નક્કી નથી કરી શકાતું , અખિલ હિંદ સ્તરે આ અઠવાડિયે પહેલી સલામના હકદાર કોને કહેવા : 'કામ નહીં તો દામ નહીં 'ની ઢબે સાંસદોનો ઉધડો લેનાર સ્પીકર સોમનાથ ચેટરજીને – કે પછી, વિધિવત્ કાનૂન પૂર્વે કેવળ વટહુકમી જાહેરાત થકી પગારવધારો લેવા સબબ નન્નો ભણનાર જસ્ટિસ માર્લાપલ્લેને.
આરંભે કહ્યું કે નક્કી નથી કરી શકાતું , પણ આ લખતે લખતે એમ લાગે છે કે સ્પીકર સોમનાથ ચેટરજીની ભૂમિકાને કદાચ એટલી નવાઈ નથી જેટલી ઉચ્ચસ્તરીય ન્યાયતંત્ર સાથે સંકળાયેલાઓ પૈકી જસ્ટિસ માર્લાપલ્લેની છે. વાસ્તે, સ્પીકરબાબુ બાબતે બાઅદબ આદર અકબંધ રાખીને ટુ (બલકે થ્રી) ચિયર્સ ફૉર હિઝ લૉર્ડશિપ.
તમે જુઓ કે જસ્ટિસ માર્લાપલ્લેનું આ વલણ ત્યારે પ્રગટ થઈ રહ્યું છે જ્યારે દેશનું ઉચ્ચસ્તરીય ન્યાયતંત્ર, એક જાહેર સેવાને નાતે, લોકને પોતાની માલમિલકત બાબતે બિનવાકેફ રાખવા માટે ન્યાયતંત્રની સ્વતંત્રતા કે સ્વાયત્તતા અને ગરિમા – હા, ગરિમા-ની દુહાઈ દઈ રહ્યું છે. માહિતી અધિકાર અન્વયે કોઈ આ બધી વિગતો માગતું આવે તો નામદાર સાહેબોને એમાં હોદ્દાની અવમાનના અને અવહેલના અનુભવાય છે. કેમ જાણે, લોકતંત્રનું ભાવિ આ તંત્રના અદકા અંગરૂપ ન્યાયતંત્રના કર્તાકારવતાઓની આવકજાવકને આમજનતાથી ઓઝલ રાખવા પર જ ન અવલંબતું હોય !
હમણાં ગુરુગોવિંદ બેઉ વચ્ચે કોને પરથમ પાયલાગણ ઘટે એવી એક અભિજાત અમૂઝણ વ્યક્ત કરવાનું બન્યું હતું, એને સારુ એક ધક્કો અલબત્ત સ્પીકર મોશાયના ગૃહ સમક્ષના એ ઉદ્ગારોથી વાગેલો હતો કે મને ઉમેદ છે કે વટહુકમ વાટે આવનારો પગારવધારો ન્યાયમૂર્તિઓ નહીં સ્વીકારે. તેજીને ટકોરો બસ થઈ પડે એવા આ ઉદ્ગારો હતા, અને છે; પણ અહીં તો ટોકરી શું ટોકરો વગાડ્યા કરે અને કર્ણસુખરામો એય ગરિમાના ક્ષીરસાગર પરે સ્વાયત્તતારૂપી શેષશય્યે પોઢ્યા કરે એવો ઘાટે છે.
પણ સ્પીકરે દેશ આખો સાંભળી શકે એ રીતે આવી ટકોર કરી ત્યારે એમને ખબર નહોતી કે મુંબઈ હાઈકોર્ટમાં જસ્ટિસ માર્લાપલ્લે નામે એક મૂર્તિ વિરાજે છે જેણે વટહુકમી પગારવધારો નહીં સ્વીકારવાનો નિર્ણય ક્યારનોયે અમલમાં મૂકેલો છે. એટલું જ નહીં, રૂડું તો એ બની આવ્યું કે સ્પીકરની ટકોરના આ આગોતરા પાલણહારે વધારામાં એવોયે આગ્રહ વ્યક્ત કર્યો કે ઉચ્ચતર ન્યાયતંત્રે, શું સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓએ કે શું રાજ્યોની વડી અદાલતોના ન્યાયમૂર્તિઓએ, પોતાની આવક અને અસ્ક્યામતો વરસોવરસ જાહેર કરવી જોઈએ. જજબાબુને આમ કહેવાનો અધિકાર અવશ્ય છે; કેમકે તેઓ વરસોવરસ આ વિગતો જાહેર કરતા રહ્યા છે એટલું જ નહીં પણ થોડા વખત પર પુત્રીનાં લગ્ન પાર પાડ્યાં ત્યારે પણ એમણે ખર્ચની વિગતો પ્રગટ કરી હતી.
જસ્ટિસે માર્લાપલ્લે નિમિત્તે આ ચર્ચા કરવાનો હેતુ આપણાં જાહેર તંત્રોને હાલના વસમા સંજોગોમાં સંવેદન, સમર્થન અને શક્તિનું ટાંચું ન પડે તે જોવાનો છે. આ નોંધ લખાઈ રહી છે ત્યારે જ અખબારોમાં એવો હેવાલ જોવા મળે છે કે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અનંત સુરેન્દ્રરાય દવેએ, રાજ્ય સરકારના મંત્રી માયા કોડનાની તેમજ વિહિપ નેતા જયદીપ પટેલને નીચલી અદાલતે આપેલ આગોતરા જામીન ( એન્ટિસિપેટરી બેલ) રદ કરવા માટેની અરજી સાંભળવાની ના પાડી છે.
ન્યાયમૂર્તિ અનંત દવેની આ 'નોટ બીફોર મી' મુદ્રામાં શું વાંચશું વારુ? અગાઉ સોરાબિદ્દીન – ખ્યાત નકલી મુઠભેડ (ફેક ઍન્કાઉન્ટર)માં સંડોવાયેલા ગુજરાત – રાજસ્થાનના પોલીસ અઘિકારીઓની જામીન અરજી રદ કરતાં એમણે સંકોચ નહોતો કર્યો. પ્રસ્તુત પૂર્વરંગના પ્રકાશમાં એવા અનુમાનને અવશ્ય અવકાશ રહે છે કે સોરાબુદ્દીન પ્રકરણ નો – નોન્સેન્સ ન્યાયતંત્રી ભૂમિકાનું નિર્વહણ કર્યા પછી ન્યાયમૂર્તિ દવે પર સત્તાપરિવારી ધોંસ અને ભીંસ વધી હશે.
ગમે તેમ પણ, ધોંસ ને ભીંસના આ દોરમાં તેમજ પ્રલોભનોના આ પરિવેશમાં, એકાદ સોમનાથ ચેટરજીનો અગર એકાદ માર્લાપલ્લેનો જમાતજુદેરા સૂર ઊઠવો એ કોઈ કમ આશ્વસ્તકારી બીના નથી.