આપણો આ ચોથિયો જ શા માટે – ખુદ ચોથેશ્વરી પણ, ઝઘડા કરવામાં લગીરે માને નહીં. હા, ક્યારેક લગીર-લગીર દાંતિયાં થઈ જાય અને ક્યારેક બંને એકબીજાની ગત સાત આઠ પેઢીઓને સ્મરી પણ લે, પણ શાણા જેને કહે છે તેમ – એ તો બે વાસણ ખખડ્યાં કહેવાય એટલું જ – બેયના દિલમાં લગીરે પાપ ના મળે. પણ આ એકદંતગૂમ અને રક્તાક્ષ તો જે ઝઘડ્યા … આહાહાહા … વાત જ મેલી દેજો. બેયની ટોળીઓ એકબીજાના પાળિયા કરી દેવા તૈયાર થઈ ગઈ. બેય ટોળીઓએ પહેલ પરથમ તો પોતપોતાની પાસેના ફટાકડાનું પ્રદર્શન કર્યું. પૂંઠે બાંધી શકાય તેવા લવિંગિયાની લૂમોના તો થપ્પેથપ્પા એકમેકને બતાવ્યા. પણ એમાં તો બેય બરાબરીના નીકળ્યા, એટલે પેચને બે આંટા વધુ કસ્યા. હવે સૂતળીબૉંબ અને તે પણ પાછા આયાતીનું નિદર્શન કર્યું. કોઈક વળી ચીની બનાવટના રૉકેટ લઈને દોડ્યું, તો સામેવાળાએ અમેરિકન બનાવટના ‘ઇલેક્ટ્રિક’ ધડાકિયા સજાવ્યા. પણ આખરે યુદ્ધ થઈને જ રહ્યું. અને બધાં જ યુદ્ધોમાં બને છે તેમ – જીત્યું તો કોઈ નહીં છતાં એક પાર્ટી હારી. એકદંતગૂમની પાર્ટી હારી તે માટે તે એકલો જ જવાબદાર ન હતો. તેનું યુદ્ધ પણ આતતાયીઓ સામેનું અને તેથી ધર્મયુદ્ધ જ હતું. એ તો પેલો રક્તાક્ષની ભેળા યપ્પી, ગુચ્છપુચ્છ, તીક્ષ્ણકર્ણ અને રક્તમુખ ભળી ગયા, તેમાં આ મહાવીર એકદંતગૂમ હાર્યો.
હવે જીતેલા સૌમાં મહત્ત્વની ચર્ચા ચાલી. બસ તેને એવો પાઠ ભણાવો કે ફરીથી બેટો બેઠો જ ના થાય. એકે કહ્યું, ‘એને એવો ચૂંથી નાંખો કે સાત પેઢી સુધી મોં ઊંચું કરીને ચાલી જ ના શકે.’ બીજાએ કહ્યું, ‘એમાં આપણે શું ખાટ્યા? એનું માથું ઊંચું હોય કે નીચું – આપણે આખ્ખો દા’ડો ચોકીદારી થોડી જ કરી શકવાના.’ પછી તો જેટલાં મોઢાં એટલી વાતો. કોઈકે ઘેટાં-બકરાં-ગાયો અને ઘોડા પડાવી લેવાની વાત કરી તો વળી કોઈકે તેમનાં ખનિજો અને તેલ જ કાઢી જવાની વાત કરી. એકે તો તેમની નારીઓને જ ઉપાડી લાવવાની વાત કરી. મહાપંડિત જેવા જણાતા એક મહાનુભાવે તો એમ પણ કહ્યું કે ભૂતકાળનાં યુદ્ધોમાં આમ જ બનતું. ગુચ્છપુચ્છ સહિત રક્તાક્ષ, રક્તમુખ અને તીક્ષ્ણકર્ણ વિચારમાં પડી ગયા. આમે ય તે તીક્ષ્ણકર્ણ ધારદાર કાન ધરાવતો હતો પણ જેવી તેની બુદ્ધિ સતેજ થવા માંડતી તેવા જ તેના કાન પણ કટારની ધાર જેવા તીણા થઈ જતા. પરિસ્થિતિની ગંભીરતાનો તેને સૌ પ્રથમ ખ્યાલ આવ્યો. તેણે કહ્યું. ‘જુઓ ભાઈઓ, આપણે જીત્યા હોવાથી કાંઈક તો મેળવવું જ જોઈએ. પણ શું તેની કાંઈ ખબર જ પડતી નથી.’
યુદ્ધમાં હારેલાને એમને એમ જવા દેવાની તૈયારી કોઈની ન હતી. આખરે જેનું કામ જ અર્થશાસ્ત્ર જેવાં ગમગીન વિષય ભણવા અને ભણાવાનો હતો તેવા, વિદ્વાનોને બરકવામાં આવ્યા. અગાઉ ગરીબીના પ્રશ્નની ચર્ચા કરીને પછી તેને જેમનો તેમ છોડીને ભાગેલી આ ટોળકીને હવે એક નવો નક્કોર અને ચટાકેદાર મુદ્દો હાથે વળગ્યો.
અર્થશાસ્ત્રીઓની પહેલી બેઠકમાં નક્કી થયું કે આ કોયડો ઘણો ગંભીર છે અને તેનો ઉકેલ માત્ર પોતાની જ પાસે છે. અલબત્ત, ઉકેલ હજુ શોધવાનો બાકી હતો પણ તે હોય તો માત્ર પોતાની જ પાસે હોય તે નક્કી હતું. લાંબી વિચારણાઓ અને તેથી ય લાંબી વિમાસણોને અંતે આખરે તેમણે નક્કી કર્યું કે હારેલા પાસેથી દંડ વસૂલ કરવો. આ દંડ વસ્તુઓના સ્વરૂપનો હોવો જોઈએ. હારેલા દેશના પૂર્વસૈનિકો હવે મજૂર બનીને પોતાના દેશમાં કારખાનાંઓમાં કામ કરે અને તેમના માલની આયાત કરીને જીતેલા દેશોના નાગરિકો એયને લીલાલહેર કરે. થોડા દા’ડા તો પેલા જીતેલાને લાગ્યું કે બસ, આપણે તો હવે લહેરપાણીના જલસા જ થઈ ગયા. પણ આ લહેરપાણીના હજુ તો ઓડકાર આવતા હતા, ત્યાં જ ગોકીરો મચી ગયો. લોકો તો રસ્તા ઉપર આવી ગયા અને કાળા વાવટા લહેરાવા માંડ્યા. પેલા હારેલા દેશનો માલ અને સામાન જો આપણા દેશોમાં આવે, તો અમારા કળકારખાનાનું શું? અમારી રોજી અને રોટીનું શું? જીતેલા દેશોનાં કારખાનાં તો બંધ પડવા માંડ્યાં અને હારેલા દેશના લોકોને નવરાશ ન મળે એટલા રોજીરોટી મળતા થયા. હારેલા દેશનાં કારખાનાં અને વેપાર-વણજ તો ભઈ ખીલી ઊઠ્યાં.
રક્તાક્ષની ભેળા યપ્પી, ગુચ્છપુચ્છ. તીક્ષણકર્ણ અને રક્તમુખ પાછા ટોળે મળ્યા. જીતેલા દેશોને જ પરવડે તેવાં ખાણીપીણી અને ગુલતાનો કર્યાં પછી વળી પાછા હારેલાને ઠેકાણે કેમ કરવો તેના મુદ્દા ઉપર આવ્યા. પેલા જૂના અર્થશાસ્ત્રીઓને પડતા મેલીને સાવ નવાનક્કોર અર્થશાસ્ત્રીઓને ભેગા કર્યા.
આ અર્થશાસ્ત્રીઓએ નક્કી કર્યું કે જૂનાને કાંઈ ખાસ આવડતું જ ન હતું. તેમના પ્રમુખશ્રીએ જાહેર કર્યું કે હારેલા દેશનો માલ દંડ તરીકે લેવાથી તો આપણી વેપારની તુલા ખોરવાઈ જતી હતી. વેપારમાં પુરાંત રહેવાને બદલે ખાધનો યુગ શરૂ થઈ ગયો હતો. આપણા લોકો બેકાર બને અને તેમનાં કારખાનાં અને ધંધારોજગાર ધમધમે તેવો આ માર્ગ મૂર્ખામી ભરેલો હતો.
અર્થશાસ્ત્રીઓની નવી સભાએ ઠરાવ્યું કે હારેલા પાસેથી આપણે સીધેસીધો દંડ જ વસૂલ કરીએ. બિરબલના ન્યાયથી પણ આગળ વધીને તેમણે વીસુંનો દંડ ઝીંકી જ દીધો. ‘મિ. એકદંતગૂમ, તમારે આટલો તો દંડ આપવો જ પડશે,’ વિજેતાઓની પંચાયતે ફરમાન કર્યું. એકદંતગૂમનો દેશ તો અચાનક જ હજાર વીસુંનો દેવાદાર બની ગયો. નિકાસો દ્વારા તે આ રકમ ભરપાઈ કરી શકે તેમ હતો, પણ પેલા જીતેલાઓ આ માટે રાજી ન હતા. ‘ટ્રેડ એકાઉન્ટ’ અને ‘બૅલેન્સ ઑફ પેમેન્ટ’ જેવા શબ્દો વારેવારે ઊછળવા માંડ્યા. પણ એકદંતગૂમ સામેનો સૌથી મોટો સવાલ આ ચુકવણાનો હતો. આમ તો તેની ટોળીમાં કોઈ મેધાવી વાનરબંકો હતો જ નહીં પણ એક ચતુરાક્ષ નામે અનામી બંદો હતો. એકદંતગૂમ અને પોતાની સેનાની હાર પછી તે ઉદાસ થઈને ફર્યા કરતો હતો. તેણે એકદંતગૂમને કહ્યું. ‘બંધુરે, આપણે જે ધન આપવાનું થાય છે, તેનો એક કીમિયો આપણી પાસે છે. બસ આપણે નવી ને કડકડતી નોટો છાપીને તેનાં બંડલો તેમના માથે મારતા જ જઈએ.’ નિરુપાય થયેલા એકદંતગૂમને આ માર્ગ પણ ઠીક જ લાગ્યો.
નવી નોટો થકી દેવું તો ચૂકવવા માંડ્યું, પણ ચારેતરફ ફુગાવાનું ઘોડાપુર ઊમટી પડ્યું. આગળના જમાનામાં લોક ખિસ્સામાં પૈસા લઈને જતા અને થેલીમાં વસ્તુઓ લઈને આવતા, તેને બદલે હવે થેલીમાં પૈસા લઈને જવા માંડ્યા અને વસ્તુઓ ખિસ્સામાં લઈને આવતા થયા. વળી પાછા પેલા મૂંઝાયેલા પાંચની સભા મળી. રક્તાક્ષ, યપ્પી ગુચ્છપુચ્છ, તીક્ષ્ણકર્ણ અને રક્તમુખ પાંચેયની સમજમાં આવતું ન હતું કે હવે શું કરવાથી હારેલા પાસેથી કશુંક પણ વસૂલી શકાય. ‘તમે મોટી ભૂલ કરી રહ્યા છો, મહાશયો.’ એક ગેબી જણાય તેવો અવાજ આવ્યો. ‘તમારે હારેલા પાસેથી સોનું માંગવા જેવું હતું. બસ, સોનું જ સૌને સુખી કરી શકે. તેની વૅલ્યુ ઘટે નહીં અને અડધી રાતે પણ બોલાવ્યો બોલ દે. કહ્યું છે ને ‘સોનામાં સૌ ગુણ સમાય’ અને આ પાંચેયને તેની વાત પણ સાચી જ લાગી.
એકદંતગૂમ તો વળી પાછો વિચારમાં પડી ગયો. જો સોનું ખરીદવું હોય તો બચતો જોઈએ. પણ બચતો માટે તો આવકો જોઈએ. ઉત્પાદન વગર રોજગારી ન મળે. રોજગારી વગર આવક ન થાય અને આવક વગર બચત કેવી? ઉત્પાદન થાય એટલે પોતાની વસ્તુઓની નિકાસો કરવી પડે. નિકાસો વધારવાનો ઉદ્યમ તો પોતાની ટોળી કરી જાણે તેમ હતી, પણ બહારના જગતની હરીફાઈમાં ઊભા કેમ કરીને રહેવું. ત્યાં વળી પાછો પેલો વાનરબંકો ચતુરાક્ષ હાજર થયો. કુરનીસ બજાવીને તે બોલ્યો. ‘હજૂર. આપણે ત્યાં ફુગાવો તો છે જ ને. હવે પેલા પાંચને કોઈકના દ્વારા સમજાવો કે તે આપણને અવમૂલ્યનની ફરજ પાડે. આપણું ચલણ જેમ નીચા મૂલ્યનું થાય તેમ આપણી નિકાસો વધે. નિકાસો વધે તેમ આપણે સોનું ખરીદી શકીએ. આ પાંચેયને તે સોનું આપીએ, પણ તે તો તેમના ગળામાં જ ભરાવાનુંને! સેનાનો કોઈ ઉપયોગ તો હોતો જ નથી. એટલે ખાતર ઉપર દિવેલની જેમ તેમણે તેને સાચવી રાખવાનો વધારાનો ખર્ચ પણ કરવો પડશે. આપણાં કારખાનાં તો વળી પાછાં રોજગારી આપીને ધમધમવા માંડશે.’
એકદંતગૂમને આ વખતે જરાક ઓછો વિશ્વાસ પડ્યો. હમણાં જ કોઈક લોકશાહી દેશમાં થયેલી ચૂંટણીમાં એક નેતા બોલ્યા હતા તે તેને યાદ હતું. આ નેતાએ કટાક્ષમાં કહેલું. તમારો રૂપિયો બીમાર પડ્યો છે – ડૉલરની સામે તેનું મૂલ્ય ખૂબ જ નીચું ઊતરી ગયું છે – ત્યારે હે વડાપ્રધાન, તમે કેવા ડૉક્ટર છો કે આ રૂપિયાની તબિયત સુધારી શકતા નથી! જો કે આ મહાનુભાવ પોતે સત્તાનશીન થયા, ત્યારે પણ રૂપિયો તો બીમાર જ રહ્યો – ફેર પડ્યો હોય તો એટલો જ કે હવેના વડાપ્રધાન ડૉક્ટર ન હતા! એકદંતગૂમને આ બધી બાબતોમાં ખાસ કોઈ ગતાગમ પડતી ન હતી. પણ પેલા વાનરબંકા ચતુરાક્ષના વચન ઉપર ભરોસો રાખવા સિવાય તે કરી પણ શું શકત.
અને વળી પેલા વિજેતા પાંચની સભા મળી. એકદંતગૂમે પોતાની લાચારી વ્યક્ત કરી. પેલા વિજેતાઓને એમ કે અવમૂલ્યન કરવાથી આબરૂ જાય – આથી તેનું ‘નાક રગડવા’ અવમૂલ્યન કરવાની ફરજ પાડી. થઈ રહ્યું. જોતજોતામાં વળી પાછા હારેલાનાં કારખાનાં ધમધમવા માંડ્યાં અને જીતેલાને ઘેર બેકારીના કકળાટો રોજના થઈ પડ્યા.
‘હારેલાને આપણે પૈસા ધીરીએ અને તે આપણને વ્યાજ સાથે ચૂકવતો જાય તેવું કરીએ.’ વળી, એક આંતરરાષ્ટ્રીય કક્ષાની સલાહ મળી. વળી, પેલા પાંચ સેનાનાયકોએ એકીઅવાજે ‘ભલે’ કહ્યું. વળી, વાનરબંકા ચતુરાક્ષે તેનો પણ ‘કાટ’ સૂચવ્યો. આ વખતે એકદંતગૂમે ‘ડિફોલ્ટર’ થવાનું સ્વીકાર્યું. વળી પેલા પાંચને ત્યાં હડિયાપાટી શરૂ થઈ ‘અલ્યા, પેલો નાદાર થઈ જશે તો આપણે તેને ધીરેલા પૈસાનું શું? જે ધનવાનો પૈસા ધીરી બેઠા હતા, તેમને ત્યાં રોજ રસોડે-મોંઘી તુવેરની દાળની ખીચડી જ બનવા લાગી. પાંચેયના ઘરના દરેકે પાંચ-પાંચ કાંદાં સમાર્યાં હોય તેવી આંખો થઈ ગઈ. તેમની વહુવારુઓએ તો કહ્યું પણ ખરું,’ ‘આવી ખબર હોત તો યુદ્ધ થવા જ ના દેત અથવા યુદ્ધમાં હારવાનું પસંદ કરત.’
આ બધી ઘટનાઓ ઉપર અતિ બારીક નજર નોંધી રાખનારા ચોથિયા, ચોથેશ્વરી અને શ્વેતકેશીની સભામાં વાત શરૂ કરતાં-કરતાં શ્વેતકેશીએ કહ્યું. ‘યુદ્ધસ્ય વાર્તા રમ્યા’. પણ ચોથિયો અલગ રીતે વિચારતો હતો. તેણે કહ્યું, ‘વાત જરા વિચિત્ર હોવા છતાં સમજવા જેવી ખરી. હારેલા પાસેથી તમે જો વધુ માલસામાન લો તો તમારી વેપારીની ખાધ વધી જાય. તેથી તમારે ત્યાં બેકારી વધે પણ હારેલાને ત્યાં કારખાનાં ધમધમી ઊઠે. જો તમે તેનું ચલણ માંગો, તો સાર્વત્રિક ફુગાવાની શક્યતા વધે. તેને કારણે અવમૂલ્યન થાય અને વળી તેની જ નિકાસો વધે. જો તમે સોનું માંગો તો તે આપી ન શકે અને આપે, તો તમારે તેને સાચવવા વાસ્તે ખાતર ઉપર દિવેલ કરવું પડે. જો તમે તેને દેવાદાર બનાવો, તો તમારા જ દેશના ધીરનારના પૈસા લઈને પછી તે નાદારી પણ નોંધાવી શકે. હવે મને સમજાવો. તમારે યુદ્ધ શા માટે કરવું છે. માત્ર માણસોને મારી નાંખવા વાસ્તે જ કે? તેણે ચોથેશ્વરી તરફ જોઈને પૂછ્યું.
‘તમને લોકોને જરાક પણ ખબર છે કે તમે જે વિચાર કરી રહ્યા છો, તેનો આર્થિક અને સામાજિક જીવન માટે શું માયનો નીકળે છે?’ ચોથેશ્વરીએ પોતાના સમાજના આ વિચાર-અગ્રદૂતો સામે નજર નોંધીને કહ્યું. ‘જુઓ, આ યુદ્ધની આખી ભૂમિકા જ ખોટી છે. યુદ્ધ પછી તમે કશું ય પામી નથી શકતા તે તો જોયું પણ યુદ્ધ પહેલાં તમે શું કરો છો? યુદ્ધનાં શસ્ત્રો અને અસ્ત્રો, તાલીમ અને તૈયારી, લાવ અને લશ્કર, ગુપ્તચરો અને પ્રચારતંત્રો – આ બધું શેને માટે – તે તો કહો. તમારાથી કોઈકનાં ખાનપાન અને રહનસહન નોંખાં હોય. કોઈના પોષાક અને ભાષા અલગ હોય. કોઈના દેવ અને મઝહબ જુદા હોય. બસ આ પ્રકારનાં નિમિત્તો શોધીને જેની ને તેની પર ચઢાઈ અને આક્રમણ – મારો, કાપો અને બાળો. ચૂંથો અને ચીરી નાંખો. એક વ્યક્તિ જે આખરે તો માણસ જ હોય – તેના હોઠ સહેજ જ ફફડે અને તમે કરોડોનાં જીવનના ચિરાગ બુઝાવી નાંખો – આ તે વળી કેવી ઉત્ક્રાંતિ! તમે ભૂખ્યાં બાળકો કે કુપોષિત સ્ત્રીઓ માટે કશું કરી ન શકો. છએ ઋતુમાં માથે છાપરા વગર પડી રહેનારાની સામે પણ ના જુઓ. સમાજમાં સૌને અક્ષરજ્ઞાન મળે તે મહત્ત્વનું કે પછી અણુ-પરમાણુના વિસ્ફોટોમાં કરોડો નિર્દોષ લોકોને હોમી દેવા તે મહત્ત્વનું? તમારા રસ્તા બિસ્માર છે. લોકોને શુદ્ધ પેયજળ મળતું નથી. કરોડો લોકોએ રાતનું વાળુ કર્યા વગર સ્વપ્નાં જોતાંજોતાં પડ્યા રહેવું પડે છે-અને સામે શું છે? તમે જેને તમારો દેશ ગણો છો, તેમાં શોષકો તમારા જ લોકોનું શોષણ કરે જાય છે. સત્તાધીશો તમારા જ લોકો પાસેથી મબલખ ભ્રષ્ટાચાર આચરી લૂંટ ચલાવે છે.’ ચોથેશ્વરીની આ જ ગરબડ હોય છે. ક્યારેક તેમને પણ વધુ પડતુ દૂરનું અને ચારે બાજુથી જોવા-સમજવાનું શૂર ચઢી આવે છે. આવે વખતે ચોથિયો બિલકુલ ‘સ્ટૅન્ડ ટુ’માં આવી જાય છે. ચોથેશ્વરીને પાણીનો પ્યાલો આપી, તે પણ દૂર સુધી તાકી રહ્યો.
છેવટે શ્વેતકેશીએ મૌન તોડ્યું. ‘કદાચ પેલો ગાંધી બાપુ, આ બધું સમજી ચૂક્યો તો નહીં હોય. એણે અહિંસાની વાત કરી જ શું કામ? શસ્ત્રો બનાવીને આર્થિક વિકાસ કરો. યુદ્ધ કરીને શસ્ત્રો વાપરો. વિનાશ વેરીને સત્તા વધારો. કોઈકને હરાવીને તમે કશું મેળવી શકતા નથી અને જીતીને કશું પામી શકતા નથી. થોડાક લોકોની સત્તા અને સાહ્યબીના શોખ માટે કરોડોને મોત સારું લાગે તેવું જીવન શા માટે? સત્ય, ન્યાય અને અહિંસાના આ ત્રિકોણ વગર કોઈ અન્ય યંત્ર, મંત્ર કે તંત્રની જરૂર ખરી?’
દૂરદૂરથી તેમને કોઈક શાયરનો ઘૂંટાયેલો અવાજ સંભળાવા માંડ્યો. શ્વેતકેશીનું કહેવું હતું કે તે તો સાહિર લુધિયાનવી હતા.
‘બરતારી કી સબૂત કે ખાતિર, ખૂન બહાના હી ક્યા જરૂરી હૈ,
ઘર કા તરિક્કિયા મિટાનોં કો, ઘર જલાના ક્યા જરૂરી હૈ?
જંગ તો ખુદ હી એક મસલા હૈ, જંગ ક્યા મસલોં કા હલ દેગી.
આગ ઔર ખૂન આજ બક્ષેગી. ભૂખ ઔર એહતિયા કલ દેગી.
ઈસ લિયે અય શરીફ ઇન્સાનો, જંગ ટલતી રહે તો બહેતર હૈ,
આપ ઓર હમ સભી કે આંગન મેં, શમ્મા જલતી રહે તો બહેતર હૈ,’
—
બરતારી = મહાનતા, તરિક્કિયા = અંધારું, એહતિયા = wants, જરૂરિયાતો.
e.mail : shuklaswayam345@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 02 ફેબ્રુઆરી 2016; પૃ. 11-13