અકાદમી પ્રકરણ : ભાઈ, બુઝુર્ગ ઉમાશંકર જોશી અને મનુભાઈ પંચોળી ‘દર્શક’ને જ નહીં, પણ આજના યુવા કવિઓને પણ ‘તકલીફ’ છે
ભૂકંપને આંચકે ટેવાઈ ગયેલા ગુજરાતી સાહિત્યજગતમાં સંવેદનાનો સિસ્મોગ્રાફ હશે કે કેમ એવું કેટલીક વાર પૂછવામાં આવે છે. પણ ગુરુવારની સાંજનો એક વણગાયો, વણજાહેર ઘટનાક્રમ લક્ષમાં લઈએ તો, બને કે, સૂચિત સિસ્મોગ્રાફ સબબ સકારાત્મક આશાઅપેક્ષા ઘુંટાય. બન્યું એવું કે ગુજરાતી સાહિત્ય અકાદમીએ અમદાવાદમાં એક યુવા કવિ સંમેલન યોજ્યું હતું. પરબારી અધ્યક્ષનિયુક્તિ સાથે અકાદમીના સરકારી તેવર એકદમ જ હાથમાંનાં આંબળાં પેઠે ચક્ષુપ્રત્યક્ષ થઈ ગયા અને કંઈક અવાજ સંભળાવા લાગ્યો તે પછીનું આ પહેલું જાહેર આયોજન હતું. ઠીક ઠીક પુરસ્કાર સાથે યુવા મિત્રોને બોટી લેવાની ગણતરીથી યોજાયેલા આ કવિ સંમેલન બાબતે અધ્યક્ષ અને યોજકોને કદાચ એક મૃદુ આંચકા વાસ્તે તૈયાર રહેવું પડશે, એવો અંદાજ નયે હોય. પણ જેમનાં નામ વિધિવત્ જાહેર કરાયાં હતાં તે પૈકીના અરધોઅરધ યુવા કવિઓએ પુરસ્કારકામિની અને પ્રસિદ્ધિની પરવા વગર આ આયોજનથી વેગળા રહેવું પસંદ કર્યું.
ગુરુવારે ઢળતી સાંજે જોગાનુજોગ એક બીજી વાત પણ બની રહી હતી : કવિ ઉમાશંકર જોશીનો જાન્યુઆરી 1986નો એ ઐતિહાસિક પત્ર વેબવિહારે ચઢ્યો હતો, જેમાં એમણે સરકારી અકાદમીનું સન્માન સ્વીકારવાનો સવિનય અસ્વીકાર કરી સ્વાયત્ત અકાદમી માટેનો અભિલાપ દોહરાવ્યો હતો. તે વખતની સરકારી સાહિત્ય અકાદમીએ ‘સારસ્વત સન્માન’ સારુ એમને પૂછયું ત્યારે આ કવિએ અસંદિગ્ધ શબ્દોમાં લખ્યું હતું કે, ‘સન્માન સ્વીકારવા અંગે તકલીફ છે’. રાષ્ટ્રીય સ્તરે જવાહરલાલ નેહરુ અને રાધાકૃષ્ણન્ સરખી પ્રતિભાઓની પહેલ અને સહભાગિતાથી બની આવેલી સાહિત્ય અકાદમીમાં ચૂંટાયેલા પ્રમુખની ગૌરવભરી પ્રણાલિની એમણે આ સંદર્ભમાં યાદ પણ આપી હતી અને ઉમેર્યું હતું કે, ‘બિનલોકશાહી સંસ્થા દ્વારા થતું સન્માન પ્રજાકીય સ્વરૂપનું રહેતું ન હોઈ તેનો સ્વીકાર કરવાનું શક્ય નથી.’ વધુમાં આશા પણ વ્યક્ત કરી હતી કે ગુજરાતી સાહિત્ય અકાદમી સરકારી ખાતાના ભાગ જેવી ન રહેતાં ‘રાષ્ટ્રીય અકાદમીના ધોરણે ત્વરાથી પુનર્ગઠિત થશે અને … સંસ્કાર સંસ્થાઓની લોકશાહી પરંપરાઓ પર ઉત્તરોત્તર કેટલાક સમયથી થઈ રહેલા, રાજકીય આક્રમણનો સવેળા અંત આવશે.’
એક પા પૂર્વ નિમંત્રિત યુવા કવિઓ પૈકીના અરધોઅરધની ગેરહાજરી આપણા પ્રજાકીય સંસ્કારજીવનમાં કોઈક પ્રકારે પ્રેરક હાજરી જેવી વરતાય છે, તો બીજી પા ઉમાશંકરે જે આક્રમણનો સવેળા અંત આવશે એવી ઉમેદ પ્રગટ કરી હતી તે આક્રમણ આગે બઢી રહ્યાનો ખયાલ અવસાદ જગવે છે. આ અવસાદ વધુ ઘેરાતો એ વાતે અનુભવાય છે કે સરકારી અકાદમીમાંથી સ્વાયત્ત અકાદમી એક વાર હાંસલ કર્યા પછી, પાછા પડવાની નોબત આવી છે, અને ઓછા પડવાની નોબત આવી છે. મુદ્દે, ઉમાશંકરે સ્વાયત્તતાનું જે જાહેરનામું બુલંદપણે બહાર પાડ્યું હતું તેને એમના ગયા પછી મનુભાઈ પંચોળી – દર્શકે ખાસી ગતિ અને ચાલના આપી. સરકારે દર્શકના નેતૃત્વમાં પાર પડાયેલ લોકશાહી બંધારણનો સ્વીકાર કર્યો, વિધાનસભામાં પોતે અકાદમીની સ્વાયત્તતા બાબતે પ્રતિબદ્ધ હોવાની ખોળાધરી આપી અને એ ધોરણે ખાતાકીય ઠરાવ વાટે નવા બંધારણને અમલી જામો પહેરાવ્યો.
દર્શકના ચૂંટાયેલ, રિપીટ, ચૂંટાયેલ પ્રમુખપદ હેઠળ અકાદમીનું કાર્યરત બનવું તે ઉમાશંકરના શબ્દોમાં ‘સંસ્કારસંસ્થાઓની લોકશાહી પરંપરાઓ પર ઉત્તરોત્તર કેટલાક સમયથી થઈ રહેલા રાજકીય આક્રમણનો સવેળા અંત’ આવે તે દિશામાં ખસૂસ મહત્ત્વનું પગલું હતું. પણ દર્શકના અને ભોળાભાઈ પટેલના બે લોકશાહી કાર્યકાળ પછી સરકારે અકાદમીમાં ચૂંટણી સહિતની રચના પ્રક્રિયાને ગજવે ઘાલવાપણું જોયું, અને દાયકા કરતાં યે વધુ વરસોથી તે સરકાર તાબેનો ઈલાકો કે સરકારી ખાતા હસ્તકની કામગીરી માત્ર બની રહી છે. આખું મંડળ રચાય અને એમાંથી અધ્યક્ષ ચૂંટાય એ વાત હવે ભુલાઈ ગઈ અને તાજેતરમાં તો નિયુક્ત અધ્યક્ષ પણ આવી પડ્યા ! આ ઘટના વળાંક, આપણા એકના એક જયન્તિ દલાલને સાચા પાડે એવો છે કે અકાદમી એટલે શું – એક આદમી, બાકી બધા ડમી!
‘કુમાર’ અને ‘કવિલોક’ના તંત્રી ધીરુ પરીખે તો એ હદે કહી નાખ્યું છે કે ‘સ્વાયત્ત નથી એવી અકાદમીનાં માન-અકરામ અને સહાયનો જ્યાં સુધી લેખકો બહિષ્કાર નહીં કરે ત્યાં સુધી અકાદમીની સ્વાયત્તતા માટેનાં આંદોલનમાં પ્રાણ નહીં ફૂંકાય.’ માત્ર વિવિધ સાહિત્યની જ નહીં સંગીતનૃત્યનાટ્ય, લલિતકલા અકાદમીઓને યે સ્વાયત્તતાનો અવાજ નાટ્યવિદ હસમુખ બારાડીએ ઉઠાવ્યો છે. દર્શકની ‘દીપનિર્વાણ’ નવલકથામાંથી તક્ષશિલાના પ્રવેશદ્વાર પરનાં એ મતલબનાં વચનો સાંભરે છે કે, ‘રાજન્, સરસ્વતીના આ મંદિરમાં તારાં આયુધ અને અલંકાર બહાર મૂકીને પ્રવેશજે ..’. ગમે તેમ પણ, દર્શક શતાબ્દી આસપાસના કોલાહલ વચ્ચે એક મૂંગો પણ ભરીબંદૂક અંજલિબોલ તો રમેશ ર. દવેના પત્રના નામે જમે બોલશે કે, સરકારી અકાદમી હસ્તકની ‘દર્શકની સાહિત્યસૃષ્ટિ’ એ આખી ગ્રંથાવલીના સંપાદક તરીકે હું મુક્ત થાઉં છું.
અંતિમ શબ્દ, ખરે જ !
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 16 મે 2015
![]()


ગુજરાતના છપ્પનમા વરસમાં પ્રવેશ સાથે ‘નિરીક્ષક’ સ્વાયત્ત અકાદમીના મુદ્દાને સાંકળીને કેમ અગ્રલેખરૂપે મૂકે છે એવો સવાલ કોઈ ચાહે તો પૂછી તો શકે જ. વાચકનો એ અધિકાર પણ છે, અને અધિકારાયત્ત તંત્રી જ્યારે લખે છે ત્યારે એનું ય આ સંદર્ભમાં દાયિત્વ એટલે કે ઉત્તરદાયિત્વ બને છે. અને એ ધોરણે કહેવું જોઈએ કે ગુજરાત દિવસ અને સ્વાયત્તિ સહીઝુંબેશ બેઉની સહોપસ્થિતિ સાભિપ્રાય અધોરેખિત કરી છે.