યાદ રહે કે કુદરતી બજાર જેવી જગ્યા અને ફેરિયાઓને રક્ષણ આપતો કાયદો આ દેશમાં છે

સંજય શ્રીપાદ ભાવે
10-08-2018

સ્ટ્રીટ વેન્ડર્સ ઍક્ટ 2014માં સરકારની ફેરિયાઓ તરફની જવાબદારી, ફેરિયાઓના પ્રકાર, હક, ફરજ, પુનર્વસન અંગે વંચિત-તરફી અભિગમ જોવા મળે છે. સરકારો તેનું શું કરે છે ?

અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશન અને પોલીસ ખાતાએ ચલાવેલી શહેર સુધારાની ઝુંબેશથી રોજનું કમાઈને રોજનું ખાનારા લારી-ગલ્લાવાળા અને પાથરણાંવાળાની પથારી ફરી ગઈ છે. તો બીજી તરફ - નોટિસો ફટકારવી, સીલ મારવાં, દંડ ઉઘરાવવા, દબાણો હઠાવવાં જેવાં  પગલાંની શહેરીઓને છક કરતી છબિઓ, બહાદુરીભર્યાં ભાસતાં બયાનો અને આનંદ આપતા આંકડાથી છાપાં છલકાય છે. અદાલતની અંદરની સુનાવણીઓના અહેવાલો અને અધિકારીઓની મુલાકાતો મુગ્ધતાપૂર્વક વંચાય છે. ખુલ્લા રસ્તા પરથી સડસડાટ દોડી રહેલી મોટરોમાં બેસીને શહેરી વિકાસનાં ફળ ચખાય છે. પૉઝિટિવિટીથી ઊભરાતાં આવા માહોલની વચ્ચે પેલા હજ્જારો ફેરિયા, લારી-ગલ્લા અને પાથરણાંવાળાની હાલત તો લગભગ ભૂલાઈ જ ગઈ છે. આ મહેનતકશોની જિકર લગભગ પહેલી વખત, આખી ય ઝુંબેશના આશરે સવા મહિના પછી, હમણાં મંગળવારે થઈ. તેમના સંગઠને, આ ઝુંબેશને કારણે ઊભી થયેલી બેરોજગારી અંગે રજૂઆત કરી. તેને પગલે અદાલતે સરકારને એવી ટકોર કરી કે એમને અન્યાય કે નુકસાન ન થાય એ જરૂરી છે. એટલે એમની પાસેથી ટોકન રકમ લઈને કાયદેસર જગ્યા ફાળવીને વેચાણનો સમય નક્કી કરવો જોઈએ.

ગુજરાતની વડી અદાલતે બતાવેલું આવું ન્યાયપૂર્ણ વલણ સર્વોચ્ચ અદાલતે છેક 1985 માં અપનાવ્યું હતું. તેણે મુંબઈ ફેરિયા સંગઠન વિરુદ્ધ મુંબઈ કૉર્પોરેશનની સુનાવણીમાં કહ્યું  હતું કે દરેક શહેરે ફેરિયા માટેના અને એમના માટે પ્રતિબંધિત એવા વિસ્તારો જાહેર કરવા જોઈએ જેથી ફેરિયાઓ પોતાનું કામ નિર્વિઘ્ને કરી શકે. બે વર્ષ બાદ સર્વોચ્ચ અદાલતના સૌદાનસિંહ વિરુદ્ધ નવી દિલ્હી મ્યુિનસિપલ કૉર્પોરેશનના મુકદ્દમાના ચૂકાદા મુજબ ફેરિયાઓનો વેપાર એમનો બંધારણીય અધિકાર છે. એ ચૂકાદામાં આ પણ નોંધવામાં આવ્યું છે: ‘રસ્તા કે શેરીઓ માત્ર આવનજાવન માટે છે એવી રજૂઆતને આધારે ફેરિયાઓને વેપાર ધંધો કરવાનો અધિકાર, બંધારણની કલમ 19(1)જી અનુસાર નકારી ન શકાય. યોગ્ય રીતે નિયમન કરવામાં આવે તો પરિસ્થિતિની માંગ મુજબ ફૂટપાથ પરના નાના વેપારીઓ સામાન્ય પ્રજા માટે સગવડરૂપ છે. રોજબરોજની જરૂરિયાતો તેઓ પ્રમાણમાં ઓછી કિંમતે વેચે છે.’ આ ચૂકાદા ઉપરાંત, ફેરિયાઓની રોજીરોટીના રક્ષણ માટે ભારતમાં એક આખો કાયદો છે. તેને સ્ટ્રીટ વેન્ડર્સ (પ્રોટેક્શન ઑફ લાઇવલિહૂડ ઍન્ડ રેગ્યુલેશન ઑફ સ્ટ્રીટ વેન્ડિંગ) ઍક્ટ, 2014 અને હિન્દીમાં પથ વિક્રેતા (જીવિકા સુરક્ષા એવમ્‌ પથ વિક્રય વિનિયમન) અધિનિયમ 2014, તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં લેવાયેલાં કેટલાંક અગત્યનાં પ્રગતિશીલ પગલાંમાં આ એક છે.

સ્ટ્રીટ વેન્ડર્સ ઍક્ટમાં પાયાની વાત એ છે કે તે ફેરિયાઓના રોજીરોટી મેળવવાના અધિકારને સ્વીકારે છે અને તેને રક્ષણ આપવું એ સરકારની કાનૂની ફરજ ગણાવે છે. તે મુજબ શાસકોએ ટાઉનવેન્ડિન્ગ કમિટી એટલે કે નગરના ફેરિયાઓ માટેની સમિતી બનાવવાની છે જેના ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ હોવી જરૂરી છે. આ કમિટીએ દર પાંચ વર્ષે ઓછામાં ઓછી એક વખત શહેરના ફેરિયાઓનો સર્વે કરવાનો છે. સર્વેમાં આવતા બધા ફેરિયાઓને સરકારે નક્કી કરેલા વેન્ડિન્ગ ઝોનમાં અનુસૂચિત જાતિ, જનજાતિ, મહિલાઓ, વિકલાંગો, અશક્ત વ્યક્તિઓ, લઘુમતીઓને પહેલી પસંદગી આપીને સમાવવાનાં છે. વેન્ડર્સ પાસેથી નિયત શુલ્ક અને જાળવણી ખર્ચ લેવાનું છે. જેમને તેમના પોતાના ઝોનમાં જગ્યા ન મળે તેમને અન્ય ઝોનમાં સમાવવાના છે. જ્યાં સુધી સર્વે પૂરો ન થાય અને પ્રમાણપત્રો ન અપાય ત્યાં સુધી કોઈ ફેરિયાને તેની જગ્યા ખાલી કરાવવાની નથી. પોલીસે કે અન્ય કોઈએ અધિકૃત ફેરિયાને વેપાર કરતાં રોકવાનો નથી. કોઈ પણ ફેરિયાને જગ્યા ખાલી કરાવતાં પહેલાં ત્રીસ દિવસની નોટિસ આપવાની છે. જો તેનો માલ જપ્ત કરવામાં આવે તો તેની અધિકૃત યાદીની નકલ તેને આપવાની છે. તદુપરાંત નિયત દંડ આકારીને વધુમાં વધુ ત્રણ દિવસમાં તે માલ પરત કરવાનો રહે છે.

ફેરિયાઓએ પણ અનેક શરતો અને નિયમોનું પાલન કરવાનું રહે છે. તેમાં તેણે બાંહેધરી આપવાની છે કે ફેરિયા તરીકેના કામ ઉપરાંત તેની પાસે આવકનું બીજુ કોઈ સાધન નથી. તેણે ફેરિયાઓ માટેના પ્રતિબંધિત વિસ્તારમાં વેપાર કરવાનો નથી. તેના વિસ્તારમાં તેણે સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરવાની છે. નિયમો તોડનાર કે ગેરરીતિ કરનાર ફેરિયા સામે, તેની રજૂઆત પછી જ, પગલાં લેવાની જોગવાઈ પણ આ કાયદામાં છે. સરકાર ફેરિયાઓ માટે ધીરાણ, વીમો, શિક્ષણ તાલીમ અને વિકાસ કાર્યક્રમોનું આયોજન કરે તે અપેક્ષિત છે. કમનસીબે સરકારો એમનો વિનાશ કરે છે, કોઈના કહેવાતા વિકાસ માટે ! સ્ટ્રીટ વેન્ડર્સને ખસેડવાનું બને ત્યાં સુધી ટાળવાની ભલામણ પણ આ  કાયદાના સેકન્ડ શિડ્યુલમાં કરવામાં આવી છે. વળી, જો અનિવાર્ય સંજોગોમાં એ કરવું જ પડે એમ હોય તો તેના માટે ખૂબ માનવતાભર્યાં, ન્યાયપૂર્ણ અને લોકતરફી સૂચનો કરવામાં આવ્યાં છે.

વેન્ડર્સ ઍક્ટના અમલીકરણનો એક ખૂબ મહત્ત્વનો અભ્યાસ દિલ્હીના સેન્ટર ફૉર સિવિલ સોસાયટીએ ગયાં વર્ષે બહાર પાડ્યો છે. તે જણાવે છે કે લગભગ બધી જ રાજ્ય સરકારોએ  અમલીકરણમાં બેપરવાઈ અને નિષ્ક્રિયતા દાખવી છે. વળી, તેમાં ન્યાયતંત્રનાં  ઢીલાં વલણનો  ઉમેરો થતાં, ફેરિયાઓ વધુ અસલામત બન્યા છે એવું પણ નોંધવામાં આવ્યું છે. ઇલાબહેન ભટ્ટે લખેલાં ‘ગરીબ, પણ છૈયે કેટલાં બધાં !’ પુસ્તકમાં શ્રમજીવીઓનાં અર્થતંત્રની મહત્તા વાચકના મનમાં ઉજાસ ફેલાવે છે.

વેન્ડર્સ ઍક્ટમાં ‘નૅચરલ માર્કેટ’ શબ્દપ્રયોગ અનેક વાર કરવામાં આવ્યો છે. તેની વ્યાખ્યા ‘ઉત્પાદનોનાં ખરીદ-વેચાણ માટે જ્યાં લોકો પરંપરાગત રીતે વર્ષોથી એકઠા થતા હોય તેવાં બજારો’ એમ કરવામાં આવી છે. રસ્તા પર ફરતા કે  બેસતા વેપારીઓની બનેલી  આ બજારો એ દેશ અને દુનિયાભરનાં બહુ જ મોટાં અનૌપચારિક અર્થતંત્રનો મહત્ત્વનો હિસ્સો છે. છતાં ય શાસકોની નજરે તે મોટેભાગે નડતરરૂપ, પછાત અને બિનશોભાસ્પદ હોય છે. પરંપરાગત બજારના વિક્રેતાઓની જિંદગી કષ્ટભરી હોય છે. પણ તેમની પાસેથી લોકોને રહેઠાણની નજીકમાં વ્યાજબી ભાવે તાજાં શાકભાજી અને અન્ય સંખ્યાબંધ વસ્તુઓ મળે છે. આપણા લોકોને ચમકદાર કારમાંથી ફૂટપાથ પર ભાવ કરાવીને વસ્તુઓ લેવી છે, પાર્કિંગ કે સ્વચ્છતાના નિયમો પાળ્યા વિના લૉ ગાર્ડનની વાનગીઓ ખાવી છે. પણ જ્યારે આવી જગ્યાના આપણા બાંધવો પર બુલડોઝર ફરી વળે છે ત્યારે આપણામાંથી એક વર્ગને તેમાં કાયદાપાલન અને કાર્યક્ષમતા દેખાય છે.

અલબત્ત, કૉર્પોરેશનની ઝુંબેશ પૂરેપૂરી લોકવિરોધી છે એમ કહેવાનો અહીં આશય નથી. પણ અદાલતે સત્તાવાળાને જે કંઈ આદેશો આપ્યા તેના અખબારી અહેવાલો ધ્યાનથી વાંચતા એક બાબત ધ્યાનમાં આવે છે. અદાલતે દબાણો હઠાવવાનું કહ્યું જ છે પણ લારી-ગલ્લા છિનવીને રોજી આંચકી લો એમ નથી કહ્યું. અદાલતના આદેશોના અખબારી અહેવાલોમાં અધિકારીઓની અકાર્યક્ષમતા અને બેદરકારી, પાર્કિંગ નહીં પૂરાં પાડવામાં બિલ્ડરોની દાંડાઈ, રોડ કૉન્ટ્રાક્ટરોનો ભ્રષ્ટાચાર અને રખડતાં ઢોરોના ત્રાસ અંગે ઘણાં ઉલ્લેખો-આદેશો છે. લારી-ગલ્લા કે ફેરિયા તેને અભિપ્રેત નથી એવું નથી. પણ કૉર્પોરેશને તો લારી-ગલ્લા-પાથરણાંવાળાને, ઝુંબેશનું એક ખાસ  નિશાન બનાવી દીધું છે. જાણીતા લોકગીત ‘મેંદી લેશું મેંદી લેશું, મેંદી મોટાં ઝાડ’માં સાસુના ત્રાસથી ઓણનું ચોણ વેતરનારી વહુ કહે છે :

‘મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મ્યેલ
મેં ભોળીએ એમ માન્યું કે ચૂલા ખોદી મેલ્ય ....’  

********

9 ઑગસ્ટ 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 0 ઑગસ્ટ 2018 

Category :- Samantar Gujarat / Samantar