કરોડ લોકો બેકાર હતા. એ જુદી વાત છે કે કાંદાના ભાવની જેમ યુવાનોની બેકારી ચૂંટણીનો મુદ્દો બનતો નથી. પણ શાસકોએ યુવાનોની બેકારીને દેશની એક નંબરની સમસ્યા ગણવી જોઈએ. દુર્ભાગ્યે જેનાથી રોજગારી વધે એ મૂડી રોકાણમાં ઘટતું જાય છે. ૨૦૧૧માં એ જી.ડી.પી.ના ૩૪.૩% હતું, ૨૦૨૦માં એ ઘટીને ૨૭% થયું છે.
સંગઠિત ક્ષેત્રમાં બેકાર થયેલા લોકો પાસે પ્રોવિડન્ટ ફંડ રૂપે સંચિત બચત હોય છે એનાથી એ કામ ચલાવે છે. પણ બિનસંગઠિત ક્ષેત્રમાં, મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં આવી કોઈ સગવડ હોતી નથી. એ લોકો માટે આજે ‘મનરેગા’ સામાજિક સલામતીની યોજના બની છે. ૨૦૧૯માં ૮.૫૬ કરોડ મજૂરદિવસોની રોજગારી સર્જાઈ હતી જે વધીને એપ્રિલ-ઑક્ટોબર ૨૦૨૧ના ગાળામાં ૧૧ કરોડ હતી. આમ જેની વડા પ્રધાન મોદીએ એક વખત હાંસી ઉડાવી હતી એ યોજના જ આજે લોકો માટે રાહતરૂપ થઈ છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 10 તેમ જ 12