છવ્વીસમી ફેબ્રુઆરીએ બપોરે બે અક્ષર પાડી રહ્યો છું ત્યારે માહોલ એક રીતે સરચાર્જ જ સરચાર્જ છે : ચૌદમી ફેબ્રુઆરીએ પુલવામાની રક્તરંજિત આતંકી ઘટના સાથે શરૂ થયેલું પખવાડિયું સંકેલાય તે પહેલાં આજે વહેલી સવારે (આશરે ૩-૩૦ કલાકે) બીજી સર્જિકલ સ્ટ્રાઈકના સમાચાર આવ્યા. હકીકતે, સૂતા જેવા તંત્રીને એક મિત્રે ફોનથી જગાડ્યા કે રાતે યુદ્ધ શરૂ થઈ ગયું છે. હવે, સર્જિકલ સ્ટ્રાઈક તે યુદ્ધ નથી એટલું તો હું, તમે ને તેઓ સૌ જાણીએ સમજીએ છીએ. પણ આપણે એને હાલ સરચાર્જ બનેલ માહોલની જ એક ફલશ્રુતિ કહીશું કે જાગતો સંદેશ જુદ્ધે ચડ્યાનો છે.
નહીં કે રોષને અને ચિંતાને કારણ નથી. પુલવામાની નિર્ઘૃણ ઘટનાની પહેલી જ પળે વિપક્ષ સહિત દેશસમસ્ત એક વ્યક્તિની જેમ ઊભો થઈ ગયો. મીડિયાની નવ્ય ચહેતી પ્રિયંકા ગાંધીએ રાતો પર રાતોની કારવાઈ પછીની અપેક્ષિત જ નહીં પ્રતીક્ષિત પત્રકાર પરિષદ રદ્દ કરી અને કહ્યું કે સંકટની ઘડીમાં રાજકારણને અવકાશ નથી.
પણ જેમ દિવસો વીતતા ગયા, ક્રમે ક્રમે પ્રશ્નો ઊઠતા, પુછાતા અને બોલાતા ગયા. જે બન્યું, ન બનવા જેવું બન્યું, જે પણ બન્યું અને જે હદે બન્યું, એ એક સલામતી સ્ખલન તો હતું જ હતું. આવું કેમ થયું, વારુ? સલામતી મુદ્દે ચીખી ચીખીને બોલવું અને આ બાબતે આગલી સરકાર કરતાં પોતે ગુણાત્મકપણે જુદા હોવાની છાપ અગ્રતઃ અધોરેખિત કરવી તે વર્તમાન કેન્દ્ર સરકારનો વિશેષ રહ્યો છે, એની સામે આવું કેમ.
પહેલી સર્જિકલ સ્ટ્રાઈક જે રાજકીય નેતૃત્વે ખાસી ગજવી હતી – લંડનમાં વિશેષ ગોષ્ઠી વાટે જગતતખતે ચગવી હતી – એના લશ્કરી મોભીએ વિવેકસર મૌનના કેટલાક મહિનાઓ બાદ (ઘણું કરીને નિવૃત્તિ પછી) ખુલાસો કીધો હતો કે અમારી (લશ્કરની) સમજ આ વસ્તુને આમ ગજવવાની નથી હોતી. જ્યાં સંદેશ પહોંચવો જોઈએ ત્યાં પહોંચાડવાની હોય છે.
પુખ્ત લશ્કરી સમજના આ મોભીને કૉંગ્રેસે લાંબા ગાળાના સુરક્ષા પરિપ્રેક્ષ્યની દૃષ્ટિએ પરામર્શ સારુ બરક્યાનો હેવાલ હમણાં જ જોવામાં આવ્યો હતો. અહીં એક સ્પષ્ટતા કરી દેવી જોઈએ કે જેમ પાકિસ્તાનને જળફાળવણીનો કેટલોક હિસ્સો રોકવાનો હમણે જાહેર થયેલો નિર્ણય પુલવામાપૂર્વ હતો તેમ આ મોભીની સલાહસંડોવણી પણ એક પુલવામાપૂર્વ ગોઠવણ હતી.
અલબત્ત બીજી સર્જિકલ સ્ટ્રાઈક, પુલવામા ઘટના પછી દુર્નિવાર હતી. અંકુશરેખા ઓળાંડી સ્થાનિક વસ્તીને સાચવી લઈને જૈશે મોહમ્મદ આતંકવાદી છાવણીને તહસનહસ કરવાનું ચોક્કસ લૉજિક હતું અને છે, અને તે કદરભેર માથે ચડાવીએ.
પણ પખવાડિયું સંકેલાતે માત્ર આટલું જ નથી બન્યું. પહેલા લ-ગ-ભ-ગ નવ દિવસ દેશમાં રાજકીય-શાસકીય અગ્રવર્ગની આંખ આડા કાન અગર લૂગડાંસંકોરથી માંડી મીલી ભગત ઢબે દેશભરમાં કાશ્મીરીઓને નિશાન બનાવવાનું ચાલ્યું. વડાપ્રધાને એમની કલાસિક શૈલીએ નવમેદસમે દિવસે મૌનભંગ કીધો, ખસૂસ કીધો. પણ ઘોડાને વાજતેગાજતે ભાગવાની સોઈ આપ્યા પછીનો તબેલે તાળાવ્યૂહ એ હતો એમ કહ્યા વગર રહી શકાતું નથી. શું કહીશું, સિવાય કે દેશ નથી તો આમ બનતો કે નથી તો આમ બચતો.
અહીં સાંભરે છે કે ‘આવે વખતે લોકોને રોષ કાઢવાની તક આપવી જોઈએ’ એવી સત્તાવાર મનાતી સલાહ ગોધરા-અનુગોધરા દિવસોમાં કર્ણમંત્ર બની રહી હતી. ૨૦૦૨નો ફેબ્રુઆરી ઉતરતે આ બન્યું હતું. ૨૦૧૯ના ફેબ્રુઆરીમાં પણ એ જ આપણી નિયતિ (અને એમનો વ્યૂહ) હશે? ન જાને.
સામાન્યપણે આ પ્રકારના ઘટનાક્રમ વખતે ચૂંટણીલક્ષી ચાલની એક ધાસ્તી વાંસો ચીરતી ચાલી જતી હોય છે. બીજી પાસ, આજની વહેલી સવારની સર્જિકલ સ્ટ્રાઈકનું ઔચિત્ય પણ સમજાય છે. નીતિનિર્માતાઓને કહીશું, યુદ્ધસ્વ વિગતજ્વરઃ; અને નાગરિકને ? વોટસ્વ વિગતજ્વરઃ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2019; પૃ. 01 – 02