વિદ્રોહી અર્થશાસ્ત્રી

ચંદ્રશેખર ધર્માધિકારી
29-12-2017

ન્યાયમૂર્તિ ચંદ્રશેખર ધર્માધિકારી તેમની ઉંમરના આ પડાવમાં પણ પોતાની જાતને ગાંધીવિચાર પ્રસાર કાર્યમાં વ્યસ્ત રાખે છે. તેઓ ગાંધી રિસર્ચ ફાઉન્ડેશનનાં અધ્યક્ષ છે, આપણા તમામ કાર્યકર્તાઓ માટે આ ગર્વની વાત છે કે આપણે બધાં જ તેઓના માર્ગદર્શન હેઠળ કાર્ય કરી રહ્યાં છીએ. તેમણે તેમનો મૂલ્યવાન સમય ગાંધી વિચાર પ્રસારના કાર્યમાં પસાર કર્યો છે. આ વિષય આધારિત તેમણે અનેક લેખો અને પુસ્તકો લખ્યાં છે. ગાંધીજીના અનુયાયીઓ વિષયક પણ તેમણે ઘણા સમૃદ્ધ લેખ લખ્યા છે. જે.સી. કુમારપ્પા આધારિત તેમનો લેખ ‘વિદ્રોહી અર્થશાસ્ત્રી’ ‘ગાંધીજીની શોધ’નાં માધ્યમ થકી અહીં પાઠકો સમક્ષ પ્રસ્તુત કરી રહ્યાં છીએ.

– સંપાદક

ગાંધી અર્થશાસ્ત્રનાં જાણકાર અધ્યેતા અને ગ્રામ-ઉદ્યોગના પ્રણેતા તરીકે ડૉ. જે.સી. કુમારપ્પાનું નામ લેવામાં આવે છે. તેમનાં પુસ્તકો અને ચરિત્ર પ્રસિદ્ધ છે. તેમનું પૂરું નામ જોસેફ કારનેલિયસ કુમારપ્પા હતું. તેમનો જન્મ જાન્યુઆરી ૪, ૧૮૯૨નાં રોજ તંજાવૂરમાં થયો હતો. તેઓ વર્ષ ૧૯૧૩માં વિદેશ ગયા અને ત્યાં સ્નાતક થઈને પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વર્ષ ૧૯૧૯માં ભારત પરત આવ્યા. તેઓ જ્યારે ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે કાર્ય કરતા હતા, ત્યારે તેમણે કારનેલિયસ એન્ડ ડાવર નામક એક પેઢીની સ્થાપના કરી હતી. વર્ષ ૧૯૨૬માં તેઓ અમેરિકા જઈ આવ્યા અને વર્ષ ૧૯૨૭માં તેમણે સાર્વજનિક નાણાં વ્યવસ્થા અને આપણી ગરીબી જેવા વિષય પર નિબંધ લખ્યો. આ અધ્યયન થકી તેમને અંગ્રેજોનાં અન્યાય અને શોષણની જાણકારી પ્રાપ્ત થઇ. તેઓ સમૂર્ણ રાષ્ટ્રવાદી બની ગયા. તેમણે પબ્લિક ફાયનાન્સ અને ઇન્ડિયન પ્રોપર્ટી નામનું પુસ્તક લખ્યું. ત્યારબાદ પોતાનો ધીકતો ચાર્ટડ એકાઉન્ટન્ટનો વ્યવસાય છોડીને તેઓ ગૂજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપક બની ગયા. તેમણે લગ્ન પણ કર્યા નહિ, અને ઘરસંસાર પણ ના વસાવ્યો. જ્યારે પણ કોઈ તેમને લગ્ન વિષયક પ્રશ્ન પૂછતાં ત્યારે તેઓ મજાકમાં એ પ્રકારનો ઉત્તર આપતાં કે મેં પહેલાં એવું વિચાર્યું હતું કે જ્યારે ચાર આંકડામાં પગાર મળશે ત્યારે લગ્ન કરીશ પણ જ્યારે એટલો પગાર મળવા લાગ્યો ત્યારે હું ગાંધીજીની જાળમાં ફસાઈ ગયો. પછી એ જાળમાં એટલો ફસાતો ગયો કે લગ્ન કરવા અંગેનો વિચાર જ આવ્યો નહિ. તેઓ એક એવા અર્થશાસ્ત્રી હતા કે જેમની પાસે એક પાઈની પણ સંપત્તિ નહોતી.

ગાંધીજીની છત્રછાયામાં આવ્યા બાદ, કુમારપ્પાનો પોશાક, રહેણીકરણી બધું જ બદલાઈ ગયું. તેમણે મહાદેવભાઈ દેસાઈની અનુપસ્થિતિમાં “યંગ ઇન્ડિયા”માં લેખ લખ્યા. આંદોલનકાળમાં જેલમાં પણ ગયા. જેલમાંથી બહાર આવીને તેઓ બિહારનાં ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં મદદ કરવા માટે પહોંચી ગયા. તેમણે બિહારનો તમામ હિસાબ એટલો ચોખ્ખો રાખ્યો કે બિહારને ગર્વનો અનુભવ થયો. ત્યાર બાદ તેઓ વર્ધા પરત આવ્યા અને મગનવાડીમાં રહેવા લાગ્યા. ભારતીય અર્થશાસ્ત્રમાં ખાદી અને ગ્રામોદ્યોગને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવવામાં તેમનું મોટું યોગદાન રહેલું છે. બાદમાં તેમણે ગ્રામસેવક વિદ્યાલય, ગ્રામોદ્યોગ પ્રયોગશાળા વગેરે સંસ્થાઓની સ્થાપના કરી. ગ્રામ આંદોલન કેમ? અને સ્થાયી અર્થવ્યવસ્થા નામનાં બે ગ્રંથ તેમણે લખ્યા. તેમનાં ગ્રંથોમાં રહેલી તેમની ભૂમિકા માટે ગાંધીજીએ તેમની ખૂબ જ પ્રશંસા કરી છે. તેમને ‘रोटी के बदले पत्थर’ નામનાં પુસ્તક માટે જેલમાં પણ જવું પડ્યું હતું. પ્રથમ બે પુસ્તકો માટે ગાંધીજીએ તેમને ‘ડોક્ટર ઓફ ડિવ્હિનિટી’ અને ‘ડોક્ટર ઓફ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ’ની ઉપાધિ પ્રદાન કરી હતી. તેઓ ખરાં અર્થમાં ખ્રિસ્તી હતા. ધર્મનાં મૂળ તત્ત્વો પર તેમની અડગ નિષ્ઠા હતી અને તેમનું વર્તન પણ ઇસુના વિચાર વ્યવહાર અનુરૂપ જ હતું. પશ્ચિમની શૈલીમાં જીવતા પાદરીઓ વિશે તેમનું માનવું હતું કે યેશૂ પાસે તો પોતાનું મસ્તિષ્ક ઢાંકવા સુધીનાં પણ કપડાં નહોતાં અને આ પાદરીઓ તો ગળામાં સુવર્ણ ક્રોસ પહેરીને ફરી રહ્યા છે. જે રાષ્ટ્રનાં ઉદ્ધાર માટે ગરીબોની સેવા કરે છે તેઓ જ યેશૂના સાચા ભક્ત છે.

સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ જ્યારે યોજના-આયોગની સ્થાપના થઇ ત્યારે કુમારપ્પાને સલાહકાર તરીકે નિમંત્રિત કરવામાં આવ્યા. પરંતુ તેમની કૃષિ ગ્રામોદ્યોગ સમન્વિત અર્થવ્યવસ્થા યોજના આયોગ અને સરકારનાં ગળે ઉતરી શકે તેવી નહોતી, અને આ વાત ધ્યાનમાં આવતાં જ કુમારપ્પા આ જવાબદારીમાંથી મુક્ત થઇ ગયા. તેમનું એવું માનવું હતું કે દેવાદાર બનીને મોટા બંધ બાંધવાની જગ્યાએ દર દસ એકરમાં એક કૂવો ખોદવો જોઈએ. તેના થકી ગરીબ ખેડૂતોને મદદ મળશે એવો તેમનો મત હતો. પણ અન્ય પશ્ચિમી અર્થશાસ્ત્રીઓને લાગતું હતું કે કુમારપ્પા ફરી વખત આપણને બળદગાડીના યુગમાં લઇ જવા ઈચ્છે છે. તેઓના મતભેદ વધતા ગયા અને તેનું પરિણામ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. અંતમાં તેમણે વર્ષ ૧૯૪૯માં વર્ધા જિલ્લાનાં સેલડોહ ગામમાં પત્રે આશ્રમ સ્થાપિત કરીને કૃષિ ગ્રામોદ્યોગ કેન્દ્રની સ્થાપના કરી. તમિલ ભાષામાં ખેતીને પત્રે કહેવામાં આવે છે. અહિંસક જનતંત્ર માટેની એકાત્મક યોજના એ આ પ્રયોગના આધારે હતી. તેનું ઉદ્દઘાટન આચાર્ય કૃપલાનીજીએ કર્યું હતું. પણ, દુર્ભાગ્યવશ કેટલાક ગાંધીવાદીઓને પણ આ વિચાર ઠીક લાગ્યો નહોતો. તે પૈકી કેટલાક કુમારપ્પાને ગાંધીવાદી કમ્યુિનસ્ટ સુદ્ધાં કહેતા હતા. તેઓનો સ્વભાવ ભાવનાપ્રદાન હતો. તેમનામાં પોતાના વિચારોને પ્રત્યક્ષ રીતે સાકાર થતાં જોવાની ઉતાવળ હતી. જેના પરિણામે તેમના પર ખૂબ જ માનસિક અને શારીરિક તણાવ રહેતો હતો. અંતમાં તારીખ ૩૦ જાન્યુઆરી, ૧૯૬૦ના રોજ તેમનું મૃત્યુ થયું. તે દિવસ ગાંધીજીનો સ્મૃિત અથવા શહીદ દિવસ પણ છે. આર્થિક ક્ષેત્રનાં વિદ્રોહી અને વિપ્લવી સ્વરૂપમાં તેઓ જીતતા રહ્યા અને તેઓ તે સ્વરૂપમાં જ ઓળખાતા રહ્યા.

અહિંસા, સ્વદેશી, યુદ્ધના આર્થિક આધારના કેન્દ્રમાં ઉત્પાદનનાં કારણે થતું શોષણ, ધનનો લોભ, વધતી જાતિ અનિચ્છનીય જરૂરિયાતો, સમતામૂલક ઉત્પાદન અને વિકેન્દ્રીકરણ તથા ગ્રામીણ સમાજ અર્થવ્યવસ્થા વિષયક તેમનાં વિચારો પ્રસિદ્ધ છે. પણ, આપણા લોકોની દશા એવી છે કે આપણે આ વ્યક્તિને સમજી જ નથી શક્યા. જે લોકો એક ચોક્કસ પરંપરાથી અલગ જ રસ્તો પકડે છે તેમને લોકો હંમેશાં મૂર્ખ કહે છે અથવા એવું માને છે કે આ લોકો મૃગજળની પાછળ દોડી રહેલા પાગલ લોકો છે. આપણે લોકો એ વાતને ભૂલી જઈએ છીએ કે મૃગજળ ભલે મિથ્યા હોય પણ, હરણની તરસની તીવ્રતા સાચી હોય છે અને જ્યાં સુધી તરસ તીવ્ર નથી બનતી ત્યાં સુધી આ મૃગજળ પણ દેખાતું નથી. જે લોકોએ જીવનમાં ક્યારે ય પણ મૃગજળ નથી જોયું તેમની તરસ અથવા તૃષ્ણા એ માત્ર દેખાડો અથવા દંભ હોય છે. આપણે લોકો કુમારપ્પાની તૃષ્ણાની તીવ્રતાને ક્યારે ય સમજી નહિ શકીએ. એટલે જ કેટલાંક લોકોને લાગતું હતું કે કુમારપ્પાને બહુ જલદી છે. કુમારપ્પાએ ક્યારે ય પણ ભગવા વસ્ત્ર ધારણ કર્યા નહિ પણ, તેઓ પોતાના જીવન વ્યવહારમાં ઈસુના સાચા અનુયાયી હતા. સત્ય, નિર્ભયતા અને પોતાના વિચારો પ્રત્યે એક પ્રામાણિક વ્યક્તિ તરીકે તેઓ પ્રસિદ્ધ હતા.

એક વખત તેઓ સરદાર પટેલની સાથે રાષ્ટ્રપતિ ભવન એટલે કે પહેલાંનું વાઈસરોય હાઉસ જોવા ગયા. તેમની વર્ધાની ઝૂંપડી અને આ આલીશાન મહેલમાં શું ફર્ક છે? એવો પ્રશ્ન સરદારે તેમને પૂછ્યો. કુમારપ્પાનો જવાબ હતો કે બંનેમાં જમીન-આસમાનનું અંતર છે. આપણી ઝૂંપડીમાં આપણે તમામ વસ્તુઓ દિવસનાં પ્રાકૃતિક પ્રકાશમાં સ્પષ્ટ રીતે દેખી શકીએ છીએ પરંતુ, અહીં તો તમામ વસ્તુઓ કૃત્રિમ પ્રકાશમાં જોવી પડે છે. હજાર વોલ્ટેજ બલ્બનો પ્રયોગ કરવો અને બાદમાં કન્સીલ્ડ લાઈટિંગ થકી એટલો ઓછો મંદ પ્રકાશ રાખો કે અનાજનાં કીડા સુદ્ધાં જોવા મળે નહિ તો તેને અનર્થશાસ્ત્ર, વ્યર્થશાસ્ત્ર અથવા સ્વાર્થશાસ્ત્ર કહેવાય છે. તે શોષણ પર આધારિત છે તેથી દેશ માટે ઉપયોગી નથી. શું આ અંધારાને આમંત્રિત કરવા માટે પ્રકાશનું અપમાન નથી?

આ દેશનાં બજેટ વિશે અને ખાસ કરીને સુરક્ષા વિષયક અર્થયોજના વિશે તેમનું માનવું હતું કે આપણી અવસ્થા એ ગરીબ વ્યક્તિ જેવી છે જે પોતાની મિલકતનો અડધો ભાગ પોતાનાં ખાલી મકાનની રક્ષા કરતાં ચોકીદાર પર ખર્ચ કરે છે.

કુમારપ્પા એક વખત કોઈકના ત્યાં ભોજન માટે ગયા હતા. ભોજન બાદ હાથ ધોવા માટે યજમાને તેમને એક મોંઘો સાબુ આપ્યો. કુમારપ્પાએ સાબુ નાસ્તાની થાળીમાં મૂક્યો અને કહ્યું કે આ સાબુ વડે હાથ ધોવા એટલે અઢળક નિવાસીઓના રક્તથી હાથ ધોવા જેવું છે. કારણ કે ત્યાં ચોખાના પાકમાં નારિયેળનાં વૃક્ષો વાવવામાં આવ્યા છે અને તે વૃક્ષનાં તેલ વડે આ ફેશનેબલ સાબુ તૈયાર કરવામાં આવ્યા છે. શોષણ કરીને તૈયાર કરવામાં આવેલા સાબુથી હાથ ધોવા એ વાત પર કુમારપ્પાને ભરોસો નહોતો. તેમના મત મુજબ માતૃત્વ (માતા બાળકો માટે જે કઈ પણ કરે છે તે) અર્થવ્યવસ્થા ઉપયોગ માટે ઉત્પાદન કરે છે. માત્ર નાણાકીય અને વેચાણ માટે અથવા ફાયદો કમાવવા માટે આ ઉત્પાદન નથી. આને ગાંધીજીએ મકાન માટેનું ઉત્પાદન કહ્યું હતું પણ દુકાન માટે નહિ. અહિંસક આયોજન અને યોજના તથા અહિંસક સ્વદેશી અથવા સત્ય, અહિંસા આધારિત સમાજ અને જીવન વ્યવસ્થા હોય એવું કુમારપ્પા ઈચ્છતા હતા. તે માટે ગ્રામસંગઠન અને ગ્રામીણ, સામાજિક, આર્થિક, વિકેન્દ્રિત સમાજ-વ્યવસ્થા તેમનું અભિપ્રેત હતું.

સામૂહિક વિકાસ વિભાગનાં મંત્રી એક વખત કુમારપ્પાને મળવા માટે આવ્યા. સામૂહિક વિકાસ કાર્યક્રમને ભારે સફળતા મળી છે તે વાત તેમણે કુમારપ્પાને કરી. કુમારપ્પાએ પૂછ્યું કે તમારી સફળતાની વ્યાખ્યા શું છે? તેથી મંત્રી મહોદયે તેનાં આંકડા રજૂ કરવાનું શરૂ કર્યું જેમાં કેટલા કિલોમીટરના રસ્તા બનાવ્યા, કેટલી શાળા ઊભી કરી, કેટલાં આરોગ્ય કેન્દ્ર શરૂ કર્યા ંવગેરે. કુમારપ્પાએ બધું જ શાંતિથી સાંભળ્યું અને બાદમાં કહ્યું કે આ તમામનાં કારણે કાર્યક્રમ સફળ થયો તેવું કહી શકાય ખરું? મંત્રી મહોદયે સામે પ્રશ્ન કર્યો કે તો પછી યશ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? કુમારપ્પાએ સ્પષ્ટ કહ્યું કે, સામૂહિક વિકાસ કાર્યક્રમ કોઈ ક્ષેત્રમાં શરૂ કરતાં પૂર્વે હું તે ક્ષેત્રનાં કેટલાંક લોકોની પાંસળી ગણીશ અને ત્રણ વર્ષ બાદ તેનાં પર થોડું પણ માંસ બન્યું હશે તો માનીશ કે આ કાર્યક્રમ સફળ રહ્યો. મંત્રી મહોદય, તમે ભૂખ્યાં વ્યક્તિના શરીર પર રેશમી શર્ટ પહેરાવવા ઈચ્છો છો. તમને ભાગ્યે જ સફળતા મળશે.

તમામ યોજનાઓનું લક્ષ્ય સામાન્ય માણસ હોય અને તે પરિસ્થિતિ આધારિત યોજનાઓનો યશ નક્કી થવો જોઈએ, એવો તેમનો નમ્ર મત હતો. કુમારપ્પાજી ખરા અર્થમાં ગ્રામીણજનોનાં ઉદ્ધારક અથવા ઋષિ હતા. તેમણે ગ્રામીણજનોનાં ઉપયોગ માટે ગામનાં પાણી અને માટીમાંથી કેટલીક વસ્તુઓ બનાવી હતી. તેમણે ગરમીમાં શાકભાજી રાખવા માટે માટલા જેવું રેફ્રીજરેટર બનાવ્યું હતું. તેનો આકાર રાજન જેવો હતો. જેમાં ઉપર એક કુંડું રાખવામાં આવતું હતું. પાણી ભરવા અને નીકાળવાની વ્યવસ્થા પણ હતી. કુંડામાં શાકભાજી પણ રાખવામાં આવતા હતાં. તેનું મૂલ્ય કુલ જમા કરેલાં છ રૂપિયા પણ નહોતું. જેમાં ના કોઈ વીજળીનો ખર્ચ હતો અને ના તો કોઈ બીજી સમસ્યા હતી.

મારા જીવનમાં કુમારપ્પાનો પ્રવેશ ક્યારે અને કેવી રીતે થયો તે મને યાદ નથી. મેં નાગપુર વિદ્યાપીઠમાં એમ.એ.ની પરીક્ષા માટે અર્થશાસ્ત્ર વિષય રાખ્યો હતો. મૌખિક પરીક્ષા માટે મુંબઈથી અર્થશાસ્ત્રનાં એક પ્રસિદ્ધ શિક્ષક આવ્યા હતા. સેવાગ્રામ એ નાગપુરની પાસે છે તે માટે અથવા મારા નામને કારણે તે શિક્ષકે મને પ્રથમ પ્રશ્ન પૂછ્યો કે ગાંધીજીના અર્થશાસ્ત્રનાં મૂળ તત્ત્વ કયાં છે?  મેં કહ્યું કે અહિંસા અને તે શિક્ષક ગુસ્સે થઇ ગયા અને કહ્યું કે તે એક રાજનીતિક સિદ્ધાંત છે, આર્થિક નહિ. મેં તેમને કુમારપ્પાના વિચાર અનુસાર માત્ર હિંસા ના હોવી એટલે અહિંસા નહિ, તો રાજનીતિક, આર્થિક અથવા સામાજિક શોષણ પણ હિંસા જ છે. આ વાત સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમને લાગ્યું કે મને ગાંધીજીના અર્થશાસ્ત્ર વિશે કશું જ જ્ઞાન નથી. તેમણે મને એટલાં ઓછાં ગુણ આપ્યાં કે હું સૌભાગ્યથી તૃતીય શ્રેણીમાં પણ પાસ તો થયો માટે બચી ગયો. નહિ તો જીવનમાં કયો વળાંક આવ્યો હોત તે ખ્યાલ નથી. આ કુમારપ્પાની કૃપા છે તેવું હું આજે પણ માનું છું.

અનુવાદ – નિલય ભાવસાર

e.mail : nbhavsarsafri@gmail.com

Category :- Gandhiana