અમદાવાદના સૅટેલાઈટ વિસ્તારની નરવી નાનકડી પારસકુંજ સોસાયટીનાં ત્રીજા વિભાગના ઘણાં ઘરોની અગાશીઓ પર ને ઓટલા પર ગયા શનિવારે (બીજી મે, ૨૦૨૦) સાંજે સાડા સાત વાગ્યે એક એક વ્યક્તિ માસ્ક પહેરીને સલામત અંતર રાખીને ઊભી રહી. પછી દરેક વ્યક્તિએ ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા ..’ પ્રાર્થનાનું, મોબાઇલમાં વાગતી ઑડિયો ક્લિપ સાથે ગાન કર્યું. કેટલાંક બહેનોએ ઘરના ઓટલે દીવા કર્યા. એક ઘરમાંથી સ્પીકર પણ ચાલુ કરવામાં આવ્યું. પ્રાર્થના બે મિનિટમાં પૂરી થઈ.
ઊંચી અગાશીએ ઊભેલાં મને સહુએ ‘જયશ્રી કૃષ્ણ’ કર્યાં. મેં સહુને સામે વંદન કરીને મોટા અવાજે કહ્યું, ‘આપ સહુએ મારાં સદ્દગત માતુશ્રી માટે પ્રાર્થના કરી, આપ સહુ આ કપરા કાળમાં મારી સાથે ઊભાં રહ્યાં, તે માટે આખા ય ભાવે પરિવાર વતી હું આપ સહુનો ખૂબ આભાર માનું છું.’

સંજય ભાવે અને મમ્મી સ્વાતીબહેન ભાવે સાથે, પાછળ સંજયભાઈના પત્ની મેઘશ્રી ભાવે
ભાવે પરિવારનાં અમે સહુ અમારી સોસાયટીનાં રહીશોનાં વિશેષ આભારી એટલા માટે હતાં કે એંશી વર્ષની ઊંમરનાં અમારાં માતુશ્રી સ્વાતિબહેન શ્રીપાદભાઈ ભાવેનાં મૃત્યુનું નિમિત્ત કોરોના બન્યો હતો. તેમને છેલ્લાં 36 કલાકમાં કોરોના પોઝિટિવ ડિટેક્ટ થયો હતો અને તે પછી સાતેક કલાકમાં એમનું અવસાન થયું હતું. કોરોનાના દરદી કે તેના પરિવાર માટે કેટલીક જગ્યાએ ભયપ્રેરિત આભડછેટના સમાચાર આ દિવસોમાં આવતા રહ્યા છે. તેની વચ્ચે અમારી સોસાયટીએ અમને સતત સદ્દભાવ અને મદદ પૂરાં પાડ્યાં છે અને મહામારી વચ્ચે માણસાઈનું મંગલતમ સ્વરૂપ ત્રીજી મેના શનિવારે સાંજે યોજાયેલી પ્રાર્થના હતી.
પ્રાર્થના-અવસરના બરાબર એક અઠવાડિયા પહેલાંના, એટલે કે 25 એપ્રિલના શનિવારે રાત્રે અગિયારના સુમારે મારાં મમ્મીને ડૉક્ટરની સલાહ મુજબ હું એક ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયો. આમ તો તેઓ એકાદ વર્ષથી લગભગ પથારીવશ હતાં. પણ આ વખતે તેમને પેશાબ અટકી ગયો અને એ બેભાન થઈ ગયાં. ખાનગી હૉસ્પિટલની પ્રાથમિક તપાસમાં તેમના એક્સ-રેમાં ન્યુમોનિયા દેખાયો. ન્યુમોનિયા ‘શંકાસ્પદ કોવિડ’ વર્ગમાં ગણાય છે, એટલે હૉસ્પિટલે નિયમ જણાવીને તેમને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સરદાર પટેલ હૉસ્પિટલમાં લઈ જવાનું કહ્યું. ત્યાં જગ્યા ન હોવાથી તેમને સિવિલ હૉસ્પિટલના પરિસરમાં ગુજરાત સરકારે નવી બનાવેલી કોવિડ હૉસ્પિટલમાં દાખલ કર્યાં. 26 એપ્રિલની રવિવારે પરોઢે ત્રણના સુમારે તેમની પર વૅન્ટિલેટર સહિતની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી. સોમવારે અગિયાર વાગ્યે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ જાહેર થયો અને સાંજે સાત વાગ્યે તેમના અવસાનની મને ફોન પર જાણ કરવામાં આવી.
દરમિયાન કોવિડ પોઝિટિવ જાહેર થયેલ દરદીના નિકટના સંપર્કમાં આવેલી ત્રણ વ્યક્તિ તરીકે હું, મારાં પત્ની અને મારી દીકરી હતાં. એટલે અમે જ્યાં રહીએ છીએ તે પારસકુંજ સોસાયટીનાં અમારાં ઘરને કૉર્પોરેશને ક્વૉરન્ટીન કર્યું અને અમને તકેદારી રાખવા અંગેની સૂચનાઓ આપી. ક્વૉરન્ટીન લાલ રંગનું સ્ટિકર ઘર પર હોવા છતાં અમારી સોસાયટીનાં સહુ હંમેશાં ઘરથી દૂર ઊભાં રહીને અમારા માટે લાગણી બતાવતાં રહ્યાં છે. અમારા ઘરની સાથે કૉમન વૉલ ધરાવતાં પાડોશી પરિવારે તો ‘પહેલાં સગાં પાડોશી’ એ કહેવત ડગલે ને પગલે હંમેશાં ઘરની બહાર રહીને સાર્થક કરી છે. પ્રાર્થનાનું આયોજન કરવાનું ૨૯ ટેનામેન્ટવાળી અમારી સોસાયટીનો વહીવટ સંભાળનાર ઑર્ગનાઇઝિંગ કમિટીએ કર્યું. સમયસરના વૉટ્સઍપ મેસેજ દ્વારા, કોઈ પણ અહેસાન જતાવ્યા વિના સહજ માણસાઈથી તેમણે પ્રાર્થના પાર પાડી. આ જ માણસાઈને કારણે, અમારી સોસાયટી લીલીછમ છે. ઝાંસીની રાણીનાં પૂતળાં પાસેના ખાંચામાં આવેલી અમારી સોસાયટીના કૉમન પ્લૉટમાં પીપળો, વડ, પેલ્ટોફોરમ અને લીમડાનાં મોટાં વૃક્ષો છે, તે સોસાયટીએ સાચવ્યાં છે. અત્યારે લૉકડાઉનને કારણે થયેલાં પ્રદૂષણમુક્ત વાતાવરણમાં વૃક્ષો અને તેમનાં પરની આખી ય જીવસૃષ્ટિ પૂરબહારમાં છે, અને અમારાં સોસાયટીનાં સહુની અમારા પ્રત્યેની સંવેદના પણ ખીલી ઊઠી છે.
કુદરતનો સંગાથ માણસને વધુ નરવા બનાવે છે. હમણાં એ મતલબના સમાચાર હતા કે મહામારીમાંથી ઉદ્દભવેલા તણાવને દૂર કરવા માટે આઇસલૅન્ડ દેશના લોકો જંગલોમાં જઈને વૃક્ષોને બાથ ભીડી રહ્યા છે કે જેના થકી એમને શાતા મળી રહી છે.
અમારી સોસાયટીના લોકો અમને આફતટાણે ખૂબ શાતા આપી રહ્યાં છે.
(સૌજન્યઃ બી.બી.સી. ગુજરાતી)
છબિસૌજન્ય : બી.બી.સી. ગુજરાતી
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 06 મે 2020
![]()


પુણ્યશ્લોક રવિશંકર મહારાજના ઘસાઈને ઉજળા થવાના મંત્રને સાહિત્યજગતમાં આચરનાર સંપાદક યશવંત દોશીનું જન્મશતાબ્દી વર્ષ સોમવાર 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. જ્ઞાન અને પુસ્તક ખાતર વ્યવહારુ જિંદગીને ગૌણ ગણીને ઓછી આવકમાં જીવનાર યશવંત દોશી(1920-1999)નો આપણા સમયના સાહિત્યજગતમાં તો જોટો જડે તેમ નથી. પુસ્તકોમાં ધોરણસરનો રસ ધરાવનાર નવી પેઢીના વાચકની પણ આંખો ‘પરિચય પુસ્તિકા’ શબ્દ સાંભળતા ચમકી ઊઠે છે. એ પહેલાંની પેઢીના વાચકો ‘ગ્રંથ’ માસિકને પણ ખૂબ આદરથી યાદ કરે છે. આ બંને યશવંતભાઈની અનન્ય દેણ છે. એપ્રિલ 1958થી શરૂ થયેલી પરિચય પુસ્તિકા શ્રેણીમાં દર મહિને બે પુસ્તિકા પ્રમાણે અત્યાર સુધી 1,457 પુસ્તિકાઓ બહાર પડી છે. ગુજરાતી વિશ્વકોશ, કે વિકિપીડિયાથી વર્ષો પહેલાંની આ પ્રકાશનશ્રેણીનો વિષયવ્યાપ ઘરઘથ્થુ લઘુ જ્ઞાનકોશ જેવો છે. અરધી સદી સુધી પરિચય પુસ્તિકા નિરૂપણના ઊંડાણ અને રજૂઆતની ચુસ્તીનો દાખલો ગણાતી. તેના રચયિતા યશવંતભાઈ નિષ્ઠા, પ્રામાણિકતા, નિરપેક્ષ ઉદ્યમ, પ્રસિદ્ધિવિમુખતા જેવા ગુણોનો સમુચ્ચય ગણાતા.
યશવંત દોશીનું એક બહુ મોટું અને એટલું જ અજાણ્યું કામ એટલે સરદાર પટેલનું તેમણે બે દળદાર ગ્રંથોમાં લખેલું જીવનચરિત્ર. મોટાં કદનાં બારસો જેટલાં પાનાં, 71 પ્રકરણ. અભ્યાસમાં લીધેલાં 70 ગુજરાતી અને 80 અંગ્રેજી પુસ્તકોની યાદી. આવેગહીન તટસ્થ શૈલી. રાજમોહન ગાંધીએ લખેલા વિશ્વવિખ્યાત અંગ્રેજી જીવનચરિત્રના ગુજરાતી અનુવાદક અને તડનું ફડ કરવા માટે જાણીતા શતાયુ પત્રકાર નગીનદાસ સંઘવીએ ઑન રેકૉર્ડ કહ્યું છે રાજમોહનનાં પુસ્તક કરતાં ‘યશવંત દોશીનું કામ વધુ મોટું છે’. બંને પુસ્તક સાથે પ્રકાશિત કરવા એમ ‘પ્રકાશકનો મૂળ વિચાર હતો … પણ રાજમોહને કહ્યું કે પહેલાં મારું પુસ્તક પ્રગટ થઈ જાય પછી બે-એક વર્ષે યશવંતભાઈનું પુસ્તક પ્રગટ કરવું. એ વાત પ્રકાશકે સ્વીકારી એટલે યશવંતભાઈનું પુસ્તક એમની હયાતીમાં પ્રગટ થઈ શક્યું નહીં’, આ નોંધનાર દીપક મહેતાએ ‘ગ્રંથના પંથના અનોખા યાત્રી’ નામે યશવંતભાઈનું ટૂંકું જીવનચરિત્ર લખ્યું છે, જે વિશ્વકોશ ટ્રસ્ટે બહાર પાડ્યું છે. તેને ય.દો. પરનાં અધિકરણની ખોટ પૂરવાનું આકસ્મિક કે આયોજિત જેશ્ચર ગણી શકાય. વળી વિશ્વકોશે આવતી 14 માર્ચના શનિવારની સાંજે સાડા પાંચ વાગ્યે તેનાં સભાગૃહમાં દીપક મહેતાનું યશવંત દોશી પર વ્યાખ્યાન પણ યોજ્યું છે. 

નીરાબહેને અક્ષયકુમાર સાથે સંપાદિત કરેલાં ‘મહિલા શ્રમશક્તિ’ પુસ્તકને સંવેદનશીલ નાગરિક માટેનું જરૂરી વાચન ગણી શકાય. તેમાં સ્ત્રી શ્રમિકોનાં પ્રશ્નોની સર્વાંગી ઢબે, વ્યાપક દૃષ્ટિએ હૃદયસ્પર્શી રીતે સમજ આપતાં ક્ષેત્રકાર્ય આધારિત આઠ દીર્ઘ અભ્યાસોને નારીવાદી અનુવાદકોએ ગુજરાતીમાં ઊતાર્યા છે. ‘ફેમિનિઝમ ઍઝ એક્સપિરિયન્સ : થૉટ્સ ઍંડ નરેટિવ્ઝ’ આકરગ્રંથમાં ગુજરાત અને મહારાષ્ટ્રની અનેક ક્ષેત્રોની ચોવીસ નોંધપાત્ર નારીવાદી મહિલાઓની નીરાબહેને લીધેલી મુલાકાતો પર આધારિત નરેટિવ્ઝ મળે છે. આ પુસ્તકનાં પરિશિષ્ટ તરીકે અન્ય ચોંસઠ મહિલાઓની યાદી છે કે જેના નીરાબહેને ઇન્ટર્વ્યૂઝ લીધા હોય. આ પુસ્તક અને ઇન્ટર્વ્યૂઝ ‘સ્પૅરો’ એટલે કે ‘સાઉન્ડ ઍન્ડ પિક્ચર આર્કાઇવ્ઝ ફૉર રિસર્ચ ઑન વિમેન’ નામની સંસ્થાના ઉપક્રમે થયાં છે. બહુ રસપ્રદ કામ કરનાર ‘સ્પૅરો’નાં શિલ્પીઓમાં નીરાબહેન એક હતાં. નીરાબહેનનું કદાચ આખરી મહત્ત્વનું કામ એટલે ગુજરાતીમાં ‘સ્ત્રીઅભ્યાસ શ્રેણી’(2000-2003)નું સંપાદન કે જેમાં અભ્યાસી મહિલાઓએ બાર નાનાં પુસ્તકો લખ્યાં છે. તે સ્ત્રીજીવનનાં સંદર્ભે આંદોલનો, ઇતિહાસ, કાનૂન, રાજકારણ, વિકાસ, શિક્ષણ, સાહિત્ય અને હિંસા વિશે માહિતી અને વિચારપૂર્ણ સામગ્રી પૂરી પાડે છે.