
રાજ ગોસ્વામી
તાજેતરમાં અવસાન પામેલા પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રતન ટાટા, ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ, એપલ કંપનીના સ્થાપક (સ્વર્ગસ્થ) સ્ટીવ જોબ્સ અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા વચ્ચે એક વાતનું સામ્ય છે; તે સૌ વર્ષો સુધી એકનાં એક કપડાં પહેરતા હતા.
40 વર્ષના ઝકરબર્ગ માટે તો એવું કહેવાય છે કે 2004માં તેણે ફેસબુકની શરૂઆત કરી ત્યારથી તેણે તેનો પોષક બદલ્યો નથી; તે રોજ ગ્રે ટી-શર્ટ અને હૂડી પહેરે છે. સ્ટીવ જોબ્સ, જાપાનીસ ફેશન ડિઝાઈનર ઇસ્સે મિયાકેએ બનાવેલું બ્લેક ટર્ટલનેક શર્ટ અને બ્લુ જીન્સ પહેરતા હતા. તમને તેઓ ભાગ્યે જ બીજાં કપડાંમાં જોવા મળશે. બરાક ઓબામા રાષ્ટ્રપતિ હતા ત્યારે પણ મોટાભાગનો સમય ગ્રે અથવા બ્લુ સૂટ પહેરતા હતા.
વીસમી સદીના જીનિયસ વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગ્રે રંગના અનેક સૂટ ખરીદી રાખ્યા હતા, એટલે રોજ સવારે શું પહેરવું તે વિચારવામાં સમય ના બગડે. તેમને પગમાં ચંપલ પહેરવાનું પણ પસંદ હતું. આપણા લાડીલા ગીતકાર ગુલઝાર કાયમ સફેદ કૂર્તામાં જ હોય છે. તે તેમની ‘સિગ્નેચર સ્ટાઈલ’ બની ગઈ છે.
જે લોકો રોજ નવાં કપડાં પહેરતાં હોય, તેમના માટે એ સમજવું બહુ અઘરું હોય છે અમુક સફળ અને જીનિયસ લોકોને એકનો એક પોશાક પહેરવાનો જરા ય કંટાળો નથી આવતો, કારણ કે મોટાભાગના લોકો માટે નવાં કપડાં પહેરવાં એ એટલું નોર્મલ છે જેટલું બ્રશ કરવું કે ન્હાવું.
વાસ્તવમાં, એકનાં એક કપડાં પહેરવાં એ આપણા જેવા, જેમનાં કબાટ પ્રકાર-પ્રકારનાં વસ્ત્રોથી ભરાયેલાં છે, તેમના કરતાં વધુ સામાન્ય છે. ઉપર તો ખાલી જાણીતા લોકોનાં જ ઉદાહરણ આપ્યાં છે, પરંતુ એવા લાખો લોકો છે જે ઓછાં કપડાંમાં જીવન ગુજારે છે, કારણ જીવન જીવવા માટેની બીજી પ્રાથમિકતાઓ તેનું સ્થાન લઇ લે છે.
મનોવૈજ્ઞાનિકો પણ આ વાતને સમર્થન આપે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આપણે દરરોજ લગભગ નાના-મોટા 10,000 થી 40,000 નિર્ણયો લઈએ છીએ. આનો અર્થ એ થયો કે તમે ઓછા મહત્ત્વનાં કામો પાછળ જેટલી વધુ વૈચારિક ઊર્જા ખર્ચો, તેની અસર મહત્ત્વના નિર્ણયો લેવાની પ્રક્રિયા પર પડે છે.
ઝકરબર્ગ આ વાતની સાબિતી છે. એક પત્રકારે એકવાર તેને તેના ગ્રે ટી-શર્ટ અને હૂડી અંગે પ્રશ્ન પૂછ્યો હતો અને તેણે કહ્યું હતું કે, “હું રોજ સવારે ઊઠીને (ફેસબુક પર જોડાયેલા) એક અબજથી વધુ લોકો માટે કામ કરું છું. હું જો મારા જીવનની ફાલતું ચીજોમાં સમય બરબાદ કરું તો મને એવું લાગે કે હું મારું કામ બરાબર કરતો નથી. ફેસબુકના સમુદાયને લગતા વિચારો પર હું એટલો સમય આપું છું કે બીજી બાબતોના નિર્ણયો કરવા ના પડે તે લાભદાયી રહે છે.”
આને મનોવિજ્ઞાનની ભાષામાં, ‘ડિસિઝન ફટીગ’ (એટલે કે, નિર્ણય લેવાની થકાન) કહે છે. મગજ સતત નિર્ણયો કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત રહે, તો ઉત્તરોત્તર તેના નિર્ણયો લેવાની ગુણવત્તા ઘટતી જાય છે.
ધારો કે તમે રોજ સવારે ઊઠીને, પાંચ-દસ પ્રકારનાં બ્રશમાંથી આજે કયુ બ્રશ વાપરવું તેની પાછળ સમય આપો અથવા અલગ અલગ રંગ અને આકારના દસ-વીસ મગમાંથી આજે ક્યા મગમાં ચા પીવી તેનું મનન કરતા રહો, તો આજે કામ પર જઈને સૌથી પહેલું કયું કામ કરવાનું છે અથવા આજે કોને પહેલાં મળવાનું છે અથવા આજે કઈ સમસ્યાને હલ કરવાની છે જેવી બાબતો પર ધ્યાન આપતાં સુધીમાં મગજ થાક અનુભવવા લાગે છે. સાદી ભાષામાં એમ કહેવાય કે કઈ બાબતો સૌથી અગત્યની છે અને કઈ બાબતો સૌથી ઓછી અગત્યની છે તેનો તફાવત ના કરીએ તો આપણે ડિસિઝન ફટીગનો ભોગ બનીએ છીએ.
જીનિયસ લોકો એવાં કામોને સમર્પિત હોય છે કે તેમના માટે એક એક દિવસ અથવા એક એક ક્ષણ મહત્ત્વની હોય છે. એટલા માટે નહીં કે તેઓને ઉતાવળ છે, પણ એટલા માટે કે તેઓ માનસિક ઊર્જાને બચાવી રાખે છે અને સમર્પિત કામોમાં આપી દે છે. એટલા માટે તેઓ તેઓ રૂટિન જીવનની એવી ઘણી બાબતોનું બલિદાન કરતા હોય છે, જે આપણા જેવા સાધારણ માણસો માટે સૌથી મહત્ત્વની હોય છે.
બરાક ઓબામાએ આ સંદર્ભમાં, “વેનિટી ફેર” નામની પત્રિકાને કહ્યું હતું, “તમે મને કાયમ ગ્રે અથવા બ્લુ સૂટમાં જોયો હશે. હું નિર્ણયો ઓછા કરવાની કોશિશ કરું છું. હું શું ખાવું અને શું પહેરવું તેના વિચારો નથી કરતો, કારણ કે મારી પાસે નિર્ણયો કરવા માટેનાં ઘણાં કામ હોય છે. નિર્ણયો લેવાની ઊર્જાનું ધ્યાન રાખવું જોઈએ. નકામી બાબતોમાં ઉલઝી જઈને તમે દિવસ પસાર ના કરી શકો.”
નાનો હોય કે મોટો, દરેક નિર્ણય પાછળ એક સરખી ઈચ્છાશક્તિ ખર્ચાય છે. આજે કાળા રંગના મગમાં ચા પીવી કે આજે નોકરીના ઇન્ટરવ્યુ માટે શું તૈયારી કરવી તે બંને બાબતો એક સરખી રીતે મેન્ટલ સ્પેસ રોકે છે. એક બાબતની અસર બીજી બાબત પર પડે છે.
માર્કેટિંગવાળા આ વાતને બહુ સારી રીતે સમજતા હોય છે. તમને ક્યારેય વિચાર આવ્યો છે કે રિટેલ સ્ટોર્સ અથવા મોલ્સમાં કેશિયરના ડેસ્કની આસપાસ ચોકલેટ્સ, ડ્રીંક્સ, ગમ જેવી નાની-નાની વસ્તુઓ કેમ ગોઠવેલી હોય છે? એ સુગમતા માટે નથી. તેમને ખબર છે કે તમે સ્ટોરમાં એક કલાક સુધી ફરીને કંટાળ્યા છો અને હવે સમાન લઈને ઘર ભેગા થવાની ઉતાવળમાં છો. એ વખતે, તમારા મગજને બહુ કષ્ટ ન પડે અને વગર વિચારે બિનજરૂરી ચીજો પણ ઉપાડી લો એટલા માટે એવી નાનો સમાન ‘વ્યૂહાત્મક’ રીતે મુકવામાં આવ્યો હોય છે.
ધારો કે તમારે દર 24 કલાકમાં 100 નિર્ણયો કરવાના હોય છે. તમે શું કરશો? આ 100 માર્ક્સના પરીક્ષાપત્ર જેવું છે. તમે સૌથી ઓછા માર્ક્સવાળા (સૌથી ઓછા મહત્ત્વના) પ્રશ્નને છોડી દેશો, અને સૌથી વધુ માર્ક્સવાળા પ્રશ્નને પહેલાં સોલ્વ કરશો. શું ખાવું, શું પહેરવું, સોશિયલ મીડિયા પર શું જોવું વગેરે ઓછા માર્ક્સવાળા પ્રશ્નો છે.
આપણે જો આપણા રૂટિનને બને એટલું સાદું અને સરળ રાખીએ, તો આપણે આપણી માનસિક ઊર્જાનો વધુ સકારાત્મક ઉપયોગ કરી શકીએ. એટલા માટે, સવારના ભાગમાં આપણે મોટા ભાગનાં કામો ‘ઓટોમેટિક’ કરીએ છીએ; આપણે એમાં મગજ ચલાવતા નથી. જેમ કે બ્રશ કરવું, ન્હાવું, ચા પીવી, કસરત કરવી અથવા ગપસપ કરવી. આપણે બાકી દિવસ માટે ઊર્જા બચાવીએ છીએ.
બાય ધ વે, એક પત્રકારે ગુલઝારને તેમના સફેદ રંગના કૂર્તા અંગે પૂછ્યું હતું અને તેમણે કહ્યું હતું, “અચ્છા લગતા હૈ. હું છેક કોલેજમાંથી સફેદ વસ્ત્ર પહેરતો આવ્યો છું. મને કલર ગમે છે, પણ હવે હું કલર પહેરું, તો કૃત્રિમ લાગું. જીવનમાં કે કામમાં, હું જેવો છું તેવો ના લાગું, તો સારું ના કહેવાય.”
(પ્રગટ : “ગુજરાતમિત્ર”, “મુંબઈ સમાચાર”, “ગુજરાત મેઈલ”; 24 નવેમ્બર 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર