આઠ તબક્કાવાળાં મતદાન પછી આવતીકાલે [16 મે 2014] મતગણતરી થવાની છે. એટલું મોટું અપૂર્વ મતદાન થયું છે કે પરિણામ માટેની ઈંતેજારી અને અપેક્ષા ખૂબ મોટા પ્રમાણમાં જન્મે એ સ્વાભાવિક છે. હું વ્યક્તિગત રીતે ૧૯પ૨થી ચૂંટણીનો સક્રિય ભાગીદાર છું. ૧૯૪૨માં શરૂ થયેલ સ્વરાજયાત્રાનું ફરજંદ એટલે ઘણી ચૂંટણીમાં સક્રિય ભાગ લીધો છે. લોકતંત્ર મારે મન મહામૂલી વિભાવના છે અને એ ૬પ વરસ સુધી જળવાઈ રહી એનું ગૌરવ છે. એક વાત ચિંતિત કરી રહી છે તે છે લોકતંત્રની શક્તિની. છેલ્લી કેટલીક ચૂંટણી પછી એવું લાગે છે કે લોકતંત્ર નબળું બની રહ્યું છે. અલબત્ત જનસંખ્યાની ભાગીદારીને કારણે વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. મીડિયામાં ખુદ ચૂંટણીપંચે છેલ્લે છેલ્લે આખરી તબક્કાનો પ્રચાર પૂરો થયા પછી કબૂલ્યું છે કે 'ચૂંટણીમાં વધી રહેલી ધનની અસર રોકવામાં એ નિષ્ફળ રહ્યું છે.’ આ નિવેદન લોકતંત્રના ભાવિ વિષે જરૂર ચિંતા જન્માવે એવું છે. મતદાન, આચારસંહિતા, ઉમેદવારી, પ્રચારઝુંબેશ એ બધા લોકતંત્રના અંગ છે. ચૂંટણીના વિશ્લેષણ એની વિવિધ આગાહીઓ મીડિયામાં એટલા બધા વિકસ્યા છે; એ બધા એકબીજાથી એટલા વિપરીત રહ્યાં છે કે એ બધા પણ ઉમેદવારો અને ચૂંટણી લડતાં રાજકીય પક્ષો દ્વારા થતાં પ્રચારના ભાગ જેવા બની ગયા છે. હવે તો એમ પણ કહેવાય છે કે મોટાભાગનાં સર્વેક્ષણો અને દૃશ્ય મીડિયામાં કરાતો પ્રસાર પણ પૈસાથી કરાવી શકાય છે.
૧૯પ૨ની વિધાનસભાની ચૂંટણી હું પાંચસો રૂપિયામાં લડયો હતો અને બીજાક્રમે રહ્યો હતો. આજે તો બે- પાંચ કરોડની ગણતરી જ રહી નથી. એ સમયે લાઉડસ્પીકરનો આરંભ હતો. આજે તો સાધનો એટલાં વધી ગયા છે કે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. ૧૯પ૨માં, સત્તાધારી પક્ષ ૩૬૪ બેઠકો જીત્યો હતો. ૧૯પ૭માં એ વધીને ૩૭૧ બેઠકો થઈ હતી ત્યારે કોઈ લહેરની વાત થતી ન હતી. ૧૯૭૧માં 'ગરીબી હટાવ’ના સૂત્ર સાથે ઇન્દિરા ગાંધી વિજયી બન્યા ત્યારે 'ઇ ન્દિરા વેવ’ 'ઇન્દિરા લહર’ શબ્દ ચૂંટણીની પરિભાષામાં દાખલ થયો. પછી ૧૯૭૭માં 'જનતા લહર’ આવી ત્યારે બીજી સ્વતંત્રતાનો દાવો કરાયો હતો. આજે માહોલ એટલો બદલાઈ ગયો કે ૨૦૦ આજુબાજુ બેઠકો મેળવનારી ચૂંટણી ઝુંબેશ પણ લહેરમાં ખપાવાય છે. કોઈકે આવેશમાં આવી લહરને 'સુનામી’માં ખપાવવા પ્રયાસ કર્યો પણ પછી 'સુનામી’ વિનાશક હોય છે એમ ભાન થતાં એ શબ્દ વધુ ન વપરાયો. હવે ચૂંટણી પછી શાસન માટેનાં વૈધાનિક અંગો, વિધાનસભા અને સંસદમાં ચાલતી ચર્ચાવિચારણા અને કાર્યવાહી, લોકતંત્રનો અનુભવ વધે તેમ પાકટ, વહીવટીતંત્રને નિયંત્રિત રાખે તેવી અને સંયમી બનવાને બદલે એનું સ્તર નીચે ગયાનું સહુ કોઈ કબૂલે છે.
હવે સંસદને કે વિધાનસભાને કામ કરવા ન દેવા એ બનાવ રોજના બની ગયા છે અને કાયદા ઘડવા કે સુધારવા વરસો લાગે છે, જ્યારે સમસ્યા કે કાનૂનના અમલની વિશદ્દ ચર્ચા ભાગ્યે જ થાય છે. વિધાનસભામાં વિધેયકો ચર્ચા વગર પ્રસાર કરવા, વિધાનસભાને બંધારણીય દૃષ્ટિએ અનિવાર્ય હોય તો જ બોલવવી અને બે-ત્રણ દિવસ માટે બોલાવવાની બધા રાજનેતાઓને આદત પડી ગઈ છે. સચિવાલયમાં પ્રવેશવા માટે સામાન્ય જનતાને પાસની જરૂર ફરજિયાત બનાવાઈ છે અને રાજનેતાઓ બિનજરૂરી સુરક્ષા વચ્ચે જ હરે – ફરે છે. ટૂંકમાં મતદાન પછી પક્ષો અને સરકારી શાસકોનો સંબંધ એવો થઈ રહ્યો છે કે, 'મતદાતા એક દિનનો ને વિજેતા પાંચ વરસનો સુલતાન બની ગયા છે.’ વિધાનસભા અને સંસદમાંના એ દિવસો કયારનાય પૂરા થઈ ગયા છે, જ્યારે વડાપ્રધાન પંડિત નેહરુ પોતાના જ જમાઈ ફિરોઝ ગાંધીને સંસદમાં જીવન વીમા ગોટાળાનો જવાબ આપવો પડે; જ્યારે વિરોધપક્ષના આગેવાન આચાર્ય કિપલાની સત્તા પરની પાટલી પર બેસેલાં એમની પત્ની સૂચેતાને જવાબ આપતા જોવા મળે; જ્યારે ૧૯૬૦ના ઓગસ્ટમાં વડાપ્રધાન પંડિતના રાષ્ટ્રીય આવકમાં ૪૨ ટકાનો અને માથાદીઠ આવકના વીસ ટકા વધારાના નિવેદનને ડો. લોહિયા પડકારી ૧૬ કરોડ ભારતીયો ચાર આનામાં જીવે છે એ સંસદમાં સાબિત કરી સમગ્ર આર્થિક જગતને થથરાવી નાખે.
હવે તો, આ લોકસભાની ચૂંટણી ઝુંબેશનું સ્તર નીચે ગયાનું બધા કબૂલે છે. બિહારના નેતા ગિરિરાજસિંહ કે ઉત્તરપ્રદેશના આગેવાન આઝમખાન કે નરેન્દ્ર મોદીના જમણા હાથ સમા અમિત શાહ જે બોલી ગયા છે એ આવતાં દિવસોની હકીકત ન બને તો જ ભારત અખંડિત અને વૈવિધ્યસભર રહેશે. એમ નહીં થાય તો વિકાસ પણ કોમી માનસ પરનો નકાબ બની જશે. લોકતંત્રની પ્રક્રિયા પરના બે ભય, નાણાં અને ગુંડાગીરીની વધતી જતી અસર છે. હા એક ફરક જરૂર પડયો છે કે, ગુનેગારો હવે મતદાનમથકો કબજે કરવા કે લૂંટવા કે સળગાવવાને બદલે પોતે જ ચૂંટણીના ઉમેદવારો બની જાય છે.
કરોડપતિ ઉમેદવારોની સંખ્યા ૨૦૦૪ની ચૂંટણીથી ઉત્તરોત્તર વધતી ચાલી છે. ૨૦૧૪માં ૨૦૦૪ની તુલનામાં કરોડપતિની સંખ્યા પ૦ ટકા વધી છે. એવો જ વધારો ક્રિમીનલ કેસોમાં સંડોવાયેલા ઉમેદવારોની બાબતમાં થયો છે. સંપત્તિવાન રાજસભાની બેઠક ધનશક્તિથી પૂરા માનમરતબા સાથે મેળવી લે છે એ વધારામાં. પહેલા બજાર અને હવે પપેટ વડાપ્રધાન મારફત સરકાર કબજે કરાશે. ૨૦૧૪ની ચૂંટણીમાં વડાપ્રધાનના ઉમેદવાર પાછળ ર્કોપોરેટ ગૃહો છે એમ ખુલ્લો આક્ષેપ થયો છે આનો જવાબ મળતો નથી. ર્કોપોરેટ ગૃહોના મિત્ર બનાવવા બિઝનેસ ફ્રેન્ડલી વચન અપાય છે. અખૂટ સાધન સંપત્તિ ધરાવતાં ર્કોપોરેટ ગૃહોને 'વન વિન્ડો’ એટલે કે એક જ બારીએથી વીજળી, જમીન, પાણી, સડક અને જરૂરી નાણાં મળી રહે એવી વ્યવસ્થામાં ગૌરવ મનાય છે. બીજી તરફ ગરીબ ખેડૂતને એના બાપદાદાની જમીનની અધિકૃત નકલ બારીએથી નહીં પણ સાત કોઠા વીંધે ત્યારે મળે છે.
થોડા સમય પહેલાં ઈજિપ્તમાં લોકતંત્રની 'આરબ વસંત’ પૂર બહારમાં ખીલી ત્યારે ઈજિપ્તવાસીઓ એ ઉત્સવ મનાવ્યો. એની અસર સમગ્ર આરબ જગતમાં જોવા મળી પણ એ જ ઈજિપ્તમાં, પછી કોમવાદીઓ લોકતંત્રનો મુખવટો પહેરી ચૂંટણી જીતી ગયા. આજે 'આરબ વસંત’ સરમુખ્યારશાહીના ભય સામે ઝઝૂમી રહી છે. ભારતના લોકતંત્રની ચિંતા એટલે જ વધુ થાય છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 15 મે 2014