જગજિત–નિદા બંને અત્યંત સર્જનાત્મક, અત્યંત ગહન પ્રતિભાઓ. જીવનનો વિરોધાભાસ, અસ્તિત્વના અર્થની શોધ, સંબંધોની જટિલતા, કચડાતું ને ફરી ઊભું થતું મનુષ્યત્વ ને ખોઈ નાખેલા સ્વની તલાશ એમના શબ્દોમાં અને સૂરોમાં આકાર લેતાં ગયાં અને સાર્થક બનતી ગઈ આ પંક્તિ – ‘આવારામિઝાજીને ફૈલા દિયા આંગન કો; આકાશ કી ચાદર હૈ, ધરતી કા બિછૌના હૈ’
કલાકારો વચ્ચે ક્યારેક ન ભુલાય એવો યુગાનુયોગ જોવા મળે છે. જેમ કે મારા બે પ્રિય સર્જકો ગુરુ દત્ત અને જગજિત સિંહની પુણ્યતિથિ એક જ દિવસે છે. રાજેશ ખન્ના અને એમની દીકરી ટ્વિંકલ ખન્નાના જન્મદિન એક જ દિવસે છે. રાજ કપૂરનો જન્મદિન અને શૈલેન્દ્રની પુણ્યતિથિ એક જ દિવસે છે. શોધીએ તો બીજા દાખલા મળે, પણ જગજિત સિંહ અને નિદા ફાજલી વચ્ચે યોગાનુયોગની જે પરંપરા છે તેવી તો ભાગ્યે જ ક્યાં ય જોવા મળે. 8 ફેબ્રુઆરીએ જગજિત સિંહનો જન્મદિન છે અને નિદા ફાઝલીની પુણ્યતિથિ એ નિમિત્તે આજનો લેખ એમને અર્પણ કરીએ. જન્મદિન-મૃત્યુદિનનો બીજા છેડાનો યોગાનુયોગ પણ હતો આ બંનેના જીવનમાં. 12 ઑક્ટોબરે નિદા ફાજલીનો જન્મદિન છે અને 10 ઑક્ટોબરે જગજિત સિંહની પુણ્યતિથિ છે.

જગજીત સિંહ અને નીદા ફાઝલી
જગજિત જન્મ્યા 1941માં, નિદા 1938માં. મૂળ પંજાબના અને રાજસ્થાનમાં જન્મેલા-ઉછરેલા જગજિત 1965માં પોતાના સ્વપ્નની તલાશમાં મુંબઈ આવ્યા. મૂળ કાશ્મીરી અને દિલ્હીમાં જન્મેલા-ઉછરેલા નિદા લગભગ એ જ ગાળામાં એટલે કે 1964માં પોતાનું સ્વપ્ન શોધવા મુંબઈ આવ્યા હતા.
જો કે મુલાકાત જલદી થઈ ન હતી. બંનેનો સંઘર્ષ પોતપોતાની રીતે ચાલુ હતો. જગજિતે જિંગલો ગાવા શરૂ કર્યા હતા, નિદાએ પત્રકારત્વ અપનાવ્યું હતું. જગજિત 1967માં ચિત્રાને મળ્યા, 1969માં બંને પરણ્યાં. ગઝલ ગાયકીને જગજિતે આપેલું સ્વરૂપ લોકોએ બહુ ઊમળકાથી વધાવી લીધું હતું. નિદા આ દરમ્યાન મુશાયરાઓ ગજવતા થઈ ગયા હતા. બેખૌફ કલમથી સાહિર લુધિયાનવી અને કૈફી આઝમી જેવા દિગ્ગજોને નારાજ કરી ચૂકેલા નિદાએ પહેલો કાવ્યસંગ્રહ 1969માં આપ્યો. જગજિત ગઝલને તેમ જ નિદા ઉર્દૂ શાયરીને નવું રૂપ આપી રહ્યા હતા. બંનેની શૈલીનું મુખ્ય તત્ત્વ હતું સાદગી અને ઊંડાણ.
‘દુનિયા જિસે કહતે હૈ, જાદુ કા ખિલૌના હૈ
મિલ જાયે તો મિટ્ટી હૈ, ખો જાયે તો સોના હૈ’
આ એમના મિલનના પ્રારંભકાળની ગઝલ. શબ્દના પ્રેમીઓ, સંગીતના શોખીનો, જિંદગીના આશિકો એ સાંભળીને ખુશ થઈ ગયા. એ સમયે ટી.વી. ન હતા, રેડિયો પર ક્યારે પ્રસારિત થશે ખબર ન હોય, પણ આવે એટલે હાથમાંના કામ પડતા મૂકી આંખ બંધ કરી રેડિયો પાસે બેસી જવાતું એ મારી જેમ ઘણાને યાદ હશે.
1994માં જગજિત-નિદાનું ‘ઈનસાઈટ’ આલ્બમ આવ્યું. ‘યે ઝિંદગી’, ‘ગરજ બરસ પ્યાસી ધરતી કો ફિર પાની દે મૌલા, ચિડિયોં કો પાની બચ્ચોં કો ગુડધાની દે મૌલા’, ‘બદલા ન અપને આપ કો’, ‘જીવન ક્યા હૈ’, ‘મુંહ કી બાત સુને હર કોઈ, દિલ કે દર્દ કો જાને કૌન’ – અસ્તિત્વ સાથે હંમેશ માટે જોડાઈ જાય તેવી રચનાઓ. જગજિત-નિદા બંને અત્યંત સર્જનાત્મક, અત્યંત ગહન પ્રતિભાઓ. જીવનનો વિરોધાભાસ, અસ્તિત્વના અર્થની શોધ, સંબંધોની જટિલતા, કચડાતું ને ફરી ઊભું થતું મનુષ્યત્વ, ખોઈ નાખેલા સ્વની તલાશ એમના શબ્દો અને સૂરોમાં ઊભરતાં : કેટલી સાર્થક બની ગઈ આ પંક્તિ – ‘આવારામિઝાજીને ફૈલા દિયા આંગન કો; આકાશ કી ચાદર હૈ, ધરતી કા બિછૌના હૈ’.
ઘણું નક્કર કામ કર્યું બંનેએ એક સાથે. ‘હરેક ઘર મેં દિયા ભી જલે અનાજ ભી હો / હરેક બાર હી કલ ક્યોં કભી તો આજ ભી હો’ જેવી સામાજિક નિસબત સાથે ‘સબ કુછ તો હૈ ક્યા ઢૂંઢતી રહતી હૈ નિગાહેં / ક્યા બાત હૈ મૈં વક્ત પે ઘર ક્યોં નહીં આતા’ જેવી અંગત શૂન્યતા, ‘આવાઝોં કે બાજારોં મેં ખામોશી પહચાને કૌન’ જેવી વ્યથા, ‘બને-બનાયે હૈં સાંચે જો ઢલ સકો તો ચલો’ જેવી નિર્મમતા, ‘હર તરફ હર જગહ બેશુમાર આદમી / ફિર ભી તનહાઈયોં કા શિકાર આદમી’ જેવું સચોટ વાસ્તવનિરુપણ, ‘હોશવાલોં કો ખબર ક્યા, બેખુદી ક્યા ચીજ હૈ’ જેવી મસ્તી કે ‘સબકુછ તો હૈ, ક્યા ઢૂંઢતી રહતી હૈ નિગાહેં’ જેવો માર્મિક સવાલ – જિંદગીનાં કેટલાં કેટલાં પરિમાણો બંનેએ એક સાથે જોયાં, જાણ્યાં, પ્રમાણ્યાં અને ભાવકોએ પણ એને કેવાં માણ્યાં!
સંગીત અને શાયરીનો જેમને થોડો અભ્યાસ છે તેઓ જાણે છે કે બંને પોતપોતાના પુરોગામીઓથી કેટલા જુદા પડતા હતા. નિદાનું શબ્દવિશ્વ અને ભાવવિશ્વ સૂરદાસ-તુલસીદાસ, મીર-ગાલિબ અને એલિયટ-ચેખોવથી પોષાયું હતું. એમનાં માતાપિતા ભાગલા વખતે પાકિસ્તાન ચાલ્યા ગયા ત્યારે દસ જ વર્ષના નિદાએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું.
કોમવાદ અને કટ્ટરતાના વિરોધી નિદા અભિવ્યક્તિમાં નિર્ભિક હતા. એક મુશાયરામાં એમણે પંક્તિઓ કહી, ‘ઘર સે મસ્જિદ હૈ બહોત દૂર ચલો યું કર લેં / કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે’ બહાર નીકળ્યા તો થોડા મુસ્લિમોએ એમને ઘેરી લીધા, ‘શું બકી ગયો તું? મસ્જિદ કરતાં બાળક ચડિયાતું, એમ?’ નિદા કહે, ‘એ મને ખબર નથી. હું તો એટલું જાણું છું કે મસ્જિદ ઈન્સાનોએ બનાવી છે જ્યારે બાળક ખુદ ખુદાનું સર્જન છે.’
એમણે 24 પુસ્તકો લખ્યાં, પદ્મશ્રી અને સાહિત્યનાં ઉચ્ચ સન્માનોથી પોંખાયા અને ઈન્ટેલેક્ચ્યુઅલ પોએટ તરીકે નામના પામ્યા. જગજિત માટે એમણે કહેલું, ‘ગઝલ જિંદગી જેવી હોય છે – અનહદ, અવ્યાખ્યેય. તેમાં પોતાનું અને જિંદગીનું દર્દ હોય છે. જગજિતે આ દર્દને પ્રેમ કર્યો છે. જગજિત ઝિંદગી કા એક અંદાઝ હૈ, મુહબ્બત કી આવાઝ હૈ’
જગજિત તરુણ હતા ત્યારથી નિદાની શાયરી તેમને ગમતી. ‘નકશા ઉઠા કે અબ કોઈ નયા શહર ઢૂંઢિયે / ઈસ શહર મેં તો સબસે મુલાકાત હો ગઈ’ નિદાની આ પંક્તિઓ જગજિતની ફેવરિટ હતી. જગજિતે ગઝલ ગાયકીને ઝડઝમક અને પરંપરિત શૈલીમાંથી બહાર કાઢી અને તેને સાદા શબ્દો-સાદા સંગીત વડે નવી ગહનતા આપી. પશ્ચિમનાં વાદ્યોનો ગઝલમાં સરસ ઉપયોગ કર્યો. પાંચ દાયકાની કારકિર્દીમાં અટલબિહારી વાજપેયીનાં કાવ્યોનાં બે આલ્બમ સહિત 80 આલ્બમ આપ્યાં. પદ્મભૂષણ સહિત અનેક સન્માનો મેળવ્યાં. 1857ના સંગ્રામની 150મી જયંતી પ્રસંગે બહાદુરશાહ ઝફરનું ‘લગતા નહીં હૈ દિલ મેરા ઉજડે દયાર મેં’ ગાઈ દિલ્હીના શ્રોતાઓને હલાવી નાખેલા.
જગજિતની ‘બિયૉન્ડ ટાઈમ’ જીવનકથા પ્રગટ થઈ એ જ ગાળામાં નિદાની આત્મકથનાત્મક નવલકથા ‘દીવારોં કે બીચ’ પ્રગટ થઈ હતી. બંનેએ પોતપોતાની રીતે પણ અને સંયુક્તપણે પણ લોકોનાં દિલ જીત્યાં. નિદાના સંવેદનશીલ અને જીવનની ફિલોસોફીથી તરબોળ શબ્દો; જગજિતના ગહન, ઘેરા અને પ્રભાવશાળી કંઠ દ્વારા મન અને આત્માની ઉચ્ચતા અને ઊંડાણ બંનેને પહોંચ્યા. નિદા વિનાના જગજિત ઘણા મોટા છે અને જગજિત વિનાના નિદા પણ ઘણા મોટા છે, પણ બંને મળે ત્યારે સર્જકતાનું બે કાંઠે છલકતું મહાપૂર આવે છે ને આપણને તાણી જાય છે.
એક લેખમાં તો આ બંનેની વાતનો સરખો પ્રારંભ પણ ન થાય. થોડી પંક્તિઓ ટાંકીને અટકું : ‘સદિયોં સદિયોં વહી તમાશા, રસ્તા રસ્તા લંબી ખોજ / લેકિન જબ હમ મિલ જાતે હૈં, ખો જાતા હૈ જાને કૌન // વો મેરી પરછાઈ હૈ યા મૈં ઉસકા આઈના હૂં / મેરે હી ઘર મેં રહતા હૈ મુજ જૈસા હી જાને કૌન’, ‘સુબહ સે શામ તક બોજ ઢોતા હુઆ / અપની હી લાશ કા ખુદ મઝાર આદમી // ઝિંદગી કા મુકદ્દર સફર દર સફર / આખરી સાંસ તક બેકરાર આદમી’, ‘અપની મર્ઝી સે કહાં અપને સફર કે હમ હૈ / રુખ હવાઓં કા જિધર કા હૈ, ઉધર કે હમ હૈ // પહલે હર ચીજ થી અપની મગર યે લગતા હૈ / અપને હી ઘર મેં કિસી દૂસરે ઘર કે હમ હૈ’, ‘દો ઔર દો કા જોડ હમેશા ચાર કહાં હોતા હૈ / સોચ-સમજવાલોં કો થોડી નાદાની દે મૌલા’
અને ‘મૈં રોયા પરદેસ મેં ભીગા માં કા પ્યાર / દિલ ને દિલ કી બાત સમજ લી બિન ચિઠ્ઠી બિન તાર’ …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 ફેબ્રુઆરી 2023
![]()


આપણે ત્યાં લગ્ન ગમે તેટલાં વિચિત્ર કે શોષણખોર હોય; પતિપત્ની, કુટુંબ કે સમાજ સવાલ ઉઠાવ્યા વિના બધું ચલાવે જાય છે. પણ લગ્નબાહ્ય સંબંધ ગમે તેટલો જેન્યૂઈન હોય, તેના પર બીજા બધા તો સવાલ ઊઠાવે જ છે, પણ એ ધરાવનારના મનમાં પણ ક્યારેક સવાલો ઊઠે છે; અને કોઈક તબક્કે સમાજ કે કાયદાની ઓથ વગરનો આવો સંબંધ નબળો પડે, ગેરસમજ–અણસમજનો શિકાર બને કે માનવસહજ નિર્બળતાનો ભોગ બને એમ પણ બને છે. આવા નાજુક વિષય આજથી સાડાપાંચ દાયકા પહેલા બનેલી ફિલ્મ ‘ગાઈડ’ અને એના સર્જક વિજય આનંદને ઓળખીએ …
‘સમગ્ર માનવજાતમાં સંભવત: હું એકલો એવો માનવી છું જે અઢળક પ્રેમ પામ્યો છે, અત્યંત ધિક્કારનો ભોગ બન્યો છે અને અનંત ગેરસમજનો શિકાર બન્યો છે.’ એકથી વધારે વાર આ વાક્ય ન વાંચીએ તો પણ આપણને ખ્યાલ આવી જ જાય કે આ વિધાન ઓશોનું હોવું જોઈએ. 11 ડિસેમ્બરે તેમનો જન્મદિન ગયો અને 19 જાન્યુઆરીએ આવશે તેમની પુણ્યતિથિ.