
રમેશ ઓઝા
નરેન્દ્ર મોદી ત્રીજીવાર દેશના વડા પ્રધાન બન્યા એ વાતને થોડા દિવસમાં સો દિવસ પૂરા થશે. શાસનમાં પહેલા સો દિવસનું મહત્ત્વ હોય છે અને વડા પ્રધાન મોદીએ તો ચૂંટણી પ્રચારમાં એકથી વધુ વખત અલગ અલગ જગ્યાએ રેલીઓને સંબોધતા કહ્યું હતું કે તેમની પાસે સો દિવસનો પ્રોગ્રામ તૈયાર છે. ચૂંટણી પતવા દો, ફરી વાર સત્તામાં આવવા દો, પછી જુઓ કેવો સપાટો બોલાવું છું. સો દિવસ પૂરા થવામાં છે, પણ સપાટો તો ઠીક, કોઈ પ્રયાસ પણ જોવા નથી મળતો. જે પ્રયાસ કર્યા એમાં પીછેહઠ કરવી પડી. ઊલટું સરકાર દિશાહીન અવસ્થામાં નજરે પડી રહી છે.
આનું મુખ્ય કારણ એ છે કે નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં જે ગર્વખંડન થયું તેની પીડા ભૂલી નથી શકતા અને તેને છૂપાવવા એવી રીતે વર્તે છે કે જાણે ૨૦૨૪માં લોકસભાની કોઈ ચૂંટણી જ નહોતી યોજાઈ. પક્ષની કોઈ પીછેહઠ થઈ નથી, અંગત પ્રતિષ્ઠામાં કોઈ ઘટાડો થયો નથી. ટૂંકમાં નવી વાસ્તવિકતાને તેઓ નકારે છે અને જૂનો દબદબો એવો ને એવો જ છે એવો દેખાવ કરે છે. આ બાજુ તેઓ એવી કશીક તકની શોધમાં છે કે લોકોને આંજી દઈ શકાય. તકની શોધમાં તેઓ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા યુક્રેન જઈ આવ્યા. બન્યું એવું કે ભારતના વડા પ્રધાન હજુ તો યુક્રેનની રાજધાની કીવ છોડે ન છોડે ત્યાં યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સકીએ પત્રકાર પરિષદ બોલાવીને કહ્યું કે ભારત તટસ્થ રહે એ ન ચાલે, તેણે સત્યનો પક્ષ લેવો જોઈએ, ન્યાયનો પક્ષ લેવો જોઈએ અને માટે યુક્રેનનો પક્ષ લેવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે મેં (ઝેલેન્સકીએ) આ વાત ભારતના વડા પ્રધાનને મોઢામોઢ કહી હતી. તમે રશિયા જાવ, પુતિનને ગળે મળો અને એ જ સમયે પુતિન યુક્રેનમાં બાળકો માટેનાં આશ્રયસ્થાન પર બોમ્બ હુમલો કરે એ તમારું (નરેન્દ્ર મોદીનું) અપમાન કરનારી ઘટના નહોતી? પુતિન થોડો સમય રોકાઈ ગયા હોત. તમને એમ ન લાગ્યું કે તમારું અપમાન કરવામાં આવ્યું હતું? માટે ભારત જો શાંતિ, સત્ય અને ન્યાયના પક્ષે હોય તો યુક્રેનના પક્ષે હોવું જોઈએ. અમને તમારી તટસ્થતા નથી જોઈતી.
ઝેલેન્સકીએ તેની એક કલાક લાંબી પત્રકાર પરિષદમાં બીજું ઘણું કહ્યું હતું, પણ તેની વાત જવા દઈએ. મુદ્દો એ છે ઝેલેન્સકી કોણ છે, કેવો માણસ છે, દોઢ વરસ લાંબી લડાઈ પછી તેના તેવર કેવાં છે, તે શું ઈચ્છે છે, બાંધછોડ કરવા માગે છે કે નહીં, તેની શરતો શું હશે તેની પૂર્ણ જાણકારી મેળવ્યા વિના વિષ્ટિ કરવા ગયા? આ તો જાગતિક મુત્સદીનો સ્વાભાવિક ક્રમ છે. પહેલાં વિદેશ સચિવો જઇને અનુકૂળ ભૂમિકા બનાવે, એ પછી બે દેશના વિદેશ પ્રધાનો મળીને હજુ વધુ અનુકૂળતા બનાવે, ત્રણેય દેશોના વિદેશ પ્રધાનો વચ્ચે ગુપ્તસ્થળે ગુપ્ત બેઠકો થતી હોય છે અને જ્યારે પાકી સમજૂતી થઈ જાય ત્યારે દેશના વડા વચ્ચે શિખર મંત્રણા યોજાતી હોય છે. જે તે દેશના વડાઓ સીધા મળે અને પહેલા જ રાઉન્ડમાં ગોદડું સમેટાઈ જાય એવું તો મેં પહેલી વાર જોયું.
પણ ગુમાવેલી સાખ પહેલી તકે પાછી મેળવી લેવાની ઉતાવળ છે અને તેમાં આવું બધું બની રહ્યું છે.
હવે મુદ્દાની વાત. સૌથી પહેલાં તો તેમણે અને તેમનાં સમર્થકોએ એ તપાસવું જોઈએ કે શેને કારણે સાખ ઘટી?
પાંચ કારણો છે :
૧. ચીન. ૨. મણિપુર, ૩. ખેડૂતોનું આંદોલન. ૪. પહેલવાન છોકરીઓનું આંદોલન અને ૫. અદાણી.
ચીને ૫૬ ઇંચની છાતીનું આભામંડળ ચીરી નાખ્યું છે. ૨૦૨૦થી ચીને લડાખમાં અંકુશરેખા ઓળંગીને ભારતની ભૂમિમાં પગપેસારો કર્યો છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. ચીન લડાખ અને અરુણાચલ પ્રદેશમાં લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધી રહ્યું છે અને એ આખી દુનિયા જાણે છે. ચીને નકશા બદલી નાખ્યાં છે અને અરુણાચલ પ્રદેશના શહેરો અને ઇલાકાઓના નામ બદલી નાખ્યાં છે. અને આવું બે-પાંચ ચોરસ કિલોમીટરમાં નથી બન્યું, સેંકડો ચોરસ કિલોમીટરમાં બન્યું છે. લદાખીઓએ તો આંદોલન કર્યું હતું કે પેનગોંગમાં કેટલો પ્રદેશ અમારા હાથમાં બચ્યો છે તે જોવા માટે અમને ચીનની સરહદ તરફ જવા દેવામાં આવે. જોઈએ તો ખરા કે આજે જ્યાં અમે છીએ એ પણ બચશે કે કેમ!
વડા પ્રધાન એક શબ્દ નથી બોલતા. ઊંહકારો નથી કરતા. લોકો આ જાણે છે અને ભક્તો બચાવમાં એક દલીલ નથી કરી શકતા.
આવું જ મણિપુરમાં અને મણિપુર તો પાછું સળગ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકે ત્રણ મહિનામાં બે વખત મણિપુરનો પ્રશ્ન જાહેરમાં ઉચાર્યો છે અને ઘટતું કરવાની સરકારને સલાહ આપી છે, પણ વડા પ્રધાન ખામોશ છે. મણિપુરનો મ નથી ઉચ્ચારતા ત્યાં મણિપુરની મુલાકાત તો બહુ દૂરની વાત છે. મણિપુર સરહદી રાજ્ય છે એ છતાં ય. કોઈ કહે અને મારે કરવું પડે તો મર્દાનગી લાજે. આમાં કઈ મર્દાનગી છે? આમાં કયું આત્મગૌરવ છે? ભડવીરતા બતાવવી જ હોય તો ચીન સરહદે ઊભું જ છે. સંઘના સરસંઘચાલકની સલાહ પણ કાને ધરવામાં નથી આવતી. ચીનની જેમ જ મણિપુરની વાત આવે ત્યારે સમર્થકો પણ ચૂપ થઈ જાય છે.
ખેડૂત અને લશ્કરી જવાન આ દેશમાં આજે પણ આદરણીય છે. એક આપણું પેટ ભરે છે અને બીજો આપણું રક્ષણ કરે છે. જે રીતે ખેડૂતોનાં આંદોલનને હાથ ધરવામાં આવ્યું એ જોઇને દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. આંદોલનને નિષ્ફળ બનાવવામાં અને તેમને હેરાન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. વડા પ્રધાન ખેડૂતોના પ્રતિનિધિ મંડળને મળ્યા હોત, સીધી પોતાના સ્તરે વાટાઘાટો કરી હોત, સહાનુભૂતિનાં બે શબ્દો કહ્યા હોત તો શું વડા પ્રધાનના પદની ગરિમા ઘટી જવાની હતી? ઊલટી વધી હોત. પ્રજાવત્સલ વડા પ્રધાન તરીકેની પ્રતિમા વિકસી હોત. પણ નહીં. કોઈ મને પડકારે? ખેડૂતોનું આંદોલન મહિનાઓ સુધી સાતત્યપૂર્વક ચાલ્યું એ જ બતાવે છે કે તેમની પીડા સાચી છે અને તેમની પીડાને લોકોનો સીધો કે આડકતરો ટેકો છે. સાચી પીડા અને લોકોની સહાનુભૂતિ વિના કોઈ આંદોલન સફળ થતાં નથી અને લાંબો સમય ચાલતાં નથી. શું એવું કોઈ નથી બચ્યું જે આ વાત વડા પ્રધાનને કહી શકે?
પહેલવાન છોકરીઓની પીડા અંતરને હચમચાવી મૂકે એવી હતી. એક ચારિત્ર્યહીન મુફલીસનાં પક્ષે વડા પ્રધાન ઊભા રહેલા જોવા મળે? મારો માણસ છે, એ ગમે એ કરે તમે બોલનાર કોણ? એક શબ્દ નહીં. આજ સુધી નહીં. ન નિંદાનો કે ન સહાનુભૂતિનો. કયા તર્કથી અને કયા મૂલ્યથી પ્રેરાઈને વડા પ્રધાને આવું વલણ અપનાવ્યું હતું એ જો કોઈ શકે તો દેશ પર મોટી મહેરબાની થશે.
અને છેલ્લે અદાણી જૂથ સાથેનો ઘરોબો, તેને કરવામાં આવતી મદદ, તેનો કરવામાં આવતો બચાવ શંકા પેદા કરનારો છે. બધું જ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. થાય એ કરી લો. થોડુક અંતર રાખવાનો અને અંતર દેખાડવાનો પણ પ્રયાસ કરવામાં નથી આવતો. રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે અદાણીને ચીમટો ખણો તો પીડા વડા પ્રધાન અનુભવે છે. આ પછી પણ કોઈ અસર નહીં!
હવે એક વાત સમજી લો. આમાં કોઈ જગ્યાએ મુસલમાન નથી. કાં તો વિદેશી શત્રુ (ચીન) છે અથવા હિંદુ છે. ખેડૂતો હિંદુ હતા, પહેલવાન છોકરીઓ હિંદુ હતી, જેની ગૌરક્ષકોએ હત્યા કરી એ યુવક હિંદુ હતો, મણિપુરના લોકો મોટી સંખ્યામાં હિંદુ છે. કાશ્મીરના મુસલમાનો પાસેથી આર્ટીકલ ૩૭૦ છીનવી લીધો અને મુસલમાનો પાસેથી અયોધ્યામાં મસ્જીદ છીનવી લીધી એ જોઇને રાજી થયેલા હિંદુઓ ઉપર કહ્યા એવા હિંદુઓ સાથે થયેલા અને થઈ રહેલા અત્યાચારો જોઇને શું રાજી થયા હશે? બીજાનું છીનવાઈ જતું જોઇને કિકિયારી પાડનારા લોકો પોતાની નીચે રેલો આવે ત્યારે માણસ બની જતા હોય છે.
ટૂંકમાં આ પાંચ ચીજ છે જેને કારણે વડા પ્રધાનની સાખમાં ઘટાડો થયો છે. આર્ટીકલ ૩૭૦ રદ્દ કર્યો અને અયોધ્યામાં રામમંદિર બાંધી આપ્યું એ પછી પણ. લોકો અને લોકોના પ્રશ્નોની ઉપેક્ષા કરનાર, મોઢું ફેરવી લેનાર, અસંવેદનશીલ અને રાષ્ટ્રીય સુરક્ષા કરતાં પણ અંગત પ્રતિષ્ઠાને વધારે મહત્ત્વ આપનાર શાસક એક સમય પછી સાખ ગુમાવે. જે બની રહ્યું છે એ સ્વાભાવિક ક્રમે બની રહ્યું છે. આમાં આશ્ચર્યની કોઈ વાત નથી.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 સપ્ટેમ્બર 2024