૧૫મી જૂન, ૨૦૨૦ના રોજ ભારતીય સૈન્યે ચીની સૈનિકો દ્વારા સમજૂતી તોડીને કરાયેલા નિર્માણને પડકાર્યું. તેમાંથી થયેલી હાથોહાથની લડાઈમાં ભારતના વીસ જવાનો શહીદ થયા. વર્ષો જૂના રોગે-સીમાવિવાદે વળી પાછો ઉથલો માર્યો. તેમ છતાં વડાપ્રધાનશ્રીએ એક જ રાગ આલાપ્યો કે કોઈ આપણી સીમામાં પ્રવેશ્યું નથી. તેથી કેટલાકે શબ્દકોશમાં નવો અર્થ બનાવ્યોઃ ગલવાન અટલે દાખલ થયા વિના વિદાય થવું. આખા વિવાદમાં વક્તૃત્વ માટે જાણીતા વડાપ્રધાનશ્રીએ ચીનનું નામ સુધ્ધાં લીધું નહીં. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આવતાવેંત વિસ્તારવાદી ચીન સાથે ગાઢ દોસ્તી બાંધેલી. પહેલો યોગદિવસ ભારતભરમાં ચીનની ચટ્ટાઈ પર મનાવવામાં આવેલો. પછી તો ચીની પ્રમુખ જિનપિંગને સાબરમતી રિવરફ્રન્ટમાં ઝૂલે ઝૂલાવવામાં આવ્યા! વડાપ્રધાનશ્રીએ કહ્યું કે પ્રાચીન ચીની મુસાફર હ્યુ-એન-સંગ ભારતમાં, ખાસ કરીને વડનગરમાં આવેલ એવું તેમણે નોંધ્યું છે. આ મુસાફર ચીનમાં જિનપિંગના વતનની બાજુના ગામના હોવાથી જિનપિંગ સાથે તેમની પરાપૂર્વથી દોસ્તી છે.
તો મારા જેવાને આશ્ચર્ય થાય છે કે સરહદે ચીની સૈનિકોના વાંધાજનક બાંધકામ સંબંધે વડાપ્રધાનશ્રી ચીનના રાષ્ટ્રપ્રમુખને ફોન ન કરી શકે? જે વાતનું વતેસર થયું તે દોસ્તીના દાવે અટકી શકત. ભાઈબંધને ભેલાણ કેમ કર્યું તે પૂછી શકાત. એના બદલે કોરાનાના સંકટમાં લડવા માટે પી.એમ. કૅર્સ ફંડમાં કરોડો રૂપિયા આપનાર ૫૯ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો! શું આપણે આ ફંડ પાછું આપી દેવાના છીએ?
મૂળ વાત એ છે કે ૧૯૬૨ના યુદ્ધ પછી ભારત-ચીન સંબંધે યોગ્ય કરવા માટે ભારતની વિવિધ સરકારોએ મથામણ કરી છે. ૯૬ જેટલી મિટિંગો, ભારત-ચીનના ૫૫થી વધુ નિષ્ણાતોની મદદથી ૨૦૧૨માં તૈયાર થયેલી નીતિ હોવા છતાં ચીને, વિસ્તારવાદી ચીને ૨૦૧૩માં લદાખમાં જ ધામા નાખેલા. ત્રણ અઠવાડિયામાં ભારતીય સેનાએ ચીનને ખદેડી મૂક્યું હતું. મીડિયાની કોઈ ચર્ચામાં આ દસ્તાવેજ કે આ અતિક્રમણની વાત કરવામાં નથી આવતી. જે દસ્તાવેજ બંને દેશોએ મળીને કર્યો હતો એનો ચીને ભંગ કરેલો. શું આપણે વિદશીનીતિમાં પણ પક્ષીય અને ઘરેલુ રાજનીતિ કરીશું? જેમ સર્જિકલ સ્ટ્રાઇક વખતે કહેવાયું કે જાણે આ અભૂતપૂર્વ સર્જિકલ સ્ટ્રાઇક હતી! અરે ભાઈ, સર્જિકલ સ્ટ્રાઈક ભારતે વારંવાર કરી હતી અને એનો દેખાડો નથી કર્યો. આ તો સર્જિકલ સ્ટ્રાઇક પછી તરત જ ‘ઉરી’ ફિલ્મ પણ બની ગઈ. આ વખતે હજુ તો ગલવાન ઘાટી ઘટનાની શાહી પણ નથી સુકાઈ, ત્યાં અજય દેવગણે ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી! ૨૦૧૩માં ચીની સૈન્યને ખદેડી દીધું છતાં એક પણ સૈનિક શહીદ નહોતો થયો કે ન તો વડાપ્રધાનને લદાખ જવાની જરૂર પડી હતી, જ્યારે આપણા વર્તમાન વડાપ્રધાનને બધું ગલી-મહોલ્લામાં લાવ્યા વિના ચેન પડતું નથી. પુલવામાનો ડી.એસ.પી. દેવેન્દ્રસિંહ બે આતંકવાદી સાથે પકડાયો, જેને કલમ ૩૭૦ રદ્દ કર્યા પછી સરકારે ‘શેરે કાશ્મીર’નો પુરસ્કાર આપ્યો હતો એ દેવેન્દરસિંહ વિરુદ્ધ કોઈ રાષ્ટ્રવાદી ચૂં કે ચાં કરતું નથી એનું મને અઢળક આશ્ચર્ય છે. પાકિસ્તાન, ચીન, નેપાળ ત્રણેય દેશો સાથે તંગ સંબંધ એ વડાપ્રધાનની વિદેશનીતિની સફળતા ગણાય કે નિષ્ફળતા?
ગલવાન ઘાટીમાં કરાયેલી લશ્કરી જમાવટ હટાવવાના સમાચારની સાથે યુદ્ધવિમાનો સહિતની સામગ્રીની ખરીદીના સમાચાર પણ આવ્યા. તેનાથી એવો પણ સવાલ થાય કે પાણી છેક માથા સુધી પહોંચી જાય, ત્યાં સુધી આવી ખરીદીની રાહ શા માટે જોવાતી હશે? અને શું આ સામગ્રી તત્કાળ મળી શકશે? ભારતીય સૈન્ય તેની સાથે એકાએક જ પનારો પાડી શકશે? ઇવેન્ટ મૅનેજમૅન્ટપ્રેમી વડાપ્રધાને લદ્દાખની મુલાકાતમાં ઇવેન્ટનો શોખ તો સંતોષી લીધો, પણ સરહદી સમસ્યા તેનાથી ઘણું વધારે માગે છે.
e.mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 13 જુલાઈ 2020; પૃ. 12
![]()


તાજેતરમાં વિકાસ દુબે નામના એક ગુંડાનું ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા એન્કાઉન્ટર થયું. એ સાચું એન્કાઉન્ટર છે કે નકલી તે તો સાચી ન્યાયિક તપાસ થાય તો જ ખબર પડે. પણ ભારતમાં નકલી એન્કાઉન્ટર થવાના અનેક કિસ્સા ભૂતકાળમાં બન્યા છે. કૉન્ગ્રેસની સિદ્ધાર્થ શંકર રેની સરકારે પશ્ચિમ બંગાળમાં નક્સલવાદને ખતમ કરવા માટે નકલી એન્કાઉન્ટરની રીત અપનાવી હતી. સલામતીને નામે અને આતંકવાદને કે ગુંડાગીરીને ખતમ કરવાને નામે પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર અને બીજાં અનેક રાજ્યોમાં પોલીસ નકલી એન્કાઉન્ટરનો માર્ગ અપનાવતી રહી છે. જે સત્તાનશીન છે તે રાજકીય નેતાગીરીના આશીર્વાદ વિના તો નકલી એનકાઉન્ટર થવાનું શક્ય નથી, પછી ભલે તે નેતાગીરી કોઈ પણ રાજકીય પક્ષની હોય.
વિશ્વમાં કોવિડ-19ના કેસ એક કરોડને પાર થઈ ચૂક્યા છે, અને પાંચ લાખથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, ત્યારે સ્વાભાવિક રીતે દુનિયાભરના સંશોધકોની પ્રાથમિકતા કોરોના વાઇરસની રસી શોધીને માનવજાતને આ મહામારીમાંથી ઉગારવાની છે. ભારતમાં પણ (મોટે ભાગે) વૈજ્ઞાનિક ઢબે સંશોધનો થઈ રહ્યાં છે. ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડે વિકસાવેલી ‘કોવેક્સિન’ રસી હ્યુમન ક્લિનિકલ ટ્રાયલના તબક્કા સુધી પહોંચી છે. પણ આ બધાની વચ્ચે ભારતમાં ચેપી રોગોના નિયંત્રણ માટે કામ કરતી સરકારી સંસ્થા ‘ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ’(ICMR)ની પ્રાથમિકતા શું છે?