નાગરિક સ્વાતંત્ર્ય માટે લડતા ગુજરાતના સાત કર્મશીલોને સરકારનો વિરોધ કરવા માટે કેવું વેઠવું પડ્યું તેને લગતી, અગિયારમી જાન્યુઆરીએ બનેલી એક ઘટના ભાગ્યે જ નોંધાઈ છે. પિપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પી.યુ.સી.એલ.)ના મહામંત્રી ગૌતમ ઠાકર પાસેથી મળેલી માહિતીને આધારે એ નોંધવી જ પડે.
અગિયારમી જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાતના ઉત્સવ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર આવવાના હતા. તેના પહેલા સોળ ડિસેમ્બરે વિંછિયાના ખેડૂતે કપાસના ટેકાના ભાવ નીચા મળવાના વિરોધમાં આત્મવિલોપન કર્યું હતું. કપાસના નીચા ભાવ અને ખેડૂત વિરોધી કાયદાની સામે આંદોલન ચાલુ હતું. તેના ભાગ રૂપે ગાંધીનગર પાસે અડાલજ પાસે એકઠા થઈને કાળા વાવટાના દેખાવો કરવાનું આયોજન હતું. ત્યાં જવા માટે ‘નયા માર્ગ’ના તંત્રી અને ખેતવિકાસ પરિષદના વડા ઇન્દુકુમાર જાની, અર્થશાસ્ત્રી અને ‘અભિદૃષ્ટિ’ માસિકના તંત્રી રોહિત શુક્લ અને પી.યુ.સી.એલ.ના ગૌતમ ઠાકર ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઑફિસ પાસે એકઠા થઈને ઇન્દુકુમાર જાનીની મોટરમાં અડાલજ જવાના હતા. આ ત્રણ હજુ તો ભેગા થયા જ હતા, ત્યાં તો પોલીસવાળા આવ્યા અને એમને અટકાયતમાં લીધા. પોલીસે તેમના ફોન ટ્રૅક કરીને માહિતી મેળવી હતી. ઇન્દુકુમારની મોટરમાં જ ત્રણેયને બેસાડ્યા અને એક પોલીસવાળાએ મોટર ચલાવી. સિત્તેરની ઊંમરે પહોચેલા ત્રણેયને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ક્રાઇમ બ્રાન્ચ વિભાગમાં લઈ જવામાં આવ્યા અને સાંજે છોડવામાં આવ્યા. તેમના મોબાઇલ લઈ લેવામાં આવ્યા. તેમને એમ કહેવામાં આવ્યું કે વડા પ્રધાન વાઇબ્રન્ટ કાર્યક્રમમાંથી દિલ્હી જવા રવાના થશે પછી જ તેમને છોડવામાં આવશે. એટલું જ નહીં, પણ આખો દિવસ પોલીસ અધિકારીઓ તેમની સામે જ બેસી રહ્યા. પોલીસ અધિકારીઓએ તેમને એ મતલબનું કહ્યું કે ‘ ખેડૂતોમાં બુદ્ધિ નથી. તમારામાં છે – તમે એમની થિંક ટૅન્ક છો એટલે તમને અટકાયતમાં લીધા છે.’ ત્રણેય સામે એ મતલબનું કહ્યું કે, ‘આ સરકાર અત્યારે ખેડૂતોની જમીન છીનવી રહી છે, કાલે તમારા લોકોની જમીનો પણ આંચકી લેશે!’ આ જ જગ્યાએ થોડાક સમય પછી ખેડૂતો માટે લડતા વિરલ કર્મશીલ સાગર રબારી, સ્ટૅચ્યૂ ઑફ યુનિટીને કારણે કેવડિયા પંથકમાં થનાર વિસ્થાપનનો વિરોધ કરનારા સમર્પિત લોકનેતા લખન મુસાફિર, ‘જમીન આંદોલન-ગુજરાત’ના અભ્યાસી સંશોધક પર્સિસ જીનવાલા અને લડાયક કાર્યકર ભરતસિંહ ઝાલાને પણ ત્યાં અટકાયતમાં રાખવામાં આવ્યા. સાગરભાઈ અને લખનભાઈને મધ્યરાત્રિએ ગૂજરાત વિદ્યાપીઠમાંથી ઊઠાવવામાં આવ્યા હતા.
ગૌતમભાઈએ આપેલી માહિતી મુજબ પોલીસે નેવું વર્ષના સનત મહેતાને વધુ પરેશાન કર્યા. તેમને ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી ખુરશીમાં બેસાડી રાખ્યા, સોફા પર પણ બેસવા ન દીધા. અંતે ‘તમે જે થાય તે કરી લો, હું તો આડો પડીશ’, એમ કહીને સનતભાઈ પોલીસ સ્ટેશનની લૉન્સમાં આડા પડ્યા. રાજ્યભરમાં સેંકડો ખેડૂતોની ધરપકડો થઈ. એ અંગે અખબારોમાં વાંચવા મળ્યું.
પણ આ સાત કર્મશીલોની અટકાયત અંગે કશું વાંચવા મળ્યું નહીં તેની નવાઈ લાગે છે.
૨૫ જૂન, ૨૦૧૫; મધ્યરાત્રિ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2015; પૃ. 15