વાત જો કે રાહુલ ગાંધી અને કૉંગ્રેસ આસપાસ કરવી છે, પણ શરૂઆત આપણે સ્પીકર ઓમ બિરલા અને સાંસદ પ્રેમચન્દ્રનથી કરીશું. રેવોલ્યુશનરી સોશલિસ્ટ પાર્ટીના પ્રેમચન્દ્રન, એકમાત્ર ચુંટાયેલા એમ.પી. છે. પણ સ્પીકરે, પોતે જ્યારે ગૃહમાં આસનસ્થ ન હોય ત્યારે દાયિત્વ નિભાવવા વાસ્તે પેનલ પર રહેવા પૂછ્યું ત્યારે એમણે આ નિમંત્રણ હોંશે હોંશે કબૂલ કીધું. હમણાં એક મુલાકાતમાં સરસ વાત કરી પ્રેમચન્દ્રને કે હું વિરોધપક્ષમાં એકમાત્ર છું – પણ સ્પીકરે મને બરક્યો એથી હું ઋણી છું; કેમ કે વિપક્ષનીયે જેમ લડાકુ તેમ એક વિધાયક ભૂમિકા છે. વાંસોવાંસ પ્રેમચન્દ્રને બીજી એક વાત પણ બિલકુલ મુદ્દાની ઉમેરી કે ગૃહમાં સૌથી મોટા વિપક્ષ તરીકે કૉંગ્રેસના નેતાને વિધિવત્ દરજ્જો આપવો જોઈએ. અમુક ટકા બેઠકોનો એવો કોઈ નિયમપોથી પરનો થપ્પો નથી. સી.પી.એમ.ના ગોપાલનને, એમના પક્ષની બેઠકો આજની કૉંગ્રેસ સંખ્યા કરતાં ખાસી ઓછી હોવા છતાં વિપક્ષ નેતાનો દરજ્જો અપાયેલો એ પૂર્વદૃષ્ટાંત પણ એમણે આ સંદર્ભમાં ઠીક સંભારી આપ્યું હતું.
અલબત્ત, પ્રસંગોપાત જે એક સળંગ છાપ હાલની સત્તામંડળી તરફથી અપાતી રહી છે એમાં આવા વિધાયક ખુલ્લાપણાને સારુ કદાચ અવકાશ જ નથી. પોતે જે આંદોલનના વડા લાભાર્થી ગઈ લોકસભાની ચૂંટણી વખતે હતા તે લોકપાલના મુદ્દે વડાપ્રધાને સુપ્રીમ સૂચના અને દરમ્યાનગીરી છતાં કરેલા ઠાગાઠૈયા અહીં કોઈને સાંભરે તો નવાઈ નહીં. એમાં પણ કૉંગ્રેસમુક્ત ભારતના સંકલ્પ સાથે રણમાં ઉતરેલને નાતે એ કૉંગ્રેસને વિપક્ષ તરીકે લગરીક પણ માન્યતા શા સારુ આપે.
રેવોલ્યુશનરી સોશલિસ્ટ પાર્ટીના પ્રેમચન્દ્રને સ્વાનુભવને ધોરણે બીજી એક સોજ્જી વાત કરી છે. અને તે એ કે પોતે કેરળની ડાબેરી સરકારના મંત્રીમંડળમાં હતા ત્યારે એક સત્તાવાર રવૈયો સ્વીકાર્યો હતો કે ગૃહમાં ચર્ચા દરમ્યાન વિપક્ષ તરફથી કોઈ સૂચન કે વિધિવત્ સુધારો સરકારી દરખાસ્ત અગર વિધેયકના મેળમાં જણાય તો એથી ‘શ્રી’માં સંવર્ધનની દૃષ્ટિએ એનો અંગીકાર કરવો જોઈએ. પ્રેમચન્દ્રનની વાતમાં, વળતી દૃષ્ટિએ, એ રીતે પણ દમ છે કે ગઈ લોકસભામાં એમણે વિક્રમ સંખ્યામાં સુધારા રજૂ કર્યા – અને એ બધા કેવળ વિરોધવશ હતા એવું પણ નહોતું – પરંતુ સરકારી પાટલીઓ તરફથી લગારે વિધાયક પ્રતિસાદ મળ્યો ન હતો, સિવાય કે નવી લોકસભામાં એમને સ્પીકરની અવેજી પેનલ પર જોડાવા નિમંત્રણ મળ્યું એ આગળ લોકસભાની પ્રસ્તુત સક્રિયતાની કદરરૂપે હોય!
છોડો આ બધી વાત … મુખડો જરી લંબાઈ ગયો એ કબૂલ, પણ સત્તાપક્ષ અને વિપક્ષને એકમેકની કદર હોવી જોઈએ એ સોદો લોકશાહી વિવેક છે. તે સાથે બંનેને એકબીજાની અને પોતપોતાની ભૂમિકાની ખબર હોવી જોઈએ એ પણ સાદો એટલો જ બુનિયાદી મુદ્દો છે. હમણાં સત્તાપક્ષની ચિંતા (ખરું જોતાં ચર્ચા) છોડીને જરી વિપક્ષની ભાળ રાખીએ તે ઠીક રહેશે.
૨૦૧૪ અને ૨૦૧૯નાં વરસ કૉંગ્રેસ માટે રાષ્ટ્રીય ચૂંટણીઓના સંદર્ભમાં બૂરી પછડાટનાં રહ્યાં છે. ૨૦૦૪ અને ૨૦૦૯ની તક એણે રોળી કાઢ્યાનીયે વાજબી છાપ છે. પણ ભાંગ્યું તોેયે ભરુચ એમ આજે પણ કુલ મતદાનનો પાંચમો હિસ્સો એની સાથે છે. ‘ફર્સ્ટ પાસ ધ પોસ્ટ’નો લાભ આજે ભા.જ.પ.ને તેમ પૂર્વે એને ય મળેલો છે. ઇતિહાસવારસાની લાંબી ચર્ચામાં ન જઈએ તો પણ કુલ મતદાનના પાંચમા હિસ્સાનું સમર્થન ધરાવનાર તરીકે એનો ચોક્કસ મોભો અને અપેક્ષિત ભૂમિકા ખસૂસ છે. પણ પરિણામ પછી આ પક્ષે જે પ્રકારે ઠાલા વહ્યા કરવાનો (‘ડ્રિંફિટંગ’નો) અહેસાસ જગવ્યો છે તેમાં ન મામા કરતાં કહેણા મામા શું ખોટા, એવા આશ્વાસનનીયે શક્યતા કેટલીકવાર જણાતી નથી.
ચૂંટણી પરિણામો પછી ૨૫મી મે એ લગરીક ચમકારો જરૂર વરતાયો હતો જ્યારે રાહુલ ગાંધીએ પરિણામની જવાબદારી સ્વીકારી પોતાનું રાજીનામું ધરી દીધું હતું. પણ, એક તો, આ ખાસ કશી દિલી સંડોવણી વગરનો રસમી દાખડો હશે એવી વ્યાપક લાગણીને કારણે; અને બીજું, રાહુલની જેમ પક્ષનાં બીજા નેતાઓ આગળ ન આવ્યા એ કારણે લાગ્યું કે આ તો ચાના કપમાંનું તોફાન હશે અને રાબેતા મુજબ ઘીના ઠામમાં ઘી પડી રહેશે. પણ ખાસાં સાત અઠવાડિયે સુધ્ધાં રાહુલ ગાંધી રાજીનામાના નિર્ણય પર અડગ છે, અને શરમે શરમે બીજાં પણ રાજીનામાં પડી રહ્યાં છે તે જરૂર એક સુચિહ્ન છે. ઊલટ પક્ષે, આ અઠવાડિયાઓમાં પક્ષના બુઝુર્ગો એકંદરે માંહોમાંહે કુલડીમાં ગોળ ભાંગવાની રીતે જ પેશ આવતા માલૂમ પડ્યા છે તે આ સુચિહ્નને કુંડાળામાં મૂકી આપે છે. લાંબી રાહ જોવડાવીને થોડા દિવસ પર પૂર્વમહામંત્રી જનાર્દન દ્વિવેદી અને અગ્રણીઓ પૈકી કરણસિંહનાં નિવેદનો જરૂર એવાં આવ્યાં છે – અને હા, પંજાબના મુખ્યમંત્રી કપ્તાન અમરિંદર સિંહનું યે નિવેદન છે – જેમાં આ કુલડીગોળ શૈલીથી જુદી વાત હોય.
ગમે તેમ પણ, છેલ્લાં છ-સાત અઠવાડિયાંના આ ડ્રિફ્ટિંગમાં આખો વખત જે બે પાસાં ઉછાળાતાં રહ્યાં છે કે વરિષ્ઠ નેતાઓ મળશે અને નક્કી કરશે – અગર તો, છેવટે, કૉંગ્રેસ કારોબારી તો છે જ ને – એમાં કાં તો અપૂરતી સમજ છે, કે પછી રાબેતા મુજબના સુરક્ષાકવચની કે કોચલામાં ભરાઈ રહેવાની સગવડ છે. ભાઈ, મહાસમિતિ સમક્ષ જતાં કોણ રોકે છે તમને? રાહુલ ગાંધીએ હોદ્દે પાછા નહીં ફરવાના નિર્ણયને વળગી રહીને તમને પ્રથમ પરિવાર બહારની પસંદગી માટે મોકળાશ કરી આપી છે ત્યારે કોની અને શેની રાહ જુઓ છો? લાગે છે, તમે સરકસના સત્તાભોગી સિંહ બની ગયા છો જેને પાંજરુ પ્યારું લાગે છે, અને જંગલ અકારું લાગે છે.
ઇનફ ઑફ એડહોકિઝમ. એકસો ચોત્રીસ વરસ જૂની, ગાંધીનેહરુપટેલ શી સ્વરાજત્રિપુટીએ સોહતી, પાર્ટી સ્વરાજ અને લોકતંત્રમાં વડું ઇતિહાસનિમિત્ત બની શકે પણ પક્ષની અંતર્ગત લોકશાહી સિદ્ધ ન કરી શકે. એને શું કહેવું, સિવાય કે એક કમનસીબ કારુણિકા. નરસિંહ રાવ તો ખેર છોડો, પણ પરિવારમાન્ય મનમોહન સિંહના કાર્યકાળની સિદ્ધિઓ, જેમ કે માહિતીનો અધિકાર અને મનરેગા, એના સક્રિય અમલ માટે તમે મચી પડ્યા હોત તો? સ્વરાજસાધના જેનું નામ તે નકરા મેદ અને કાટ વાસ્તે તો નથી હોઈ શકતી.
હમણાં ડ્રિફ્ટિંગની જિકર કરી, અને એ છે જ. ઉપરાંત, જે રીતે કર્ણાટક અને ગોવાનો ઘટનાક્રમ આપણી સામે આવ્યો છે અને મધ્ય પ્રદેશમાં પણ જેના ભણકારા વાગે છે તે કૉંગ્રેસના ધોવાણના (એટલે કે પક્ષપલટાના) અને ભા.જ.પ.ની કિલર ઇન્સ્ટિંકટના છે. બેમાંથી એકે પ્રક્રિયા કોઈ સ્વસ્થ રાજકીય સંસ્કૃતિની દ્યોતક નથી. બલકે એ વસ્તુતઃ વિક્રિયા અને વિક્રિયા જ છે.
ઊલટ પક્ષે, રાહુલ પ્રમુખપદના રાજીનામે અફર હોય એ સંજોગોમાં કામચલાઉ હવાલો સંભાળવા માટે સોનિયા ગાંધીને કહેવાયાનું બહાર આવ્યું છે, અને તે સાથે એમનોયે આરંભિક પ્રતિભાવ કેવળ કોકરવરણો હોવાનું જણાય છે. આ સંજોગોમાં પક્ષે વિધિવત નેતૃત્વનો પ્રશ્ન ધોરણસર અને વેળાસર ઉકેલવો રહે છે.
દરમ્યાન, પ્રમુખપદ કે નહીંપ્રમુખપદ, રાહુલ ગાંધી ખૂણો પાળવાના મિજાજમાં નથી એવું સાફ જણાય છે. બને કે પ્રમુખપદની સીધી જવાબદારીને બદલે છડા હોવું એમને વિશેષ માફક પણ આવે. જે રીતે એમને પોતાના હજુ હમણે લગીના મતવિસ્તાર અમેઠીની મુલાકાત લીધી તેમ જ એક પછી એક અદાલતી કારવાઈ સબબ અદાલતોમાં હાજરી ભરી રહ્યા છે એમાંથી એમની સક્રિયતાની છાપ અને લડાયક તેવર બેઉ ઉપસી રહે છે. ઉપરાંત, ધીરે ધીરે યુવરાજગીમાંથી લગરીક સાદગી તરફ જવાની કોશિશ પણ (ભલે મોડે મોડેથી) વરતાય છે. બીજું, કોર્ટ કેસોને કારણે અને અન્યથા પણ એમણે સંઘ પરિવારની વિચારધારાને પોતાનો વિશેષ મુદ્દો બનાવ્યાનું સાફ સમજાય છે.
આ બંને વાનાં એવાં છે જે પક્ષને ‘ડ્રિફ્ટિંગ’ની મનઃ સ્થિતિમાંથી ઉગારી પોતાની કશીક અર્થપૂર્ણ ભૂમિકા હોવાની લાગણી આપી શકે. અલબત્ત, એક લાંબા ગાળા પછી આ જે નવરૂપની સંભાવના છે તે જો સાતત્યપૂર્વક કાળજી રખાય તો જ ખીલી શકે. તે સિવાય એને ભાવિ ઇતિહાસ ઓલવાઈ શકતા દીવાની છેલ્લી ભભક તરીકે જ બહુ બહુ તો જોશે. જ્યાં સુધી નવરૂપની સંભાવના અને ભૂમિકાબોધનો સવાલ છે, હાલના ટીકાનિશાન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સંદર્ભમાં કૉંગ્રેસે પોતાનું ભારતદર્શન કેવી રીતે મૂલ્યાત્મકપણે જુદું હોઈ શકે છે તે સુપેરે સ્ફૂટ કરવું રહે. સામાજિક સ્તરે માંહોમાંહે સર્વધર્મસમભાવ અને રાજકીય સ્તરે ધર્મનિરપેક્ષતા તેમ સ્વતંત્રતા અને સમાનતાને અવિક્રેય માનવાનું વલણ, સંઘ પરિવારના હિંદુત્વનિષ્ઠ ભારતદર્શન કરતાં મૂલતઃ જુદું છે એવી પ્રતીતિપુરસ્સર એણે આગળ વધવું રહેશે. પથ્થર એટલા પૂજે દેવ અને પાણી દેખી કરે સ્નાન, એ અખાકથ્યા મૂરખ થવાની જરૂર એ માટે અલબત્ત નથી તે પણ એણે સમજવું જોઈએ.
ભા.જ.પ. અત્યારે ધરાર ધોરણભંગના ‘ખુલ્લા ખેલ ફરીદાબાદી’માં મચેલ છે – જેવાં લક્ષણ કૉંગ્રેસનાં પણ રહ્યાં છે – એની હરીફાઈમાં નહીં જતાં કૉંગ્રેસ ધીરજ અને ખંતથી તૃણમૂલ કામગીરીમાં દત્તચિત્ત રહેશે તો જ એની નવેસર સ્વીકૃતિ બનશે.
વૈકલ્પિક રાજનીતિની લાંબી લડાઈના વચગાળાના મુકામ તરીકે કૉંગ્રેસ અને બીજા ધોરણસરના રાજકીય વિકલ્પ તરીકે ધડો બેસાડી શકે તો કોણ રાજી ન થાય, વારુ.
જુલાઈ ૧૨, ૨૦૧૯
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2019; પૃ. 01-02