= = = = આ સમય કેટલો મુશ્કેલ છે એનો કશો અંદાજ બાંધવાનું અશક્ય થઈ પડ્યું છે. એટલે, 'મુશ્કેલ' શબ્દ પણ લાચારીથી વાપરી રહ્યો છું = = = =
= = = = પણ આજે, આ મુશ્કેલ સમયમાં, એ સાહિત્યકલા અને એ ફિલસૂફી પણ અસાર દીસે છે. એ પછી પ્રગટેલાં પોસ્ટ-મૉડર્નિઝમ કે ન્યુ ઍક્ઝિસ્ટેન્શ્યાલિઝમ પણ બુદ્ધિવાદ લાગે છે = = = =
આ મુશ્કેલ સમયમાં આપણે જેને પણ પૂછીએ કે શું ચાલે છે, તો એક જ જવાબ મળે છે : કશું નહીં : મિત્ર હોય કે પ્રિયજન તો કહે છે : કશું નથી, યાર ! : કોઈ કોઈ તો અંગ્રેજીમાં કહે છે : નથિન્ગ ! : કોઈ તો વળી, 'નથ્થિન્ગ' એમ ભાર દઈને પણ કહે છે. બપોરે પૂછો સાંજે રાતે કે સવારે, જવાબ મળશે – કશું નહીં.
આ ‘કશું નહીં’ છે શું? એ છે, કંટાળો. એ છે, ચીડ. એ છે, સૂગ, ઘૃણા કે તિરસ્કાર. રોજે રોજ કેસો વધે છે ને રોજે રોજ મૃત્યુનો આંકડો મોટાથી મોટો થાય છે એવા આ નિર્ઘૃણ સમયમાં એ છે, નિ:સારતાની લાગણી.
બન્ને વિશ્વયુદ્ધોમાં અનેકોનાં મૃત્યુ થયેલાં અનેકાનેક નિર્દોષોનાં મૃત્યુ થયેલાં. લોકો ત્યારે એક જ સમાચાર મેળવતા’તા કે – અમુક સ્વજન મરાયા છે, અમુક સ્વજન ઘાયલ છે, અમુક મરણાસન્ન છે. યુદ્ધકાલીન અને યુદ્ધોત્તર સમયોમાં માણસો આ જ અનુભવતા હતા કે : બધું જ અસંગત ઍબ્સર્ડ કે મીનિન્ગલેસ છે અર્થહીન છે. એ એવી એક સાર્વત્રિક મનોદશા હતી. એમાં, એથી જેઓ અતિ-સંવેદનશીલ હતા તેઓ પહેલા ઝડપાયેલા. એ હતા, સાહિત્યકારો. સંગીતકારો. ચિત્રકારો. કલાકારો. અને એમાં નવ્ય ફિલસૂફો પણ હતા જેમણે ઈશ્વર નામની પારગામી સત્તાને વિશે નહીં પણ નજર સામે નર્યું વાસ્તવિક જીવન ગુજારતા મનુષ્ય વિશે અને તેના અસ્તિત્વને વિશે ચિન્તવ્યું.
એ યુગ હતો, સાહિત્યકલામાં પ્રગટેલા મૉડર્નિઝમનો – જેમાં રીયલની નીચે સૂતેલા સર્રીયલને ઓળખી બ્હાર કાઢી દર્શાવવાનો એક સ્તુત્ય પ્રયાસ થયેલો. એ યુગ હતો, ફિલસૂફીમાં પ્રગટેલી મનુષ્યકેન્દ્રી નવ્ય દૃષ્ટિમતિનો – જેમાં ઈશ્વર અને સ્વર્ગનું ઠામઠેકાણું શોધનારી કલ્પનાઓને સ્થાને માણસના બંધારણમાં રસાયેલાં તત્ત્વોની શોધખોળને ફોકસ કરાયેલી …
પણ આજે, આ મુશ્કેલ સમયમાં, એ સાહિત્યકલા અને એ ફિલસૂફી પણ અસાર દીસે છે. એ પછી પ્રગટેલાં પોસ્ટ-મૉડર્નિઝમ કે ન્યુ ઍક્ઝિસ્ટેન્શ્યાલિઝમ પણ બુદ્ધિવાદ લાગે છે. ભારતીય પરમ્પરામાં પણ દ્વૈતાદ્વૈતની ભાંજગડ કરતાં ષડ્દર્શનો પ્રગટેલાં ને એ પણ વિષમ સમયોમાં તત્ત્વનું તુચ્છ ટૂંપણું ભાસેલાં.
સંસારમાં, ધરતીકમ્પ લાવા-વિસ્ફોટ વન-દવ પૂર ટાઇટેનિક કે સુનામી પ્રગટ્યાં છે. પ્લેગ કૉલેરા મૅલેરિયા વગેરે મહામારીઓ કે ટી.બી., ટાઈફોઇડ કે કૅન્સર જેવા મહારોગો ફેલાયાં છે. સંખ્યાબંધ મૃત્યુની સંખ્યાબંધ ઘટનાવલિઓ જનમી છે. પણ એ બધાં વત્તેઓછે અંશે પ્રદેશ કે ભૂભાગ-સીમિત હતાં. પરન્તુ આજે આ સમયમાં જે ઘટી રહ્યું છે એ પૃ઼થ્વીવ્યાપી છે. આ સમય કેટલો મુશ્કેલ છે એનો કશો અંદાજ બાંધવાનું અશક્ય થઈ પડ્યું છે. એટલે, 'મુશ્કેલ' શબ્દ પણ લાચારીથી વાપરી રહ્યો છું …
આજે આપણે ઈશ્વરને ભજીએ – હે પ્રભુ ! બચાવી લે. પણ હજી પકડાયું નથી કે આ મહામારીનો સર્જક કોણ છે. એટલે શું એમ માનવું કે જેનો સર્જક કોઈ નહીં તેનો ઈશ્વર?
પણ ઘણા એવો ઈલાજ સૂચવે છે કે આવી ગમ્ભીર વાતો છોડો. એમની દલીલ એ છે કે દુ:ખ તો છે ત્યાં દુ:ખનાં કારણોની પંચાત શા કામની, પૃથક્કરણ છોડો. હળવી હકારાત્મક વાતો કરો. સાદાસીધા ઉપદેશની સરળ સાહિત્યકૃતિઓની વાતો લઈ આવો. એ લોકો જ્યાં એવું હકારાત્મક લાગતું જુએ કે તરત કટ ઍન્ડ પેસ્ટ કરી લે છે ને પછી તો એ ફૉરવર્ડથી ફૉરવર્ડ થતું ચાલે છે. એવા વ્હૅતા પ્રવાહે વ્હૅતા હિતોપદેશમાં તણાઈ જવું તે એક જાતનું પલાયન છે. એઓ કદાચ એમ કહે કે 'માંહી પડ્યા તે મહાસુખ પામે, દેખણહારા દાઝે', તો એઓને એમ કહેવા દઈએ ને મન મનાવીએ કે એઓ એ સુખ ભલે પામતા.
પણ સમજી રાખીએ કે એ શાહમૃગી વૃ્ત્તિ છે ને આ સમયમાં એથી પણ બચવાનું છે. કાળાં ભમ્મર વાદળ ઘેરાયાં હોય વીજકડાકા ને ભડાકા થતા હોય બારે ય મરુતો ગાંડા થઈ વંટોળે ચડ્યા હોય ત્યારે ‘ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ’ ગાવાનો કોઈ અર્થ નથી. કેમ કે ત્યારે ઈશ્વરને પોતાનું ધાર્યું કામ કરવું હોય છે, એની પાસે એ ખુશામત સાંભળવાની ફુરસદ નથી હોતી. ઈશ્વર કેટલીયે વાર તટસ્થ હોય છે.
‘ગીતા’-ના ભગવાન મને ઘણી વાર એવા તટસ્થ લાગ્યા છે. જુઓ, આ 'કશું નહીં'-ને અર્જુન ભાળી ગયેલો. વીર યોદ્ધાના જીવનની એ અતિ ઢીલી ક્ષણો હતી જ્યારે એણે યુદ્ધે ચડવાની ના ભણી. એનું ગાંડિવ સરી ગયેલું, એ મહા બળિયાને ક્લૈબ્યની – નપુંસકતાની – અસર થવા લાગેલી. અર્જુન પર એના જીવનમાં થયેલો ઍબ્સર્ડિટીનો એ પહેલી વારનો તીવ્રતમ હુમલો હતો. કેમ કે ત્યારે પણ દારુણ સંદર્ભ તો અનેકોનાં મૃત્યુનો હતો ! ત્યારે પણ કરુણ સંદર્ભ તો સ્વજનોની, ભાઈભાંડુ ને ગુરુજનોની હત્યાનો હતો ! એ ઘટનાનું ભગવાને તાત્ત્વિક અર્થઘટન કર્યું. શું કર્યું? એમ કે એ બધા આતતાયીઓ છે ને એમનો વધ કરવો તે તારો ધર્મ છે …
વાસ્તવિકતાનો સામનો કરી કશા કર્મને અપનાવવાને સ્થાને જ્યારે તેનું અર્થઘટન કરાય છે ત્યારે ફિલસૂફીનો ઉદય થાય છે. પણ મૃત્યુથી જુદો કોઈ વિષય નથી જેની ફિલસૂફી રચવી પડે. કઈ ફિલસૂફીએ માણસને એના અવશ્યંભાવિ મૃત્યુથી બચાવ્યો છે? વાસ્તવનો ભરપૂરે સાક્ષાત્કાર અને તદનુરૂપ જીવન એ જ જીવન છે …
માણસ મૃત્યુની વિભીષિકા વચ્ચે પોતાને ભૂમિસાત્ અનુભવતો હોય, પોતાના અસ્તિત્વને ધૂળ ચાટતું જોતો હોય, ત્યારે કશી પણ ફિલસૂફી કે કશું પણ તત્ત્વજ્ઞાન એને શી રીતે ગમે? ગમતું નથી હોતું બલકે કડવું ને નમાલું લાગે છે. વિશ્વદર્શન અને તત્ત્વદર્શન વડે એને ‘ઉત્તિષ્ઠ !’ કહી ખડો તો કરી શકાય છે પણ ત્યારે એ દર્શન કશુંક કામચલાઉ સાધન લાગે છે, એક સૂક્ષ્મ સ્વરૂપની મુત્સદ્દીગીરી ભાસે છે.
ક્યારેક ફિલૉસૉફી પણ ડિપ્લોમસી હોય છે – સૉરિ ! આ મુશ્કેલ સમયમાં એથી પણ બચવાનું હોય છે …
= = =
(April 9. 2020 : Ahmedabad)