
હેમન્તકુમાર શાહ
‘ગુજરાત ટુડે’ અખબાર દ્વારા આજે અમદાવાદમાં યોજાયેલા એક સેમિનારમાં ‘મિડિયા : લોકશાહીનો ચોથો સ્તંભ’ વિશે વિદ્યાર્થીઓ સહિતના આશરે ૧૩૦ નાગરિકો સમક્ષ આપેલા એક ટૂંકા વ્યાખ્યાનના મુખ્ય મુદ્દા :
(૧) મિડિયા લોકશાહીનો ચોથો સ્તંભ છે, એમ બધા કહે છે પણ બાકીના ત્રણ સ્તંભ કયા એને વિશે કોઈ કશી વાત કરતું નથી.
(૨) બહુ જાણીતા દાર્શનિક એડમંડ બર્ક બ્રિટિશ ઉમરાવસભાના, એટલે કે આપણી રાજ્યસભાના, સભ્ય હતા ત્યારે ઇ.સ. ૧૭૭૧માં તેમણે એ સભામાં એમ કહ્યું હતું કે ઉમરાવસભામાં જે પાદરીઓ છે તે એક સ્તંભ છે, જે અન્ય સભ્યો છે તે બીજો સ્તંભ છે; આમ સભા, એટલે કે આપણી લોકસભા, ત્રીજો સ્તંભ છે; અને અખબારો ચોથો સ્તંભ છે. આ વાત તો હવે બહુ જૂની થઈ ગઈ. એડમંડ બર્ક દ્વારા આવું કહેવાયેલું તે થોમસ પેઇન નામના એક બીજા દાર્શનિક દ્વારા ઇ. સ. ૧૮૪૦માં નોંધાઈ હતી.
(૩) હવે આ ચાર સ્તંભ છે : ન્યાયતંત્ર, કે જે સરકારનો જ ભાગ છે, કાયદાનું શાસન, માનવ અધિકારોનું રક્ષણ અને મિડિયા.
(૪) મિડિયા અને સરકાર બે ભેગા થઈ જાય ત્યારે ભારે મુસીબત ઊભી થાય છે અને ત્યારે તે લોકશાહીનો સ્તંભ નથી રહેતો પણ સરકારનો ચમચો બની જાય છે.
(૫) મિડિયાના માલિકો અને સરકારો વચ્ચે સાંઠગાંઠ ઊભી થાય છે. મોટા ઉદ્યોગપતિઓ અનેક ટી.વી. ચેનલો અને અખબારોના માલિક હોય છે અને તેમનો નફો એ તેમનો ભગવાન હોય છે ત્યારે તેઓ લોકશાહીનો સ્તંભ બને એવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય?
(૬) બધા સ્તંભ જ્યારે તૂટી રહ્યા હોય, તેમાં તિરાડો પડી હોય, ત્યારે નાગરિકોએ પોતે જ લોકશાહીના સ્તંભ બનવાનું હોય છે.
(૭) ભારતના બંધારણમાં નાગરિકોની વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા લખેલી છે. એને બરકરાર રાખવા માટે અને મજબૂત બનાવવા માટે નાગરિકોએ પોતાની પાસે જે સામાજિક માધ્યમો પ્રાપ્ય છે તેમનો આધાર લઈને પોતાનાં સરકારની નીતિરીતિ વિશેનાં મંતવ્યો વ્યક્ત કરવાં જોઈએ અને એ રીતે પોતે જ લોકશાહીના સ્તંભ બનવું જોઈએ.
(૮) અભિવ્યક્તિ વિના વ્યક્તિ હોઈ શકે જ નહીં. ઘોડાગધેડાં કે માખીમચ્છર જે રીતે હજારો વર્ષ પહેલાં જીવતા હતા એ જ રીતે આજે પણ જીવે છે. માણસે જીવવાની રીતો બદલી છે અને એ રીતમાં તેની પોતાની આઝાદી તેણે સૌથી મહત્ત્વની ગણી છે. એટલે જ ભારતના બંધારણમાં નાગરિકોના અધિકારો લખેલા છે. ચોથા સ્તંભ તરીકે મીડિયા એ અધિકારોનું રક્ષણ કરે એ એની ફરજ છે. જો એ એમ ન કરે તો નાગરિકોએ પોતે જ લોકશાહીના સ્તંભ બનીને એ અધિકારોનું રક્ષણ કરવું પડે. એ જ આપણા સૌની નિયતિ છે.
(૯) દેશ તો આઝાદ છે જ અને રહેવાનો જ છે. ખરેખર તો, નાગરિકોની આઝાદીની ચિંતા કરવાની જરૂર છે. મિડિયાની એ અગત્યની ભૂમિકા છે. તો જ એ લોકશાહીનો સ્તંભ કહેવાય, નહિ તો એ સરકારી ખાટલો કહેવાય!
તા.૨૨-૦૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર