ચાણક્યએ તેના અર્થશાસ્ત્રમાં કહ્યું છે એ બધું જ કુમળા બાળકના મગજમાં ઠાલવવામાં નહીં આવે ત્યાં સુધી રાષ્ટ્રનિર્માણ શક્ય જ નથી એટલે ઇતિહાસમાં ચાણક્યનીતિ ઘુસાડવાનો આગ્રહ રાખવામાં આવે છે. જેમ કે એક દેશ હોવો જોઈએ, એની ભૂમિ પવિત્ર જ હોવી જોઈએ, એનો ભવ્ય ઇતિહાસ હોવો જોઈએ, પરાજય કે લાંછનની ઘટનાઓ હોય તો એનો બચાવ કરનારા ખુલાસાઓ હોવા જોઈએ, એના મહાન હીરો હોવા જોઈએ, બલિદાનીઓ હોવા જોઈએ, દેશના દુશ્મનો હોવા જોઈએ, ઘરના ભેદી હોવા જોઈએ, તેનો ગદ્દારીનો લાંબો ઇતિહાસ હોવો જોઈએ, બહુમતી કોમ જરૂર પડ્યે ચતુર અને જરૂર પડ્યે ભોળી હોવી જોઈએ વગેરે બહુમતી રાષ્ટ્રવાદી ઇતિહાસનો અનિવાર્ય મસાલો છે
ગયા અઠવાડિયે રાજસ્થાન યુનિવર્સિટીની સિન્ડિકેટે ઠરાવ કર્યો હતો કે મહારાણા પ્રતાપ વિશેનો રાજસ્થાનનો ઇતિહાસ ફરી લખવાની જરૂર છે. રાજસ્થાન યુનિવર્સિટીના કાર્યવાહક ઉપકુલપતિ રાજેશ્વર સિંહે પ્રસ્તાવ યુનિવર્સિટીના ર્બોડ ઑફ સ્ટડીઝ સમક્ષ વિચારણા માટે મોકલી આપ્યો છે. દરમ્યાન રાજસ્થાનની સરકારના ત્રણ પ્રધાનો, જેમાં આજી-માજી શિક્ષણપ્રધાનોનો પણ સમાવેશ થાય છે. તેમણે સિન્ડિકેટના પ્રસ્તાવને ટેકો આપ્યો છે.
અહીં સુધી તો જાણે ઠીક છે. ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં રહેલી કેટલીક ક્ષતિઓ દૂર કરવા માટે એને સુધારવામાં આવે એવું બનતું રહે છે. કેટલીક પ્રજા નારાજ ન થાય એટેલ જુદી રીતે સંભાળીને ઇતિહાસ લખવામાં અને ભણાવવામાં આવે એવું પણ બન્યું છે, પરંતુ રાજસ્થાન યુનિવર્સિટીનો ઠરાવ નવતર છે અને ચિંતાજનક પણ છે. સિન્ડિકેટે ઠરાવ કર્યો છે કે મહારાણા પ્રતાપનો હલ્દીઘાટીના યુદ્ધમાં અકબર સામે પરાજય થયો જ નહોતો એવો ઇતિહાસ લખવામાં આવે. જદુનાથ સરકાર કે રમેશચન્દ્ર મજુમદાર જેવા કોઈ રાષ્ટ્રવાદી ઇતિહાસકારે પણ આજ સુધી કહ્યું નથી કે મહારાણા પ્રતાપનો પરાજય નહોતો થયો. દરેકેદરેક ઇતિહાસકાર કબૂલ કરે છે કે અકબર સામેના યુદ્ધમાં મહારાણા પ્રતાપે પીછેહઠ કરવી પડી હતી. દરેક વિચારધારાના ઇતિહાસકારો એ પણ કબૂલ કરે છે કે હલ્દીઘાટીના યુદ્ધમાં અકબરનો સેનાપતિ હિન્દુ માન સિંહ હતો અને રાણા પ્રતાપનો સેનાપતિ મુસ્લિમ હકીમ સુર હતો. એ યુદ્ધ સામ્રાજ્ય વિસ્તારવા અને ટકાવી રાખવા માટેનું યુદ્ધ હતું અને એને ધર્મ સાથે કોઈ લેવાદેવા નહોતી.
ઇતિહાસ જો બદલી ન શકાય તો ઉત્પાદિત તો કરી શકાયને! ફાસીવાદી જમાતનું આ છેલ્લું શસ્ત્ર છે અને ખતરનાક શસ્ત્ર છે. અહીં ઇતિહાસનો કઈ રીતે રાજકીય દુરુપયોગ કરવામાં આવે છે અને એના કેટલાં માઠાં પરિણામ આવે છે એના વિશે થોડી વાત કરીએ.
ઇતિહાસ કેમ લખવો એના શાસ્ત્રને અંગ્રેજીમાં હિસ્ટોરિયોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ભારતનું વિભાજન થયું એ એક ઐતિહાસિક ઘટના છે. એ ઘટનાને જો લખવી હોય તો લખવી કઈ રીતે એ ઇતિહાસકારો સમક્ષ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એવાં કયાં પરિબળો હતાં જેને કારણે ભારતનું વિભાજન થયું એની ચકાસણી કરવી પડે. ચકાસણી કરવા માટે પરિબળોની પૂંઠ પકડતાં-પકડતાં ક્યાં સુધી પાછળ જવું એ બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કાર્ય-કારણની લાંબી સાંકળ હોય છે એમાં ક્યાંક તો થોભવું જ પડે. ત્રીજું, કાર્ય-કારણની સાંકળના દરેક મણકાનો પાછો પોતાનો ઇતિહાસ હોય છે અને એની પોતાની કાર્ય-કારણની સાંકળ હોય છે. ભારતને વિભાજન તરફ દોરી જનારી કાર્ય-કારણની મુખ્ય સાંકળ, એના મણકાઓ અને મણકાઓની ઉપ-સાંકળ જે પાછી એકબીજાને પ્રભાવિત કરે એ રીતે જોડાયેલી હોય છે. ટૂંકમાં ઇતિહાસની દરેક ઘટના મહાભારતમાં જોવા મળે છે એવી કથા-ઉપકથાઓના સમૂહ જેવી હોય છે જે સ્વતંત્ર પણ હોય છે અને એકબીજા સાથે જોડાયેલી તેમ જ મુખ્ય કથાને પ્રભાવિત કરનારી પણ હોય છે.
તો પછી ઇતિહાસ લખવો કઈ રીતે? કઈ રીતે કરવું ઇતિહાસનું દિગ્દર્શન?
ઇતિહાસ લખવો આસાન નથી. ઇતિહાસલેખન એ લોકો માટે જ માત્ર આસાન છે જેમણે ચોક્કસ ઘટનામાં ભાગ ભજવનારા હીરો અને વિલન નક્કી કરી લીધા છે અને અનુકૂળ પ્રમાણોની શોધ કરીને ઇતિહાસ લખે છે. તેમણે ઇતિહાસનો અભ્યાસ કર્યા પહેલાં જ તારણ નક્કી કરી લીધાં છે અને ઇતિહાસનો અભ્યાસ તો કારણની પુષ્ટિ માટે કરવામાં આવે છે. આ ઇતિહાસ નથી. આ ઇતિહાસના લિબાસમાં પ્રજાના માનસને ચોક્કસ રંગથી રંગવા માટેનું સાધન છે. ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ પ્રૉપગૅન્ડા ઍન્ડ નૉટ હિસ્ટરી.
જેઓ પ્રામાણિક ઇતિહાસકાર છે તેમની સામે તો મૂંઝવનારો પ્રશ્ન બાકી રહે જ છે કે અતીતના ગોદામમાં આટલી બધી ઘટનાઓનાં કથનો-ઉપકથનો છે તો એમાંથી કોનો ઉપયોગ કરવો અને કોનો ન કરવો? આમાંથી ઇતિહાસલેખનનું શાસ્ત્ર અને એની સ્કૂલ વિકસી છે જેને હિસ્ટોરિયોગ્રાફી કહેવામાં આવે છે. જેમ કે ભારતના વિભાજનની વાત લઈએ તો કેટલાક ઇતિહાસકારો રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણથી ઇતિહાસલેખન કરે છે. તેમના લેખનમાં તેમની રાષ્ટ્રની કલ્પના અને એનું રાજકારણ કેન્દ્રમાં હોય છે. તેઓ કહેશે કે મુસલમાનો વૈશ્વિક મુસ્લિમ ભાઈચારા(ઉમ્માહ-પેન ઇસ્લામિઝમ)માં માને છે એટલે તેઓ દેશને વફાદાર નહોતા. કેટલાક ઇતિહાસકારો સામાજિક-સાંસ્કૃિતક પરિબળોની મીમાંસા કરે છે. ભારતીય સમાજમાં સમાજિક-સાંસ્કૃિતક પોત જ નહોતું વિકસ્યું એટલે એક દિવસ તો વિભાજન થવાનું જ હતું. કેટલાક ઇતિહાસકારો વર્ગ અને વર્ગસંઘર્ષનો દૃષ્ટિકોણ અપનાવે છે. હિન્દુ અને મુસલમાનો વચ્ચે શોષણ અને શોષિતનું વર્ગીય વિભાજન હતું અને એની વચ્ચે સતત સંઘર્ષ થતો હતો. વિભાજન વખતે નિમિત્ત હાથ લાગ્યું અને પેલો સદીઓ જૂનો ભારેલો અગ્નિ ભડકી ઊઠ્યો.
ઇતિહાસ મજેદાર શાસ્ત્ર છે જો એને ખુલ્લા મનથી ભણવામાં આવે. ભારતના વિભાજન તરફ દોરી જનારાં પરિબળો વિશે અહીં જે ત્રણ દૃષ્ટિકોણ બતાવ્યા એ ત્રણેયમાં સત્યાંશ છે. ત્રણેય સ્કૂલના ઇતિહાસકારો પ્રમાણો રજૂ કરે છે જેની પુન:ચકાસણી કરી શકાય છે. કાચાં, અધૂરાં અને ખોટાં પ્રમાણો રજૂ કરનારા ઇતિહાસકારો પણ આ ત્રણેય સ્કૂલમાં છે જેમની ઇતિહાસકાર તરીકેની કોઈ પ્રતિષ્ઠા નથી.
બહુવિધ દૃષ્ટિકોણથી કરવામાં આવતી ઇતિહાસમીમાંસા સમાજ માટે ઉપકારક હોય શકે છે, પરંતુ સ્કૂલનાં બાળકોને તો માત્ર ઇતિહાસનું આચમન જ કરાવવાનું હોય છે તો એ કઈ રીતે કરાવવું એ મોટો પ્રશ્ન છે? વિભાજનના જખમ સાથે દેશ આઝાદ થયો ત્યારે ભારત સરકારના શિક્ષણખાતાએ એવું ઠરાવ્યું હતું કે બાળકો માટેનો ઇતિહાસ એ રીતે લખવો અને ભણાવવો કે જેથી બને એટલા વહેલા જખમો રુઝાઈ જાય. પ્રજામાં ભારતીયપણાની ભાવના વિકસશે તો રાષ્ટ્રનિર્માણ વહેલું થશે અને દેશ ઝડપતી વિકાસ પામશે. જી હા, આનો અર્થ એ થયો કે ભારતીય પ્રજા વચ્ચે વેર પેદા કરે અને અંતર વધારે એવાં તથ્યો સામે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા અથવા પાઠ્યપુસ્તકોમાં એની રજૂઆત પાતળી પાડીને કરવામાં આવી હતી.
પાકિસ્તાનમાં ભારત કરતાં જુદો માર્ગ અપનાવવામાં આવ્યો હતો. પાકિસ્તાનના શાસકોએ એ સાબિત કરવાનું હતું કે કઈ રીતે ભારતનું વિભાજન અને પાકિસ્તાનની સ્થાપના અનિવાર્ય હતાં. હિન્દુઓએ મુસલમાનો પાસે અલગ થવા સિવાય કોઈ વિકલ્પ જ રહેવા નહોતો દીધો એ સાબિત કરવાનું હતું. જો એમ સાબિત કરવાનો પ્રયાસ કરવામાં ન આવે તો બાળકો મોટાં થઈને અકળાવનારા પ્રશ્નો પૂછતાં થઈ જાય. જેમ કે; જ્યાં મુસલમાનોનો જ્વલંત ઇતિહાસ રચાયો છે એ હિન્દુસ્તાનની વિશાળ ભૂમિ પાછળ છોડીને નાનકડું પાકિસ્તાન શા માટે રચ્યું? મુસલમાનોના ગૌરવવંતા ઇતિહાસનાં કીર્તિસ્થાનો ભારતમાં છે, ઇબાદત સ્થાનો ભારતમાં છે, સાંસ્કૃિતક વિરાસત ભારતમાં છે તો એ બધું છોડીને પાકિસ્તાન શા માટે રચવામાં આવ્યું? ઇસ્લામ મુસલમાનો વચ્ચે બંધુતામાં માને છે તો પાકિસ્તાન કરતાં મોટી સંખ્યામાં મુસ્લિમ બંધુઓને ભારતમાં ખુદાના ભરોસે છોડીને પાકિસ્તાન રચવાની શી જરૂર હતી? આવા પ્રશ્નો બાળકોના માનસમાં ન જાગે એ માટે પાકિસ્તાનમાં ઇતિહાસનાં શાળાકીય પાઠ્યપુસ્તકો ભારત કરતાં જુદી રીતે લખવામાં આવ્યાં હતાં. બીજું, તેમને પાકિસ્તાન ટકાવી પણ રાખવાનું હતું એટલે હિન્દુઓ દુષ્ટ છે, મુસલમાનો વિક્ટિમ છે અને ભારત પાકિસ્તાનના અસ્તિત્વને ભૂંસી નાખવાના કાવતરા કરી રહ્યું છે એવું ભણાવવામાં આવતું હતું.
તમને એટલું તો સમજાઈ ગયું હશે કે ૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે પાકિસ્તાનની સરખામણીમાં ભારત થોડું કમ્ફર્ટ ઝોનમાં હતું. શરત માત્ર એટલી હતી કે કેટલાક ઘા વીસરી જવા પડે એમ હતા અને કેટલાકને મોળા પાડવાના હતા. ઘા દૂઝતા રાખવાથી ફાયદા કરતાં નુકસાન વધુ છે એટલે વિસારે પાડવામાં લાભ છે એવું ત્યારના શાસકોને લાગ્યું હતું. બીજી બાજુ પાકિસ્તાનની જરૂરિયાત ઘા જીવતા રાખવાની, દૂઝતા રાખવાની અને યાદ કરાવતા રહેવાની હતી.
આજે પરિણામ આપણી સામે છે. માત્ર આપણી સામે નહીં, આખા જગતની સામે છે. મલાલા યુસુફઝઈ નામની ૧૩ વરસની છોકરીને ભણવા દેવાની માગણી કરવા માટે ત્રાસવાદીઓ ગોળી મારે અને એ બર્બર ઘટનાનો પાકિસ્તાની યુવતીઓ બચાવ કરે એ દૃશ્ય જ કમકમાં પેદા કરનારું છે. પાકિસ્તાની યુવતીઓ મલાલાની ભણવા દેવાની માગણીનો વિરોધ કરે અને ત્રાસવાદીઓની હિંસાનું સમર્થન કરે? દુર્ભાગ્યે આવું બની રહ્યું છે કારણ કે સ્કૂલોમાં આવો ઇતિહાસ ભણાવવામાં આવ્યો છે. એટલે તો પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી પરવેઝ હૂડભોય જેવા વિદ્વાનો કહી રહ્યા છે કે હવે ઘણું થયું, ક્યાં સુધી સદા ઘાયલ રહીને પોતે જ પોતાનું લોહી નીંગાળતાં રહેશો? મહેરબાની કરીને આપણાં બાળકોને તંદુરસ્ત ચિત્ત સાથે મોટાં થવા દો કે જેથી તેઓ જેહાદ અને ત્રાસવાદી હિંસાનો માર્ગ ન અપનાવે અને વિજ્ઞાન અને વિકાસનો માર્ગ અપનાવે.
પાકિસ્તાને માત્ર ઘા જીવતા રહે એવો અનુકૂળ ઇતિહાસ અપનાવ્યો. અનુકૂળ ઇતિહાસ ઓછો પડતો હતો તો એમાં થોડું ઉમેરણ કરીને એને ઘૂંટ્યો. એ પણ ઓછો પડ્યો તો નર્યા જુઠ્ઠાણાવાળા ઇતિહાસનું ઉત્પાદન કર્યું. ઇતિહાસ તો હોય, એનું ઉત્પાદન થાય? એ પણ થઈ શકે જો રાજ્યતંત્ર હાથમાં હોય તો. પહેલાંના જમાનામાં ભાટ ઇતિહાસકારો રાજાઓનો અને બાદશાહોનો ગૌરવવંતો ઇતિહાસ લખતા હતા એમ. સત્તા હાથમાં હોય તો ઇતિહાસનું ઉત્પાદન પણ શક્ય છે. રાજસ્થાનમાં સત્તાધીશો પાસે રાજ્યતંત્ર છે એટલે તેઓ ઇતિહાસ બદલી નહીં ઉત્પાદિત કરી રહ્યા છે.
પાકિસ્તાનથી ઊલટું ભારતે ઘા રુઝાઈ જાય એવો અનુકૂળ ઇતિહાસ અપનાવ્યો. એમાં કોઈ શંકા નથી કે ભારતમાં પ્રજાકીય એકતા વધે એવો પસંદગીનો ઇતિહાસ લખવામાં અને ભણાવવામાં આવે છે. ભારતીય પ્રજા વચ્ચે વેર પેદા કરે અને અંતર વધારે એવાં તથ્યો સામે આંખ આડા કાન કરવામાં આવે છે અથવા પાઠ્યપુસ્તકોમાં એની રજૂઆત મોળી પાડીને કરવામાં આવે છે. હિન્દુત્વવાદીઓને આનાથી સંતોષ નથી. તેઓ આરોપ કરે છે કે ભારત સરકાર બાળકોને ખોટો અને ખોટો નહીં તો અધૂરો ઇતિહાસ ભણાવે છે. પાપીને પાપી ન કહે એવો ઇતિહાસ હોય જ ન શકે. પ્રજામાં દેશપ્રેમ પેદા કરવો હોય અને રાષ્ટ્રભાવના નિર્માણ કરવી હોય તો દેશના શત્રુઓને ઓળખી બતાવવા જોઈએ. ઘર કા ભેદી લંકા ઢાએ એમ ઘરની અંદર કે પાડોશમાં રહેનારનો ઇતિહાસ જો ગદ્દારીનો કે શંકાસ્પદ હોય તો એનાથી બાળકોને માહિતગાર રાખવાં જોઈએ. ઇતિહાસકારોનો આ ધર્મ છે અને ઇતિહાસ શિક્ષણની આ અનિવાર્યતા છે.
ચાણક્યએ તેના અર્થશાસ્ત્રમાં કહ્યું છે એ બધું જ કુમળા બાળકના મગજમાં ઠાલવવામાં નહીં આવે ત્યાં સુધી રાષ્ટ્રનિર્માણ શક્ય જ નથી એટલે ઇતિહાસમાં ચાણક્યનીતિ ઘુસાડવાનો આગ્રહ રાખવામાં આવે છે. જેમ કે એક દેશ હોવો જોઈએ, એની ભૂમિ પવિત્ર જ હોવી જોઈએ, એનો ભવ્ય ઇતિહાસ હોવો જોઈએ, પરાજય કે લાંછનની ઘટનાઓ હોય તો એનો બચાવ કરનારા ખુલાસાઓ હોવા જોઈએ, એના મહાન હીરો હોવા જોઈએ, બલિદાનીઓ હોવાં જોઈએ, દેશના દુશ્મનો હોવા જોઈએ, ઘરના ભેદી હોવા જોઈએ, તેનો ગદ્દારીનો લાંબો ઇતિહાસ હોવો જોઈએ, બહુમતી કોમ જરૂર પડ્યે ચતુર અને જરૂર પડ્યે ભોળી હોવી જોઈએ વગેરે બહુમતી રાષ્ટ્રવાદી ઇતિહાસનો અનિવાર્ય મસાલો છે.
ટૂંકમાં ઇતિહાસની ઘટનાઓ મહત્વની નથી, મસાલાઓ મહત્ત્વના છે. તીખોતમતમતો મોઢામાંથી સિસકારા નીકળે એવો માલવણી તડકા જેવો ઇતિહાસ લખવામાં આવે તો જ દેશપ્રેમી બહાદુરો પેદા થાય અને રાષ્ટ્રનિર્માણ થઈ શકે એમ તેઓ માને છે. પાકિસ્તાને આનો પ્રયોગ કરી જોયો અને પરિણામ પણ આપણી સામે છે. હિન્દુત્વવાદીઓ આવો ઇતિહાસ લખાય અને ભણાવાય એમ ઇચ્છે છે અને તેમને નેહરુચીંધ્યો ઇતિહાસ સાવ મોળો લાગે છે. મોળો નહીં; ખોટો, અધૂરો, મીંઢો અને શું કહેશું? સેક્યુલરિયો ઇતિહાસ તેમને લાગે છે.
હવે જો માલવણી તડકા જેવો ઇતિહાસ બહુમતી હિન્દુઓના પૌરુષત્વને જગાડવા માટે જરૂરી હોય તો મસાલા ખૂબ વાપરવા પડે. કેટલાક મસાલા ઘૂંટી-ઘૂંટીને તેજ બનાવવા પડે, એમાં હજી વધુ જલદ તત્ત્વોનું ઉમેરણ કરવું પડે અને જરૂર પડે તો બહારથી મસાલા આયાત પણ કરવા પડે. પસંદગીનો ઇતિહાસ, તોડમરોડવાળો વિપર્યાસ કરેલો ઇતિહાસ અને સાવ કાલ્પનિક ઉત્પાદિત ઇતિહાસ એમ બધી જ સામગ્રી જરૂરી છે.
પાકિસ્તાન પામી ગયું અને આપણે રહી ગયા એવું હિન્દુત્વવાદીઓનું માનસ છે. તમે પણ જો આવું માનતા હો અને પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવતા ઇતિહાસને બદલવો જોઈએ એવી તેમની માગણીને ટેકો આપતા હો તો તમારે એક કામ કરવું જોઈએ. હિન્દુત્વવાદી ઇતિહાસકારોએ લખેલા ઇતિહાસનાં પુસ્તકો વાંચી જાઓ. ગુસ્સો નહીં આવે તો છેવટે અનેક સ્થળે હોઠ મલકી જશે એની ગૅરન્ટી. એ પછી નક્કી કરો કે તમારું બાળક દીનાનાથ બત્રા કે રાજારામ જેવા કોઈક ઇતિહાસકારના હાથમાં સલામત છે કે જવાહરલાલ નેહરુના?
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ’સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 12 ફેબ્રુઆરી 2017