વિદ્વાન પર્યાવરણાવિદ્દ મિશ્રનું ગત ૧૯ ડિસેમ્બર ચ૨૦૧૬ની સવારે ૬૮ વર્ષની વયે કેન્સરની માંદગીને કારણે નિધન થયું. ગોપાલકૃષ્ણ ગાંધીના શબ્દોમાં, ‘તેઓ નિર્દંભી બુદ્ધિજીવી હતા. અન્ય લોકો શું કરે છે, શું નથી કરતા તેના પર ધ્યાન આપ્યા વિના તેઓ પોતાના કામને જ પ્રાધાન્ય આપતા હતા.’
રાણા દાસગુપ્તા દિલ્હીની મુલાકાતે ગયા, ત્યારે એક વિદ્વાન પર્યાવરણશાસ્ત્રી તેમને દેશની રાજધાનીના ઉત્તર ભાગની લટાર મારવા લઈ ગયા. એક સમયે કેનાલો તથા ટાંકીઓના જટીલ માળખાં થકી કેવી રીતે દિલ્હીની જળ વ્યવસ્થા કામ કરતી હતી તે પર્યાવરણવિદે લેખકને સમજાવ્યું. બ્રિટિશરોના આગમન પહેલાં દિલ્હીનાં જનજીવનમાં યમુના નદી કેન્દ્ર સ્થાને હતી. પાણીમાં રમાતી રમતોની સાથે સાથે તહેવારોમાં પણ યમુનાનું જ વર્ચસ્વ રહેતું. જો કે, બ્રિટિશ શાસનકાળમાં અને આઝાદી મળ્યા બાદ પણ આ નદીને કચરો ફેંકવાનું સ્થાન જ ગણવામાં આવી છે. હવે દિલ્હીના દક્ષિણ ભાગમાંથી વહેતી યમુના જૈવિક રીતે અને સાથોસાથ સાંસ્કૃિતક રીતે પણ મૃતપ્રાય થઈ ગઈ છે. દાસગુપ્તાને પગપાળા લટાર મારવા લઈ ગયેલા વિદ્વાને તેમને જણાવ્યું હતું કે ‘આધુનિક શહેર પાછળ દોટને પગલે નદીની ઉપેક્ષા કરવામાં આવે છે અને તેના કારણે યમુનામાં ગંદકી અને પ્રદૂષણ ફેલાયાં છે. લોકો યમુનાને ભૂલી ગયા છે. જો આપણા વડાપ્રધાને દર વર્ષે યમુનામાં સ્નાન કરવાનું હોત, તો યમુના ઘણી વધુ સ્વચ્છ હોત.’ દાસગુપ્તાને આ સમજણ આપનારા પર્યાવરણવિદ્નું નામ અનુપમ મિશ્ર હતું.
મિશ્રને જેટલી પ્રસિદ્ધિ મળવી જોઈએ તેટલી કદાચ ન મળી તે માટે સત્તા અને પ્રસિદ્ધિની અળગા રહેવાનો તેમણે પસંદ કરેલો વિકલ્પ કારણભૂત હતો. અંગ્રેજી ભાષાના જાણકાર હોવા છતાં તેમણે તેમના કાર્યમાં એકભાષી રહેવાનો નિર્ધાર કર્યો હતો. આ માટે ચોક્કસ કારણ પણ જવાબદાર હોઈ શકે છે. તેઓ જાણીતા હિંદી કવિ ભવાનીપ્રસાદ મિશ્રના પુત્ર હતા. તેથી બની શકે કે હિંદી સાહિત્યના તેમને મળેલા વારસાને જાળવી રાખવા માંગતા હોય.
બીજું, એક વખત હિંદીમાં લખવાનું નક્કી કર્યા બાદ, અસરકારક રીતે પ્રત્યાયન કરવા માટે તે ભાષા-વિશ્વમાં ખૂંપી જવું જરૂરી હતું. ત્રીજું, અને કદાચ સૌથી મહત્ત્વનું કારણ એ હોઈ શકે કે તેઓ ઉત્તર ભારતના ગ્રામવાસીઓ વિશે તથા ગ્રામજીવન વિશે લખતા હતા. આ ગ્રામવાસીઓ વૈવિધ્ય ધરાવતી હિંદી ભાષામાં વાત કરતા હોવાથી, મિશ્રા તેમનાં પુસ્તકો અને નિબંધો તે જ ભાષામાં લખે, તે વધુ યોગ્ય હતું. (૮૦૦૦ દર્શકો ધરાવતા ટેડ ટોક(TED TALK)ને બાદ કરતાં, મિશ્રાનાં મોટાભાગનાં સર્જનો હિંદી ભાષામાં જ છે. તેમનાં કેટલાંક તાજેતરનાં લખાણો વેબસાઇટ http://www.mansampark.in પર ઉપલબ્ધ છે. અનુપમ મિશ્રાનું મેં પ્રથમ વાંચેલું પુસ્તક (જે કદાચ લેખક તરીકે તેમનું પણ પ્રથમ પુસ્તક જ હતું) ઘણું જ સંક્ષિપ્ત હતું, પણ તેમાં ‘ચિપકો આંદોલન’નો અત્યંત ગહન અભ્યાસ કરવામાં આવ્યો હતો. મિશ્રા અને સત્યેન્દ્ર ત્રિપાઠીએ સાથે મળીને તે પુસ્તક લખ્યું હતું. ૭૦ના દાયકામાં પ્રકાશિત થયેલું આ પુસ્તક ચિપકો આંદોલનની જ્યાંથી શરૂઆત થઈ હતી તે અલકનંદાના ખીણપ્રદેશનાં ગામોમાં સ્થાનિક સ્તરે કરવામાં આવેલી કામગીરી પર આધારિત હતું. પુસ્તકમાં ચિપકો આંદોલનના નેતા ચંદીપ્રસાદ ભટ્ટના ભગીરથ પ્રયત્નો તથા તેમના ઉદ્દેશ્ય પર ભાર મૂકવામાં આવ્યો હતો અને સાથે જ આંદોલનના કરોડરજ્જુ સમાન સ્ત્રી-પુરુષોના યોગદાનને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
’૮૦ના દાયકામાં મિશ્રએ જળસંગ્રહ અને જળવ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમને સમજાયું કે જળ એ ભારત અને વિશ્વના સાતત્યપૂર્ણ ભવિષ્યની ચાવી છે. ટેડ ટૉકમાં તેમણે પાણીને જીવનનું કેન્દ્ર ગણાવ્યું હતું. ખેડૂતો દ્વારા ટ્યુબવેલ મારફત ભૂગર્ભ જળસ્રોતોનો અવિચારી ઉપયોગ, શહેરીજનો તથા ઉદ્યોગો દ્વારા પ્રદુષિત કરવામાં આવતી નદીઓ અને અન્ય રીતે પાણીને વેડફાતું જોઈને તેમણે જળસંચયની દેશી પદ્ધતિઓનું દસ્તાવેજીકરણ કરવાનું શરૂ કર્યું. આ પદ્ધતિઓ સ્થાનિક જમીનની કાળજીપૂર્વક સમજૂતી પર આધારિત છે. તેમણે વરસાદનું નજીવું પ્રમાણ ધરાવતા અને રણપ્રદેશ ધરાવતા તથા આજે પણ કૂવા અને ટાંકીઓની વ્યવસ્થા ધરાવતા રાજસ્થાનને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. વર્ષો સુધી હાથ ધરાયેલા સંશોધનના આધારે તેમણે હિંદીમાં ચોપાનિયાં તથા પુસ્તકોની શ્રેણીઓ પ્રસિદ્ધ કરી. જેનાં શીર્ષક હતાં ‘રાજસ્થાન કી રજત બૂંદે’ અને ‘આજ ભી ખરે હૈં તાલાબ.’ આ શીર્ષકો પોતાના પૂર્વજોને પછાત ગણતા અને તેમની ટીકા કરતા આધુનિક માનવીઓ તેમની પાસેથી ઘણું શીખવાની જરૂર છે તે સૂચવે છે.
મિશ્રને હું તેમના કાર્યો થકી જ ઓળખતો હતો. મારે ભાગ્યે જ તેમને મળવાનું થયું હશે, પણ જ્યારે મળવાનું થાય, ત્યારે તે મુલાકાત મારા માટે જ્ઞાનપ્રેરક બની રહેતી. ’૮૦ના દાયકામાં ચિપકો આંદોલન અંગેના મારા પોતાના સંશોધન માટે તેમનાં સલાહ-સૂચન લેવા માટે હું તેમને મળ્યો હતો. ૯૦ના દાયકામાં, હું નેહરુ મેમોરિયલ મ્યુિઝયમ ઍન્ડ લાઇબ્રેરી(એન.એમ.એમ.એલ.)નો સભ્ય હતો, તે દરમિયાન મેં મિશ્રને તેમના પુસ્તક ‘આજ ભી ખરે હૈં તાલાબ’ અંગે વાર્તાલાપ કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. એન.એમ.એલ.એલ. તે સમયે કીર્તિના શિખર પર હતી અને ભારતીય બુદ્ધિજીવીઓમાં તેનું અનેરું મહત્ત્વ હતું. વળી, વિદેશી વિદ્વાનોનું પીઠબળ પણ મળી રહ્યું હતું. અહીં, હિંદી ભાષામાં ‘થોડામાં ઝાઝું કહીને’ તેમણે જે વક્તવ્ય આપ્યું અને રજૂઆતો કરી, તે એન.એમ.એમ.એલ. ખાતે થયેલી સૌથી રસપ્રદ ચર્ચાઓમાં સ્થાન ધરાવે છે. આ ચર્ચાના પડઘા ઘણા સપ્તાહો સુધી એન.એમ.એમ.એલ.ની પરસાળોમાં ગૂંજતા રહ્યા હતા. એક દાયકા બાદ મેં ચંડીપ્રસાદ ભટ્ટનું બહુમાન કરતી એક બેઠકમાં મિશ્રને ચંડીપ્રસાદ ભટ્ટનાં કાર્યો વિશે વક્તવ્ય આપતાં સાંભળ્યા. ફક્ત પાંચ કે છ જ મિનિટમાં તેમણે ઘણી જ કુશળતાપૂર્વક ગાંધીવાદી વિચારધારા અને સક્રિયવાદ ક્ષેત્રે ભટ્ટના યોગદાનને વર્ણવ્યું. થોડા મહિનાઓ અગાઉ મને તેમના કેન્સર વિશે જાણ થઈ, ત્યારે હું તેમને મળવા ગયો. તે અમારી છેલ્લી મુલાકાત હતી. આ બીમારીને કારણે તેમને ઘણું શારીરિક કષ્ટ થઈ રહ્યું હતું તે સ્પષ્ટ દેખાતું હતું. છતાં તેમના અવાજની મૃદુતા અને ગહનતા હજી એવીને એવી અકબંધ હતી. તેમના યુવાન સાથી સોપાન જોષી પણ અમારી સાથે હતા. તાજેતરનાં વર્ષોમાં મિશ્રનાં કાર્યોની જાણકારી નવી પેઢી સુધી પહોંચાવા માટે જોષીએ ભગીરથ પ્રયત્નો કર્યા છે.
આધુનિક ભારતમાં પર્યાવરણીય ચળવળ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારી પાંચ વ્યક્તિઓનાં નામ પૂછવામાં આવે, તો હું જેમનાં નામ આપીશ તે વ્યક્તિઓ છે – ચળવળકર્તાઓ ચંડીપ્રસાદ ભટ્ટ તથા મેઘા પાટકર, વિજ્ઞાની માધવ ગાડગિલ, પત્રકાર અનિલ અગ્રવાલ અને પર્યાવરણવિદ અનુપમ મિશ્ર. મિશ્ર પર્યાવરણ ક્ષેત્રે સક્રિય હતા, તેમ છતાં ઉપરોક્ત પાંચ વ્યક્તિઓમાં તેઓ સૌથી ઓછા જાણીતા છે. આ પાછળનું કારણ તેમણે કરેલી પસંદગીઓ જેમ કે ‘બળવો કે વિરોધ કરવાને બદલે પુનઃ નિર્માણ કરવું તથા અગ્રેજીને બદલે હિંદીમાં’ લેખનકાર્ય વગેરે પરિબળો જવાબદાર છે.
પોતાનાં ગહન લખાણો અને જીવન માટે અત્યંત જરૂરી અને અનિવાર્ય પાણીના સ્રોતના સંરક્ષણ અને સંચય અંગે સંવેદનશીલતાપૂર્વક કામગીરી કરવા બદલ અનુપમ મિશ્ર સદૈવ યાદ રહેશે. સાથે જ, પોતાના યોગદાનનો પ્રચાર કર્યા વગર, પૂર્વગ્રહ કે માનસિકતાને આધાર બનાવવાને બદલે સંશોધન આધારિત નક્કર કામગીરી કરવા બદલ તેઓ હંમેશાં યાદ રહેશે.
[ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં સૌપ્રથમ પ્રકાશિત લેખ ઉન્નતિ ના દીપાસોનપાલ સંપાદિત ‘વિચાર’ માસિકમાંથી સાભાર]
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2017; પૃ. 04-05