નવી દિલ્હીના નિઝામુદ્દીનમાં ધાર્મિક કાર્યક્રમની ઘટના પર સતત ધ્યાન કેન્દ્રિત થવાને કારણે કોરોનાના કેર વચ્ચે સ્થળાંતરિત લોકોની હિજરતનો મુદ્દો દબાઈ ગયો. ઘરભણી પગપાળા કે જે કોઈ સાધન મળે તેમાં, રાજમાર્ગ પર હજારો લોકોનાં ધાડાંએ રાષ્ટ્રવ્યાપી લૉક ડાઉનના મુખ્ય ઉદ્દેશ— સોશ્યલ ડિસ્ટન્સિંગને જ ડૂબાડી દીધું.
બે સ્થળાંતરિત મજદૂરો, જેઓ દિલ્હીથી એક અઠવાડિયાની સફર પછી બિહારમાં પોતાના વતન પહોંચ્યાં, જેના માટે તેમણે લગભગ એકાદ હજાર કિલોમીટર જેટલું અંતર પગપાળા જ કાપ્યું. તેમણે કૉલકાતાના દૈનિક ‘ધ ટેલિગ્રાફ’ સાથેની વાતચીતમાં પોતે ક્યા સંજોગોમાં રાજધાનીથી નીકળ્યાં અને તદ્દન અમાનવીય-સજારૂપ પ્રવાસ પછી કેવી રીતે ટકી શક્યાં એની હકીકત જણાવી. (ટેલિગ્રાફ, 02-04-20) સત્તાવાર આંકડા મુજબ તેમના જેવા આશરે ૧.૮૧ લાખ સ્થળાંતરિતો લૉક ડાઉન વચ્ચે બિહાર પહોંચ્યા છે. તેમને સરકાર દ્વારા તેમના ગામ અથવા ગામ નજીકની શાળા કે કોલેજમાં ક્વૉરન્ટીન કરીને રાખવામાં આવ્યા છે. લગભગ એટલા જ અન્ય લોકો રાજ્યની સરહદના ચેકપૉઈન્ટથી બચીને સીધા ઘરભેગા થયા હોવાનો અંદાજ છે. વીરેન્દ્ર માંઝી અને પ્રવીણકુમારના હૃદયદ્રાવક અનુભવોના બયાન પરથી આપણને એ પણ સમજાય છે કે કેટલાંક શક્તિશાળી રાજ્યની ખાતરી અને સત્તાવાર સૂચનાઓ તથા દેશના કેટલાક શક્તિશાળી – પ્રખ્યાત નેતાઓનાં આશ્વાસન એક મોટા સમૂહના અજાણ્યા ડરને શાંત પાડવામાં કેટલાં નિષ્ફળ ગયાં છે.
તેમણે દિલ્હી કેમ છોડ્યું? :
પૂર્વ દિલ્હીના શાહદરા વિસ્તારમાં બેગ સિવવાના કારખાનામાં કામ કરતા વીરેન્દ્રનો અવાજ ફોન પર વાત કરતી વખતે પણ ધ્રુજતો હતો. તેની અને તેના ચાર સાથી બિહારી મજદૂરોની દશા વિશે તેણે કહ્યું, "અમે દિલ્હીમાં કરફ્યુ અંગે સાંભળ્યું હતું. પરંતુ અમે શાંતિથી પોતાનું કામ કરી રહ્યા હતા. અમારા શેઠ રાજુ અમને ૨૩ માર્ચની રાત્રે મળ્યા અને કહ્યું કે કાલથી કારખાનું બંધ થઈ જશે.’’
"અમે તો એકદમ છક થઈ ગયા અને તેમને પૂછ્યું, ‘પછી શું?’ પરંતુ તેમની પાસે કોઈ જવાબ ન હતો. તેમણે અમને દરેકને રૂ. ૫૦૦ આપ્યા અને સૂચન કર્યું કે તમે તાત્કાલિક વતન ભણી નીકળી જાવ. કારણ કે સમગ્ર દેશ બંધ થવાનો છે.’’
વીરેન્દ્ર અને તેના સાથીઓ દિવસના ૧૨ કલાકની પાળી કરીને રોજના રૂ. પાંચસો લેખે કમાતા હતા. નવેમ્બરમાં છઠપૂજાની રજાઓમાંથી પાછા ફર્યા પછી તેમણે થોડી બચત પણ કરેલી. "અમે વિચાર્યું કે થોડા દિવસ રાહ જોઈને જોઈએ, શું પરિસ્થિતિ થાય છે. પણ બીજા દિવસની સવાર તો અમારા માટે ઓર ભયંકર હતી. અમારા મકાનમાલિકે અમને તાત્કાલિક મકાન છોડી જવાનું ફરમાન કર્યું. અને અમારી અનેક આજીજી છતાં અમારી વીજળી કાપી લીધી. અમે રાતોરાત નિરાધાર બની ગયા.’’
૧૯ માર્ચે વડાપ્રધાને રાષ્ટ્રને સંબોધન કર્યું અને ત્રણ દિવસ પછી જનતા કરફ્યુ જાહેર કર્યો. થાળી અને તાળીના શોરબકોર વચ્ચે વડાપ્રધાનની એ અગત્યની અપીલ દબાઈ ગઈ કે, "જે લોકો આપણી સેવા કરે છે તેમના આર્થિક હિતનું ધ્યાન રાખજો … તેમની સાથે માનવતા અને કરુણાથી વર્તજો અને તેમનો પગાર કાપશો નહીં.’’ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ૮, ૨૩ અને ૨૯ માર્ચના રોજ અપીલ કરી હતી કે ભાડૂઆતોને કોઈ મકાનમાલિક કાઢશે નહીં, ભલે તેઓ ભાડું ના આપી શકતા હોય.
"મારી સરકાર તેનું વળતર ચૂકવશે.’’ એવું કેજરીવાલે ૨૯ માર્ચના રોજ કહ્યું હતું. તેમ જ તેનો ભંગ કરનારા પર આકરાં પગલાં ભરવાની પણ ચેતવણી ઉચ્ચારી હતી. તે સમયે વીરેન્દ્ર અને તેના સાથીઓ ઘરવિહોણા થઈ ચૂક્યા હતા. એક ઉદાહરણથી કશું સાબિત નથી થતું, પણ કદાચ મકાનમાલિકોને આ મહામારી પતે ત્યાં સુધી સતત રોકડ મળવાની ખાતરી મળી હોત તો શક્ય છે કે તેમણે આ લોકોને બહાર કાઢ્યા ન હોત.
વડાપ્રધાનના જનતા કરફ્યુવાળા સંબોધનના એક અઠવાડિયે એટલે કે ૨૬ માર્ચે કેન્દ્ર સરકારે કલ્યાણ પેકેજ જાહેર કર્યું, જે વિવિધ અર્થશાસ્ત્રીઓના મતે અત્યંત અપૂરતું છે.
વીરેન્દ્ર અને સાથીઓએ શું કર્યું?
વીરેન્દ્ર અને તેના સાથીઓ પ્રવીણ, સંદીપકુમાર, વિનોદકુમાર અને સંજયકુમારે પોતાના વતન પાછા ફરવાનું નક્કી કર્યું અને ટ્રેન પકડવા રેલવે સ્ટેશન ગયા. પરંતુ રસ્તામાં રઝળતા મળેલા હજારો બિહારી મજદૂરોએ તેમને કહ્યું કે કોઈ ટ્રેનો નથી. તેથી તે બસ માટે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે, વીરેન્દ્ર અને તેના સાથીઓ આંતરરાજ્ય બસમથક ભણી ચાલી નીકળ્યા કે ત્યાંથી કદાચ ઉત્તરપ્રદેશ કે બિહારની કોઈ બસ મળી જાય. પણ કોઈ બસ ન હતી.
"ચારે બાજુ અરાજકતા હતી અને અમને કંઈ કહેનાર કે આશ્વસ્ત કરનાર કોઈ જ ન હતું … ઐસા લગ રહા થા કિ કોઈ દૈત્ય પીછા કર રહા હૈ ઔર સબ ભાગ રહે હૈ … ઘણાબધા લોકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકો રડી રહ્યાં હતાં. અમે પણ ગભરાઈ ગયા અને આખાં ટોળાં સાથે ઉત્તરપ્રદેશની સરહદ તરફ જવા લાગ્યાં. અમને ખ્યાલ હતો કે પટણા ત્યાંથી એક હજાર કિ.મી. દૂર છે. છતાં અમે આ યાત્રા માટે જાતને તૈયાર કરી. જો અમારી પાસે વિકલ્પ હોત તો અમે રોકાઈ ગયા હોત. પરંતુ સમગ્ર શહેર સ્મશાનવત્ હતું. માત્ર બિહારીઓ પગપાળા ચાલી નીકળ્યા હતા.’’
જે સરકાર "યુદ્ધના ધોરણે’ કામ કરતી હોય તે આટલા હજારો લોકો રાજધાનીમાંથી ચાલી નીકળે ત્યારે ગાયબ થઈ ગઈ હોય, એ કલ્પના જ કેવી ભયંકર છે. આના પરથી તો વધારે ને વધારે પ્રમાણમાં એવું જ લાગે છે કે સરકાર ઊંઘતી ઝડપાઈ. તે ગભરાઈ ગયેલા સ્થળાંતરિત લોકોને આશ્વસ્ત કરવા માટે પોતાના સંસાધનો કામે લગાડવામાં તેમ જ તેમને શાંત પાડવાની ઈચ્છાશક્તિ દર્શાવવામાં નિષ્ફળ ગઈ.
તેમની સફર કેવી રહી? રસ્તામાં શું ખાધુંપીધું?
આ પાંચ જણ પાસે બેગો અને કોથળાઓમાં તેમનો તમામ સામાન હતો, જેના કારણે તેમને ચાલવાનું બહુ અઘરું પડતું હતું. તેમની પાસે ખોરાકમાં માત્ર સત્તુ (શેકેલા ચણાના લોટની વાનગી) હતું અને કોલ્ડ ડ્રિંક્સની બોટલોમાં થોડું પાણી. "અમે અન્ય લોકોને અનુસરતા જી.ટી. રોડ (નેશનલ હાઈવે-૨) પર પહોંચ્યા. પરંતુ અમારા ધાબળા, જેકેટ વગેરે સામાનનું વજન અમને ભારે પડી રહ્યું હતું. તેથી અમે મજદૂરોને તે થોડા પૈસા અને થોડા ચોખાના બદલામાં આપી દીધાં. ત્યારબાદ અમે ચાલ્યા, થાક્યા ત્યાં થાક ખાધો અને ફરી ચાલ્યા. હાઈવે પર રસ્તામાં આવતાં ગામના લોકો બહુ સારા હતા. તે અમને પાણીની બોટલ ભરી આપતા હતા અને અમને એક-બે દિવસ આરામ કરવાનું પણ કહેતા હતા. પરંતુ અમારું મન-મસ્તિષ્કમાં એક જ ધ્યેય હતું : ઘરભણી વાટ.’’
સત્તુ ખલાસ થઈ ગયું ત્યારે તેમણે પાણીમાં પલાળેલા ચોખા ચાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એ ફાવ્યું નહીં. તેથી તેમણે એક ગામની દુકાનમાં ચોખા વેચીને ભુજા (શેકેલું ધાન), મીઠું અને લીલા મરચાં લીધાં. ક્યારેક થોડા અંતર માટે તેમને ખટારો, ઈ-રિક્ષા, લોડીંગ રીક્ષા વગેરે જેવાં સાધન પણ મળી જતાં.
"અમે તો સતત રોડ પરના કિલોમીટર દેખાડતા પથ્થરને જ જોયા કરતા અને કેટલું અંતર બાકી છે તે ગણ્યા કરતા.’’ ક્યારેક તેમના જેવા, તેમની જ દિશામાં જતા લોકોને લઈ જતી બસો દેખાતી, જે ખીચોખીચ ભરેલી હતી અને બહુ ઓછી સંખ્યામાં હતી. આ બસો તેમના પ્રયાસ છતાં ઊભી રહેતી નહીં. "બે દિવસ પછી અમારો મોબાઈલ પણ ડિસ્ચાર્જ થઈ ગયો. ત્યાર બાદ અમે અમારાં ઘરવાળાંના અવાજ તો સાંભળી શકતા નહીં. બસ તેમના ચહેરા યાદ કરી લેતા હતા. આમ, ૩૦ માર્ચે અમે બિહારના રોહતાસ જિલ્લામાં પ્રવેશ્યા અને સરકારી કેમ્પમાં કેટલોક સમય ગાળ્યો. ત્યાં અમારું તાવ માટે પરીક્ષણ કરવામાં આવ્યું. અમે તો સ્વસ્થ હતા પરંતુ અમે કેટલાંક ભાઈઓ-બહેનોને સતત ચાલવાના કારણે ખરડાયેલા, ચીરાયેલા, લંગડાતા પગે આવતાં જોયાં. અમે પ્રભુને પ્રાર્થના કરી કે તે જલદીથી પોતાના ઘરે સહીસલામત પહોંચી જાય અને અમે મહેસૂસ કર્યું કે અમે કેટલા નસીબદાર છીએ.’’
"સરકારી કેમ્પમાં અમને દાળભાત પીરસવામાં આવ્યાં, જે આટલા દિવસની ભૂખના કારણે સરસ લાગ્યાં. સરકારી અધિકારીઓએ અમને બસમાં ગીચોગીચ ભર્યાં અને પટણા તરફ મોકલી દીધા, જ્યાંથી અમને અમારી પંચાયતની માધ્યમિક શાળામાં ક્વૉરન્ટીન માટે પહોંચાડવામાં આવ્યા. અમારે ઘરે પહોંચવાની તો હજી વાર છે, પરંતુ અમારાં કુટુંબીજનો આવીને અમને મળી ગયાં.’’
૨૧મી સદીમાં આવી મુસાફરી! આવી હજારો કથાઓ હશે. તે વિશે વિચાર્યા પછી, સરકાર આપણું ધ્યાન અન્યત્ર કેમ દોરવા માગે છે, એ વિશે વધુ કંઈ વિચારવા જેવું લાગે છે?
અનુવાદઃ ભાવિક રાજા
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 10 ઍપ્રિલ 2020