જાહેરખબરો પાછળ યુ.પી.એ. સરકારે દસ વર્ષમાં કર્યો, એનાથી ડબલ ખર્ચ આ સરકારે ત્રણ વર્ષમાં જ કરી નાખ્યો છે
રિઝર્વ બેંકના હેવાલના ઉજાસમાં નોટબંધી ઉર્ફે નોટબદલીના ‘મહાયજ્ઞ’ વિશે શું કહેવું, સિવાય કે ગાજ્યા મેહ વરસ્યા જાણ્યા નથી. કદાચ, આટલું કહેવું પૂરતું નથી – બલકે, બેહદ બેહદ અપૂરતું છે. 2016ના નવેમ્બરની 8મી તારીખે એકાએક જ નાને પડદે હાજરાહજૂર થઈને રિઝર્વ બૅંકના ઇલાકાથી ઉફરાટે પોતેપંડે જે છાકો પાડવાની તક વડાપ્રધાને ઝડપી હતી, એ એક આર્થિક પગલા તરીકે બિલકુલ પરિણામદાયી નીતિ પુરવાર થઈ નથી.
કાળાં નાણાંની ડુંગરશોધ નકરો ઉંદરબોધ બનીને રહી શોધ ગઈ છે, અને આગલે વરસે રિઝર્વ બૅંકે કેન્દ્ર સરકારને ખાસા 65,876 કરોડની સરપ્લસ નવાજેશ કરી હતી તેની સામે આ હેવાલ-વરસમાં તે ફક્ત અને ફક્ત 30,659 કરોડ રૂપિયા આપી શકી છે. દરમિયાન, એપ્રિલ-જૂન ત્રિમાસીમાં જી.ડી.પી. આખા 5.7 ટકે પહોંચેલ છે. મતલબ, છેલ્લાં ત્રણ વરસમાં એનો આ તલસ્પર્શી યાને તળિયે અડતો વિક્રમ છે.
વરસાદ લગારે અપૂરતો નહીં, બલકે બિલકુલ જ બિલકુલ પૂરતો છતાં, કૃષિ-કામગીરીઓમાં ઘટાડો, વિનિર્માણ(મેન્યુફૅક્ચરિંગ)માં નવી રોજગારીઓનું સર્જન નહીં, બાંધકામ ને ખાણ પ્રવૃત્તિઓમાં ઘટ, આ બધી નોટબંધીની સિદ્ધિઓ ઇિતહાસને ચોપડે (મારે ને તમારે જોખમે) જમે બોલશે. ખરું જોતાં, એને ઉધારના ખાતામાં ખતવવી જોઈએ પણ ઓરવેલિયન ડબલસ્પીક અને પોસ્ટ-ટ્રુથ માહોલમાં આપણે એને અલબત્ત અને અલબત્ત જમે જ ખતવવી જોઈશે.
આરંભ નોટબંધી/નોટબદલી એવી જિકર પણ રિઝર્વ બૅંકના વાર્ષિક હેવાલના ઉજાસમાં કેન્દ્ર સરકારનાં દાવાદુવી તપાસતાં જ કહેવું પ્રાપ્ત થાય છે એ તો એ કે 8મી નવેમ્બરના ‘મહાયજ્ઞ’ બોધિવચનથી શરૂ થયેલાં સઘળાં સત્તાવાર વક્તવ્યોએ સરવાળે સરજેલી સ્થિતિ કેવળ નજરબંધીની હતી. તમે જુઓ જે સિફતસપાટે અને સલુકાઈ સાથે તેમ જ મુખચાલાકીના પ્રયોગોપૂર્વક એક પછી એક મહાન હેતુઓ ખૂલતા ગયા અને બૅંકની લાઈનોમાં ઊભેલાઓ પોતાને સીમા પર ફરજ બજાવતા વીર સૈનિકો જેવી જ ભૂમિકામાં સમજવા લાગ્યા તે વાસ્તવિક પરિણામો જોતાં નજરબંધી નથી તો શું છે.
એકાએક જગાવાયેલો આ જગન ભ્રષ્ટાચાર સામે, કાળાં નાણાં સામે, નકલી નોટો સામે અને આતંકનાણાં (ટેરર ફંડિંગ) સામેનો હતો – અને મુક્તિનું સ્વર્ગ થોડાં જ ડગલાં દૂર હતું. પહેલું પખવાડિયું વીત્યું ન વીત્યું ત્યાં તો સર્વોચ્ચની દેવડીએ એટર્ની જનરલ રોહગતીએ વધામણીની અદાથી સત્તાવાર રજૂઆત કરી કે ઉત્તર-પૂર્વમાં અને જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ અને આતંક પ્રસારવા સારુ હોમાતા ચારથી પાંચ લાખ કરોડ રૂપિયા આથી બિનઅસરકારક કહેતાં ન્યુટ્રલાઇઝ થવામાં છે. પચાસ દિવસ થતાં, મુશ્કેલીઓમાંથી બેસુમાર પસાર થતાં જનસાધારણને વડાપ્રધાને જયપ્રકાશ-શાસ્ત્રી-લોહિયા-કામરાજ આદિની સાખે દેશ માટે વેઠવા બદલ લાખ લાખ અભિનંદન આપ્યા અને સમજાવ્યું કે આ તો એક ખરાખરીનો જંગ અને આરપારની લડાઈ છે. આ મુકાબલો ‘અપ્રામાણિક’ અને ‘પ્રામાણિક’ વચ્ચેનો તેમ જ ‘ધનિકો’ અને ‘ગરીબો’ વચ્ચેનો છે.
લોકપાલ – લોકઆયુક્ત બાબતે દિલચોરી અને દોંગાઈ તેમ પક્ષ તરીકે માહિતી અધિકારની અંતર્ગત આવવા બાબતે આડાઈ જેવાં વાનાં બાદ રાખીને એક-બે સાદી આંકડાકીય વિગતો અહીં આધોરેખિતપણે દોહરાવવા જોગ છે. 2012-13થી 2015-16 દરમ્યાન ભા.જ.પ.ને મળેલો કોર્પોરેટ ફાળો ખાસા 750 કરોડ રૂપિયાથી વધુ છે – એટલે કે સર્વ પક્ષોને મળેલ કુલ રકમ (956 કરોડ રૂપિયા)નો એ સિંહહિસ્સો છે.
કૉંગ્રેસ ઘણા દૂરના અંતરે 198 કરોડ રૂપિયા સાથે બીજે નંબરે છે. પ્રેસ કાઉન્સિલ સમક્ષ ‘પેઇડ ન્યૂઝ’નો હેવાલ 2010થી પડેલો છે, ‘ભ્રષ્ટાચારી’ યુ.પી.એ. સરકાર એના પર ત્રણ-ચાર વરસ બેસી રહી પણ મૂલ્યનિષ્ઠ એન.ડી.એ. સરકારનાં ત્રણ વરસ અને ત્રણ મહિના પણ એમ જ પસાર થઈ ગયા છે. જેમ યુ.પી.એ.-એન.ડી.એ.ના કોર્પોરેટ ફાળાની જિકર કરી તેમ એક બીજી સરખામણી પણ કરવા જેવી છે. યુ.પી.એ. સરકારે એની બે ટર્મ(દસ વરસ)માં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરખબરનો જેટલો ખરચ કર્યો એનાથી ડબલ, રિપીટ, ડબલ ખર્ચો એન.ડી.એ. સરકારે કેવળ ત્રણ વરસમાં જ કર્યો છે! અને છેલ્લે, રિઝર્વ બૅંકના હેવાલ સબબ પૂર્વનાણાંમંત્રી ચિદમ્બરમે ટકોર કરી છે તેમ 16,000 કરોડની લબ્ધિ સામે 21,000 કરોડનો ખર્ચો આ નોટબંધી પ્રકરણમાં થયો છે.
ગમે તેમ પણ, જુમલે સે જુમલે અને ઇવેન્ટથી ઇવેન્ટની શૈલીમાં રાચતું નેતૃત્વ નોટબંધી પ્રકરણને ‘પ્રામાણિક’ વિ. ‘અપ્રામાણિક’ અને ‘સહિત’ વિ. ‘રહિત’(ધનિક વિ. ગરીબ)ના જંગરૂપે ઉપસાવવામાં કામયાબ રહ્યું અને કોમી તેમ વિકાસની એની વિજય ફોર્મ્યુલામાં પરિમાણ ભળતાં તે 1993માં યુપી ખોયા પછી ખાસાં બાવીસ-તેવીસ વરસે ફરી વાર સુવાંગ કબજે કરવામાં કામયાબ નીવડ્યું. નોટબંધી નહીં પણ નજરબંધી તે આનું નામ: 8 નવેમ્બર 2016થી જે મોટોદઈત જગન શરૂ થયો એ દેખીતું આર્થિક પણ વાસ્તવમાં એક રાજકીય (બલકે રાજકરણી) પગલું હતું એમ કહેવું યથાર્થ લેખાશે.
સવાલ એ છે કે એક પ્રજાસત્તાક સ્વરાજને લાયક નાગરિક સમાજ વિકસાવવાને મુદ્દે આપણે ક્યાં છીએ કેટલે છીએ. મે 2014ની ચૂંટણીમાં ઉછાળાયેલો એક મુદ્દો મજબૂત અને નિર્ણાયક નેતૃત્વનો હતો. યુ.પી.એ. કાળ અને મનમોહનસિંહ વિશે જે પણ છાપ ઉપસી અને ઉપસાવાઈ હોય એ ધોરણે તુલનાત્મક વિકલ્પની રીતે આ પ્રકારની ઝુંબેશમાં એક અપીલ પણ હતી. અને ‘તારણહાર’ની શોધ તો ક્યારે નથી હોતી?
દેખીતું દૂરાકુષ્ટ લાગે તો પણ સચ્ચા ડેરા-ખ્યાત રામરહીમનો પેરેલલ અહીં સંભારવા જેવો છે. એમના અંગત જીવનની જે બધી ખરીખોટી વાત આજકાલ લખાઈ રહી છે એ અર્થમાં આવો કોઈ પેરેલલ અલબત્ત અભિપ્રેત નથી. જે વાનું અભિપ્રેત છે તે તો એ કે સંત્રસ્ત માણસ કોઈ પણ આકર્ષક તરણું પકડવા સારુ લાલાયિત હોય છે. રામરહીમ રજવાડું આટલાં વરસ ચાલ્યું-કલ્યાણરાજ્ય તરફથી નહીં નિભાવતી કેટલીક કામગીરીઓ એણે થોડીકે કરી હશે તે માફ-પણ એનું (આ રજવાડાનું) રહસ્ય સ્વાભાવિક જ તારણહારની શોધમાં ને ગતાનુગતિક ગાડરપ્રવાહમાં રહેલું નથી એમ કહી શકાતું નથી. આ પ્રક્રિયામાં અંજાપો અને અંધાપો એકાકાર જેવો થઈ જાય છે, અને સારાસારવિવેક કે તરતમવિવેક તે પછી રહે એ જરૂરી નથી. જો એક અર્થમાં ભલે સીમિત સંદર્ભમાં પણ, આ સરખામણી (નજરબંધીનો પેરેલલ) જો વિચારણીય લાગતો હોય – બંને ઘટના કોઈ એક ફ્રિકવન્સી પરની હોઈ શકતી હોય – તો શું કહીશું. નાગરિકને ઘેનગાફેલ કરી શકતી આવી પેરવીઓ ને પ્રયુક્તિઓ ક્યાં અને લોકશાહી રાહે સ્વરાજસાધના ક્યાં.
સૌજન્ય : ‘મહાયજ્ઞ’, “દિવ્ય ભાસ્કર”, 02 સપ્ટેમ્બર 2017