વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણી જીત્યા પછી જનતાનો આભાર માનતા પોતાના વિશે ત્રણ વાત કહી – વચનો આપ્યાં : (૧) કામ કરવામાં ભૂલ થઈ જાય પણ બદઇરાદાથી નહીં કરું. (૨) હું મારા માટે નહીં કરું, જે કરીશ, ફક્ત દેશ માટે કરીશ. (૩) મારા સમયની ક્ષણ ક્ષણ અને મારા શરીરના કણ કણ દેશ માટે હશે. આ વાતમાં દેશ માટે જે કટિબદ્ધતા છે, તેમાં કોઈ જ શંકાનું કારણ નથી. એક રીતે જોઈએ તો આ ‘કર્મયોગી’નું વિધાન છે. હું માનું છું કે ગુજરાતનાં ૧૪ વર્ષના કાર્યકાળમાં તેઓએ નક્કી કરેલ ધ્યેયને સાકાર કરવાની તેમની કટિબદ્ધતા મને દેખાય છે. તેઓ પાસે મિશન છે અને તે માટે તેઓ સતત ખંતથી કામ કરે છે. આ વાત લોકોના મનમાં ઠસાવવા એમણે, તેમના સાથીઓ અને આર.એસ.એસ.ની કૅડરે જુદા-જુદા રસ્તા, વ્યૂહરચના અપનાવ્યા. એટલે જ ભારતના ૩૮ ટકા મતદારોએ એમની પર વિશ્વાસ મૂક્યો છે. ભારતના જાહેરજીવનમાં આઝાદીની લડત વખતે અને ત્યાર પછી વ્યક્તિગત પ્રામાણિક ‘સારા’ માણસ માટે વારંવાર નાગરિકસમાજના અગ્રેસરોએ ભાર મૂક્યો છે અને તેને સ્વીકૃતિ મળી છે. ગુજરાતના નવનિર્માણ અને પછી જેપીનું સંપૂર્ણ ક્રાન્તિ આંદોલન ભ્રષ્ટાચાર કરતાં નેતા કે ઇન્દિરા ગાંધીને ભ્રષ્ટાચારના સ્રોત ગણી એમની સામે હતું. સાથે-સાથે મક્કમ અને હિંમતવાળા નેતા માટેનો ‘પ્રેફરન્સ’ જનમાનસમાં ઊભો થયો. આપણા જાહેરજીવનના ‘ડિસ્કોર્સ’માં બધાનું સાંભળીને બધાને સાથે લઈને નિર્ણય લે તેવાનું ગુણ, નેતા -‘સારા માણસ’ – માટે અપેક્ષિત નથી.
ગુજરાતના એક વર્ષના મુખ્ય પ્રધાનના કારભારના અંતે આપણા જાણીતા બૌદ્ધિકો-કટારલેખકો, ચિંતકો, સાહિત્યકારો વગેરેએ એમની કાર્યકુશળતાને બિરદાવી. તેઓએ ‘એમનાથી (મોદી) થાય એટલું બધું જ ગુજરાત માટે કર્યું છે. એમની આંતરિક શક્તિ અને ઇચ્છાશક્તિ ગુજરાત માટે ખૂબ જ ઉપયોગી છે.’ અલબત્ત, આ વખાણ કરી સલાહ પણ અપાઈ કે “હવે મુસ્લિમોની સલામતી માટે પગલાં લેવા જરૂરી છે.” સાથે-સાથે એમની આવી ટીકા-સૂચન પણ સરકારી મુખપત્ર છાપે છે, તેવો નિર્દેશ કરી લેખકે મુખ્ય પ્રધાનને ઉદારમતવાદીનું પ્રમાણપત્ર આપ્યું.
નરેન્દ્રભાઈનું દેશ માટેનું મિશન શું છે? કેવા રાષ્ટ્ર માટે કટિબદ્ધતા છે? એમને એમના કુમારકાળથી (૧૪-૧૫ વર્ષની ઉંમરથી) ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધના માહોલમાં પાકિસ્તાન એટલે કે મુસ્લિમવિરોધી, આર.એસ.એસ. કલ્પિત હિન્દુરાષ્ટ્રની વિભાવનાના સંસ્કાર મળ્યા. એ વાગોળ્યા, પચાવ્યા અને તેવા રાષ્ટ્રની રચના માટે કટિબદ્ધતા કેળવી. તે મિશનને સાકાર કરવા તેમની માતૃસંસ્થા આર.એસ.એસ. ૧૯૨૦ના દાયકાથી નવા નવા રસ્તા-વ્યૂહરચના અને કરેલાં કામોના મૂલ્યાંકન સાથે સતત કાર્યશીલ રહ્યું છે. બીજી બાજુએ પચ્ચાસનો દાયકો પૂરો થતા ગાંધી-નેહરુ-લોહિયા-ઇન્દુલાલની પેઢી જે સ્વતંત્રતા, સમાનતા, ભ્રાતૃત્વ, સાંસ્કૃતિક વિવિધતાના જતન કરતી લોકશાહી સમાજરચના માટેની કટિબદ્ધતા ધરાવતો રાજકીય વર્ગ લગભગ ક્ષીણ થયો. વ્યક્તિગત સત્તા અને તડજોડના રાજકારણે પ્રભુત્વ મેળવ્યું. અમે સમાજવૈજ્ઞાનિકો પોઝિટિવિસ્ટ એમ્પિરિસિસ્ટ વાસ્તવવાદી પ્રવાહમાં ખેચાયા. વિચારસરણીની વાત ઍબ્સ્ટ્રેક્ટ એકૅડેમિક ગણાઈ અને રોજબરોજના રાજકારણમાં રેટોરિક(વાગ્મિતા)નું ચલણ વધ્યું. નેહરુ પછી, પહેલી વખત વિચારસરણી આધારિત નરેન્દ્ર મોદીની ભા.જ.પ.ની સરકાર ૨૦૧૪માં બની. હિન્દુરાષ્ટ્રની વિચારસરણી ધરાવતી સરકારે પાંચ વર્ષમાં પોતાની વિચારસરણીને કટિબદ્ધતાપૂર્વક અમલ કરવા શક્ય તેટલાં પગલાં ભર્યાં. આ ચૂંટણીનાં પરિણામો આ સદર્ભમાં સમજવાં જોઈએ.
૨૦૦૪-૦૫માં હું જયારે સંઘ અને ભા.જ.પ.ના થોડાક કાર્યકરોને મળ્યો, જેઓ નરેન્દ્ર મોદીને નજીકથી જાણવાનો દાવો કરતા હતા; ત્યારે તેઓએ મને કહ્યું હતો કે મોદી સંગઠનના, ધાર્યું કામ કરવાની કુનેહવાળા માણસ છે. તેમની વ્યૂહરચના-કાવાદાવાના મુક્તકંઠે વખાણ કરતા દાખલા આપ્યા; જેવા કે આત્મારામ પટેલને (૧૯૯૬માં શંકરસિંહ વાઘેલાને ટેકો આપવા માટે) જાહેરમાં ધોતિયું કાઢી અપમાનિત કરવાનો, કેશુભાઈને કાઢી (૨૦૦૧માં) પોતે મુખ્ય પ્રધાન બન્યાનો તખતો. આપણે સૌ જાણીએ છીએ કે ૨૦૦૨ના હત્યાકાંડ પછી ‘આપણું કોણ?’ અને સાથે મુસ્લિમોની જાહેરસભાઓમાં હાંસી ઉડાડતા – પાંચ ને તેમના પચ્ચીસ, બેગમશાહિબા, મિયાં મુશર્રફ વગેરે સાથે ગુજરાતગૌરવ સૂત્ર અને પોતાની ‘હિંદુ હૃદયનો સમ્રાટ’ની છબી એમણે ઊભી કરી. પછી સ્વપ્નોના સોદાગર બની ‘વિકાસ પુરુષ’ બન્યા, ‘છોટે સરદાર’ બન્યા અને ૨૦૦૯માં ગુજરાત મૉડેલ બ્રાંડ અહીં અને દેશમાં વેચ્યું. આ બધામાં હિંદુરાષ્ટ્રની વાત એમનાં પ્રવચનોમાં અધ્યાહાર, સબ-ટેક્સ્ટ હતી. ૨૦૧૪માં સ્વપ્નોના સોદાગરે દેશને ગુજરાત મૉડેલ દ્વારા – ‘વિકાસ’ અને ‘સબ કા સાથ સબ કા વિકાસ’ – સફળતાપૂર્વક વેચ્યું. આ બધા સાથે એમણે ૨૦૦૪થી ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’ વાત ઘૂંટી. વળી, તેઓ કુટુંબ વગરના છે, વ્યક્તિગત કોઈ હિત નથી તે વાત વારંવાર લોકોને કહેવામાં આવી. ઘણા ઉદારમતવાદીઓ પણ આ વાતોથી અંજાઈ ગયા. વ્યક્તિગત પ્રામાણિકતા, કાર્યનિષ્ઠા સાથે ૨૦૧૯માં ચૂંટણીપ્રચારનું ગિયર બદલાયું.
આ ચૂંટણીમાં પુલવામા હત્યાકાંડ સાથે દેશને પાકિસ્તાન અને તેના આતંકવાદ સાથે હિન્દુરાષ્ટ્રવાદ-હિન્દુબહુમતીવાદને કેન્દ્ર બનાવ્યો – વિકાસને નહિ. રાષ્ટ્વાદની વિભાવનાચર્ચા આપણે ત્યાં સો વર્ષ પહેલાં શરૂ થઈ. ૧૯૧૭માં રવીન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રવાદની વિભાવનાની ટીકા કરી૧. તેઓ માનતા કે સંયુક્ત અહમ્ (ક્લેક્ટિવ ઈગો) માનવસમાજ માટે ખૂબ જ ખતરનાક છે. તેઓ લખે છે : “જ્યારે રાજકારણ અને વેપારનું સંગઠન જેનું નામ રાષ્ટ્ર છે, જે ઉચ્ચ સામાજિક જીવનના તાણાવાણા સંવાદિતા(હાર્મની)ને ભોગે સર્વશક્તિમાન બને, ત્યારે તે દિવસ માનવસમાજ માટે ખતરનાક બને છે.” ગાંધીજીની રાષ્ટ્રવાદની કલ્પનામાં સૌનો સમાન સમાવેશ છે. નરેન્દ્ર મોદીના હિન્દુત્વ આધારિત રાષ્ટ્રવાદમાં તે નથી. તેમાં હિંદુ બહુમતીવાદ છે. એના પરિપ્રેક્ષ્યમાં દેશભક્ત અને દેશદ્રોહી વ્યાખ્યાયિત કરી તે પ્રમાણે જનમાનસ ઘડવાનો પ્રચાર-પ્રયત્ન છે.
છેલ્લાં પાંચ વર્ષમાં કોણ દેશભક્ત તે પર ઠીક ઠીક વિખવાદ ચાલે છે. સંઘપરિવારના ઘટકો-સ્વયંસેવકો અને તેના બીજા footloose સિપાઈઓ અને સરકાર પણ એમના વિચારવિરોધીઓને દેશદ્રોહી તરીકે ખપાવે છે અને દેશદ્રોહનો આરોપ લગાવી જેલમાં મૂકે છે – પજવે છે. આ સંદર્ભમાં ભા.જ.પ. ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરની ગોડસેને દેશભક્ત કહ્યા અંગેની ટિપ્પણી નોંધીએ. આ ટિપ્પણીથી કેટલાક ગાંધીભક્તોની લાગણી દુભાઈ અને કૉંગ્રેસવાળાને ભા.જ.પ. સામે બાંય ચડાવવાનો મુદ્દો મળ્યો. વડાપ્રધાને કહ્યું કે પ્રજ્ઞા ઠાકુરને એમના આ નિવેદન માટે એમનું હૃદય માફ નહિ કરે. આ સંદર્ભમાં હમણાં આપણા એક બૌદ્ધિક વિષ્ણુભાઈ પંડ્યાએ (સંઘના આઈડિયોલૉગે) કહ્યું કે “ગોડસે પણ દેશભક્ત હતા અને ગાંધીજી પણ દેશભક્ત હતા.” આ વાત કેટલાક ગાંધીભક્તોને ન ગમી – બન્નેને દેશભક્ત કેવી રીતે કહેવાય? હું પોતે વિષ્ણુભાઈ સાથે સંમત થઈ બન્નેને દેશભક્ત માનું છું. અલબત્ત, બન્નેની રાષ્ટ્રની વિભાવના જુદી હતી. ગોડસે એમની વિરુદ્ધ વિચારસરણી ધરાવતાને મારી નાખવામાં માનતા હતા, જ્યારે ગાંધીજી સંવાદ અને સહિષ્ણુતામાં માનતા. ગોડસે ફક્ત હિંદુઓ(એમની વ્યાખ્યા પ્રમાણે જેમાં બ્રાહ્મણવાદ કેન્દ્રમાં)ના રાષ્ટ્રમાં માનતા. જ્યારે ગાંધીજી સૌના સમાવેશ સમન્વય કેન્દ્રિત, વૈશ્વિક રાષ્ટ્રવાદમાં માનતા. ગોડસે પોતાના સિવાયના બીજા ધર્મોને ધિક્કારતા અને પોતાના (એમણે વ્યાખ્યાયિત કરેલ) હિંદુધર્મને સર્વોપરી માનતા અને તેને વિશ્વભરમાં આધિપત્ય જમાવવાની આકાંક્ષા રાખતા. જ્યારે ગાંધીજી બધા જ ધર્મોને સરખા માનતા. એટલે તેઓ કહેતા કે બીજા ધર્મોને પોતાના ધર્મ જેટલું જ માન આપવું. ગાંધીજી સાધનશુદ્ધિમાં માનતા, ગોડસેના રાષ્ટ્રવાદની પરિકલ્પનામાં સાધનશુદ્ધિ નથી. ગાંધીજી માટે અહિંસા વ્યક્તિ અને સમાજના અસ્તિત્વ અને વિકાસ માટે અનિવાર્ય છે. ગાંધીજી માટે રામ મર્યાદાપુરુષ હતા, જ્યારે ગોડસેના હિન્દુત્વમાં અહિંસા કાયરતા ગણાઈ છે અને રામ અને બીજાં દેવદેવીઓને શસ્ત્રધારી કલ્પ્યાં છે. ૧૯૦૬માં ગાંધી અને સાવરકરનો વિચારભેદ આ હતો, જે ગાંધીજીનો આજીવન રહ્યો અને તે માટે એમણે બલિદાન આપ્યું.
* * *
ગુજરાતમાં ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીથી બધી જ ચૂંટણીઓ – તાલુકાપંચાયતથી લોકસભાની મોદીકેન્દ્રિત રહી છે. તે રીતે ૨૦૧૪ અને હાલની ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી. ઉપર જોયું તે પ્રમાણે ગુજરાતમાં ૨૦૦૩થી જ અને દેશમાં ૨૦૧૫-૨૦૧૬થી જુદાં-જુદાં માધ્યમો દ્વારા એવી વાતનો પ્રચાર થતો રહ્યો કે વડાપ્રધાન મોદી ૧૮-૨૦ કલાક સતત કામ કરે છે, પોતાના શરીરની પરવા કર્યા વગર. આ સંદર્ભમાં ૨૦૧૬-૧૭માં અને ફરી ૨૦૧૯ જાન્યુઆરીમાં એક મૅસેજ મને મધ્યમવર્ગના સોશિયલ મીડિયા, જુદા-જુદા બ્લૉગ અને વર્તુળમાં જોવા મળ્યા. તેમાંના એક તે – મનીષ મલ્હોત્રા (M.BA. UK) પોતાના અંગત સંબંધી, જે ફેબ્રુઆરી ૨૦૧૪માં નિવૃત્ત થતા સિનિયર સનદી અધિકારી, પી.એમ.ઓ.ની ઑફિસના, જેઓની દીકરીનાં લગ્નમાં કૉંગ્રેસના ઘણા આગેવાનો આવ્યા હતા, એવાની ‘સત્ય કહાણી’. તેઓ વિસ્તારથી વડાપ્રધાન મોદીની કામ કરવાની પદ્ધતિ અંગે લખતા જણાવે છે કે પોતે (લેખક) ૪૪ વર્ષની સરકારી નોકરીમાં પહેલી વખત રાતે બાર-બાર વાગ્યા સુધી કોઈ પણ રજા – દિવાળી હોય કે હોળી – વગર કામ કર્યું છે. તેમના પ્રમાણે મોદી પોતે જ ૧૮-૨૦ કલાક કામ કરે છે, “કોઈ કોઈ વખત ૩૬ કલ્લાક કામ એ તો સાહજિક છે!!! પોતાની તબિયતની પરવા કર્યા વગર … તેઓ ટીકાઓની પરવા કરતા નથી અને દરેક આરોપનો જવાબ આપવાની જરૂર જોતા નથી. મોદી અધિકારીઓની મિટિંગમાં દરેકને એક જ સવાલ પૂછે છે કે “આપણે શું કરી શકીએ કે ભારત વધારે સમૃદ્ધ થાય”. તેઓ પોતે સેલ્ફ ઍક્ચ્યુલાઈઝેશનના. સ્ટેજે પહોંચ્યા છે. આ સંદેશો જાન્યુઆરી ૨૦૧૯માં મને મારા સામાજિક વર્તુળમાંથી ફરી મળ્યો, જેમાં એક વાક્ય લેખક (૨૦૧૬ અને ૨૦૧૭માં નથી) નવું ઉમેરે છે કે “એક વાત સ્પષ્ટ છે કે પાંચ વર્ષમાં તેઓ એક લિગસી મૂકી જશે. શું આપણે તેને ટેકો આપીએ છીએ?” (માર્ચ ૨૦૧૭માં ALT News આ સંદેશાની વિગતે તપાસ કરી જણાવે છે કે તે ‘બનાવટી ફેક ન્યુઝ – છે). નોંધવાનું એ છે કે ચાર વર્ષમાં આ મૅસેજ લાખો લોકો સુધી પહોંચાડવામાં આવ્યો. તે સાથે ૩૫-૪૦ વર્ષના ઘણા પોતાને પ્રોફેશનલ હોવાનું જણાવી મૅસેજની કમેન્ટ્સમાં મોદીના વખાણ કરી લખે છે કે દેશમાં વડાપ્રધાનની પ્રેરણાથી કામ માટેનું સકારાત્મક વાતાવરણ થઈ ગયું છે.
આ સાથે મુસ્લિમવિરોધી ભરપૂર સામગ્રી સાથે હિન્દુત્વનું જુદા જુદા સ્વરૂપમાં વારંવાર સોશિયલ મીડિયા અને બીજાં માધ્યમો દ્વારા રટણ કરવામાં આવ્યું. એટલે સુધી એવું જુઠાણું (આધુનિક પરિભાષામાં પોસ્ટ-ટ્રૂથ) કે કૉંગ્રેસની યુ.પી.એ. સરકાર “સચ્ચર કમિટી બિલ (હિન્દુઓનું અસ્તિત્વ ખતમ કરનાર બિલ) સંસદમાં પાસ કરવા માંગતી હતી. આ બિલના લીધે દેશમાં ગલીએ-ગલીએ મુસ્લિમ ડોન લતીફ અને દાઉદ પેદા થાત …” પછી ઉમેરવામાં આવે છે કે “હિન્દુસ્તાનને હિન્દુરાષ્ટ્ર બનાવવા બીજો કોઈ નરેન્દ્ર મોદી નહીં આવે..”
આ સાથે એવો પણ પ્રચાર થયો કે દુનિયાના બીજા શક્તિશાળી દેશોનું મોદીને હરાવવાનું ષડ્યંત્ર છે, કારણ કે એમને ભય છે કે “આ માણસ ભારતનો વડાપ્રધાન રહેશે, તો આપણને પાછળ રાખી દેશે અને આપણાં દેશની નિકાસ ઘટી જશે, ભારતને આગળ વધતું રોકવું પડશે. વરસોથી આ દેશને દુનિયાની આર્થિક અને રાજકીય બજારમાં કોઈ પૂછતું નહોતું, આજે હીરો થઈ ગયું છે . મોદીને પછાડો તો જ ભારત પહેલાની જેમ કંગાળ બની જશે …”
આર્થિક સવાલો જેવા કે ઉત્પાદન, બેરોજગારી, નિયમિત સામાજિક સલામતી આપતી decent નોકરીઓની તંગી, કૃષિક્ષેત્રની હાડમારી – ઉત્પાદનના વાજબી ભાવ વગરેની ચર્ચાને કુશળતાપૂર્વક ટાળવામાં આવી. પણ એ વાત એમના ભક્તો દ્વારા ઘૂંટવામાં આવી કે “મોદી દેશનો કેટલો વિકાસ કરી શકશે, તે કહી શકાય નહીં, પરંતુ તે પોતાની જવાબદારીઓ નિભાવવામાં કોઈ કસર રાખશે નહીં” આ શ્રદ્ધા મોદીભક્તો પૂરતી મર્યાદિત છે કે મોદીને મત આપનારા (૬૦ ટકા ગુજરાતી અને ૩૮ ટકા દેશના) સૌની છે તે કહેવું અત્યારે મુશ્કેલ છે. આવી શ્રદ્ધા ઘૂંટનારા ગોબેલ્સ એવો સવાલ સફળતાપૂર્વક જુદી જુદી રીતે કરતા કે આજે એવો બીજો કયો નેતા કે પક્ષ છે કે તે દેશના સવાલો ઉકેલી શકે?
પુલવામા હત્યાકાંડ પછી ચૂંટણીનો મુખ્ય મુદ્દો મુસ્લિમ/પાકિસ્તાનનો આતંકવાદ, દેશાભિમાન અને પાકિસ્તાનને સજ્જડ બોધપાઠ માટે જોઈએ શક્તિશાળી નેતા. અને ગોબેલ્સ જવાબ આપે છે કે શક્તિમાન નેતા એટલે પાકિસ્તાનને પાઠ ભણાવી શકે તે ફક્ત નરેન્દ્ર મોદી. આની સામે, કે એ સદર્ભમાં ચર્ચાનો લગભગ નિષેધ કે સવાલ કરનારને તરત જ દેશદ્રોહી તરીકે આરોપનામું મળે.
E-mail : ghanshyam.shah2008@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2019; પૃ. 03, 04 તેમ જ 15
![]()




નંદિની સુંદરના અંગ્રેજી પુસ્તક ‘The Burning Forest : India’s War in Bastar’ પરથી તૈયાર કરેલ પરિચય-પુસ્તક ‘વિકાસની વિકરાળતા અને આદિવાસીની કરુણ દાસ્તાન’નું આમુખ