રવિવાર ત્રેવીસ એપ્રિલના વિશ્વ પુસ્તક દિન હતો
અમેરિકામાં જિમ ટ્રિલીઝ નામના પત્રકાર, શિક્ષણ સલાહકાર અને વક્તાએ 1979થી ત્રીસેક વર્ષ સુધી ‘રીડ અલાઉડ મૂવમેન્ટ’ ચલાવી હતી. આ ઝુંબેશ બાળકોને પુસ્તકો મોટેથી વાંચી બતાવવાથી તેમનાં ઘડતરમાં થતા બહુ મોટા લાભ લોકોને સમજાવવા માટેની હતી. ટ્રિલીઝ મેસેચ્યુસેટસના ‘ધ સ્પ્રિન્ગફીલ્ડ’ અખબારમાં ફીચર લેખક અને સ્પોર્ટ્સ કાર્ટૂનિસ્ટ હતા. ઉપરાંત તે શનિવાર-રવિવારે કનેક્ટિકટ રિવર વૅલી વિસ્તારની શાળાઓમાં બાળકો સાથે સમય ગાળતા, જેમાં તે પત્રકારત્વની કારકિર્દી અને કાર્ટૂનિંગ ઉપરાંત બાળકોનાં પુસ્તકો વિશે વાતો કરતા. આ દરમિયાન તેમના ધ્યાનમાં આવતું ગયું કે અભ્યાસ માટેનાં અનિવાર્ય વાચન સિવાય બાળકો ફક્ત આનંદ માટે ભાગ્યે જ કંઈ વાંચે છે. ટ્રિલીઝના શબ્દોમાં કહીએ તો તેમને એ જાણવા મળ્યું કે ‘દર ત્રણ બાળકે બે બાળકો કાં તો વાંચી શકતાં નથી, અથવા તો વાંચતાં નથી અથવા તો વાચન તેમને બિલકુલ ગમતું નથી’. તેમણે એ પણ નોંધ્યું કે ‘જે શાળાઓમાં બાળકોને પુસ્તકો મોટેથી વાંચી બતાવવામાં આવે છે ત્યાં વાતાવરણ સારું રહે છે, અને જે ઘરોમાં આ કરવામાં આવે છે ત્યાં પરિવાર જીવનની ગુણવત્તા વધુ સારી હોય છે.’ બાળકને પુસ્તક વાંચી બતાવવાનું કામ શાળામાં શિક્ષક અને ઘરમાં મા-બાપ ઉત્તમ રીતે કરી શકે. એટલે ટ્રિલીઝે આ બંને વર્ગો અને બાળકોને સાથે લઈને રીડ અલાઉડ અભિયાન હેઠળ વાચન-વાતચીત-ચર્ચાના કાર્યક્રમો કર્યા, જે અમેરિકામાં ઠીક લોકપ્રિય બન્યા. યુરોપમાં પોલૅન્ડે ટ્રિલીઝના મૉડેલને અપનાવીને ચલાવેલા ‘ઑલ પોલન્ડ રીડસ ટુ કિડસ’ અભિયાનમાં દેશના ત્રીજા ભાગના મા-બાપ જોડાયાં.
અભિયાનને આધારે ટ્રિલીઝે ‘ધ રીડ-અલાઉડ હૅન્ડબુક’ (1982) નામનું સવાબસો પાનાંનું પુસ્તક લખ્યું જે બેસ્ટસેલર બન્યું, અનેક ભાષાઓમાં પણ પહોંચ્યું. તે અત્યારે પણ સુલભ છે અને ટ્રિલીઝ બ્લૉગ પણ લખે છે. પુસ્તકના મુખપૃષ્ઠ પર લખ્યું છે : ‘અ બુક ફૉર એવરિ પેરેન્ટ, ડિસ્કવર ધ જૉઇઝ ઑફ રીડિંગ અલાઉડ ટુ ચિલ્ડ્રન’, એટલે કે આ એવું પુસ્તક છે કે જેમાંથી દરેક મા-બાપને તેમનાં બાળકોને પુસ્તકો વાંચી સંભળાવવાનો આનંદ હાથ લાગે. વળી આ પુસ્તકમાં બાળકોને મોટેથી વાંચી સંભળાવવાં જેવાં ત્રણસોથી વધુ અંગ્રેજી પુસ્તકોની સૂચિ પણ સમાવવામાં આવી છે. પુસ્તકની પ્રસ્તાવનમાં ટ્રિલીઝ કહે છે કે ‘ધિસ ઇઝ નૉટ બુક ઑન ટીચિંગ યૉર ચાઇલ્ડ હાઉ ટુ રીડ. ઇનસ્ટેડ ઇટ ઇઝ અ બુક ઑન ટીચીંગ યૉર ચાઇલ્ડ ટુ વૉન્ટ ટુ રીડ’. એટલે કે ‘તમારા બાળકને કેવી રીતે વાંચવું એ શીખવવા માટેનું આ પુસ્તક નથી, આ પુસ્તક બાળકને પુસ્તક વાંચવાની ઇચ્છા રાખતાં શીખવવા માટેનું પુસ્તક છે.’
પુસ્તકના પહેલા પ્રકરણ ‘વ્હાય રીડ અલાઉડ?’માં ટ્રિલીઝ શિક્ષણ તેમ જ કમ્યુિનકેશનનાં અનેક અહેવાલો અને અભ્યાસોને સરળ ભાષામાં રજૂ કરે છે. તે વાચકના ગળે ઊતારે છે અંગ્રેજ લેખક ગ્રેહામ ગ્રીને લખેલી વાત : ‘આપણા જીવન પર પુસ્તકોની કોઈ ઊંડી અસર પડતી હોય તો માત્ર બાળપણમાં’. પછીના પ્રકરણ ‘વ્હેન ટુ બિગિન રીડ અલાઉડ’ની શરૂઆતમાં જ ટ્રિલીઝ કહી દે છે : ‘તમે બાળક છ મહિનાનું થાય ત્યારથી એની સાથે વાંચવાનું ચોક્કસ ચાલુ કરી શકો.’ તે આગળ સમજાવે છે આ તબક્કે આપણને ‘અન્ડરસ્ટૅન્ડિન્ગ’ નહીં પણ ‘કન્ડિશનિંગ ધ ચાઇલ્ડ ટુ યૉર વૉઇસ અૅન્ડ ટુ બુક્સ’ એ બાબત અગત્યની છે. લેખક અમેરિકાની છોકરી કુશલા યોમનનો કિસ્સો વર્ણવે છે. તે ચાર મહિનાની હતી ત્યારે તેનાં મા-બાપે તેને પુસ્તકો વાંચી બતાવવાની શરૂઆત કરી. કુશલા નવ મહિનાની થઈ ત્યારે તો તે પોતાના મનગમતા પુસ્તક તરફ આંગળી ચીંધતી થઈ. પાંચ વર્ષે તે બધું જાતે વાંચતી થઈ. કુશલાના કિસ્સો વધુ નાટ્યાત્મક એટલા માટે છે કે તે રંગસૂત્રોની ખામી સાથે જન્મી હતી, જેને કારણે તેની બરોળ, મૂત્રપિંડ અને મોંના પોલાણમાં ખોડ આવી હતી. તે ત્રણ વર્ષની થઈ ત્યાં સુધી રાત્રે બે કલાકથી વધુ ઊંઘી શકતી નહીં અને હાથમાં કશું પકડી શકતી નહીં. ડૉક્ટરોએ તેને શારિરીક અને માનસિક રીતે વિકલાંગ જાહેર કરીને એવાં બાળકો માટેની સંસ્થામાં દાખલ કરવા જણાવ્યું. પણ કુશલાનો પુસ્તકો માટેનો લગાવ જાણતાં મા-બાપ ડૉક્ટરોનું ન માન્યાં. એને બદલે તેઓ દીકરીને વાંચી બતાવવાનો ‘ડોઝ’ ચૌદ પુસ્તકો પર લઈ ગયાં. કુશલા પાંચ વર્ષની થઈ ત્યારે તો મનોવૈજ્ઞાનિકોએ તેને સાધારણ બાળકો કરતાં વધુ બુદ્ધિશાળી બાળકી ગણાવી. આ કિસ્સો ટ્રિલીઝે ડોરોથી બટલરના સંશોધિત પુસ્તક ‘કુશલા એન્ડ હર બુક્સ’ પરથી ટાંક્યો છે. ચાર પ્રકરણોમાં ટ્રેલીઝ અનુક્રમે મોટેથી પુસ્તક વાંચી બતાવવાના તબક્કા, વાચનમાં શું કરવું અને ન કરવું તે, સારા વાચનની પદ્ધતિ અને ઘરના પુસ્તક સંગ્રહ તેમ જાહેર ગ્રંથાલયો વિશે સમજાવે છે. ટ્રેલીઝ એક આખું પ્રકરણ ટેલિવિઝનથી થતા નુકસાન અને તેનાથી બાળકોની દૂર રાખી કિતાબોમાં મશગુલ કેવી રીતે રાખી શકાય તેના માટે ફાળવે છે,જે દરેક મા-બાપે વાંચવાં જેવું છે.
આપણે ત્યાં થોડાક અપવાદો બાદ કરતાં મોટાં ભાગનાં મા-બાપ સહિત ઘરનાં લોકો ટેલિવિઝન અને હવે મોબાઇલ કે વૉટસ અૅપમાંથી બહાર આવતાં નથી. ઘરમાં અખબારો, સામયિકો અને પુસ્તકો ભાગ્યે જ હોય છે. મોટેરાં જે કરે તે દરેક બાબતનું બાળક અનુકરણ કરે છે, તેની છાપ બાળકના માનસ પર અંકાય છે અને તે મુજબ તે ઘડાય છે. બાળકને ઘરમાં હંમેશાં કે વારંવાર વાંચતી વ્યક્તિ ભાગ્યે જ દેખાય છે. એટલે જેને જોઈને બાળકને વાંચવાંનું મન થાય તેવું તેની સામે કોઈ હોતું નથી. મોટેરાં પોતે વાંચતા રહે તો મોટે ભાગે બાળક પણ વાંચતું થાય છે. આવા વાંચતા વડીલો, ખાસ તો મા-બાપ બાળકો સાથે બેસીને વાર્તા-કવિતા સાથે મોટેથી સારી રીતે વાંચે તે બહુ જરૂરી છે.
અમદાવાદના ‘ઇસરો’ના એક મરાઠી વૈજ્ઞાનિકે તેમની દીકરીને ગુજરાતી માધ્યમમાં ભણાવી. તે દીકરી અત્યારે ચેન્નઈની ગણિત સંશોધનની સંસ્થામાં અધ્યાપક છે. એમની દીકરી મરાઠી કેવી રીતે શીખી ગઈ તેનું વર્ણન આ સ્નેહી કરે છે. દીકરી એકાદ વર્ષની હતી ત્યારથી એ અને એમનાં પત્ની દીકરી સાથે બાળકો માટેનાં જુદાં જુદાં સ્તરનાં પુસ્તકો વાંચતાં. વાર્તાની ચોપડીઓ તો ખરી જ મંગેશ પાંડગાવકર, જ્ઞાનપીઠ સન્માનિત કુસુમાગ્રજ ને વિંદા કરંદીકરની બાળકો માટેની કવિતાઓ પણ વાંચતાં. એક વખત એ દીકરીને દાદા-દાદી પાસે મૂકીને બહારગામ ગયાં હતાં. ત્યાં તેમને સાને ગુરુજીની અમર કથા ‘શ્યામચી આઈ’નું એક નાનકડું મરાઠી પુસ્તક મળ્યું. ઘરે આવીને તે પુસ્તક દીકરીને જોવા આપીને જમવાં ગયાં. ઓરડામાં પાછા આવીને જોયું તો દીકરી જાતે એ પુસ્તક મોટેથી ખુશીથી વાંચી રહી હતી. એને મા-બાપે ક્યારેય મરાઠી મૂળાક્ષરો કે એવું કશું કોઈ રીતે દેશીહિસાબ કે પાટી-પેન વડે શીખવ્યું જ ન હતું. માત્ર તેને બાજુમાં બેસાડીને પાનાં પર પંક્તિઓ નીચે આંગળી મૂકી-મૂકીને મીઠાશથી પુસ્તકો વાંચ્યાં જ હતાં!
++++++
19 એપ્રિલ 2017
[‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 21 અૅપ્રિલ 2017]
![]()


કચ્છના નલિયામાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી એક હિંમતવાળી યુવા સર્વાઈવર ન્યાય માટે લડી રહી છે. ત્યાં તાજેતરમાં એક વ્યાપક સેક્સકાંડ ચાલી ચૂક્યું છે. એ બંને બાબતો હવે સાવ અજાણી નથી. ‘નલિયા ઘટના સાથે નિસબત ધરાવતો નાગરિક મંચ’ નામનું જૂથ યુવતીને ન્યાય મળે અને સેક્સકાંડના દુષ્કર્મીઓને સજા થાય તે માટે લડત ચલાવી રહ્યું છે. મંચને હમણાં બીજાં એક દુષ્કર્મની ઘટનામાં હસ્તક્ષેપ કરવાનો આવ્યો છે. એ ઘટના તે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માંડવી ગામની. લોકોને ઓછી જાણકારી હોય તેવા આ બનાવ અંગે મંચની એક ટુકડીએ તાજેતરમાં માંડવીની મુલાકાત લીધી હતી. તેના અનુસંધાનમાં ગયા શનિવારે અમદાવાદમાં જાણીતી મહિલા સંસ્થા ‘અવાજ’ના સંકુલમાં સંમેલન યોજ્યું હતું. તેમાં માંડવીના મૃત પીડિતાનાં પરિવારજનો, રાજ્યભરની પંદરેક સંસ્થાના પ્રતિનિધિઓ તેમ જ અગ્રણી નાગરિકો જોડાયાં હતાં.
ખૈરમોડે (1904-1971) બાબાસાહેબના અંતેવાસી હતા અને મુંબઈમાં બ્રિટિશ સરકારના સચિવાલયના વહીવટી કર્મચારી હતા. ચાળીસ વર્ષની મહેનતથી લખાયેલા આકરગ્રંથના ફક્ત પહેલા પાંચ ભાગનું પ્રકાશન અને આર્થિક નુકસાન જ તે જીવન દરમિયાન જોઈ શક્યા હતા. તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેનાં થોડાંક વર્ષ પછી બાકીના સાત ભાગના સંપાદન-પ્રકાશનની કપરી કામગીરી તેમનાં પત્ની દ્વારકાતાઈએ પાર પાડી. પતિએ એકઠી કરેલી સામગ્રીનું સંકલન કરી તેમણે ઉચિત નિવેદનો તથા અભ્યાપૂર્ણ પ્રસ્તાવનાઓ સાથે ગ્રંથોનું પ્રકાશન, અને સતત માગ મુજબ પુનર્મુદ્રણ કરાવ્યું. તેમાં મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય આણિ સંસ્કૃિત મંડળની તેમ જ કેટલાક અભ્યાસીઓની બહુમૂલ્ય મદદ મળી.
જો કે 1952માં બહાર પડેલો પહેલો ભાગ તો ખુદ બાબાસાહેબે વાંચ્યો હતો. એ અંગે બીજા ભાગની પ્રસ્તાવનામાં ખૈરમોડેએ નોંધ્યું છે કે કેટલાક યુવાનોએ એ પુસ્તક વિશે બાબાસાહેબનો અભિપ્રાય માગ્યો ત્યારે તેમણે કહ્યું હતું : ‘આના કરતા તો વધારે હું શું લખી શક્યો હોત ? લેખકે મારા જીવનની પંચોતેર ટકા મહિતી આ ગ્રંથમાં આપી છે. જે જાણકારી બાકી રહી છે તે મારા અંગત જીવનની છે. એ માહિતી એ બિચારાને શી રીતે આપી શકાય ? એ તો હું જ લખીશ.’ લેખક એ પણ જણાવે છે કે ‘બાબાસાહેબ પોતાનું જીવનચરિત્ર પોતે અંગ્રેજીમાં લખવા માગે છે. એમાં અત્યાર સુધીની અજાણી વિગતો આવશે. ત્યાં સુધી મારી જાણકારીનો સ્વીકાર કરવા વાચકોને વિનંતી.’ ખૈરમોડે અભ્યાસીઓને ડૉ. આંબેડકરનાં અનેક રૂપ તપાસવાનું જણાવે છે. તે રૂપ છે : ‘પોતાનાં પરિવાર અને સુખદુ:ખ પર તુલસીપત્ર મૂકીને સતત વિદ્યાભ્યાસ-સંશોધન-મનન-લેખન કરનાર વિશાળ બુદ્ધિના પ્રબુદ્ધ વ્યક્તિ’, ‘સામાજિક ક્રાન્તિના તત્વવેત્તા અને ઉદ્ગાતા’, ‘પદદલિતોનાં અંત:કરણામાં માણસાઈનો ધગધગતો લાવારસ પેદા કરનાર કિમિયાગર નેતા’ અને ‘સામાજિક ક્રાન્તિ દ્વારા રાષ્ટ્રવ્યાપી શાંતિનું નિર્માણ કરનાર ધાર્મિક દ્રષ્ટા’.