હૈયાને દરબાર
બે દિવસ પછી જન્માષ્ટમી છે. કૃષ્ણ પરાણે વ્હાલા લાગે એવા ભગવાન છે, જેમના પ્રેમમાં અનાયાસે પડી જવાય. એમાં ય કવિઓના તો એ પ્રિય ઈશ્વર. ગુજરાતી તથા ભારતની અન્ય ભાષામાં કૃષ્ણગીતો એટલાં બધાં રચાયાં છે કે કયા ગીતની વાત કરવી અને કયું બાજુએ મૂકવું એ દ્વિધા નિવારીને આજે કેટલાંક થોડાંક વધારે ગમી ગયેલાં ગીતો અહીં મૂક્યાં છે. વાંચવા અને સાંભળવાં બન્ને ગમે એવાં આ ગીતો તમને જરૂર ગમશે.
આજનું મુખ્ય ગીત છે વાંસલડી ડોટ કોમ. જેમના નામમાં જ ગિરિધારી સમાયા છે એ કવિ કૃષ્ણ દવે ભગવાન કૃષ્ણનું કેવું મસ્ત ગીત લઈને આવે છે! આધુનિક જમાનાને અનુરૂપ આ ગીત બ્રિટનના સ્વ. ચંદુભાઈ મટ્ટાણીએ સ્વરબદ્ધ કર્યું છે અને ગાયું છે હેમા દેસાઈએ. કાનજીની વિશાળ વેબસાઈટની વાત આધુનિક સંદર્ભમાં હૃદયસ્પર્શી રીતે રજૂ થઈ છે. એ સિવાય કેટલાંક અન્ય કૃષ્ણગીતો અહીં મૂક્યાં છે એ પણ વાંચજો અને સાંભળજો.
———————-
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ …
ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ …
એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ …
• કવિ : કૃષ્ણ દવે • સ્વરકાર : ચંદુભાઈ મટ્ટાણી • ગાયિકા : હેમા દેસાઈ
Gujarati Poem of Krushna Dave, Vansaladi Dot Com
https://www.youtube.com/watch?v=HA7uNckW7wU
————————-
હરીન્દ્ર દવેના શબ્દો અને પરેશ ભટ્ટનું સ્વરાંકન, એમના જ અવાજમાં જ રજૂ થયેલું ગીત રાધાની લટની લહેરાતી કાળાશે… અમારું ઓલટાઈમ ફેવરિટ ગીત છે. સ્કૂલ-કોલેજના દિવસોમાં સ્પર્ધાઓમાં ગાઈને ઈનામો પણ મેળવ્યાં છે. એ સ્મૃતિઓ તાજી કરવા લ્યો તમે ય અમારી સ્મૃતિમાં સહભાગી થાઓ.
રાધાની લટની લહેરાતી કાળાશે
ખોવાયો ક્હાન કેમ શોધું?
આખું આકાશ એક રંગે છવાયું
એમાં મનગમતો વાન કેમ શોધું?
એક તો વૃંદાવન કેડી
ને કેડી પર ઊગ્યા કદમ્બ કેરા ઝાડ
હળવો હડસેલો લાગે લહેરીને
સૌરભના અણધાર્યા ઉઘડે કમાડ
સમજું સૈયર તમે ઘરભેગી થાઓ
હવે ભૂલી હું ભાન કેમ શોધું?
ઊડતા વિહંગ કેરા ટહુકા વણાયા હશે
વહેતી હવાની કોઇ લહેરમાં
ગોકુળનો મારગ તો ઢૂંકડો લાગે છે
હવે સમજાવો કેમ જવું ફેરમાં
યમુનાનાં વ્હેણનું તરંગાતું ગાન
એમાં મનગમતી તાન કેમ શોધું
આ ગીતમાં કેવી સરસ વાત કરી છે કવિ હરીન્દ્ર દવેએ. એ જાણે કહે છે કે કૃષ્ણ બહુ દૂર ચાલી નીકળ્યા હોય તો સમજી શકાય, પણ આસપાસ હોય તેને કેવી રીતે ખોળવા? રાધાની લટમાં છુપાયેલા કાનને શોધવા રાધાદૃષ્ટિ જોઈએ.
———————–
કવિ અનિલ જોશીની લાજવાબ રચના. પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત અને ઉષા મંગેશકરનો કંઠ.
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું
ધખતી બપોરમાં બળતું વેરાન બધે ઊના તે વાયરા ફૂંકાતાં
ભાદરવે તડકાનાં પૂર ચડ્યા એટલાં કે છાંયડાઓ જાય છે તણાતા!
બંધ કરું પોપચાં તો મળે સ્હેજ છાંયડી એટલે વેરાન નહીં છોડું
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું
પીળચટ્ટા ગીતમાંથી ઊડીને પતંગિયાં આવળના ફૂલ થૈ છવાય!
આવળનાં ફૂલ પીળા રંગનાં ખાબોચિયાં એમાં વેરાન પડી ન્હાય!
આવા વેરાનને બાંધતાં દોરીને જેમ વગડાનું ગાન પડે થોડું
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું
https://madhurgeeto.wordpress.com/2018/12/10/૩૨૯/
———————-
કવિ દિલીપ રાવલની કલ્પના આ ગીતમાં સુંદર છે.
બંસીના સૂર તમે છેડો જો કા’ન, મારા કાનોમાં મધનો વરસાદ જો,
એક મનગમતો જન્મે ઉન્માદ જો …
છલક્યાં ને કીધું મેં ગોકુળિયું ગામ, અને મલ્કયાંનું કાલિંદી નામ,
છલકયાં ને મલક્યાંનો સરવાળો કીધો, તો પ્રગટ્યા’તા પોતે ઘનશ્યામ,
પ્રગટીને પનઘટ પર પ્રીતિનો પાડયો’તો કા’ન તમે મીઠેરો સાદ જો …
બંસી જેવા જ તમે પાતળિયા શ્યામ, અને હળવા કે પાંપણનો ભાર,
એક એક હૈયામાં કેવા વસો છો, ને રાખો છો સૌની દરકાર,
કા’ન તણા કામણને બિરદાવું કૈ રીતે, મનમાં જન્મે છે વિવાદ જો …
રાધાની આંખ મહી કા’નાનો પ્રેમ, અને કા’નાની કીકીમાં રાધા,
જ્યાં લગ ઓ શ્યામ તમે જાકારો ના દો ને, ત્યાં લગ છે રહેવાની બાધા,
કા’ન તમે મારું એ અણપ્રગટયું ગીત હવે ગોકુળિયું દેશે રે દાદ જો …
————————
કૃષ્ણપ્રિય કવિ સુરેશ દલાલની કૃતિ, પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત અને હંસા દવેનો કંઠ. ગીત ગમતીલું જ હોયને!
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી,
ને મને સૂતીને સપને જગાડ્યા કરી.
બાંવરી આ આંખ મારી આમતેમ ઘૂમે,
ને ઝાંઝરથી લજ્જા વેરાય,
એકલીના મહેલમાં ઓશીકે જોઈ લ્યોને
મધુવનમાં વાયુ લહેરાય.
હું તો બાહુના બંધમાં બંધાયા કરી,
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી ..
નીલરંગી છાંય થઈ તારો આ સૂર મારી
યમુનાના વહેણ માંહી દોડે,
જાગીને જોઉં તો જાણું નહીં કે
કેમ મોરપીંછ મહેકે અંબોડે.
મને અનહદના રંગમાં ડુબાડ્યા કરી,
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી
https://www.youtube.com/watch?v=ENlClhQ-MQo
———————–
કવિ મહેશ શાહની આ રચનામાં વિરહવેદના કેવી પ્રગટી છે સાંભળો!
એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે ગોકુળિયે ગામ નહિ આવું,
જમનાનાં વ્હેણમાંથી પાણી લઇ મૂકો કે મુરલીની તાન નહિ લાવું.
જમનાને તીર તમે ઊભા તો એમ જાણે ઊભો કદમ્બનો પ્હાડ,
લીલેરી લાગણીઓ ક્યાં ય ગઇ ઓસરીને રહી ગઇ વેદનાની વાડ,
ફૂલની સુવાસ તણા સોગન લઇ કહી દો કે શમણાંને સાદ નહિ આવું.
આટલી અધીરતા જવામાં છે કેમ જરા એક નજર ગાયો પર નાખો,
આખરી યે વાર કોઇ મટુકીમાં બોળીને આંગળીનું માખણ તો ચાખો,
એકવાર નીરખી લે ગામ પછી કહી દો કે પાંપણને પાન નહિ આવું.
————————
કવિ કનુ સૂચક ‘શીલ’એ રાધા અને ગોપીઓની વ્યથાને એમના ગીતમાં આબાદ ઝીલી છે. મોહન બલસારાએ રાગ તોડીમાં સ્વરબદ્ધ કરેલી આ રચના વારંવાર સાંભળવી ગમે એવી છે.
એકવાર ગોકુળ છોડી ગયા પછી પાછા ન આવ્યાં ઘનશ્યામ,
રાધા સલૂણાં સમજી ગયા ક્હાન છાંડી ગયા છે બાળાભાવ.
ડાળી કદંબની, યમુના કિનારો, સાથીઓ હતાં ગોપ ગાય,
મહીં માખણની ફોડવી મટુકીઓ, બંસીમાં છેડ્યા સૂર સાત,
બાંધ્યો પવન એણે ફાટ ફાટ છાતીમાં, લીધી મથુરાની વાટ.
અંગ અંગ ટેરવાંના સ્પર્શને જે ઝૂરતાં’તા ફૂલોનો લાગતો’તો ભાર,
મોહનમૂરત તેણે સાંભળી’તી વાત જેના દર્શનથી આયખું રળિયાત,
હેતે ગ્રહી એણે હૈયે જ ચાંપી, મળ્યો કુબ્જાને નવો અવતાર.
સંદેશા આવ્યાં કદી ઉદ્ધવને સાથ લઇ પરમની પોકળ વાત,
જાણે અબુધ શું એ ધરણીના કણકણમાં ગૂંજે છે જેનું નામ,
શિરામાં લોહી વહે યુગોથી ગોપીઓનાં, છાંડી ગયા છે જે શ્યામ
———————
જીવનની છેલ્લી ક્ષણોમાં કૃષ્ણને કેવી રીતે અને કેટલી હદે રાધા સાંભરી હશે, એવી આંખ ભીની કરી દેતી મુકેશ જોષીની આ ગઝલ પણ કંઇક એવા જ ભાવ લઇને આવે છે .. રાધા કે બિના શ્યામ આધા!! અને આખી ગઝલનો હાર્દ હોય એવો છે ગઝલનો મક્તા ..!
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
આ ગઝલનાં સ્વર-સંગીત અનંત વ્યાસનાં છે. જુઓ આ અદ્ભુત ગઝલ!
કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.
ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.
એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.
કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
http://gujaratigazal.com/1660/
———————-
કવિ અંકિત ત્રિવેદીની આ આધુનિક કવિતા અને કંઠ આશિત દેસાઈનો.
કાનજીના મોબાઈલમાં જ્યારે અચાનક રિંગટોન રાધાનો વાગે,
જન્મોજનમની ઘેલી રાધાની પ્રીત કાનજીની આંખોમાં જાગે.
મોબાઈલના નેટવર્કમાં કેમે ના સંભળાતી રાધાના રાસની તાલી,
મોબાઈલ પકડીને થાકેલા હાથને રાધાનો હાથ લેવો ઝાલી;
આયખાની સાંજ પર ઊભેલો કાનજી, સપનાનો ટૉક ટાઈમ માંગે.
s.m.s. મોકલેલો વાયા ઓધાજી, એના replyમાં રાધાના આંસુ,
રાધાના આંસુનો s.m.s. વાંચીને, કાનજીની આંખે ચોમાસું;
મોબાઈલની બેટરીને ખાલીપો વળગે ત્યાં વાંસળી વાગે છે એક રાગે.
———————————
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 22 ઑગસ્ટ 2019
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=575949
![]()



લાલુ પ્રસાદની પાંચ દાયકાની દીર્ઘ રાજનીતિક યાત્રા, આ વરસે પ્રગટ તેમની આત્મકથા ‘ગોપાલગંજ સે રાયસીના’માં આલેખાઈ છે. બે વાર બિહારના મુખ્યમંત્રી અને યુ.પી.એ.-૧ની મનમોહન સિંઘ કેબિનેટના સફ્ળ કેન્દ્રીય રેલવે મંત્રી લાલુ પ્રસાદ, પોતાને બિનસાંપ્રદાયિકતા અને સામાજિક ન્યાયને સર્મિપત રાજનેતા તરીકે ઓળખાવે છે. બી.જે.પી.ની મંદિર રાજનીતિના વિરોધમાં જે મંડલ રાજનીતિ આવી, તેના મુખ્ય કર્તાઓ પૈકીના તેઓ એક મનાય છે. ચૂંટણીના રાજકારણમાં હંમેશાં હાંસિયામાં રહેલા બિહારના પછાતવર્ગો, દલિતો, આદિવાસીઓ, મુસ્લિમો અને ગરીબોને તેઓ મુખ્ય ધારામાં લઈ આવ્યા. બેજુબાનોની જુબાન બનેલા લાલુ પ્રસાદે પછાત વર્ગો અને સઘળા ગરીબોને રાજકારણમાં કાયમી ઉચિત સ્થાન અપાવ્યું. મુલાયમ, માયાવતી, નીતીશ જેવા પછાત કે દલિત નેતાઓ રાજકારણના કેન્દ્રમાં આવ્યાં તેના મૂળમાં પણ લાલુ પ્રસાદ છે.