
નટુભાઈ પરમાર
‘તમારા નિર્વ્યાજ નેહનું લેખું નથી. તમારી સંન્નિધિમાં વીતેલ સમય મારી જિન્દગીનું અમૂલ્ય સંભારણું બની રહ્યો છે. તમારી સૃજનતા, ઉદાત્તશીલ – ગાંભીર્યમઢી જિન્દાદિલી અને નરવાઈ તમને ધીમંત અને ધૃતિશીલ ઠેરવે છે. તમે ગમો છો – પ્રિય છો, એની પડછે તમારું આંતરઐશ્વર્ય છે. તમને ભલીપેરે પારખનાર જ તમને પ્રમાણી શકે. એ પ્રમાણનારમાં હું એક છું એનું મને ગૌરવ છે. તમારી પ્રાંજલ ભાષાને અને શબ્દ પાસે ધાર્યું કામ પાડનારા તમારા દલિતાર્થ(પુરુષાર્થ)ને હું વધાવું છું.’
ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડથી પુરસ્કૃત, દલિત સાહિત્યના દાદા, સ્વનામધન્ય જૉસેફ મેકવાનના આ શબ્દો છે, ગુજરાતના પ્રસિદ્ધ દલિત સાહિત્યકાર ભીખાભાઈ નથવાભાઈ વણકર – ભી.ન. વણકર માટેના. ચાહકો-ભાવકો સૌ જેમને આજે ‘ભીખુભાઈ’થી જાણે છે.
દલિત સાહિત્ય સર્જન સંદર્ભે એક જ wavelength પરના બે મૂર્ધન્ય દલિત સર્જકો પૈકીના એક જૉસેફ મેકવાન, દલિત સાહિત્યયાત્રાના એમના સાથી માટે આમ કહે છે એમાં, ભી.ન. વણકર નામક પ્રતિભાની સાહિત્યિક ઊંચાઈની, એમના સંવેદનાસભર હૃદયની અને એમની આંતરિક સમૃદ્ધિની વાતને પણ આપણે સ્પષ્ટ વાંચી શકીએ છીએ.
આજે ઉંમરના ૮૨ વર્ષના મુકામ પર થોડા થાક્યા છે, ત્યારે ય જ્યારે પણ મળો એમના મુખ પર હોય એ જ એમનું ચિરપરિચિત હાસ્ય. આ ઉંમરે શરીર વ્યાધિઓ અને પીડાઓને નોતરે એમાં નવાઈ નથી, છતાં ય એ શારીરિક પીડા કે વેદનાની જાણે કોઈ તમા જ ન હોય અને મૃત્યુના ભયને તો જાણે સાવ કોરાણે જ મૂકી દીધો હોય એમ ભીખુભાઈનું અવિરત વાંચન અને ભરપૂર લેખન હજી બરકરાર છે. એક ઓપરેશન પછી ઝભ્ભાની નીચે ડોક્ટરે બાંધી આપેલી યુરિન બેગ અને એડલ્ટ ડાઈપર સાથે પણ સાહિત્યિક કાર્યક્રમોમાં પહોંચવાનો તેમનો જીવનક્રમ બહુ ખોરવાયો નહીં. પરિવારજનો સાથે તો હોય જ, એમના મિત્રો – ચાહકો સાથેના એમના ઉષ્માભર્યા વ્યવહારમાં લગીરેક પણ ઓટ આવી નહીં. દલિત સાહિત્ય જેના માટે પૂર્ણ પ્રતિબદ્ધતાથી આજીવન અને આ ક્ષણ સુધી કાર્યરત રહ્યા છે, તેની વાત કહેવા, લખવા, સાંભળવાને તો તેઓ જાણે કે ક્યારે ય થાકશે જ નહીં !
બે વર્ષ પહેલા આઠમા દાયકાની જીવનયાત્રામાં પ્રોસ્ટેટ કેન્સરના ઓપરેશન માટે ચિંતાતુર પરિવારજનોને બહાર રડતા રાખીને ભીખુભાઈને ઓપરેશન ટેબલ પર લવાયા ત્યારે, બેહોશ કરતા પહેલા ડૉક્ટરે એમને પૂછ્યું : ‘કંઈ ચિંતા જેવું ?!’………… ને હસીને ભીખુભાઈએ ડૉક્ટરને કહેલું : ‘ના રે ના… આ આંખો હંમેશ માટે અહીં જ મીંચાઈ જશે તો પણ આનંદ.’
ડૉક્ટરે આ સાંભળીને ને તે પછી ચાર કલાકે ભીખુભાઈ ભાનમાં આવ્યા ત્યારે, એમ બે વાર ભીખુભાઈનો ખભો થાબડેલો.
જીવન અને મૃત્યુના સત્યને પામી ચૂકેલા અને નિરાશ થયા વિના જીવનની કડવી વાસ્તવિકતાઓને હસતા મુખે સ્વીકારવાની સમજણ કેળવી ચૂકેલા ભી.ન. વણકરનો જીવન પ્રત્યેનો આ વાસ્તવદર્શી અભિગમ એમના વિપુલ સાહિત્યમાં પણ પ્રગટતો રહ્યો છે.
ચાર કવિતાસંગ્રહો (યાદ, ઓવરબ્રિજ, અનુબંધ, મૌનના મુકામ ૫૨), બે વાર્તાસંગ્રહો (વિલોપન, અંતરાલ), બે લઘુકથાસંગ્રહો (ચીસ / चीख ગુજરાતી હિન્દી), છ વિવેચનસંગ્રહો (પ્રત્યાયન, અનુસંધાન, નવોન્મેષ, પર્યાય, દલિત સાહિત્ય, વિવૃત્તિ), બે કવિતા આસ્વાદના સંગ્રહો (યથાર્થ અને સૂર્યાયન) એક રેખાચિત્ર (રણદ્વીપ), એક સંતચરિત્ર (અનહદ), એક નિબંધસંગ્રહ (અનુચ્છેદ) અને બે સહસંપાદનો (નિસબત-૨૦૧૬ – ‘દલિત કવિતા અને કવિની કેફિયત’ અને નિસબત – ૨૦૧૮- ‘ટૂંકી વાર્તા અને વાર્તાકારની કેફિયત’) મળી તેમના ૨૧ જેટલાં પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે અને હજી બીજાં ૧3 (તેર) પુસ્તકો હસ્તપ્રતરૂપે યા તો કોમ્પ્યુટર કંપોઝ થઈને પ્રકાશિત થવાની રાહ જોતાં ઊભાં છે. જેમાંનાં કેટલાંકની તો પ્રસ્તાવનાઓ પણ લખાઈને આવી ચૂકી છે.
આ ૧3 પ્રકાશ્ય પુસ્તકો પર એક નજર કરીએ તો તે છેઃ બે કવિતાસંગ્રહ ( सूरज की ओर અને સૂર્યદૂત), એક વાર્તાસંગ્રહ (યક્ષ અને નિયતિ), ત્રણ વિવેચનસંગ્રહ (પ્રત્યય, અન્વય, સ્વાધ્યાય), ત્રણ કવિતા આસ્વાદ (સૂર્યક્રાન્તિ, સૂર્યાનૂભૂતિ, સૂર્યોત્સવ) અને ત્રણ પ્રકીર્ણ પુસ્તકો (શબદ હમારા સાચા, अमृतस्य पुत्रा મૃત્યંજય), આત્મકથનાત્મક ચરિત્રો (સૂરજ પંખીની વેદના).
આ લખી રહ્યો છું ત્યારે એમના સમગ્ર સાહિત્યનો પરિચય આપતો, પ્રતિષ્ઠિત સાહિત્ય સંસ્થા દ્વારા – એક વરિષ્ઠ સાહિત્યકારના સંપાદન હેઠળનો ૫૦૦ પાનાંનો દળદાર ગ્રંથ – ‘ભી.ન. વણકર અધ્યયન ગ્રંથ’ પણ હવે પ્રકાશિત થવાની આખરી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. આ પ્રકાશ્ય ગ્રંથમાંથી પસાર થવાની એક તક મને પણ મળી.
અહીં ગુજરાતી દલિત સાહિત્યના આરંભકાળથી આજ પર્યંત કવિતા, વાર્તા, વિવેચન, લઘુકથા, નિબંધ, રેખાચિત્ર, આત્મકથા જેવી વિદ્યાઓમાં પોતાના બહુમૂલ્ય પ્રદાન થકી, ગુજરાતના પ્રતિબદ્ધ દલિત સાહિત્યકારોમાં અગ્રિમ સ્થાને રહેલા ભી.ન. વણકરની સંઘર્ષમય જીવનયાત્રાનો અને એમની અપ્રતિમ દલિત સાહિત્ય સેવાનો પરિચય આપવાનો પ્રયાસ છે. 01 મે 1942ના દિવસે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામે માતા સાંમીબહેન – પિતા નથવાભાઈના ખોરડે જેમનો જન્મ એવા ભીખુભાઈએ પ્રાથમિક શિક્ષણ વતનના ગામે મેળવીને ધોરણ સાતથી નવનો અભ્યાસ એ.વી. સ્કૂલમાં કર્યો હતો. વીસનગરની નૂતન હાઈસ્કૂલમાં ધોરણ દશ અને અગિયારનો અભ્યાસ તેમણે હમણાં જ 102ની ઉંમરે વિદાય લઈ ચૂકેલા લડાયક દલિત આગેવાન અને દલિત સાહિત્યકાર બબલદાસ ચાવડા સ્થાપિત સયાજી વિદ્યાર્થી આશ્રમ – વીસનગરમાં રહીને પૂર્ણ કર્યો હતો.
બી.એ. સુધીનો અભ્યાસ વિસનગરની એમ.એન. કોલેજમાં કરીને, નડિયાદ કૉલેજ અને અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટીમાં ભણી તેમણે એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ અમદાવાદની મોતીલાલ નહેરુ લો કૉલેજમાં એલ.એલ.બી.ની ડિગ્રી પ્રાપ્ત કરીને, અમદાવાદની ન્યૂ લો કૉલેજમાં એલ.એલ.એમ.ના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો. અભ્યાસ દરમિયાન એમને અમદાવાદ જિલ્લા પંચાયતમાં ક્લાર્કની નોકરી મળી હતી અને અંતે એક રાજ્યપત્રિત અધિકારી તરીકે બઢતી મેળવીને તેઓ નિવૃત્ત થયા હતા. સરકારી સેવાઓમાંથી નિવૃત્ત થયા બાદ કાયદાના પોતાના ઉચ્ચ અભ્યાસને કારણે પ્રાપ્ત થયેલ વકીલાત કરવાની સનદનો સદ્દઉપયોગ કરી ગાંધીનગરની કોર્ટમાં તેમણે વકીલાત પણ કરી.
ઉચ્ચ અભ્યાસના, સરકારી નોકરીના અને નિવૃત્તિ પછી પ્રેક્ટિસીંગ એડવોકેટ તરીકેના જીવનના આ અત્યંત વ્યસ્ત વર્ષોમાં પણ ભીખુભાઈએ ન માત્ર વિપુલ માત્રામાં દલિત સાહિત્યનું સર્જન કર્યું, સાહિત્યસેવાની સમાંતરે દલિત સમાજના એક બૌદ્ધિક અને જાણતલ આગેવાન રૂપે સમાજોત્થાન – સમાજાગૃતિનું કાર્ય પણ પૂર્ણ પ્રતિબદ્ધતા અને જવાબદારીપૂર્વક નિભાવ્યું.
નિવૃત્ત શિક્ષિકા પત્ની મણિબહેન, એનેસ્થિસિયૉલૉજિસ્ટ ડૉક્ટર પુત્ર સિદ્ધાર્થ, બેન્ક મેનેજર પુત્ર મનીષ અને એમ.એ.,બી.એડ્.,એમ.ફિલ. થયેલી દીકરીઓ ગીતાંજલિ, યોગિની અને એમ.એ.,બી.એડ્.,એલ.એલ.બી. થયેલ દીકરી પ્રજ્ઞાને હવે તો ઉચ્ચ અભ્યાસ કરનારા આ સંતાનોના ય સંતાનો સાથે એક કિલ્લોલ કરતા પરિવારના મોભી છે ભીખુભાઈ.
અમાનવીય જાતિગત ભેદભાવોને જેમણે જોયાં અને વેઠ્યા એવા મિલમજૂર – પછીથી ભાગિયા ખેડૂત બનેલા – પિતા અને ખેતમજૂર માતાના અભાવગ્રસ્ત અને સંઘર્ષરત દલિત પરિવારના સંતાનથી શરૂ થયેલી પોતાની જીવનસફર આજે જો આ મુકામ પર પહોંચી છે તો તે દલિતોના ઉધ્ધારક મહામાનવ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અને એમના વિચારવારસાનો પ્રતાપ છે, એમ ભીખુભાઈ દૃઢપણે માને છે.
માતા-પિતા-પરિવાર ઉપરાંત પોતાની દલિત સાહિત્ય અને સામાજિક પ્રવૃત્તિઓની સુદીર્ઘ યાત્રા દરમિયાન મળેલા મિત્રો, ચાહકો, ભાવકો, પ્રોત્સાહિત કરતા રહેલા માર્ગદર્શકોની સાથે બાબાસાહેબના ક્રાંતિકારી વિચારોનો તેમના જીવનઘડતરમાં સિંહફાળો રહ્યો છે, એમ કહેતા ભીખુભાઈનો નિર્ધાર પોતાનું શેષ જીવન દલિત, દુબળા, દરિદ્ર, ઉપેક્ષિત સમાજની સેવામાં શબ્દસાધના કરતા વિતાવવાનો છે.

ભીખુભાઈ ન વણકર
એમના આત્મકથનાત્મક સ્મરણ ‘સૂરજ પંખીની વેદના’માં દાદા, માતા, પિતા સહિતના પૂર્વજો અને પરિવારજનો વિશે અદ્દભુત આલેખનો (રેખાચિત્રો) જોવા મળે છે.
સૂતર વેચવાનો ને વણવાનો વેપાર કરતા અને પંચ-પરગણામાં આગેવાન તરીકે ઓળખાતા, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા દાદા નરસિંહભાઈ રત્નાભાઈ વણકરના ઘરે ત્રણ – ત્રણ સાળ (કાપડ વણવાની સાળ) હતી અને તેઓ ગાયકવાડી સરકારના સ્ટેમ્પ પેપર પર સગાંઓ અને સમાજબંધુઓને ચાંદીના રોકડા રૂપિયાની લેતી-દેતી કરતા. ચાંદીનો હોકો ગડગડાવતા.
દૂરંદેશ એવા દાદાના પ્રતાપે જ ભીખુભાઈના પિતા નથવાભાઈ અક્ષરજ્ઞાન મેળવી શકેલા. પિતાને તેઓ ‘ભા’ કહેતા.
એ સ્મરણમાં ભીખુભાઈ લખે છે : ‘દાદાના અવસાન બાદ ‘ભા’એ એમના થકી થયેલ લેવડ- દેવડના તમામ ચોપડા – દસ્તાવેજો સળગાવી નાખેલા. ભર્યાભર્યા ઘરમાંથી દાદા સહિત દાદી, કાકાઓની એક પછી એક વિદાય થતાં ‘ભા’ બહુ નિરાશ થઈ ગયા હતા. ‘ભા’ વણવાનું છોડી અમદાવાદ જઈ મિલમાં મજૂર તરીકે જોડાયા. તે રાષ્ટ્રીય ચળવળના દિવસો હતા અને મજૂર મહાજન સક્રિય હતું. ‘ભા’ તેના સભ્ય હતા કે કેમ તે તો મને નથી ખબર પણ ત્યારે બાબાસાહેબ આંબેડકર સ્થાપિત ‘ઓલ ઇન્ડિયા સ્ટેટ શિડ્યુલ્ડ કાસ્ટફેડરેશન’(1942)ના 135 સભ્યોમાં 99માં ક્રમે મારા ‘ભા’ – નાથાભાઈ નરસિંહભાઈ (સુંદરપોર – તા. વિજાપુર) પણ હતા એના દસ્તાવેજી પુરાવા ઇતિહાસકાર પી.જી. જ્યોતિકરના પુસ્તકમાં છે.’ ભીખુભાઈ લખે છેઃ ‘મારા જન્મ (1/5/1942) સમયે મારા ‘ભા’ આંબેડકરી ચળવળમાં સક્રિય હતા. અંદાજે દોઢ – બે વર્ષ રહી ‘ભા’ અમદાવાદ તેમને અનુકૂળ ન આવતા અને વતનમાં પરિવારની આર્થિક સ્થિતિ કથળતાં પાછા સુંદરપુર આવીને વસ્યા હતા અને ગામમાં ભાગિયા ખેડૂત તરીકે ખેતીકામમાં જોડાઈ ગયેલા. ‘ભા’ ધરમ-કરમના કુંડાળામાં માને નહિ, બાધા-આખડી કે ભૂત-પલિતનો મૂળસોતો ઈન્કાર કરતા, જ્યોતિષ-ભવિષ્યની કોઈ ધારણાઓ રાખે નહીં, માત્ર તનતોડ કાળી મજૂરી કરવામાં માને.’
ભીખુભાઈ જીવનપર્યંત આંબેડકરી વિચારધારાને સમર્પિત રહ્યા અને સ્વતંત્ર વિચાર સાથે એમના સાહિત્યમાં જીવનની વાસ્તવિકતાઓને આલેખતા રહ્યા, તો એનો એક અનુબંધ આમ પિતા સાથે જોડાયેલો છે.
‘મારી મા, મારો પરિવાર, મારો સમાજ અને બાબાસાહેબ આંબેડકર મારા જીવનના સાચા શિક્ષકો છે.’ એમ કહેતા ભીખુભાઈએ 8/9 જૂન, 2024ના બે દિવસો માટે સમતા એજ્યુકેશન સંસ્થાન, અમરાપુર-દહેગામ ખાતે યોજાયેલા ‘ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન’ના સાહિત્ય અધિવેશનમાં ‘કેસરબા પ્રતિષ્ઠાન દલિત સાહિત્ય એવોર્ડ’ સ્વીકારતા આપેલા પ્રતિભાવમાં, કરુણા, વેદના અને સંવેદનશીલતા એમને માના આંસુઓમાંથી મળી હોવાની ખૂબ જ હૃદયસ્પર્શી કેફિયત રજૂ કરી હતી.
પિતાએ ટૂંકી માંદગીમાં (1951માં) વિદાય લીધી ત્યારે 8 (આઠ) વર્ષના બાળક ભીખુભાઈએ માતાની સોડમાં બેસી, પિતાના વિરહમાં ઝૂરતી માતાના આંસુઓને પોતાના ગાલ પર ઝીલ્યાં છે.
તેઓ કહે છે : ‘મારા લેખનમાં વ્યક્ત થતાં કરુણા, વેદના અને સંવેદનશીલતાના ભાવોને મારી માના આંસુઓ સાથે સીધો સંબંધ છે.’
‘માડી મને સાંભળે રે’ (સં.: ચંદુ મહેરિયા) અને ‘નયા માર્ગ’(સં.: સ્વ. ઈન્દુકુમાર જાની)માં ‘વીરડી’ હેઠળ માના રેખાચિત્રમાં ભીખુભાઈ લખે છે : ‘મા વિશે લખવું ખૂબ મુશ્કેલ છે, મા તો છે જીવન સાથે જડાયેલી જીવંત ઘટના. મારા પિતાના અવસાન પછી મારી માતાને મેં ક્યારે ય હસતા જોયાં નથી. હરહંમેશ ગમગીન અને ચિંતાતુર. પિતાજીના અવસાનથી આખું કુટુંબ નિરાધાર બની ગયેલું, પણ સમજુ મા અને મોટાભાઈએ હિંમતપૂર્વક બધું સંભાળી લીધેલું. પિતાની હયાતી વિનાનું ઘર કુટુંબની કમનસીબ અને કરુણ કથની સમું હતું. કરુણામૂર્તિ માએ અમારા માટે વસાવ્યું હતું વેદનાનું ઘ૨ – એક માત્ર શ્રદ્દા તે શ્રમ અને આંસુ તે સુખ.’
એક આંખે જાગતી, એક આંખે ઊંઘતી અને પરિવારના ભવિષ્યની સતત ચિંતા કરતી માને સવારે વલોણાં વખતે બાળક એવા ભીખુભાઈ સામે બેસીને નેતરું (દોરડું) પકડતા, મા કહેતી “નેતરું ઢીલું મૂકો તોયે ગોળી (વલોણા માટેનું મોટું માટલું) ફૂટે ને નેતરું ખેંચી રાખો તોયે. માટે બંને હાથે તે બરાબર ખેંચાવું જોઈએ.
ભીખુભાઈ લખે છે : ‘એ વલોણું અને માના આ શબ્દો મને જીવનમંથનના પ્રતીક સમા લાગ્યા છે અને એને મેં મારાં સાહિત્યસર્જનમાં એક સિદ્ધાંતરૂપે સ્વીકાર્યા છે.’
પરિશ્રમ જેનો પ્રાણ હતો અને જે કદી નિરાંત જીવે રહી નથી, એ માના જીવનની કરુણતા અને કઠણાઈ જ મારી કવિતાની પાઠશાળા બની રહી, એમ કહેતા ભીખુભાઈ લખે છે : ‘માએ 26 સપ્ટેમ્બર 1965ના રોજ સ્થૂળ અર્થમાં વિદાય લીધી. પણ મા કોઈની મરતી નથી. હા, આજે મા નથી. માની સ્મૃતિ છે. મને કહેવા દો, મારી મા કવિ નહોતી, પણ કરુણામય જિંદગીમાં કવિતા જીવી ગઈ. વેદના અને વિષાદ; શ્રમ અને સમજ; આંસુ અને ઉજાગરો – જિંદગીની આ અમીરાત મેં મેળવી છે મા પાસેથી. એને જ્યારે શબ્દોમાં ઉતારું છું ત્યારે લોકો તેને કવિતા કહે છે.’
પિતાની વિદાય બાદ વિધવા માતાને સહારે દારૂણ ગરીબી ભોગવતાં ભોગવતાં – અપાર સંઘર્ષ વચ્ચે ભીખુભાઈએ ભણવાનું ચાલુ રાખ્યું. તેમાં ભણવામાં તેજસ્વી મોટાભાઈએ પોતાનો અભ્યાસ છોડી દઈ ખેતમજૂરી કરતા રહીને – પોતાનાથી નાના બે ભાઈઓને ભણવા માટેની તક આપી તેનો ઋણસ્વીકાર ભીખુભાઈ અંતરમનથી કરે છે.
શાળાજીવનના અસ્પૃશ્યતાના અનુભવોને વર્ણવતા તેઓ કહે છેઃ ‘ધોરણઃ 1માં આચાર્ય મને અપમાનજનક શબ્દથી બોલાવે, છેલ્લે બેસાડે અને પાણી મારે દૂરથી ઊંચેથી પીવું પડતું. ગામના તળાવમાં અને હવાડામાં હું મારી ભેંસને પાણી પાવા લઈ જતો પણ તે પાણીમાં મારા પગ પલાળી શકતો નહોતો. મજૂરીએ જતો ત્યાં પણ આ જ અનુભવો થતાં, એથી હું મારું પાણી સાથે લઈને જતો. સ્કૂલમાં મોટે ભાગે તરસ્યો જ રહેતો.’
લખે છે : ‘હું દસેક વરસનો હોઈશ ને વેઠપ્રથાના ઈન્કાર બદલ ગામના લોકોએ મારા કાકાના ઘર પર હુમલો કરેલો અને વાસમાં હાહાકાર મચી ગયેલો. કાકાએ ભાગી જઈને આ હુમલાખોરો પર પોલીસ કેસ કરેલો, ત્યારે વાસમાં થતી સામાજિક કાર્યકરોની અવર-જવરને હું જોઈ રહેલો. આ ઘટના પછી છૂતાછૂતથી, અત્યાચારથી, દલિતોને થતા અન્યાયથી હું ઠીક ઠીક વાકેફ થયો. અમારો કૂવો આગવો, અમારું સ્મશાન આગવું, તળાવ પણ આગવું, મંદિર પણ આગવું (કાલિકા માતાનું), અમારી સાથેનો વ્યવહાર પણ અલગ અને અમારો વાસ પણ.’
ભીખુભાઈ છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે સ્વતંત્રતા દિવસે શાળા શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે ‘સત્યકામ જાબાલી’ અને ‘ગુરુ દ્રોણ’નાં નાટકો ભજવાવેલાં. એમાં ગૌતમ ઋષિના ‘તારું ગૌત્ર કયું ?’-ના પ્રશ્ન સામે સત્યકામનો ‘મને ખબર નથી. મારું નામ સત્યકામ અને મારી માનું નામ જાબાલી’ એવો ઉત્તર તથા દ્રોણાચાર્યે ગુરુદક્ષિણામાં માંગેલા એકલવ્યના અંગૂઠાના નાટકના દૃશ્યોને જોયા બાદ તેઓ એ રાત્રે ઊંઘી શક્યા નહોતા. બસ એકલવ્ય અને સત્યકામ વિશે જ વિચારતા રહ્યા . . . ને એ રાત્રે જ નિશ્ચય કરી લીધો કે જીવનભર આવી ગુરુદક્ષિણા હું ક્યારે ય કોઈને નહીં આપું.’

ભી.ન. વણકર
શાળાજીવનનો અસ્પૃશ્યતાનો એ કડવો અનુભવ તેમને આજે ય કણસાવે છે, જ્યારે શિક્ષકે ‘સહસ્રલિંગ’ અને ‘મસ્જિદ’ જેવા શબ્દોનું વર્ગમાં સૌને શ્રૃતલેખન કરાવ્યું. વર્ગમાં બીજા કોઈએ નહિ પણ ભીખુભાઈએ એ વાંચી બતાવ્યા ત્યારે, શાબ્બાસી કે પ્રસંશા તો એક તરફ, શિક્ષકે અન્ય ઉચ્ચ જ્ઞાતિના વિદ્યાર્થીઓને સંબોધીને કહ્યું : ‘સાલા બળદિયાઓ, આ ઢે.(જાતિસૂચક અપશબ્દ)ને આવડ્યું ને તમને ન આવડ્યું ?
આમ છતાં-શાળાજીવનથી જ જાતિવાદના આવા કા૨મા અનુભવો છતાં સયાજી વિદ્યાર્થી આશ્રમ-વીસનગરમાં રહી તેઓ બી.એ. સુધી પહોંચ્યા. ગુજરાતી, હિન્દી, મનોવિજ્ઞાન એમના અભ્યાસના વિષયો હતા. અહીં જ મેઘાણી, સુંદરમ્, ગાંધીજી, ન્હાનાલાલ, ગોવર્ધનરામ એમને ભણવા મળ્યા અને કવિતાની સમજ મળી. એમની કવિતાઓ છાત્રાલયના અને કૉલેજના ભીંતપત્રો પર રજૂ થતી.
તેઓ બી.એ.ના છેલ્લા વર્ષમાં હતા ત્યારે વતનના ગામમાં નવી હાઈસ્કૂલ નિર્માણ પામી હતી. આ હાઈસ્કૂલના આચાર્ય અને ભીખુભાઈના પૂર્વ શિક્ષકે ભીખુભાઈને બી.એ. પાસ થયા પછી પોતાની સ્કૂલમાં નિમણૂંક આપવાનું કહીને, સમય અનુકૂળતા અનુસાર હાઈસ્કૂલમાં ગુજરાતી વિષય ભણાવવા માટે આવતા રહેવા જણાવ્યું હતું.
તેઓ કહે છે : ‘જુનિયર બી.એ.માં હતો ત્યારે વતનની માધ્યમિક શાળામાં હું વારંવાર જતો, પિરિયડો લેતો. આચાર્ય તરફથી સધિયારો અને સહાનુભૂતિ પણ ખરી. 1964માં હું બી.એ.માં હતો ત્યારે એ સ્કૂલમાં એક દિવસે દલિત વિદ્યાર્થીઓને પાણીની પરબે બહાર ઊભા રહીને કોઈ પીવડાવે ને તેઓ ખોબે ખોબે પીવે એમ પાણી પીતાં જોયા અને મારો ભીતરનો આક્રોશ ભભૂકી ઊઠ્યો. આચાર્યને ફરિયાદ કરી તો,‘આ તો આમ જ ચાલે’ કહી ખાસ દરકાર ન કરી. મારા રોષ સામે આવી સાવ ઠંડી પ્રતિક્રિયા જોઈ મેં ખુલ્લો બળવો કર્યો અને પ્રતિકાર રૂપે શિક્ષણ, પોલીસ અને સમાજકલ્યાણ ત્રણેય વિભાગોમાં અરજીરૂપે આ ઘટનાની ફરિયાદ કરી. સમસમી ઊઠેલા – દુણાયેલા ગ્રામજનો દ્વારા મારો અને મારા વાસનો બહિષ્કાર થયો. ‘મારો – મારો’ના નારા સાથે મારા અને મારા વાસ પર હુમલાના પ્રયાસો થયા. પણ હું ઝઝૂમ્યો અને અંતે વિજયી થયો. ત્યારે આ ઘટનાને ‘દીનબંધુ’ (તંત્રી : ધનજીભાઈ જોગદિયા) અને ‘તમન્ના’ (તંત્રી : જયંતી સુબોધ) જેવા દલિત સામયિકોએ વ્યાપક પ્રસિદ્ધિ આપીને અમારી લડતને સફળ બનાવી હતી.’
અહીં એ નોંધનીય છે કે, 1964ના અરસાના આ એ જ દલિત સામયિકો (‘દીનબંધુ’ અને ‘તમન્ના’) છે, જેમાં દલિત સમાજની સમસ્યાઓ અને વેદના-વીતકને વાચા આપતા સંખ્યાબંધ આલેખનો લાંબો સમય સુધી ભીખુભાઈએ કર્યા હતા. દલિત સાહિત્ય કે તેની વિભાવનાએ તો તેના ઘણાં વર્ષો પછી આકાર લીધો. આ જ સમયગાળામાં દલિતોના સામાજિક પ્રશ્નો માટે જુદા જુદા સંગઠનો હેઠળ પણ તેઓએ બહુ જ સક્રિયતાથી કામ કર્યું હતું .
આ જ એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો અને અહીંથી જ અન્યાય સામે અવાજ ઉઠાવવાને આંદોલનના રાહ તરફ જવાની એમની શરૂઆત હતી. જેણે દલિત સાહિત્યને એક પ્રતિબદ્ધ, સત્ત્વશીલ અને સંવેદનશીલ દલિત સાહિત્યકાર સંપડાવ્યા.
*
ગુજરાતી દલિત સાહિત્યની ચર્ચા જેમના ઉલ્લેખ વિના અધૂરી ગણાય છે એવા લબ્ધપ્રતિષ્ઠ દલિત સર્જક ભી.ન. વણકર એક જીવનવાદી સાહિત્યકાર છે. એમણે એ જ આલેખ્યું જે જીવનભર એમણે જોયું, જાણ્યું અને અનુભવ્યું. દલિત માતા-પિતાને ત્યાં જન્મ, ઉછેર અને આ દલિત સમાજ વચ્ચે જ શ્વસતા-જીવતા રહીને એમના સંવેદનશીલ હૃદયે આત્મસાત કરેલી આ સમાજની વ્યથા, વેદના, પીડાનો અવાજ અને આવા અન્યાય સામે પ્રતિકારનો એક બુલંદ અવાજ, તેમના સાહિત્યમાં પ્રતિબિંબિત થતો રહ્યો છે. તેથી જ અગ્રિમ સાહિત્યકાર મોહન પરમાર પણ કહે છે : ‘ભી.ન. વણકર ગુજરાતી દલિત સાહિત્યના અગ્રહરોળના પ્રતિબદ્ધ સાહિત્યકાર છે. એમણે માત્ર અને માત્ર દલિત સમસ્યાને કેન્દ્રમાં રાખીને કૃતિઓની રચના કરી છે. સમાજમાં પ્રવર્તી રહેલા અનિષ્ટોને કઈ રીતે ડામી શકાય તે એમની કૃતિઓનું વિષયવસ્તુ રહ્યું છે. સમાજના ઘડતરમાં કયા પરિબળો મહત્વના છે અને કયા નુકસાનકારક છે તેની એમને જાણ છે. એ ભેખધારી સર્જક તો ખરા જ, પણ ભેખધારી દલિત કર્મશીલ પણ છે. દલિત સમસ્યાને સ્પર્શતો કોઈપણ વિષય એવો નહીં હોય જેનાથી તેઓ અજ્ઞાત હશે. સામાજિક ચેતનાજગતના કાર્યકારણના એ પક્ષકાર છે; તો સામાજિક સમતુલાને નષ્ટ કરતાં અનિષ્ટો-દૂષણોના છડેચોક વિરોધી પણ રહ્યા છે. બાબાસાહેબ વિશે તો એ ઘણું બધું જાણે છે અને એથી એમના જીવનનાં મહત્ત્વનાં પાસાંઓની ચર્ચા પણ કરી શકે છે. ભીખુભાઈ એક બહુશ્રુત, પ્રતિભાવંત અને કર્મશીલ સર્જક છે.’
ભી.ન. વણકર એમની સાહિત્ય સેવાઓ માટે (1) ગુજરાત સાહિત્ય સંગમ નારાયણ ગુરુ પુરસ્કાર – 2001 (આંતર ભારતીય સાહિત્ય સંસ્થા) (2) સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ- 2004-2005 (ગુજરાત સરકાર) (3) ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી – શ્રેષ્ઠ નવલિકા પુરસ્કાર – 2011 (ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી) (4) સાહિત્ય સેવા રૌપ્ય ચંદ્ર – 2017 (હરિજન કેળવણી મંડળ – વીસનગર) (5) ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન શ્રેષ્ઠ વાર્તા પુરસ્કાર – 2019 અને (6) કેસરબા પ્રતિષ્ઠાન શ્રેષ્ઠ દલિત સાહિત્યકાર પુરસ્કાર – 2024 (દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન) જેવા પુરસ્કારોથી ગૌરવાન્વિત થયેલા સાહિત્યકાર છે.
સાહિત્યની અને સામાજિક પ્રવૃત્તિઓ માટે પ્રત્યાયન સાહિત્ય વર્તુળ (ધોળકા), વતનના પાંચ ગોળ : બેંતાલીસ વણકર સમાજ, તેમની માતૃસંસ્થા સયાજી વિદ્યાર્થી આશ્રમ (વીસનગર) સહિતની અનેક સામાજિક સંસ્થાઓએ તેમને સન્માનિત કર્યા છે.
દલિત સાહિત્ય અને દલિત સમાજના અભ્યાસી અને બહુશ્રુત વિદ્વાન સાહિત્યકાર ભી.ન. વણકરે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં દલિત સાહિત્ય – સમાજ પર વ્યાખ્યાન આપ્યા છે. મુંબઈ – પુના સહિતના બહારના પ્રદેશોમાં પણ તેઓ ગુજરાતી દલિત સાહિત્યનો પ્રચાર-પ્રસાર એમનાં વક્તવ્યોમાં કરતા રહ્યા છે. અનેક નેશનલ સાહિત્ય સેમિનારોમાં તેઓ વક્તવ્યો આપી ચૂક્યા છે. Ph.D. છાત્રો એમના સાહિત્ય પર અભ્યાસ કરી રહ્યા છે. એમની ‘વિલોપન’, ‘ધારાવઈ’ જેવી વાર્તાઓ વિવિધ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમોમાં અને ‘ઓવરબ્રિજ’ કવિતા ગૂજરાત વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં સ્થાન પામી છે. એમના ‘પ્રત્યાયન’, ‘દલિત સાહિત્ય’ જેવા વિવેચનગ્રંથો પણ ગૂજરાત વિદ્યાપીઠમાં સંશોધન ગ્રંથો તરીકે અભ્યાસક્રમમાં મુકાયા છે. આમ, એમની અનેક કૃતિઓ મહાવિદ્યાલયોમાં તેના અભ્યાસક્રમમાં સ્થાન પામી છે. ઘર આંગણેની ‘ગાંધીનગર દલિત સાહિત્ય સભા’ અને ગુજરાત સ્તરે કાર્યરત ‘ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન’ના પણ તેઓ અધ્યક્ષ રહી ચૂક્યા છે.
અહીં ગુજરાતી દલિત સાહિત્યયાત્રાના પ્રમુખ સૂત્રધારો પૈકીના એક મહત્ત્વના અને પાયાના સર્જક ભી.ન. વણકરના વિપુલ સાહિત્ય પરના એક વિહંગાવલોકન પાછળનો આશય સાહિત્યભાવકો – ચાહકોને તેમની બૃહદ્દ સર્જકતા – સૃજનકલાથી પરિચિત કરાવવાનો છે.
કવિતા:
ભલે મારા દેહે, સકલ તનમાં શોણિત વહો;
અને મારા હૈયે, સકલ જનના તાપ જ લહો.
છતાં હૈયું ઝંખે, મનુજ ઉરમાં ચેતન ધરું;
અને હૈયા ગાને, જગતભરમાં સૌરભ ભરું (23 સપ્ટે. 1961)
ભી.ન. વણકર યાને ભીખુભાઈની શબ્દયાત્રા તો છેક 1961થી આરંભાયેલી. આ પંક્તિઓ હેઠળનું કાવ્ય 1965માં એમની કૉલેજના મુખપત્ર ‘માણિકયમ્’માં છપાયું તે સાથે બીજી અનેક પ્રણયરંગી કાવ્યરચનાઓ પણ તે સમયગાળામાં પ્રસિદ્ધ થઈ જેને સમાવતો ‘યાદ’ (1993) પ્રથમ કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત થયો અને આવકાર પામ્યો. માધવ રામાનુજ સહિતના સિદ્ધહસ્તોએ એને આવકાર્યો હતો.
ભીખુભાઈ કહે છે : ‘પ્રારંભમાં હું લલિત કવિતા અને છંદોબદ્ધ રચનાઓનો ચાહક હતો. મારા યુવા મનને પ્રેમ-પ્રકૃતિ પણ આકર્ષતાં રહ્યાં. છતાં વતનમાં છૂતાછૂત અને શાળામાં રખાતા ભેદભાવને કા૨ણે વિદ્રોહ – સંધર્ષ – બહિષ્કાર સઘળું વેઠતાં વેઠતાં, વેદના અને વિદ્રોહની કવિતા તરફ વળ્યો. અમદાવાદમાં આવ્યા બાદ અનામત વિરોધી તોફાનો, દલિતો પરના હુમલા અને આંબેડકરી સાહિત્યના સંપર્કમાં આવતાં મારી કવિતાની વિભાવના જ બદલાઈ ગઈ. લલિતના બદલે હું દલિત સાહિત્ય તરફ વળ્યો.’ આમ એમનું લલિત કવિતાથી દલિત કવિતા અને એમ દલિત સાહિત્ય તરફ આવવું, ગુજરાતી દલિત સાહિત્યને ફળ્યું છે – ઉપકારક નીવડ્યું છે.
ભીખુભાઈનો બીજો કાવ્યસંગ્રહ ‘ઓવરબ્રિજ’ (2001), તેની આ શિર્ષ રચનાઃ
આ ગાય
અમારે ઘેર
ક્યારે ય ચાલી નથી
ભાંભરી નથી કે દૂધ પણ દીધું નથી
પછી
વિવાદ અને વિશાદ શો ?
વૈતરણી તરવા તો
અમે
ઓવરબ્રિજ બાંધી દઈશું !
પ્રસ્તાવનામાં જયંત ૨. જોષીએ ‘સશાસ્ત્ર હિંસા પછીના નવોન્મેષ’થી ‘ઓવરબ્રિજ’ને આવકારતા કહ્યું : ‘ભી.ન. વણકર કવિ તો છે જ, પણ તેમની કવિતાઓ માત્ર તેમની સ્વાનુભૂતિને વાચા આપતી દર્દકથાઓ નથી. તેમનો વિચારપટ વિશાળ છે’. તો મોહન પરમારે લખ્યું : ‘આ કવિની દિશા કાવ્યોને સિદ્ધ કરવા તરફની છે. એમની રચનાઓમાં દલિત સમસ્યા ઉગ્રપણે આવે કે ન આવે, પણ સામાજિક સંદર્ભો સાથે પૂરેપૂરી નિસબત ધરાવતા આ કવિ છે.’
રઘુવીર ચૌધરીએ પણ પોતાની સાહિત્ય કૉલમમાં જેની નોંધ લીધી હતી. તે ‘ઓવરબ્રિજ’ની આ વધુ એક રચનાઃ
રોટલો નથી રાજભોગ છે.
પંચિયુ નથી પિતાંબર છે.
ઘર નથી મઠ છે.
ઓ દુધૈવ !
માણસ
કેટલો નિર્માલ્ય છે ?
*
અન્યાયના
અંધારા જંગલમાં
સમાનતાનું
સ્વર્ગ શોધવા
નીકળ્યો છું
હું.
*
સત્યના
ક્રોસ પર લટકતો
એકલતાની
મૂંગી વેદનાનો
શહીદ છું.
હું.
એમનો ત્રીજો કાવ્યસંગ્રહ ‘અનુબંધ’ (2004). કેફિયતમાં ભીખુભાઈ લખે છે : ‘હું જે જીવન જીવ્યો છું. જે જીવન મેં જાણ્યું-અનુભવ્યું છે, તેની શબ્દસહજ અભિવ્યક્તિ તે ‘અનુબંધ’.
‘અનુબંધ’ ને આવકારતાં કવિ મધુકાન્ત કલ્પિતને, તેમાં દલિતજીવનને સ્પર્શતા માનવીય પ્રશ્નો, એની સમસ્યાઓ, મૂંઝવણો નવા પ્રકારે સૂક્ષ્મ રીતે, ચૈતસિક સ્તરે વિકસતી જણાઈ છે, તો કવિ રમણ વાધેલાના મતે ‘અનુબંધની કવિતાઓમાં દલિતોનો અવાજ અને પ્રતિબદ્ધતાનો સૂર છે.’ અનિલ ચાવડા માને છે કે, ‘અનુભૂતિના સંવેદન અને સહજતાના કારણે આ કવિ તેમની છાતીમાં દલિતોની પીડાની અનુભૂતિ કરી શકે છે અને તે જ શબ્દમાં ઊગી નીકળે છે.’
‘અનુબંધ’માં કવિની નિસબતને ઉજાગર કરતી આ રચનાઃ
અમારી
અપરિચિત વિભાવનાઓ
અભિજાત અભિગમો
આલેખવા ….
અમે જ અમારું ગીત છીએ.
‘અનુબંધ’ નિમિત્તે લખતાં ટીકેશ મકવાણાને લાગે છે કે, આ કવિ ગદ્ય લખતા હોય તોયે તેમાં પદ્યનો અહેસાસ મળે છે.
હા
હજી ય
હું જીવું છું,
એ જ
મારું સદ્દભાગ્ય છે. (‘અનુબંધ’)
આ કવિનો ચોથો કાવ્યસંગ્રહ છે ‘મૌનના મુકામ પર’ (2009). આ કાવ્યસંગ્રહને રજૂ કરતાં ભીખુભાઈ લખે છે : ‘આજનો મનુષ્ય વિક્ષુબ્ધ છે, સમાજ સંત્રસ્ત છે ત્યારે સર્જક ચૂપ કેવી રીતે રહી શકે ? સામાજિક સંચેતના અને માનવીય સંવેદનાની અભિવ્યક્તિ એટલે આ સંગ્રહની કવિતાઓ.’
વિષયવૈવિધ્યથી ભરપૂર, જીવનના વ્યાપક સંદર્ભો અને દલિતજીવનની વરવી વાસ્તવિકતાઓને સંવેદનાસભર રીતે અભિવ્યક્ત કરતી આ સંગ્રહની કવિતાના કેટલાક અંશોઃ
તમે પ્રતિબદ્ધ છો :
અમને અછૂત ગણવામાં
પરંતુ
યાદ રાખજો
અમે
વિદ્રોહના વૈતાલિક છીએ !
અમને
ભોમભીતર ભંડારશો
તોયે જ્વાળામુખી બનીને ભભૂકશું !
*
કોણે કહ્યું
બુદ્ધે યુદ્ધ નથી કર્યું ?
નહીંતર …
અહિંસા,
અનુકંપા
મૈત્રી અને મુદિતા
વિશ્વમાં આજે
માનવ હૈયે
અનુશાસન કરતા હોત ખરા ?
*
મને
જન્મથી જ
પરબે ના પાણી પાયું,
મંદિરે ના દર્શન આપ્યાં
નિશાળે ના ભણવા દીધો.
માત્ર ‘દૂર હટ્’નો ધિક્કાર,
મારા અસ્તિત્વનો ફિટકાર,
મારી અસ્મિતાનો ઈન્કાર.
તેથી જ, આજે –
પ્રગટી રહ્યો છું.
ક્યારેક શબ્દરૂપે !
ક્યારેક સૂર્યરૂપે !
અને
ક્યારેક ….
દલપત ચૌહાણના મતે, ‘ભીખુભાઈ શરૂઆતથી કવિતા સાથે જોડાયેલા અને આજ પર્યંત જોડાઈ રહેલા દલિતકવિઓમાં અગ્રીમ છે. કવિતામાં વિવિધ રૂપો પ્રગટાવતી, નાટ્યાત્મક અને કથનાત્મક પ્રયુક્તિઓ રચતી, આક્રોશને સંયત કરી જે કહેવું હોય તે જડબેસલાક કહેતી, દલિત વાસ્તવ અને સમસ્યાઓ, વિદ્રોહ અને ઈશ્વરનો નકા૨, નવીન સંધાન સાથે અજાણ ભાવપ્રદેશો ઉઘાડી આપે છે … સરળ, સીધી અને સમજાય તેવી શબ્દ-પદાવલિમાં આ કવિ ગાગરમાંથી સાગર ઠાલવે છે.’
દેવહુમા પણ માને છે કે, ભીખુભાઈની કવિતા ટૂંકા શબ્દોની ધાર છે અને પાણી પાયેલી તલવારની ધાર પર જરા ધીરેથી આંગળી ફેરવવી પડે છે !
ભીખુ વેગડા ‘સાફલ્ય’ના મતે એમના કાવ્યોમાં વેદના અને વ્યથાના સૂર ઘૂંટાયેલા છે અને એ વેદના સામાજિક ચેતનાની કવિતા બને છે. એમાં ઋજુ સંવેદનાઓ છે, આક્રોશ છે અને સંયત વિદ્રોહ છે.
વસ્ત્ર વણું ને ખુદ વણાઉ
તોયે ઉઘાડો રહું એટલો પાયમાલ છું.
(મૌનના મુકામ પર)
*
હું વેદનાનું વૃક્ષ છું.
મારી ડાળે …
પાંદડે પાંદડે
જ્વાળાઓ ભભૂકી રહી છે.
(મૌનના મુકામ પર)
વાર્તા :
એમના પ્રકાશિત બે વાર્તાસંગ્રહો છે; ‘વિલોપન’ (2001) અને ‘અંતરાલ’ (2019).
એક સિદ્ધહસ્ત વાર્તાકારના બે વાર્તાસંગ્રહો વચ્ચે 18 વરસોનો આવડો મોટો અંતરાલ તેમની નોકરીની વ્યસ્તતા અને સમાજજાગૃતિના અનેક મોરચેની તેમની સક્રિયતાને કારણે રહ્યો. ‘વિલોપન’ની 14 અને ‘અંતરાલ’ની 15 મળી 29 વાર્તાઓ ઉપરાંત, ગુજરાતના પ્રતિષ્ઠિત દલિત-લલિત સામયિકો, દિપોત્સવી અંકો, માહિતીખાતાના ‘ગુજરાત’ દિપોત્સવી અંકોમાં મળી તેમની વધુ 41 જેટલી દલિત વાર્તાઓ પ્રસિદ્ધ થઈ છે.
પ્રથમ વાર્તા ‘વિલોપન’ પ્રતિષ્ઠિત સામયિક ‘ચાંદની’ના જૂલાઈ 986ના અંકમાં પ્રસિદ્ધ થયા પછી એ જ નામે આ પહેલો વાર્તાસંગ્રહ પ્રસિદ્ધ થયો ને સાહિત્યકારો-સમીક્ષકો દ્વારા વ્યાપક આવકાર પામ્યો. કારમી ગરીબી અને અસ્પૃશ્યતાના ભારથી ચિત્કારી ઊઠેલો વાસનો એક યુવાન જાતે બળીને અપમૃત્યુને પામ્યો તેની વ્યથા-વેદનાને વાચા આપતી ‘વિલોપન’ વાર્તા સહિત આ સંગ્રહની તમામ વાર્તાઓ દલિત પીડા અને તે સામે આક્રોશ વ્યક્ત કરતી વાર્તાઓ બની રહી છે.
‘વિલોપન’ની વાત કરતા ભીખુભાઈ લખે છે : ‘લેખન માટે દલિત સર્જકોને ઉછીનું કથાનક લેવા જવું પડે તેમ નથી. સમાજમાં યુગોથી એની ભોમભીતર ધરબાયેલી વ્યથાકથાઓ વિપુલ છે.’
આગવા અવાજ સાથેની ‘વિલોપન’ની વાર્તાઓને વધાવતા દલપત ચૌહાણે કહ્યું : ‘આ વાર્તાકાર 1985થી વાર્તાઓ લખતા રહ્યા છે, અને એક વાત સ્પષ્ટ જણાય છે કે આ સંગ્રહની તમામ વાર્તાઓ દલિત વાર્તાની એરણ પર ખરી ઉતરી છે. તેમની વાર્તાઓમાં પ્રસંગ કે ઘટનાની સચ્ચાઈ, દલિત સામાજજિક પરિવેશ, તેમની ભાષાના લ્હેંકા-લઢણ-વર્તન, કથાઓમાં રહેલ આક્રોશ અને અખિલાઈ તેમને વાર્તાકાર બનાવવા માટે પૂરતા થઈ પડે છે.’
મોહન પરમારને તેમાં સામાજિક પરિસ્થિતિઓને લીધે સર્જાતી સમસ્યાઓનું વરવું રૂપ બળકટ રીતે ઊપસતું જણાય છે. વાર્તાકાર રાજેશ વણકરને અહીં વાર્તાઓનો વિષય મુખ્યત્વે દલિત સંદર્ભથી જોડાયેલો જણાયો છે. તેમના મતે, આ વાર્તાઓમાં સ્થળ મોટે ભાગે ગામડું છે અને તેમાં વાર્તાકાર તળજીવનનાં પાત્રો, પહેરવેશ, સામાજિક પરિવેશની સાથે અનામત આંદોલન સુધીના સમયને આવરી લેતા જણાયા છે.
ગામડાંનું રાજકારણ અને તેમાં દલિતોના શોષણ અને અદલિતોની તેમના પરની જોહુકમીને ખુલ્લી કરતી ‘વિલોપન’ની વાર્તાઓના સ્વતંત્ર અભ્યાસલેખો પણ ગણનાપાત્ર સંખ્યાના રહ્યા છે.
એમના બીજા વાર્તાસંગ્રહ ‘અંતરાલ’નો કેન્દ્રવર્તી સુર પણ દલિત સમસ્યા છે. અહીં વાર્તાકાર સમાજમાં જાતિવાદના દૂષણે, શોષિત-દલિત સમાજ માટે જે પારાવાર અવરોધો ઊભા કર્યા છે – મુશ્કેલીઓ સર્જી છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમાંથી માર્ગ શોધવાનો પ્રયાસ કરે છે.
વાર્તાકાર દશરથ પરમાર કહે છે : ‘1980-85ના ગાળામાં આધુનિક વાર્તાપ્રવાહ મંદ પડી ક્ષીયમાન થઈ રહ્યો હતો ત્યારે અને અનુઆધુનિકતા હજી પૂર્ણપણે પ્રસ્થાપિત થવી બાકી હતી ત્યારે તે સમયખંડમાં અનેક દલિત સર્જકો જે પ્રવૃત્ત થયા, તેમાંના એક ભી.ન. વણકર છે.’
મોહન પરમાર પણ કહે છે કે, ‘વાર્તાકળા અને વાર્તાની સૌંદર્યલક્ષી પ્રવિધિઓના ભોગે પણ ભીખુભાઈ દલિત ધારાને વફાદાર રહ્યા છે.’
લઘુકથા :
ગુજરાતી દલિત સાહિત્યમાં સૌપ્રથમ ‘દલિત લઘુકથા સંગ્રહ’ આપવાનો યશ ભી.ન. વણકરના હિસ્સે છે. સામયિક ‘ચાંદની’ના ફેબ્રુઆરી 1987ના અંકમાં તેમની ‘ચીસ’ દલિત લઘુકથા પ્રસિદ્ધ થયા બાદ તેમણે લખેલી 31 લઘુકથાઓનો સંગ્રહ એ જ – ‘ચીસ’ (2006) નામે પ્રસિદ્ધ થયો. ત્યારબાદ તે હિન્દીમાં (‘चीख’-2010, અનુવાદકઃ ધનંજય ચૌહાણ) અનુવાદિત થઈ પ્રકાશિત થયો.
‘ચીસ’ના સ્વકથનમાં તેઓ કહે છે : ‘સામાજિક ચેતના અને વેદનાની મુંગી ચીસે મને લઘુકથામાં પ્રવેશવાને પ્રેર્યો છે.’
લઘુકથાના મર્મજ્ઞ મોહનભાઈ પટેલ, રમેશ ત્રિવેદી અને હરીશ વટાવવાળાએ ‘ચીસ’ની સમુચિત નોંધ લીધી. મોહનભાઈ પટેલે કહ્યું : ‘આ દલિત લઘુકથાઓના લેખકની ભાષાકર્મની ફાવટ આકર્ષક છે. ભાષા પ્રવાહી, પ્રત્યાયન માટે સક્ષમ – સાહિત્યપદાર્થ ગર્ભિત છતાં સાંકેતિક અને વ્યંજનાસભર છે. જ્યારે રમેશ ત્રિવેદીને તે કટીબદ્ધ થઈ લખનારાઓ માટે પ્રેરણાસ્રોત સમો જણાયો છે. હરીશ વટાવવાળાના મતે તેમાં દલિત સમાજની સૂક્ષ્મ સંવેદનાઓ અને સમસ્યાઓનું નિરૂપણ ધ્યાનાકર્ષક છે. તેમને વાસ્તવ અને અતિવાસ્તવ વચ્ચેની સ્થિતિ, બોલચાલની ભાષાભિવ્યક્તિ, ભાવાભિવ્યક્તિ, આત્મલક્ષી સંવેદનો વગેરે જે સભાનપણે તાણાવાણાની જેમ ગુંથાયા છે, તે ગમ્યાં છે.’
‘ચીસ’ (હિન્દી અને ગુજરાતી) લઘુકથા સંગ્રહોની અનેક વિવેચકોએ નોંધ લઈને કેટલાકે તેને ગુજરાતી દલિત સાહિત્યનો ઐતિહાસિક મૂલ્ય ધરાવતો ગ્રંથ પણ કહ્યો છે.
વિવેચનઃ
ગુજરાતમાં દલિત સાહિત્યના પ્રારંભથી આજ સુધીમાં સાહિત્યની તમામ વિદ્યાઓમાં ખૂબ સર્જન થયું છે અને પ્રકાશિત ગ્રંથો પુસ્તકોની સંખ્યા પણ મોટી છે, છતાં તેની સમીક્ષા – વિવેચના – સમાલોચના કે અવલોકન પ્રમાણમાં ખૂબ ઓછાં છે. ગુજરાતમાં ગુજરાતી વિષયના દલિત અધ્યાપકોની સંખ્યા પણ ગણનાપાત્ર છે, છતાં તેમાં ય સમીક્ષા – અવલોકન ક્ષેત્રે બહુ ઓછા જ અધ્યાપકો પ્રવૃત્ત છે. આ સ્થિતિમાં દલિત વિવેચન ક્ષેત્રે ભીખુભાઈનું પ્રદાન એ રીતે પણ ઉલ્લેખનીય છે, કેમ કે મોટા ભાગનું ગુજરાતી દલિત સાહિત્ય તેમણે વાંચ્યું છે અને અત્યાર સુધીમાં નહીં નહીં તો તેમણે દલિત સાહિત્યનાં પચીસેક પુસ્તકોની પ્રસ્તાવનાઓ લખી છે, પચાસથી વધુ દલિત સાહિત્યકારોના અને તેમનાં પુસ્તકોના પરિચય લખ્યા છે. 300થી વધુ દલિત – પીડિત તથા વિશ્વકવિતાઓના આસ્વાદ લખ્યા છે, અને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમના દલિત સાહિત્ય પરના વક્તવ્યો યોજાયાં છે. ગુજરાત અને ગુજરાત બહાર અસંખ્ય સાહિત્ય સેમિનારોમાં પણ તેમણે દલિત સાહિત્ય પર તજ્જ્ઞ અભ્યાસી તરીકે વક્તવ્યો આપ્યાં છે.
ગુજરાતી દલિત સાહિત્યના પરિપ્રેક્ષ્ય અને પરિદેશ્યથી પૂર્ણપણે વાકેફ અને એક અર્થમાં પૂર્ણ સમયના વિવેચક એવા ભી.ન. વણકર પાસેથી છ સમીક્ષાગ્રંથો મળ્યા છેઃ ‘પ્રત્યાયન’ (1994), ‘અનુસંધાન’ (2001), ‘નવોન્મેષ’ (2003), ‘પર્યાય’ (2004), ‘દલિત સાહિત્ય’ (2005) અને ‘વિવૃત્તિ’ (2008).
‘પ્રત્યાયન’માં દલિત સાહિત્યની સૈદ્ધાંતિક ચર્ચા, પુસ્તક સમીક્ષાઓ, કાવ્યાસ્વાદો, સાક્ષાત્કાર એવા વિભાગો હેઠળના વિસ્તૃત 11 લેખો છે. જેની પ્રસ્તાવનામાં સમીક્ષક સતીષ વ્યાસ લખે છે : ‘આ વિવેચનસંગ્રહ ભી.ન. વણકરની સાહિત્યિક નિસબતનું પોત પ્રગટ કરે છે. એક તટસ્થ સમીક્ષક પાસે હોવી જોઈતી સજ્જતા તેમની પાસે છે. એમાં દલિત સાહિત્ય વિષયક નિસબત, અભ્યાસવૃત્તિ, તાટસ્થ્ય અને સ્વસ્થતાપૂર્ણ સમરુચિનો સમરેખ આલેખ પ્રાપ્ત થાય છે.’
‘બુદ્ધિપ્રકાશ’ના પૂર્વ સંપાદક મધુસૂદન પારેખના મતે ‘પ્રત્યાયન’ દલિત સાહિત્યની વિશદ અને વિગતસભર સમીક્ષા કરતું, ગુજરાતી વિવેચનસાહિત્યમાં નોખી ભાત પાડતું વિરલ પુસ્તક છે. સામાજિક સંદર્ભ પર ઝોક આપતી સમીક્ષાઓમાં દલિત સાહિત્યમાં પણ કેવી કલાત્મકતા પ્રકટી છે અને તળપદી લોકબોલી કેવી બળકટ અને સમૃદ્ધ છે તેનો પણ પરિચય ‘પ્રત્યાયન’થી મળે છે. તો રમણ પાઠકના મતે ‘પ્રત્યાયન’ દલિત સાહિત્યના ઉદ્દભવ, વિકાસ, દશા અને દિશાનો સાધિકાર પરિચય આપે છે.
‘પ્રત્યાયન’ને આવકારતા દલપત ચૌહાણ કહે છેઃ ‘વિવેચના આગવી સૂઝનું કામ છે અને તેમાં ઘણું ઓછું કામ થયું છે છતાં જે થયું છે તે નક્કર અને પ્રશંસાપાત્ર છે અને એમાં ‘પ્રત્યાયન’ને આપણે મૂકી શકીએ.’ જ્યારે દેવહુમાનો મત છેઃ ‘આ વિવેચનગ્રંથ દલિત સાહિત્યની સુક્ષ્મતાઓ અને વાસ્તવિકતાઓને તપાસીને દલિત સાહિત્યની અલગ ઓળખની વાત મૃદુભાષામાં કરે છે.’
વધુ એક ‘અનુસંધાન’ વિવેચનગ્રંથમાં દલિત સાહિત્ય વિષયક લેખો, ગ્રંથસમીક્ષા, કવિતા આસ્વાદ, સર્જક પરિચય અને સાક્ષાત્કાર મુલાકાત એવા પાંચ વિભાગો હેઠળ 28 લેખો સમાવાયા છે.
દલિત સાહિત્યની ઓળખ ઉપસાવવાના પ્રયાસ સમા આ ગ્રંથને આવકારીને રવીન્દ્ર ઠાકોરે સમીક્ષક ભી.ન. વણકરની બહુશ્રુતતા, અભ્યાસનિષ્ઠા, તર્કબદ્ધ પ્રવાહી શૈલીની પ્રશંસા કરી છે. જ્યારે રાજેશ મકવાણાના મતે, દલિત સાહિત્યની માતબર ભૂમિકા પૂરી પાડતું આ પુસ્તક દલિત સાહિત્ય માટે પ્રવર્તતી ઘણીબધી ગેરસમજોને દૂર કરે છે. તટસ્થ સમીક્ષા કેવી હોય એનું ઉત્તમ ઉદાહરણ છે ‘અનુસંધાન’.
વધુ એક ‘નવોન્મેષ’ વિવેચનગ્રંથ અગાઉના ગ્રંથોની તુલનાએ વિશિષ્ટ એ અર્થમાં રહ્યો કે તેમાં પીડીતો-શોષિતોની વ્યથા વ્યક્ત કરતા વિદેશી કવિઓના કાવ્યોની સમીક્ષા સાથે વંચિતોની ચિંતા સેવતા કેટલાક નોબેલ પારિતોષિક વિજેતા લેખકોનો પરિચય જોવા મળે છે.
યશવન્ત વાઘેલાના મતે ‘નવોન્મેષ’ ગુજરાતી દલિત સાહિત્યથી માંડી આફ્રિકન અને અમેરિકન બ્લેક લિટરેચ૨ના સર્જનાત્મક પાસાં પર પ્રકાશ પાથરે છે. તે પછી આવેલા વિવેચનગ્રંથો ‘પર્યાય’ અને ‘દલિત સાહિત્ય’ પણ નોંધપાત્ર રહ્યા.
સર્જક અને વિવેચક ભીખુભાઈનો બેવડો લાભ જેને મળ્યો તે ‘દલિત સાહિત્ય’માં સૌ પ્રથમ વાર તેમણે મરાઠી, હિન્દી, પંજાબી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને પૂર્વોત્તરના દલિત સાહિત્યમાં થઈ રહેલા ખેડાણનો તલસ્પર્શી અને તુલનાત્મક પરિચય આપીને તેમની ઊંડી અભ્યાસનિષ્ઠાનો પરિચય આપ્યો.
બાબુ દાવલપુરાએ આ ગ્રંથને દલિત સમાજની સમસ્યાઓ અને યાતનાઓના નિદાન-નિરાકરણને સ્પર્શતા સાહિત્યમાં રસ ધરાવનારાઓ માટે વિચાર પાથેય રૂપ ગણાવ્યો.
એ જ શ્રેણીમાં એમનો છેલ્લો પ્રકાશિત વિવેચનગ્રંથ તે ‘વિવૃત્તિ’. પ્રેમજી પટેલના મતે ‘વિવૃત્તિ’ની અભિવ્યક્તિ અને પરિભાષા ભાર વિનાની – સમજાય તેવી છે, કેમ કે બધા અભ્યાસલેખો સ-સંદર્ભ અને તાર્કિક હોવાથી વાચકના ચિત્તમાં સહજ ઉતરે છે.
સંતચરિત્રઃ
અછૂત સમાજના ત્રણ દિગ્ગજ સંતો – મહાપુરુષો સંત તિરૂવલ્લુવર, સંત કબીર અને સંત રવિદાસના માનવમાત્રના કલ્યાણના વિચારોને તેમના સંપૂર્ણ જીવનદર્શન સાથે રજૂ કરતો ગ્રંથ છે ‘અનહદ’.
નિબંધ :
‘મારી સાહિત્યયાત્રામાં મારા સમાજને એક પળ પણ હું વિસર્યો નથી, સાહિત્ય અને સમાજ એ તો મારો સાધના પથ છે’ કહેતા ભીખુભાઈનું સામાજિકલેખન પણ સમાંતરે ચાલતું રહ્યું છે. ગુજરાતમાં ઘટેલી ગોલાણા, સાંબરડા, બકરાણા સહિતના દલિત અત્યાચારોની દારૂણ ઘટનાઓ સમયે ભીખુભાઈ ભોગ બનેલા દલિતોની પાસે જઈને બેઠા છે અને આંખે દેખ્યા અહેવાલો પણ આપ્યા છે. એમની સમાજનિષ્ઠાના પરિપાકરૂપ લખાયેલા નિબંધોનો સંગ્રહ એટલે ‘અનુચ્છેદ’. બહેચરભાઈ પટેલ ‘અનુચ્છેદ’ને ‘અસ્પૃશ્યતા નિવારણના હેતુ સાથેના નિબંધો’ તરીકે ઓળખાવે છે.
આ ઉપરાંત તેમની પાસેથી 30 જેટલા ગુજરાતી દલિત સાહિત્યકારોનો પરિચય આપતો ગ્રંથ ‘રણદ્વીપ’ તથા મેઘાણી, ઉમાશંકર જોષી સહિતના જૂની અને નવી પેઢીના કવિઓની વંચિતોની વેદનાને વ્યક્ત કરતી કવિતાઓનો આસ્વાદ કરાવતો ગ્રંથ ‘સૂર્યાયન’ પણ મળે છે.
આ જ શ્રેણીના વધુ એક ગ્રંથ ‘યથાર્થ’માં તેમણે 15 દેશો અને 25 ભાષાઓની, સર્વહારા સમૂહની વ્યથા-વેદનાને વ્યક્ત કરતી કવિતાઓના આસ્વાદ આપ્યા છે. આ પ્રકાશિત પુસ્તકો ઉપરાંત તેમના વધુ 13 પુસ્તકો હસ્તપ્રતરૂપે પ્રકાશિત થવાની રાહ જોતાં ઊભા છે !
*
ભી.ન. વણકરના જીવન અને સાહિત્ય સફરમાંથી પસાર થતાં કહી શકાય કે કલમ હાથ ધરે તે પહેલાંથી દલિત વ્યથા-વેદનાના પાઠ તેઓ ભણી ચૂક્યા હતા. તેથી લેખનના ક્ષેત્રે આવ્યા ત્યારે સહજપણે તેઓ દલિત સાહિત્યલેખન તરફ જ વળ્યા. ગુજરાતી દલિત સાહિત્યના આ સર્વાધિક અભ્યાસુ સર્જક સાથેની લંબાણ બેઠકોમાં, મને ઉદ્દભવેલા સવાલોના તેમણે આપેલા પ્રત્યુત્તરો પણ તેમની વિદ્વતાની સોગાત સમા છે.
તેમના મતે, ગુજરાતી દલિત સાહિત્ય જેનાથી પ્રેરિત છે એ મરાઠી દલિત સાહિત્યના વ્યાપ અને ઊંચાઈને દેશના કોઈપણ ખૂણાનું દલિત સાહિત્ય હજી આંબી શક્યું નથી. કારણ કે તેનો ઉદ્ભવ જ સામાજિક જરૂરિયાતમાંથી થયો હતો અને બાબાસાહેબ આંબેડકરની ચળવળથી તેને અસાધારણ વેગ મળ્યો હતો.
મરાઠી દલિત સાહિત્યકારની માફક ગુજરાતી દલિત સાહિત્યકારે પણ લેખક હોવા સાથે કર્મશીલ – સામાજિક ચળવળકારની ભૂમિકા ભજવવી જ જોઈએ, એમ સ્પષ્ટ માનતા ભીખુભાઈના મતે સાહિત્યમાં પ્રતિબદ્ધતા અને માનવીય સંવેદના, સાવ એમ જ પ્રગટી આવતી નથી.
દલિત સાહિત્યની નવી પેઢીને તેમની સલાહ છે કે, લખતાં પહેલાં જે લખાઈ ચૂક્યું છે તે દલિત સાહિત્યને તેઓ પૂરેપૂરું વાંચે, તો જ તે સંકીર્ણ મનોદશામાંથી બહાર આવીને પરંપરાના વિદ્રોહ, અન્યાય સામે આક્રોશ અને અભિવ્યક્તિમાં સંવેદનશીલતાના નિતાંત આવશ્યક એવા તત્ત્વોને લેખનમાં લાવી શકશે. તેમના મતે સાચા દલિત સાહિત્યકારે તેના લેખનમાં પ્રતિબદ્ધતા અને પ્રમાણિકતાને પ્રસ્થાપિત કરવી પડશે. તે વિના તે પાંગળો બની રહેશે. દલિત – પીડિત સમાજની યંત્રણાઓને વ્યક્ત કરવા તેણે આ સમાજની વેદના-વ્યથાની કોઢમાં તપવું પડશે.
‘કલા’ના મુદ્દે હંમેશાં દલિત સાહિત્યને હાંસિયામાં ધકેલવાના પ્રયાસો સામે તેમનું માનવું છે કે, લલિત સાહિત્યના કેન્દ્રમાં ‘કલા’ છે કિન્તુ દલિત સાહિત્યના કેન્દ્રમાં તો ‘માનવ’ છે અને તે વધારે મહત્ત્વપૂર્ણ છે છતાં ‘કલા’ના નામે ‘માનવતા’ કચડાઈ ન જાય અને ‘કલા’ ભલે મહેંકે કે ના મહેંકે ‘માનવતા’ તો મહેંકવી જ જોઈએ.
દલિત સમાજની આજની સ્થિતિ પર પૂછતાં તેમણે કહ્યું : ‘આજે દલિત સમાજ બે ભાગમાં વહેંચાયેલો છે. 10 ટકા શહેરોમાં વસે છે અને બાકીના હજી ગામડાંમાં દરિદ્ર જીવન જીવે છે. ત્યાં તેમના સ્મશાન અલગ છે, વ્યવહાર ભેદભાવવાળો છે, વાર-તહેવારની પરેશાનીઓ સાથે તેમના મંદિર પ્રવેશવા પર, ઘોડે ચઢવા પર પ્રતિબંધો નામની પરેશાનીઓનો પાર નથી, ત્યારે હું કેમ કહું કે આજે દલિતોની પરિસ્થિતિ સુધરી છે ?!’
આમ છતાં છેવાડાના સમાજમાંથી ઉદ્દભવેલું આ સાહિત્ય જે માનવતાને મહેંકાવવાનું કામ કરે છે, સામાજિક ન્યાય-સમાનતા અને ભાતૃભાવને વરેલું છે, વિદ્રોહ – વેદનાનું સાહિત્ય છે, સ્વાનુભૂત સચ્ચાઈનું સાહિત્ય છે અને અન્યાય-અત્યાચાર-સામાજિક વિષમતાના ઈન્કારનું સાહિત્ય છે, તે પણ એક દિવસ બ્લેક લિટરેચરની જેમ વૈશ્વિક સ્તરે ઓળખ મેળવશે. તેવી તેમને અપાર શ્રદ્ધા છે.
સમાપન કરીએ મહામાનવ આંબેડકર પરની ‘अप्प दिपो भव’ કવિતાથી :
બાબા સાહેબ
એક હાથમાં
ગ્રંથ ગ્રહી
બીજા હાથની
આંગળી ધરી
પ્રબુદ્ધ મુદ્રામાં
દૃઢીભૂત દૃષ્ટા
સમાનતા
ને
બંધુતા
—નો આદર્શ હૈયે ધરી
અસ્મિતાની અખિલાઈમાં
પ્રતિબદ્ધ બની
વિદ્રોહી ગર્જના કરતા :
‘શિક્ષિત બનો’
‘સંગઠિત બનો’
‘સંઘર્ષ કરો.’
જાણે, કરોડો દીન-દુઃખી
દુબળા, દલિત, શોષિત –
માનવોના હૈયામાં
ચેતનાની ચિનગારી બની
પ્રગટ્યા :
अप्प दिपो भव !
·
(‘ગુજરાત’ દીપોત્સવી – 2024માં પ્રકાશિત)
આલેખન : નટુભાઈ પરમાર, ‘છાંયડો’ પ્લોટ : ૧૬૮/૨, સૂર્યનારાયણ સોસાયટી, સેક્ટર-૨૫, ગાંધીનગર, ગુજરાત
e.mail : natubhaip56@gmail.com