ધારો કે આ વાર્તા નથી -

હિમાંશ શેલત
06-08-2018

તમિલનાડુના એ ગામનું નામ એટલું તો અટપટું હતું કે યાદ રાખવું મુશ્કેલ. એનો આગલો ભાગ બરાબર બોલાય, અલબત્ત મનોમન, તો પાછલો ભૂલી જાઉં અને પાછલો જીભ ટેરવે આવે ત્યાં આગલો ગાયબ થઈ જાય. અજાણ્યાં નામોનું એવું જ. વળી, એને ગોખીને પાકું કરવાની જરૂર પણ ક્યાં હતી? સાંજ સુધીમાં તો નીકળી જવાનું હતું. આ તો વળી અણધાર્યા સંજોગો ઊભા થયા અને અહીં ભેરવાઈ પડાયું. કાર સરખી થાય એમાં સમય નીકળી જશે, એવી ખબર પડી, એટલે આ ગામમાં જ થોડું રોકાઈને બપોરનું જમી લેવું એમ ઠર્યું. આંટો મારવાની બધાંએ ના પાડી.

ઃ એમ કંઈ આંટાફેરા મારવા નથી ઠાલા ... તને ગમતું હોય તો તું નીકળ!

એકલી જ ટહેલવા નીકળી પડી. એકમાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી એમ ગલીઓની જબ્બર ગૂંચ. વળી મારે તો હું ક્યાંથી નીકળી એયે પ્રયત્નપૂર્વક યાદ રાખવાનું હતું. નાનીમોટી નિશાનીઓ નોંધતી નોંધતી આગળ વધી, ત્યાં છોકરાંઓનાં ધાડેધાડાં રસ્તે ઠલવાયાં. ચોકડીવાળું ભૂરું શર્ટ અને ડાર્ક બ્લ્યુ પૅન્ટ. છોકરીઓનાં એવાં બ્લાઉઝ અને લાંબાં ઘાઘરા જેવાં સ્કર્ટ. રસ્તો આળસ મરડીને જાગ્યો. તાજા-તાજા અવાજ અને તીણી-તીણી કિલકારીઓ. નિશાળ નજીકમાં હોવી જોઈએ. એકરંગી લખોટીઓ આમતેમ સરતી ગઈ. બે આમ, પાંચ તેમ, દસ વળી સ્થિર, છ પાછળ, આઠ આગળ.

આ ધમાલ પસાર થઈ જાય પછી આગળ ડગ ભરવાં એ ખ્યાલે હું એક ખૂણે જતી રહી. પાછળ-પાછળ ધણના ગોવાળો જેવા શિક્ષકોયે દેખાયા. જાંબલી, ભૂરી કે સફેદ મોટી -મોટી કિનારીવાળી સાડીઓ. સફેદ લુંગી પર સફેદ કે બદામી ખમીસ. બે-ચાર પૅન્ટવાળા પણ હતા. છેવટે પોશાકની બાબતે સ્વતંત્રતા આવી ખરી! ભીડ કહેવાય એવું રહ્યું નહીં, ત્યારે ખૂણેથી નીકળી ગઈ. થયું કે પાછાં જવું જોઈએ. રાહ જોવાતી હશે. આગળ હવે માત્ર ત્રણેક આકારો દેખાયા. એમાંના એકે અચાનક ડોક ફેરવીને પાછળ જોયું. આમ તો માંડ ઘડી, અડધી ઘડી, તોયે થયું કે આ ચહેરો તો જાણીતો. જોયો છે ક્યાંક, ક્યાં? શેમાં? છાપામાં કે મૅગેઝિનમાં? કોણ?

મગજમાં જબરદસ્ત ખાંખાંખોળાનો રઘવાટ ફેલાયો. જવાબ ન જડતાં એ રઘવાટની માત્રા વધતી ગઈ. ત્યાં એકદમ એક નામ સપાટી પર તરી આવ્યું. પેરુમલ? પેરુમલ મુરુગન? લખવાનું છોડી દીધું અને બ્લૉગ પર લેખક તરીકે પોતાની મરણનોંધ મૂકી એ પેરુમલ? ચહેરાની રેખાએ રેખા જે જોયો હતો એ ફોટા સાથે મેળ ખાતી હતી; જોે કે એક વાર એમ લાગ્યું એટલે પતી ગયું. મને તો એ રીતેભાતે કુમુદકાકીમાં નૂતન દેખાતી અને શૈલામાં નરગિસ. એમ તો પડોશમાં નાનુભાઈમાં અશોકકુમાર નહોતા દેખાતા?

ચહેરો તો દેખાતો બંધ થઈ ગયો, કારણ કે આકાર ઝડપભેર જમણી તરફ વળી ગયો. પાછળ જવાની ઇચ્છા ઊભરાઈ અને શમી ગઈ. જઈને કંઈ એમ પૂછી ન શકાય કે જેણે લખવાનું છોડી દીધું એ પેરુમલ મુરુગન તમે? અને ધારો કે એ જ, પછી આગળ શું? એ તો એમ કહેવાના કે લેખક તરીકે મારું મૃત્યુ થઈ ચૂક્યું છે, એ સમાચાર પણ તમારા લગી પહોંચી ગયા. હું તો હવે સામાન્ય શિક્ષક છું, a stupid teacher. આ શબ્દો એમની મરણનોંધના. પછી મારે બોલવાનું શું રહે? અને સંભવ છે કે એ પેરુમલ ન હોય અને એમના જેવું કોઈક ... આસપાસ નજર દોડાવી. નિશાળેથી નીસરેલી એકાદ ગોકળગાય આવતી હોય, તો પૂછી શકાય એને, પણ એવું કોઈ દેખાયું નહીં.

પ્રકરણ પૂરું. બહુ-બહુ તો એમ કહી શકાય કે અમુકતમુક ગામની નિશાળથી નીકળેલા જાણીતા સર્જક, જેમણે કલમ અને લેખનનો ત્યાગ કર્યો છે, એવા પેરુમલ મુરુગનને જોયા. તોયે એમાં પાછળથી ‘કદાચ’ ઉમેરવું પડે. સાહિત્યના શબ્દ સાથે ઝાઝી લેવાદેવા ન હોય, એવો કો’ક ભોગેજોગે સામો મળી ગયો હોય ને એને આ કહેવાની ગફલત કરી બેઠાં હોઈએ, તો એ લાગલો જ પૂછવાનો :

કોણ પેરુમલ?

હવે એ અમિતાભ બચ્ચન તો છે નહીં કે નથી ન.મો., એટલે શી ઓળખાણ આપવાની?

ઘર ભેળાં થવામાં અઠવાડિયું લાગ્યું. એમાં દાખલ થયાં કે તરત જે બનેલું તે ન બન્યા જેવું ઝાંખું અને નગણ્ય બની ગયું. રાતે ન્યૂઝમાં ધારવાડના લેખક અને રૅશનાલિસ્ટ કલબુર્ગીના ખૂનના સમાચાર અન્ય ખબરો અને સંસ્કાર-પ્રવૃત્તિઓની ભચડકચડમાં જરાતરા દેખાયા. એક માણસ અર્થાત્‌ એંસીની નજીકનો કોઈ વિદ્વાન, લેખક, વિચારક, પ્રગતિશીલ બુદ્ધિજીવી - ડોરબેલ વાગવાથી બારણું ખોલે અને ધડ દઈને માથામાં એક ગોળી વાગે. માથામાં કે છાતીમાં? જ્યાં વાગી ત્યાં, પણ જીવલેણ. એ બચે નહીં એનું ધ્યાન રાખવાનું મારાઓને કહ્યું હશે. બચી જશે તો પૈસા નહીં મળે. વર્ષોથી ચાલતું એક વૈચારિક આંદોલન સમેટવામાં પાંચ મિનિટ પૂરતી થાય, માત્ર પાંચ મિનિટ.

વધારે માહિતી નહોતી. એ તો આવશે કટકે-કટકે. અથવા કદાચ નયે આવે. રાતે બધાં આઇસ્ક્રીમ ખાવા બેઠાં, ત્યારે મેં કલબુર્ગીના ખૂનની વાત કરી.

ઃ કોણ કલબુર્ગી?

ઃ ધારવાડમાં હતા, હમ્પી યુનિવર્સિટીના નિવૃત્ત વી.સી.

ઃ લે, હમ્પી જેવી કોઈ યુનિવર્સિટીયે છે પાછી!

ચર્ચા આગળ ન વધી. બીજી અનેક હત્યાઓ, લિંકન અને કૅનેડીથી લઈને ગાંધીજી સુધીની વચ્ચે આવી અને એમાં કલબુર્ગી પછીતમાં જતા રહ્યા.

*

છાપાંની કૉલમમાં ગુજરાતી સર્જકો પોચકા અને સગવડિયા, તકસાધુ કે સાધ્વીઓ, પારકે પૈસે પરદેશ દોડનારા અને એ બાબતે બૌદ્ધિક-સૈદ્ધાંતિક સમાધાનો કરનારા, જાતને કાચના વાઝ પેઠે સાચવનારા અને એવું બધું લખાયેલું, જે પૂરું ન વંચાયું. લખનાર આ પ્રદેશનો હોવા છતાં મંગળના ગ્રહ પરથી હેઠે પડ્યો હોય તેમ તતડતો હતો!

ટીવી જોવા બેઠી એટલે જાણે કલબુર્ગીની અંતિમયાત્રામાં સામેલ થઈ ગઈ. અંજલિઓ આવી. સદ્‌ભાવનો અભાવ, સાંસ્કૃિતક આત્મહત્યા તરફની ગતિ, અરાજકતા ને અસહિષ્ણુતા તથા કર્ણાટકના સંસ્કાર - જગતનો વિનિપાત, એવુંતેવું કહેવાયું, સંભળાયું અને વિખેરાયું.

પણ કશું અતિ ભયંકર, અસહ્ય બની ગયું છે અને બની રહ્યું છે, એનો અણસાર બિલકુલ નહીં. સઘળું લગભગ રાબેતા મુજબનું. પશ્ચિમી વિચારોનું આક્રમણ નહીં સાંખી લેવાય અને ભારતીય સંસ્કૃિતનો પ્રસાર સમસ્ત દુનિયામાં નવચેતનાનો સંચાર કરશે. એક ચૅનલ પર પૅનલ ડિસ્કશનનો આ અંતિમ ભાગ.

ઠીક છે. સમસ્ત દુનિયામાં જે ફેલાવાનું છે, તે નવચેતન વિશે રાચવાની જરૂર નહોતી. એટલાં વર્ષો હવે અહીં ગાળવાનાં નહોતાં, એટલું તો એકસો ને એક ટકા.

*

રાતે વાંચવા લીધેલી પેરુમલની નવલકથા ‘One Part Woman’નાં ચારેક પાનાં વંચાયાં. વચ્ચે-વચ્ચે પાનામાં કલબુર્ગી ફસડાઈ પડેલા દેખાયા. એની જોડે બીજું પણ કોઈક હતું. એ કોણ? ઊંધે મોએ પડેલી એ લોહીલુહાણ વ્યક્તિ કોણ હશે એની માત્ર કલ્પના જ કરવાની. એને ચત્તી કરીને ચહેરો તો કોણ દેખાડવાનું હતું?

ચોપડી બંધ કરી. સપનું આવે એવી ઊંઘમાં પ્રવેશ થાય એ પહેલાં બંધ પોપચાંની સામે નિશાળમાંથી બહાર નીકળેલી, અને જેને પેરુમલ માની લીધેલી, અથવા જે સાચે જ પેરુમલ નામધારી હતી, એ વ્યક્તિ દેખાયા કરી. સાવ આગળ-આગળ ચાલતી અને છતાં પહોંચબહાર. લખવાનું સદંતર બંધ કરવાથી કેવી અને કેટલા પ્રમાણમાં મૂંઝવણ થાય એ જાણવાનું કુતૂહલ માથાં પછાડતું હતું.

તમે સ્વતંત્રતામાં, એટલે કે અભિવ્યક્તિની મુક્તિમાં માનો છો, તો તમે શું-શું કરો, અને શું ન કરો?

ના, મને કોઈએ નથી પૂછ્યું. આ તો મારે પૂછવું છે.

પેરુમલને પત્રથી કે ઇ-મેઇલથી, ના, ઇ-મેઇલ આઇડી તો રાખી જ નહીં હોય - માથું વાઢીશું, કટકા કરીશું, કાગડા કૂતરાને મોત મારીશું, જેવી ધમકીઓ રોજ મળતી હોય, તો તે ઉપાધિને કોણ વળગી રહે?

ખરેખર તો મળવું જ જોઈએ એમને. આજકાલ તો ધમકીઓ નહીં મળતી હોય, લખવાનું બંધ કરી દીધું, એટલે ઘણી શાંતિ. છતાં વિચારો તો આવતા હશે. વિચારને માથે કોણ ધણી? વિચારો શબ્દો અને શબ્દો વાક્યો બનીને ભેજામાં ગોઠવાતાં હશે. એમ ફકરા અને પાનાં, પાનાં ને ચોપડીઓ. માય ગૉડ! હજી તો માંડ પચાસે પહોંચેલા આ લેખકના મસ્તિષ્કમાં કેટલી બધી ચોપડીઓ હશે! ટાઇટલ, કવરપેજ, અનુક્રમણિકા, આરંભ, અંત, સઘળું અથથી ઇતિ.

*

બશીરના મિત્રનો ઇ-ઇમેલ આવ્યો છે. બશીરને ઓળખો? તમે તો દુનિયાભરના લેખકોને ઓળખો છો, તે બશીરથી છેક અજાણ્યા? સ્કૉલર છે મોટા, રામાયણનો અભ્યાસ છે ખાસ. મલયાલમના અધ્યાપક. ‘માતૃભૂમિ’માં લખતા’તા.

તે બશીરનો મિત્ર મને લખે છે કે રામાયણ ઉપર બશીરના લેખો બંધ કરાવી દીધા. કોણે ? તો એની ખબર નથી. બળિયાઓએ ધમકાવ્યા બશીરને, ‘રામાયણ’ પર લખનાર તમે કોણ? શી મજાલ તારી કે અમારા ...

‘માતૃભૂમિ’ પર પથરા પડે ને કાકડા ફેંકાય એ પહેલાં પડદો પડી ગયો. બશીર લખતા બંધ. કોઈકે પૂછ્યું એમને કે લખવાનું બંધ કરવાથી એમને શું થયું? સાહિત્ય અકાદમીએ પૂછ્યું? પ્રમુખ કે પ્રાદેશિક સમિતિના મંત્રીએ કે સલાહકાર સમિતિએ, અથવા સ્થાનિક સર્જકોએ? બશીર જાણે.

મને જરા ડઘાયેલી અને ખોવાયેલી પેખીદેખી રાતે જમતી વખતે એમણે પૂછી લીધું કે એની પ્રૉબ્લેમ? ના પાડવાની કે હા, એ નક્કી કરવામાં વાર લાગી. ના કહીએ તો બેસણામાં હોય એવું મોં કેમ, એ સવાલ આવે. આ બેસણાવાળી વાત એમની ખાસ અભિવ્યક્તિ છે. હા કહીએ તો ચોક્કસ કહેવાના, દેશના એક ખૂણે કોઈ લખતું બંધ થયું કે કોઈનું ખૂન થયું. અહીં, આટલે દૂર, તારે શેનો ઉત્પાત છે? લખતાં બંધ થાય તે તો સારું. ચોપડાં ઓછાં એટલાં, અને કાગળ બચે તે વધારામાં, આમેય વાંચી - વાંચીને સમાજ કેટલો બદલાયો તે માથાફોડ?

એટલે છેવટે ‘ના’ પર પસંદગી ઢળી. નો પ્રૉબ્લેમ, થિંગ્ઝ આર ફાઇન, ઑલરાઈટ, બઢિયા, ઍક્સેલન્ટ, મોજ છે. કોને કહેવાય કે મારે પીડા છે, ફદફદી ગયેલા, પાકેલા ગૂમડાની! આ પેલાં પાનાં પડ્યાં છે પડખેના ટેબલના છેલ્લા ખાનામાં ખડકેલી ઢગલો ફાઇલની નીચે. કાળા પ્લાસ્ટિક કવરમાં, દિવસોથી. એને તડકો દેખાડ્યો નથી, સતી સ્ત્રીને જેમ સૂર્યનાં કિરણોયે જોઈ ન શકે એમ.

પાનાં ફરી વાર વાંચ્યાં નથી, વંચાવ્યાંયે નથી. એમાં સીતા અને ઊર્મિલાની કથા છે. થયેલું એવું કે અમે ડાંગમાં પમ્પા સરોવર ભણી ફરવા ગયેલાં. શબરીધામની આજુબાજુ ફર્યાં અને બપોરાં ત્યાં જ ગાળ્યાં. સીતામાને યાદ કર્યાં. કયા સંદર્ભમાં તે યાદ નથી. બસ, એ રાતે આ કથાની માંડણી. એ બે ય બહેનો જાણે સામે બેઠી-બેઠી કરમકથા કરતી ગઈ અને હું ટપકાવી ગઈ. મારું જાણે કશુંયે નહોતું અંદર, કેવળ ગણેશકર્મ. પાનાં ભરાતાં ગયાં. હું પોતે લખું ત્યારે તો છ-સાત પાનાંમાં લીલા પૂરી થઈ જાય. અહીં તો ખાસ્સાં વીસ-પચીસ પાનાં થઈ ગયાં. હવે બસ, માડી! ઘણું થયું. વારતા આટલી લાંબી ન થવા દો. થોડી કાપકૂપ, જરા ઘાટઘૂટ ... આ લાંબુંલચક કોણ વાંચશે? એ વળી અટકે શેનાં? સીતામાં થંભે ત્યાં ઊર્મિલા ઉપાડે ને ઊર્મિલા પોરો ખાય ત્યાં સીતામા તૈયાર. ભલું થજો માવડીઓનું. મારો તો ડાબો કળવા લાગ્યો. જમણો બહુ કહ્યાગરો નહીં અને અક્ષર પાછા ભમરડા જેવા આવે. ખુદને ય માંડ ઉકલે. આ બેયને રોકવાનું તો આપણાથી શી પેરે થાય? માઠું ન લાગે? અનાદર ગણાય, એમાં ખેંચ્યે રાખ્યું.

- તો ઇતિ સીતા-ઊર્મિલા પુરાણ.

એમ છેડો આવ્યો, હાશ કરીને પેન હેઠે મૂકી. અહીં આખી કથા કહેવાય તેવી નથી અને કહેવાની દાનત પણ નથી. માત્ર તારણ, જે બંનેએ આપ્યું, તેટલું કહેવાયું. એમાંયે ઊર્મિલાના શબ્દો સંતાડીશ. ચોખ્ખું જ કહી દઉં. સીતામાએ જે કહ્યું એ કહીશ. અગ્નિપરીક્ષા વખતે રામ માટે એમને શું લાગેલું એ એમણે દિલ ચોર્યા વગર કહી દીધું. રાવણ માટે એક વિશેષણ વાપર્યું - નખશિખ સજ્જન. પછી એમનો અવાજ દબાયો. બોલ્યાં : આ ‘ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગઃ’ મારે નામે કોણ ચલાવ્યું? આ શબ્દો મારા નથી તો અમારી કથામાં કોણે ઘુસાડ્યું. મારે નામે સાચુંખોટું બેરોકટોક ચાલ્યું છે. આટલું ન કહું તો મારું સત લાજે ... અને તેં મને એકાદી વાર્તામાં ક્યારેક સંડોવી છે. એટલે થયું કે તને પણ જાણ હશે તો તું કદાચ થોડી સ્ત્રીઓ સાથે આટલું સત્ય વહેંચશે.

ઃ કેમ માત્ર સ્ત્રીઓ?

મૈયા બોલ્યાં કે મારી વાત સ્ત્રીઓ જ વાંચે, ને સાંભળે, ને કદાચ સમજે, પુરુષો તો માત્ર રચે સંહારગાથાઓ, વિનાશકથાઓ, ઇતિહાસ ને એવું બધું ...

- તો પાનાં પડ્યાં છે કાળા પ્લાસ્ટિક કવરમાં, પેરુમલને પૂછવું છે કે આવું પ્રગટ થાય કે ન થાય. માનો કે કોઈ પ્રગટ કરી દે હિંમતથી, તો મને, સિત્તેરે પહોંચવા કરતી એક ‘ગુજ્જુ’ લેખિકાને કેવા પ્રકારની ધમકી મળે? કથા ધ્યાન ખેંચે કે પછી કોઈનાયે વાંચ્યા વિના આંખ નીચેથી નીકળી જાય સડેડાટ? વાંચનારાં ઓછાં હોય, તો વળી નીકળીયે જાય પણ એમ તો પેરુમલની નવલકથા પાછળથી જ વંટોળમાં સપડાઈ ગઈને? સાહસ કરી નાંખું કે રહેવા દઉં?

ડોરબેલ વાગે, હું બારણું ખોલું અને સામે રિવૉલ્વર લઈને એક માણસ ખડો હોય, ખુન્નસ, ઝનૂન, ઝેર આંખોમાં ભરીને. વિજયમાં મલકાતા કુત્સિત હોઠ એ મારી નજરે જોયેલું આ રમણીય પૃથ્વી પરનું અંતિમ દૃશ્ય હોય અને ધડ ... ધડ ... ધડ ...

થવા દેવું છે આવું બે હજાર પંદર, કે સોળ, કે તે પછી? કે પછી મૈયાની કથા વાંચવા જેટલી તકલીફ લે એવું કોઈ હયાત જ નથી?

[સદ્ય પ્રકાશિત વાર્તાસંગ્રહ ‘ધારો કે આ વાર્તા નથી’(અરુણોદય પ્રકાશન)માંથી સાભાર]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2018; પૃ. 08, 09 તેમ જ 11 

Category :- Opinion / Literature