મારા બાળપણના દિવસોમાં
એક વખત મારા પિતા એક સુંદર ટોર્ચ લઈ આવ્યા
જેના કાચમાં ગોળ ખાંચા પાડેલા હતા
જેવા આજકાલ કારની હૅડલાઈટમાં હોય છે
અમારા વિસ્તારમાં પ્રકાશનું એ પહેલું યંત્ર હતું
જેનો પાટડો ચમત્કારની માફક રાતને બે હિસ્સામાં વહેંચી દેતો હતો
એક સવારે મારા પાડોશમાં રહેતાં એક દાદીએ મારા પિતાને કહ્યું
બેટા, આ મશીનમાંથી ચૂલો પેટાવવા થોડો અગ્નિ આપ
પિતાએ સ્મિત સાથે કહ્યું કાકી આમાં અગ્નિ નથી હોતો માત્ર પ્રકાશ હોય છે
રાત પડે આને પરજળવામાં આવે છે
ને આનાથી પર્વતના ઉબડખાબડ રસ્તા સ્પષ્ટ દેખાય છે
દાદીએ કહ્યું અજવાળામાં થોડી આગ પણ હોત તો કેટલું સારું થાત
રાતથી મને સવારે ચૂલો સળગાવવાની ચિંતા સતાવવા લાગે છે
પિતાને કોઈ જવાબ ના સૂઝ્યો એટલે એ મૌન રહ્યા ક્યાં ય સુધી
આટલાં વર્ષો બાદ એ ઘટના, ટોર્ચનો એ પ્રકાશ, અગ્નિ માગતાં દાદી, પિતાનું એ મૌન,
ચાલ્યા આવે છે
અમારા સમયની વિડંબના વચ્ચે કવિતાની માફક
e.mail : rupaleeburke@yahoo.co.in