આ વખતના પ્રયાગરાજ કુંભમેળામાં પ્રથમ વાર કિન્નર અખાડો યોજાયો હતો. તેનું નેતૃત્વ કરનાર કિન્નર લક્ષ્મીએ પોતે કિન્નર હોવાની જે વાત પરિવારથી છુપાવી હતી તે જાહેર થઈ ત્યારે કુટુંબનો પ્રતિભાવ શો હતો તેનું સરસ વર્ણન કર્યું છે. લક્ષ્મીનારાયણ ત્રિપાઠીની આત્મકથા ‘હું હીજડો … હું લક્ષ્મી’માં જણાવ્યા મુજબ, ૨૦૦૦ના વરસમાં સજાતીય સંબંધને ગુનો ગણવા સંબંધી કલમ ૩૭૭ના વિરોધમાં આંદોલન ચાલતું હતું. મુંબઈમાં લક્ષ્મીએ પ્રેસને એ માટે બાઈટ્સ આપી. તેથી માબાપને તે કિન્નર હોવાની જાણ થઈ. એ પછી શું થયું? “ઘરમાં પ્રવેશતાં વેંત મમ્મીએ બૂમરાણ શરૂ કરી દીધી. પપ્પાનો અવાજ પણ ઊંચો હતો. તેમની પ્રતિક્રિયા હતી કે આપણી ચૌદ પેઢીમાં આવું કોઈએ કર્યું નથી. તેં આપણા બ્રાહ્મણ ખાનદાનની પ્રતિષ્ઠાનો વિચાર કર્યો નથી. બહેનનાં લગ્ન થયાં છે તેનાં સાસરિયાં શું કહેશે ? સમાજમાં મોઢું બતાવી શકાશે નહીં.” વગેરે.
ક્રિકેટ વર્લ્ડ કપની સેમી ફઈનલમાં ભારત હાર્યું એ જ દિવસે ઈટલીમાં વર્લ્ડ યુનિવર્સિયામાં ભારતનાં મહિલા એથ્લિટ દુતી ચંદે ગોલ્ડમેડલ મેળવ્યો હતો. ઓલિમ્પિક પછીની દુનિયાની આ સૌથી મોટી સ્પર્ધામાં ૨૩ વર્ષીય દુતી ચંદે ૧૧.૩૨ સેકંડમાં ૧૦૦ મીટરની દોડ પૂરી કરી ઇતિહાસ સર્જ્યો હતો. પોતાના વિજયનાં વધામણાં કરતાં ટ્વીટમાં દુતીએ લખ્યું હતું. “પુલ મી ડાઉન. આઈ વિલ કમ બેક સ્ટ્રોંગર.” દુતીએ પોતે સમલૈગિંક હોવાનો જે જાહેર એકરાર કર્યો હતો, તેની સામે તેના કુટુંબનો ભારે વિરોધ હતો. દુતીના ટ્વીટનો ઈશારો તેના પરિવાર તરફ હતો.
અમેરિકાની ટીમે તાજેતરમાં મહિલા ફૂટબોલ વિશ્વકપમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. પણ તેના સમલૈંગિક વાઈસ કેપ્ટન મેગન રાપિનોએ વિજય પછી અભિનંદન સ્વીકારવા વ્હાઈટ હાઉસમાં જવાનો ઈન્કાર કર્યો, કારણ કે અમેરિકી ટ્રમ્પ શાસન એલ.જી.બી.ટી. પ્રત્યે સંવેદનશીલ નથી.
આ કેટલાક બનાવો એલ.જી.બી.ટી. કહેતાં લેસ્બિયન, ગે, બાયસેક્સુઅલ અને ટ્રાન્સજેન્ડર પ્રત્યેના દેશ અને દુનિયાના સમાજ અને શાસનનું વલણ વ્યક્ત કરે છે. સજાતીય આકર્ષણ ધરાવનાર સ્ત્રી એટલે લેસ્બિયન, સજાતીય આકર્ષણ ધરાવનાર પુરુષ એટલે ગે, સ્ત્રી અને પુરુષ બંને સાથે સંબંધ રાખનાર એટલે બાયસેક્સુઅલ અને જુદા લિંગભાવ અર્થાત્ જન્મના લિંગ કરતાં જુદા લિંગની વ્યક્તિ તરીકે જીવવા ઇચ્છતી વ્યક્તિ એટલે ટ્રાન્સજેન્ડરનો સમાજ દાયકાઓથી પોતાની અલગ ઓળખ અને જેવા છે તેવા તેમના સ્વીકારની લડત લડી રહ્યો છે. ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારની દુહાઈ દઈદઈને તેમના અસ્તિત્વ અને ઓળખનો અસ્વીકાર થતો રહ્યો છે.
પરતંત્ર ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન ઈ.સ. ૧૮૭૧ના કાયદાથી વ્યંડળને અપરાધી, સેક્સુઅલી વિકૃત માની આવા વર્તનને ગુનો ગણ્યો હતો. એ જ રીતે સ્વતંત્ર ભારતે ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૭૭માં સમલૈંગિક સંબંધો, પુરુષ, સ્ત્રી કે પશુ સાથેના અપ્રાકૃતિક સંબંધોને ગુનો ગણી ૧૦ વરસથી માંડીને આજીવન કારાવાસ અને દંડની સજા સાથેનો બિનજામીનપાત્ર ગુનો ગણ્યો હતો. આ કાનૂની જોગવાઈ સામે એલ.જી.બી.ટી. સમુદાયનો વિરોધ હતો. બ્રિટને તો સમલૈંગિકતાનો સ્વીકાર કરી, તેને ગુનો ગણવો બંધ કર્યો પણ તેની દેન એવી આઈ.પી.સી.ની કલમ ૩૭૭ની કાનૂની જોગવાઈ ભારતમાં ચાલુ રહી. બે-અઢી દાયકાથી તે માટે રાજકીય અને કાનૂની સંઘર્ષ ચાલ્યો. કિન્નરોને મતદાનનો અધિકાર સૌથી પહેલાં ૧૯૯૪માં તામિલનાડુ સરકારે આપ્યો. એ પછી તો ઘણાં કિન્નરો ચૂંટણી લડયા, એકાદ-બે જીત્યા અને અલગ રાજકીય પક્ષ પણ સ્થાપ્યો. આખરે ૨૦૧૪માં ટ્રાન્સજેન્ડરના અલગ અસ્તિત્વને કાનૂની માન્યતા મળી. ૨૦૦૯માં દિલ્હી હાઈકોર્ટે કલમ ૩૭૭ની એ જોગવાઈ કે સમલિંગી સંબંધો ગુનો છે તે દૂર કરી પણ સુપ્રીમ કોર્ટે ૨૦૧૩માં તે ચુકાદાને પલટી નાંખ્યો. ૨૦૧૭માં સેક્સુઆલિટીને નિજતાનો અધિકાર ગણ્યા બાદ છઠ્ઠી સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની બેન્ચે બે વયસ્ક વ્યક્તિઓ વચ્ચેના પોતાની ઈચ્છાનુસારના સમલૈંગિક સંબંધો અપરાધ નથી તેમ જણાવી, કલમ ૩૭૭ની જોગવાઈ રદ્દબાતલ ઠેરવી.
પરંતુ માત્ર કાનૂની જોગવાઈઓથી સમાજ બદલાતો નથી તે દુતી ચંદના કિસ્સામાં જણાય છે. શાસન અમેરિકાનું હોય કે ભારતનું, આવા મામલે તે હંમેશાં પછાત માનસિકતા જ ધરાવે છે. કલમ ૩૭૭ની જોગવાઈ રદ્દ ઠેરવતા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પૂર્વે ૨૦૧૫માં કૉન્ગ્રેસી સાંસદ શશી થરૂરનું સમલૈંગિકતાને અપરાધની સૂચિમાંથી દૂર કરવાની જોગવાઈ ધરાવતું એક બિનસરકારી વિધેયક લોકસભાએ નામંજૂર કર્યું હતું. આજે પણ સમલૈગિક સબંધો અને અન્ય સંબંધોને અપ્રાકૃતિક, અસ્વાભાવિક, વિકૃત , ભટકેલા લોકોના તરંગ અને સમાજઘાતક ગણવાનું સમાજમાં વ્યાપક ચલણ છે. તેની સામે સમાજ જાગૃતિના પ્રયત્નો બહુ પાંખા છે. ફરુક કબીરની ફ્લ્મિ “૩૭૭ અબ નોર્મલ’ સમાજને નવી દિશા આપે તેમ છે. દોઢ કલાકની આ ફ્લ્મિ તેના નિર્દેશકના દાવા મુજબ તો ૯૯% હેટ્રોસેક્સુઅલ લોકોના દૃષ્ટિકોણથી સર્જાઈ છે. આ ફ્લ્મિ એલ.જી.બી.ટી. સમુદાયોના સંઘર્ષની કહાણી છે.
સરકાર અને સમાજમાં આવા પ્રયાસો જો વધે અને એલ.જી.બી.ટી. સમુદાય પણ પોતાને અલગ ન સમજતાં સમાજનો એક ભાગ માને તો તેના ઘણાં સવાલો હલ થાય તેમ છે. તમામ ધર્મ, વર્ગ અને વર્ણના લોકો સજાતીય અને તે પ્રકારના સંબંધો ધરાવે છે. એટલે આ કોઈ એક ધર્મ કે સમુદાયનો નહીં સમગ્ર ભારતીય સમાજનો પ્રશ્ન છે. નેપાળે ૨૦૦૭માં સમલિંગી સંબંધોને માન્યતા આપી છે. તાઈવાન એશિયાનો એવો પહેલો દેશ છે જેણે સમલૈંગિક લગ્નો માન્ય કર્યાં છે. દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ બ્રુનેઈએ શરિયા કાનૂન મુજબ વ્યભિચાર અને સમલૈંગિક સંબંધો માટે પથ્થરથી પીટીને મારી નાંખવાની જોગવાઈ કરી તો આંતરરાષ્ટ્રીય દબાણ આગળ ઝૂકીને તે રદ્દ કરવાની ફરજ પડી. ૨૦૧૮માં કલમ ૩૭૭ને રદ્દ કરતા સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તેની ઉજવણીનાં જે દૃશ્યો જોવા મળ્યાં તેના પરથી એલ.જી.બી.ટી. સમુદાયની અકળામણ પરખાય છે. ઈન્દ્રધનુષના સાત રંગોનો સતરંગી ધ્વજ સમલૈંગિકોની ઓળખ છે. વિશ્વનાં તમામ રાષ્ટ્રોના રાષ્ટ્રધ્વજના રંગોને સમાવતા સમલિંગીઓના સતરંગી ઝંડાની જેમ તેમના જીવનમાં પણ જો આનંદ, ઉલ્લાસ અને ખુશાલીના સતરંગો ભરવા હશે તો ૩૭૭ જેવી કાયદાકીય જોગવાઈઓ એબ્નોર્મલ નહીં નોર્મલ બનાવવી પડશે. વળી તે માત્ર કાયદાપોથીમાં બંધ ન રહે અને વાસ્તવિક બને તે પણ જરૂરી છે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 07 ઑગસ્ટ 2019