દેવત્વને પામેલા સંત કરતાં અધૂરા ઇન્સાન તરીકે ગાંધીજી વધુ ખપના

રાજ ગોસ્વામી
02-10-2017

આપણે જેટલા સાધારણ, પામર અને બદમાશ છીએ, આપણે આપણાથી થોડીક પણ સારી હોય તેવી વ્યક્તિની તેટલા જ પ્રમાણમાં સરાહના કરીએ છીએ. આપણે આપણામાં જે કમી છે તેને બીજી વ્યક્તિમાં પૂરી થતી જોઈએ છીએ. સમાજ એટલો ભ્રષ્ટ છે કે, આપણને કોઈ ઈમાનદાર માણસ મળે તો આપણે એની આરતી ઉતારીએ છીએ. આ ખોટું પણ નથી. અચ્છાઈના આદર્શ હંમેશાં શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે જરૂરી હોય છે, મુસીબત ત્યારે થાય જ્યારે એનો અતિરેક થાય, અને પોતાની બદમાશીઓ ઢાંકવા માટે આપણે આપણાથી સારા માણસને આપણા કરતાં અલગ જોવા લાગીએ, અને એને પેડસ્ટલ ઉપર બેસાડીને એનામાં એવા ગુણ જોવા લાગીએ, જેની ના તો એને ખબર છે કે ના તો એને એની જરૂરત. આદર્શો વ્યવહારિક અને ઓપરેશનલ હોવા જોઈએ, કિસ્સા-કહાનીઓમાં નહીં.

રાજકીય લીડરો અને સાંપ્રદાયિક મહંતોને આપણે તારણહારની કક્ષાએ મૂકીએ છીએ (અને પછી પસ્તાઈએ છીએ). તે આ દેવત્વ આરોપવાની આપણી પરફેકશનની જરૂરિયાતનું પરિણામ છે. તેમની સારી વાતો અને વ્યવહારની પ્રશંસા એ એક બાબત છે, પણ એમની માયાવી છબિ ઊભી કરીને પછી એમને એ જ ત્રાજવે તોળવા એ એમની સાથે પણ અન્યાય છે. જેમ કોઈની નિંદા કરવી એ આપણા ફૈસલાનો એક ભાગ છે, તેવી જ રીતે કોઈની સ્તુિત કરવી એ પણ જજમેન્ટનું જ સ્વરૂપ છે. કોઈનું મૂલ્યાંકન કરવાની ચેષ્ટાથી આપણે કાં તો એને આપણાથી ઉપર કરી દઈએ છીએ, અથવા આપણાથી નીચે. એમાં આપણે એને આપણી સમકક્ષ કે આપણા જ એક ભાગ તરીકે જોવાનું બંધ કરી દઈએ છીએ.

આપણે કોઈકને પરફેકટ બનાવી દઈએ પછી જે બીજી મુસીબત ઊભી થાય છે તે એ છે કે આપણે એની કોઈ કમજોરીને સ્વીકારતા નથી, અને કોઈ દોષ કે ત્રૂટી સામે આવે તો એનાથી આપણામાં ‘તમે એમના વિષે આવું કહી જ કેવી રીતે શકો’, એવી અહંકારની પ્રતિક્રિયા આવે છે. આને અતિભક્તિ કહે છે. રાજનીતિ, ધર્મ, રમત કે સિનેમા સ્ટારના અનુયાયીઓમાં જે હિંસા જોવા મળે છે, તે આ અતિભક્તિનું પરિણામ છે. એટલે જ fan ઉપરથી fanatic (ઝનૂની) શબ્દ આવ્યો છે.

મહાત્મા ગાંધી સાથે આવું જ થયું છે. એ ઇતિહાસના મહાન અસાધારણ લોકની હરોળમાં આવે છે, અને પૂરા વિશ્વમાં રોલ મોડેલ તરીકે સ્થાપિત છે. અમેરિકામાં થોમસ જેફરસન અને ઇસ્લામિક દેશોમાં કુરાન જેમ સાર્વજનિક અને નિજી જીવન માટે અલ્ટીમેટ સંદર્ભ ગણાય છે, તેવી જ રીતે બહુમતી ભારતીઓ માટે ગાંધીજી નૈતિકતાનો એ પથ્થર છે જ્યાં દરેક શીશ ઝુકાવે છે. એટલે, ભારતમાં કોઈ પણ પ્રકારની અને કોઈ પણ દિશાની બહસ હોય, ગાંધી દરેક વ્યક્તિને દરેક દલીલમાં કામ આવી શકે છે.

એક રીતે ગાંધીજીને આપણે દેવની કક્ષાએ મુક્યા છે, પણ હકીકત એ છે કે એમની ટીકા અને વિરોધ પણ એટલો જ છે. નેતાજી બોઝની એક માત્ર સંતાન અનીતા બોઝે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ”ગાંધી સંત નો’તા, પણ એમની છબિ એવી જ બનાવાઈ છે. મારા મતે એ ચાલાક રાજકારણી હતા. એ વકીલ હતા એટલે વ્યવસ્થા અને લોકોને કેવી રીતે મનિપ્યુલેટ કરવા તે એમને આવડતું હતું.” બૂકર પારિતોષિક વિજેતા લેખક અરુંધતી રોય ગાંધીને દેશના પહેલા કોર્પોરેટ-પ્રાયોજિત એજન્ટ કહે છે. “દલિતો, સ્ત્રીઓ અને ગરીબો માટે અઘોર વાતો કહેનાર ગાંધીની પૂજા કરવી એ આ દેશનું સૌથી મોટું તૂત છે,” એવું અરુંધતીએ કહ્યું હતું.

દલિતોને આરક્ષણ મળે તે માટે ગાંધીએ ઉપવાસ કર્યા, ત્યારે ડો. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું,”આ ઉપવાસમાં કશી મહાનતા નથી. એનાથી અછૂતોને કોઈ લાભ નહીં થાય. આ ઉપવાસ તો એમની સંવેધાનિક સલામતીને જતી કરવા માટેની જબરદસ્તી છે.” એક બ્રિટિશ પ્રાંતીય ગવર્નરે ગાંધીને ‘ચાલાક બંદર’ તરીકે ઓળખાવ્યા હતા. શિવસેનાના વડા બાલાસાહેબ ઠાકરેએ ગાંધીજીના હત્યારાની પ્રશંસા કરી હતી. ૧૯૬૯માં કલકત્તામાં ગાંધીની શતાબ્દી ઉજવાઈ ત્યારે એમની પ્રતિમાઓ વિકૃત કરાઈ હતી. એમનાં રાજકીય-સામાજિક વિચારો હોય કે અંગત વ્યવહારો, ગાંધીને ધિક્કારનાઓની સંખ્યા પણ ઓછી નથી.

આ યોગ્ય છે? “હા, આવકાર્ય છે,” એવું મહાત્માના પૌત્ર (દેવદાસ ગાંધીના પુત્ર) રાજમોહન ગાંધીએ એકવાર કહ્યું હતું. ૨૦૧૫માં દક્ષિણ આફિકાની બે યુનિવર્સિટીના પ્રોફેસરોએ એક પુસ્તકમાં એવો દાવો કર્યો હતો કે, ગાંધીજી જ્યારે આફ્રિકામાં હતા, ત્યારે હબસીઓને ‘આળસુના પીર, વહશી અને અનાડી’ ગણીને એમની ઘૃણા કરતા હતા, અને દેશી કાળા આફ્રિકનો કરતાં ભારતીય સમુદાય બેહતર છે, એવું પુરવાર કરવા માટે બ્રિટિશ સામ્રાજ્યવાદનું સમર્થન કર્યું હતું.

આ પુસ્તકથી વિવાદ થયો ત્યારે રાજમોહન ગાંધીને એનો જવાબ આપવા કહેવામાં આવ્યું હતું. રાજમોહને ત્યારે એક લેખ લખીને કહેલું, “ગાંધી ઉપર આક્રમણ થાય તે આવકાર્ય છે, કારણ કે એનાથી આપણને ગાંધી શું હતા તે સમજવાની તક મળે છે. એમની યુવાનીમાં ગાંધી દક્ષિણ આફ્રિકા અને કાળાઓને લઇને અજ્ઞાની અને પૂર્વાગ્રહી હતા એ વાત નવી નથી. મેં એના વિષે લખ્યું જ છે. ગમેતેમ તો ય, ગાંધી અધૂરા (ઇમ્પરફેક્ટ) ઇન્સાન હતા. જાતીય સમાનતાને લઇને ગાંધી તો છેક ૧૯૦૮માં પણ એમના દેશભાઈઓ કરતાં ઘણા આગળ હતા. એ અધૂરા હતા એટલે જ એમના સમકાલીન હમવતનીઓ કરતાં પણ એ વધુ આકરી રીતે પ્રગતિશીલ હતા.”

દેવત્વને પહોંચેલા સંત કરતાં અધૂરા ઇન્સાન તરીકે વધુ ગાંધી વધુ ખપના છે, કારણ કે ગાંધી એક એવો ખજાનો છે જેની અંદર સતત શોધખોળ કરતા રહો તો ‘હીરા-ઝવેરાત’ મળતા રહે. દેવ તો આપણી પહોંચની બહાર હોય છે. એમના સત્યના પ્રયોગો, એમનાં વિધાનો અને એમના વ્યવહારોને લઈને જે વાયકાઓ અને કુથલીઓ છે એનાથી એમનાં ઉત્તમ કામોનું પલડું ઉપર જતું રહે છે એવું નથી. આદર્શ જીવન જેવું કંઈ હોતું નથી, અને એને પરિપૂર્ણતાનાં કપડાં પહેરાવાના આપણા પ્રયાસોમાં એની મૌલિકતા અને ઈન્સાનિયત ખોવાઈ જાય છે.

સમાજશાસ્ત્રી આશિષ નંદીએ એક પુસ્તકમાં કહ્યું હતું કે મોહનદાસ કરમચંદ ગાંધીના અવસાન પછી ચાર ગાંધી જીવતા રહ્યા છે. આ ચારેય ઉત્પાતિયા છે, અને જુદા જુદા લોકોને, જુદી જુદી રીતે, જુદા જુદા કારણોથી કનડે છે. એક ગાંધી સરકારી અને નારાબાજીવાળા છે, જે મોટાભાગના લોકોને ગમે છે, અને જાહેરજીવનમાં ખાસ ખપમાં આવે છે. બીજા ગાંધી ગાંધીવાદીઓના છે, જે રાજકારણથી દૂર આશ્રમમાં જીવે છે, ખાદી પહેરે છે, નિમ્બુપાની પીવે છે, ક્યારેક ક્યારેક ઉપદેશ આપવામાં કામ આવે છે અને ઘણાને કંટાળાજનક લાગે છે.ત્રીજા સ્વદેશીના આગ્રહી સનકી ગાંધી છે જે સરકારોને કોકાકોલાને દેશનિકાલ કરવાની સલાહ આપે છે, પણ ભારતીઓની સ્કોચ વ્હિસ્કીની જરૂરિયાત પ્રત્યે દયાળુ છે. ચોથા ગાંધી લોકવાયકાના ગાંધી છે, જેમને કોઈ વાંચતું નથી, પણ મોઢામોઢની વાતોમાં જીવે છે. જેમ કાલ માર્ક્સને વાંચ્યા-સમજ્યા વગર લોકો માર્ક્સવાદી બને છે, તેવી રીતે આ ગાંધી એવા છે જેમને ‘જાણ્યા’ વગર પણ લોકો ‘ઓળખે’ છે. આ ગાંધી કપોળકલ્પનાઓમાં જીવે છે, અને વોડકાના શોખીન લેચ વાલેસાથી લઈને આંગ સુઈ કાઈ અને બેનિટો અક્વિનોથી લઈને નેલ્સન મંડેલા સુધીનાઓની ટોપીમાં ફીટ થઇ જાય છે.

ટૂંકમાં, આપણી વચ્ચે ઘણા ગાંધી જીવે છે, અને એ એમની બધી અધૂરપ સાથે આમ આદમી માટે વધુ કીમતી છે , કારણ કે એમને પિક્ચર પરફેક્ટ દેવ બનાવાથી એ ફૂલ ચઢાવાને લાયક તો બની જાય છે. પણ પછી સામાન્ય જનજીવનથી એટલા દૂર થઇ જાય છે કે એમની ઉપસ્થિતિ રીતિ-રિવાજ પૂરતી જ રહી જાય છે.

શેખાદમ આબુવાલાએ એટલે જ કહ્યું હતું:

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો

સૌજન્ય : https://www.facebook.com/raj.goswami.31/posts/1680285432021793

[‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 01 અૉક્ટોબર 2017]

Category :- Gandhiana