ઑનલાઈન ઍડમિશનના પ્રશ્નો તો અનેક વાર આપણે જોઈ ચૂક્યા છીએ. આજે એક રમૂજી કિસ્સો વર્ણવું છું. તે ઑનલાઈન ઍડમિશન કેટલું ‘પારદર્શક’ છે, તેની પોલ ખોલી આપશે.
મહેશ અમારો જૂનો મિત્ર છે. ટી.વાય.બી.એ. શહેરમાં આવેલી જાણીતી પરંતુ હાલ બંધ થવાના આરે ઊભેલી કૉલેજમાંથી પૂરું કર્યું છે. હાલમાં તેણે એમ.એ. અર્થશાસ્ત્ર વિષયમાં પ્રવેશ લીધો છે. ઑનલાઈન પ્રવેશ પ્રક્રિયાથી પ્રવેશ કેટલી જટિલ પ્રક્રિયા છે, એ તો આપણે જાણીએ જ છીએ. મહેશે પહેલાં તો એલએલ.બી.માં પ્રવેશ લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ એલએલ.બી.માં પ્રવેશ મળ્યો નહીં.
એમ.એ.માં પણ પ્રવેશ માટેના નિયમિત રાઉન્ડ પૂરા થઈ ગયા હતા. પણ ‘ઑનલાઈન રજિસ્ટ્રેશન, ઓફલાઈન ઍડમિશન’નો તબક્કો શરૂ થયો એટલે તેણે એમ.એ.માં પ્રવેશ પ્રક્રિયા અનુસરવાનું શરૂ કર્યું. ઓનલાઈન રજિસ્ટ્રેશન – ઑફલાઈન ઍડમિશન એટલે પિન નંબર લઈ, ફોર્મ ઓનલાઇન ભરવાનું અને ઍડમિશન જે કૉલેજમાં જગ્યા ખાલી હોય ત્યાં સીધા જઈને પ્રવેશ મેળવી લેવાનો.
મહેશે જાતે ઑનલાઈન ફોર્મ ભરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઈ પણ સંજોગોમાં એની ટી.વાય.બી.એ.ની માર્કશીટ અપલૉડ જ નહોતી થઈ રહી. અંતે સાયબર કાફેમાં જઈને તેણે માર્કશીટ અપલૉડ કરવાનો પ્રયત્ન કર્યો. પૈસા લઈને ફોર્મ ભરી આપતી સાયબર કાફેમાં ૨૦૦ રૂપિયા ગયા અને બે દિવસ પણ ગયા. અંતે મહેશે માત્ર પ્રયત્ન ખાતર તેના બીજા મિત્રની માર્કશીટ અપલોડ કરી અને થઈ પણ ગઈ. એ પછી મહેશે વિચાર્યું કે ભલે બીજાની માર્કશીટ અપલૉડ થઈ, કૉલેજમાં ડૉક્યુમેન્ટ વેરીફિકેશન માટે જઈશ, ત્યારે કૉલેજવાળા મારી ભૂલ સુધારી આપશે !
મહેશે પોતાના તમામ દસ્તાવેજ પ્રમાણિત પણ કરાવ્યા, ફી પણ ભરી દીધી, એમ.એ.માં પ્રવેશ પણ લઈ લીધો, તેના વર્ગો પણ ચાલુ થઈ ગયા છે. ના, તો કૉલેજના એ અધ્યાપકને તપાસમાં ખબર પડી કે માર્કશીટ બીજા કોઈની છે, ના તો ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ – સિસ્ટમમાં ખબર પડી કે ફોર્મ ભરનાર વ્યક્તિનું નામ, માર્કશીટમાં દર્શાવેલ નામથી અલગ છે.
મહેશે જ્યારે પહેલાં આ વાત કરી, ત્યારે અમે બધા ખૂબ હસ્યા પણ પછી દુઃખ પણ ઘણું થયું. આ તો મહેશે, પ્રામાણિકતાથી કહ્યું એટલે અમે જાણ્યું. આવા તો કેટલા ધાંધિયા થતા હશે, એની કોને ખબર ! પણ મહેશના કિસ્સાએ ગુજરાત યુનિવર્સિટીના પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતાના દાવાને સાવ ખોટો સાબિત કરી દીધો !!
ઑલ ઇન્ડિયા ડી.એસ.ઓ.
e.mail : vaghelarimmi@gmail.com
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑગસ્ટ 2019; વર્ષ – 13; અંક – 141; પૃ. 24