
રમેશ ઓઝા
૨૦૧૦ પછી પહેલીવાર એવી સ્થિતિ પેદા થઈ હતી કે જો કોઈ પક્ષ પાસે દૃષ્ટિસંપન્ન અને કર્તુત્વવાન નેતૃત્વ હોય તો તે કાઁગ્રેસને રાજકીય પરિદૃશ્યમાંથી કાયમ માટે નહીં તો પણ દાયકાઓ સુધી દૂર ધકેલી શકે. કાઁગ્રેસથી જનતા નારાજ હોય અને કાઁગ્રેસને રાજ્યોમાં અને કેન્દ્રમાં પરાજીત કરી હોય એવા અનેક પ્રસંગ બન્યા છે, પરંતુ કાઁગ્રેસ સામે જનતાનો આટલો ગુસ્સો પહેલીવાર જોવા મળ્યો. અભૂતપૂર્વ. એટલે તો કાઁગ્રેસ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં માત્ર ૪૪ બેઠકો સુધી નીચે આવી ગઈ. કાઁગ્રેસને કાયમ માટે અથવા દાયકાઓ સુધી દૂર ધકેલી શકાય એમ હતી એનું બીજું કારણ કાઁગ્રેસ પક્ષની સ્થિતિ હતી. નેહરુ-ગાંધી પરિવારની વગ તળિયે હતી અને પક્ષમાં એવો કોઈ નેતા નહોતો જે પક્ષને પાછો બેઠો કરી શકે. પક્ષને પાછો બેઠો કરવો હોય તો ઓછામાં ઓછા બે દાયકા દિવસરાત મહેનત કરવી પડે, પરંતુ જ્યાં સત્તા જ એકમાત્ર લક્ષ્ય હોય ત્યાં એ કોણ કરે અને શા માટે કરે?
ટૂંકમાં કાઁગ્રેસને દાયકાઓ સુધી સત્તાથી બહાર ફગાવી દેવા માટેનો અપૂર્વ અવસર હાથ લાગ્યો હતો, પરંતુ એમાં એક શરત હતી. કાઁગ્રેસને દાયકાઓ સુધી સત્તાથી દૂર ધકેલવા માગનારાઓએ અને તેની જગ્યા લેવા માગનારાઓએ પહેલાં એ સમજી લેવું જોઈએ કે આખરે જનતા કઈ વાતે કાઁગ્રેસથી નારાજ છે? તેમને શું જોઈએ છે અથવા નથી જોઈતું? અને જનતાને જે જોઈએ છે એ આપવામાં નહીં આવે તો જનતા તેમને પણ દરવાજો બતાવી શકે છે.

અરવિંદ કેજરીવાલ
પહેલા મેદાનમાં અરવિંદ કેજરીવાલ આવ્યા. તેમને એમ લાગ્યું કે જનતા ભ્રષ્ટાચારથી નારાજ છે એટલે તેમની સામે ઉચ્ચ શિક્ષિત, ત્યાગી, બુદ્ધિમાન, કોઈ પ્રકારનો અંગત સ્વાર્થ નહીં ધરાવનાર, પવિત્ર અને સ્વચ્છ હોવાની ઈમેજ લઈને જશું તો બેડો પાર થઈ જશે. અમે ભ્રષ્ટાચારની બાબતે કોઈની સાડીબાર નહીં રાખનારા નો નોનસેન્સ લોકો છીએ અને સ્વચ્છ વ્યવસ્થાનો અમારી પાસે અકસીર ઈલાજ છે. તેમને સફળતા મળી ન મળી ત્યાં નરેન્દ્ર મોદી મેદાનમાં આવ્યા. તેમને એમ લાગ્યું કે ભારતની પ્રજાને નવા યુગમાં જવું છે. તે નિરાશ છે અને એટલી હદે નિરાશ છે કે હવે પ્રજાએ સપનાં જોવાનું બંધ કરી દીધું છે. તેમને એવો કોઈ શાસક જોઈએ છે જે નવા યુગમાં લઈ જાય અને અનેક તકોનો ઢગલો કરે. અરવિંદ કેજરીવાલની તુલનામાં નરેન્દ્ર મોદીએ વધારે આશા જગાડી, આવતીકાલના ભારતનું વધારે આશાસ્પદ ચિત્ર આપ્યું. તેમણે જનતાની નારાજગીનું વધારે સાચું કે સચોટ નિદાન કર્યું હતું. આ સિવાય સફળતાના પર્યાય તરીકે રજૂ કરવામાં આવેલું કહેવાતું ગુજરાત મોડેલ કર્તુત્વના પ્રમાણ તરીકે તેમની પાસે હતું અને સંઘ પરિવારની વિશાળ સાંગઠનિક તાકાત તેમની પાસે હતી.
૨૦૧૧થી ૨૦૧૪ સુધીનાં એ સમુદ્રમંથનના વર્ષોમાં નરેન્દ્ર મોદી અંતિમ વિજેતા નીવડ્યા. અરવિંદ કેજરીવાલ પણ સાવ ફેંકાઈ નહોતા ગયા. ૨૦૧૫ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીએ બતાવી આપ્યું કે તેઓ ગણનાપાત્ર રાજકીય અસ્તિત્વ ધરાવે છે. નરેન્દ્ર મોદી માટે સાવ મોકળો માર્ગ નથી.

નરેન્દ્ર મોદી
કસોટી હવે શરૂ થઈ. નરેન્દ્ર મોદી એ વાત ભૂલી ગયા કે જનતા કાઁગ્રેસથી નરાજ નહોતી, પ્રચંડ નારાજ હતી અને નારાજ હોવા માટે તેમની પાસે પ્રચંડ કારણો હતાં. તેમણે જનતાની નારાજગીનો રાજકીય ઉપયોગ તો કર્યો, પણ એ નારાજગીની પ્રચંડતાની ઉપેક્ષા કરી. એ તેમની સૌથી મોટી ભૂલ હતી.
નરેન્દ્ર મોદીએ જે કારણે જનતા કાઁગ્રેસથી નારાજ હતી એ કારણોનો ઉપાય કરવાની જગ્યાએ કાઁગ્રેસ માટેની નારાજગી નફરતમાં ફેરવાય એ માટેનાં પ્રયત્નો શરૂ કર્યા. કાઁગ્રેસને બદનામ કરો, કાઁગ્રેસના નેતાઓને બદનામ કરો, કાઁગ્રેસ શાસકોએ કરેલી કે ન કરેલી ભૂલોને દેશ સાથેના અપરાધ તરીકે રજૂ કરો, ઐતિહાસિક તથ્યો સાથે તોડમરોડ કરો, તેમને ભ્રષ્ટ અને નમાલા તરીકે ચીતરો. રાહુલ ગાંધીને પપ્પુ તરીકે, એક જોકર તરીકે સ્થાપિત કરો. ગોદી મીડિયા, પક્ષનો આઈ.ટી.સેલ અને આજકાલ જેને ગોદીવૂડ તરીકે ઓળખવામાં આવે છે એ સિનેમાવાળાઓ આ કામે લાગી ગયા. દસ વરસથી આ ઉદ્યોગ ધમધમે છે. બીજો માર્ગ તેમણે કાઁગ્રેસની રાજ્ય સરકારોને તોડવાનો, કાઁગ્રેસનાં રાજ્ય એકમોમાં ફૂટ પાડવાનો, કેટલાક નેતાઓને જેલમાં નાખવાનો, કેટલાકને ડરાવીને રાખવાનો અને સૌથી વધુ તો કાઁગ્રેસને મળતી નાણાંકીય સહાયના સ્રોત બંધ કરી દેવાનો અપનાવ્યો. કાઁગ્રેસને અને કાઁગ્રેસના નેતાઓને એટલી હદે બદનામ કરો કે જનતાની નારાજગીમાં ઘટાડો થવાની વાત તો બાજુએ રહી, પ્રજા નફરત કરતી થાય. નારાજગી હજુ પણ ઘટી શકે, પણ નફરતને દૂર કરવી એ અઘરું કામ છે. અને પક્ષ જો બચ્યો જ ન હોય તો નફરતને દૂર કરવાનું કામ કોણ કરવાનું! એને માટે તો જાત ઘસવી પડે. ગણતરી એવી હતી આ દ્વારા કાઁગ્રેસ કાયમ માટે ખતમ થઈ જશે. લાંબો સમય કે ટૂંકા સમયનો પ્રશ્ન જ નથી, કાયમ માટે કાઁગ્રેસ ખતમ થઈ જશે. વિકલ્પ જ નહીં રહેવા દેવાનો. ન રહે બાંસ ન બજે બાંસુરી.
આ સિવાય હિન્દુત્વ તો છે જ. હિંદુઓને ડરાવીને અને રડાવીને બાંધી રાખી શકાશે.
આમાં અરવિંદ કેજરીવાલની ભૂમિકા બી ટીમ તરીકેની હતી. જો બાબત આર્ટીકલ ૩૭૦ જેવી મોટી હોય તો નરેન્દ્ર મોદીની સરકારના નિર્ણયોને સમર્થન આપવાનું. બાબત થોડી ઓછી, પણ મહત્ત્વની હોય તો મૂંગા રહેવાનું. અને ક્ષુલ્લક બાબતોએ વિરોધ કરવાનો એટલે જેમને મધ્યમમાર્ગી સેક્યુલર વિરોધ પક્ષની યાદ આવે તો તે માટે કાઁગ્રેસના વિકલ્પે હાજર રહેવાનું. આયોજન એક દમ ગણતરીપૂર્વકનું હતું. બદનામ કરો, કાઁગ્રેસની જમીન આંચકી લો અને તેની જગ્યાએ અરવિંદ કેજરીવાલનો ટાપુ આપો એટલે લોકોને એમ ન લાગે કે વિરોધ કરવાવાળું અને વધારે સારા વિકલ્પનો દાવો કરનારું કોઈ જ નથી.
પણ કટક ઉતાર્યું હોવા છતાં કાઁગ્રેસ ખતમ તો ન થઈ, પણ પાછી બેઠી થઈ રહી છે અને એ પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં. જેને જોકર તરીકે બદનામ કર્યો હતો તેના નેતૃત્વમાં. આવું કેમ બન્યું?

રાહુલ ગાંધી
આનું કારણ આગળ કહ્યું એમ નારાજગી પાછળ રહેલાં પ્રચંડ કારણોની કરવામાં આવેલી ઉપેક્ષા હતું. લોકોને નવા યુગમાં પ્રવેશવું હતું, નવું ભારત જોઈતું હતું, નવી તાજગી જોઈતી હતી અને કાઁગ્રેસ એ કરવા અસમર્થ હતી એ લોકોની નારાજગીનું પ્રચંડ કારણ હતું. બીજા શબ્દોમાં આશા પ્રચંડ હતી એટલે નારાજગી પ્રચંડ હતી. નરેન્દ્ર મોદીએ માત્ર લોકોની નારાજગી જોઈ અને એ નારાજગીને નફરતમાં ફેરવવાનો પ્રયાસ કર્યો અને લોકોની અંદર જે પ્રચંડ આશા હતી, નવા યુગમાં પ્રવેશવાનાં અરમાન હતાં તેની ઉપેક્ષા કરી.
જો કોઈ ચીજની આવશ્યકતા હોય તો શૂન્યાવકાશમાંથી પણ એ પેદા થાય. કલ્પના ન કરી હોય ત્યાંથી ગાંધી અને ભગતસિંહ પેદા થાય. કાઁગ્રેસને પ્રાસંગિક બનાવવાનો શ્રેય રાહુલ ગાંધીને જાય છે એનાં કરતાં ઘણો વધુ શ્રેય નરેન્દ્ર મોદીને જાય છે.
આની વધુ ચર્ચા હવે પછી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 સપ્ટેમ્બર 2024