બે દિવસ પહેલાં (08 જાન્યુઆરી 2018) મેં આ કૉલમમાં લખ્યું હતું કે દેશમાં બે વાતે આંદોલન કરવાની જરૂર છે.
એક, મોતની સજા રદ કરવામાં આવે, કારણ કે આપણે ત્યાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ફૂહડ છે. કોઈ નિર્દોષનો જાન જાય એ બરાબર ન કહેવાય. બે, ચૂંટણી માટે EVMનો ઉપયોગ બંધ કરવામાં આવે, કારણ કે મશીન માત્ર બગડી શકે છે અથવા એની સાથે ભાંગફોડ કરી શકાય છે અને માણસ માત્ર ડરી શકે છે અથવા વેચાઈ શકે છે. આમાં હવે એક ત્રીજી ચીજ પણ ઉમેરવી જરૂરી છે. સરકારે એક હાથ ઊંચો કરનારું ડિસ્ક્લેમર તૈયાર કરવું જોઈએ જેમાં દેશના નાગરિકોને જણાવી દેવામાં આવે કે સરકારને આપવામાં આવેલી માહિતીની ગોપનીયતા જાળવવાની જવાબદારી જે-તે વિભાગની કે અધિકારીની નથી. અર્થાત્ તમારે તમારા જોખમે માહિતી આપવી જેવી રીતે કેટલાંક મકાનોની લિફ્ટમાં લખેલું જોવા મળે છે કે લિફ્ટનો ઉપયોગ તમારા હિસાબે અને જોખમે કરવો.
૨૦૦૩ની સાલની વાત છે, જ્યારે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા અને આઠ લેનના રાષ્ટ્રીય મહામાર્ગ બાંધવાના પ્રોજેક્ટને તેમણે પોતાનો ગણીને પ્રાથમિકતા આપી હતી. સત્યેન્દ્ર દુબે નામનો એક યુવક એન્જિનિયર નૅશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયામાં પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નોકરી કરતો હતો. બિહારમાં હાઇવેના બાંધકામમાં જે ભ્રષ્ટાચાર હતો અને એમાં ઉપર સુધીના લોકો સંડોવાયેલા હતા એનો એને રોજ અનુભવ થતો હતો. સત્યેન્દ્ર દુબેએ આની વિગતો આપતો એક ગોપનીય પત્ર વડા પ્રધાનને લખ્યો હતો. એ પત્રમાં વારંવાર કહેવામાં આવ્યું હતું કે આમાં મોટાં માથાં સંડોવાયેલાં છે, આંતરરાજ્ય મોટું કૌભાંડ છે, તેમની જિંદગી પર જોખમ છે, તેઓ રાષ્ટ્રહિત માટે જોખમ ઉઠાવી રહ્યા છે માટે આ પત્ર લખનારનું નામ જાહેર ન થાય એની તાકીદ રાખવામાં આવે અને જરૂરી કારવાઈ કરવામાં આવે.
એ પછી શું થયું? પત્ર ઍક્નૉલેજ કરવામાં આવ્યો અને સત્યેન્દ્ર દુબેને જણાવી દેવામાં આવ્યું કે આપના પત્રને સંબંધિત વિભાગને જરૂરી કારવાઈ માટે મોકલી આપવામાં આવ્યો છે. સત્યેન્દ્ર દુબેને પત્ર મળતાંની સાથે જ સમજાઈ ગયું હતું કે હવે તે ગણતરીના દિવસોનો મહેમાન છે અને એવું જ બન્યું. વડા પ્રધાનને લખવામાં આવેલા ગોપનીય પત્રની ગોપનીયતા જળવાવાની કોઈ ગૅરન્ટી નથી, ત્યાં આધાર કાર્ડ માટે આપેલી વિગતોની ગોપનીયતા જળવાઈ રહે એ તો બહુ દૂરની વાત થઈ. ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું છે કે આધારની વિગતો ચણામમરાની માફક વેચાઈ રહી છે અને સરકાર નાગરિકના અંગત જીવનની સુરક્ષાની જે વાતો કરે છે એ પોકળ છે. નાગરિકે નક્કી કરવાનું છે કે કહેવાતા રાષ્ટ્રયજ્ઞમાં પોતાની આહુતિ આપવી કે નહીં, કારણ કે વહીવટી તંત્ર ફૂહડ છે અને શાસકો બોલબચન છે.

જે કહેવામાં આવતું હતું એ હવે સિદ્ધ થઈ ગયું છે. ચંડીગઢના ‘ધ ટ્રિબ્યુન’ નામના અખબારનાં રિપોર્ટર રચના ખૈરાએ આધારનું રૅકેટ ઉઘાડું પાડ્યું છે. માત્ર ૫૦૦ રૂપિયા આપો, તમને વૉટ્સઍપ પર એક પાસવર્ડ મોકલવામાં આવશે જેના દ્વારા તમે આધારના પોર્ટલને ખોલી શકશો અને ઇચ્છો એટલા નાગરિકોના ડેટા મેળવી શકશો. માત્ર ૫૦૦ રૂપિયામાં દેશના એક અબજ નાગરિકોના ડેટા ઉપલબ્ધ થતા હોય અને એ પણ વૉટ્સઍપ દ્વારા તો કલ્પના કરો આપણું જીવન કેટલું સસ્તું છે.
સરકારની પહેલી પ્રતિક્રિયા દેશના નાગરિકોને અભય વચન આપવાની હતી. ચિંતા નહીં કરો તમારી વિગતો સલામત છે. સરકારને જ્યારે ખાતરી થઈ ગઈ કે બચાવ થઈ શકે એમ જ નથી અને અભય વચનની કિંમત કોડીની છે, ત્યારે ‘ધ ટ્રિબ્યુન’ અને એનાં પત્રકાર સામે FIR દાખલ કરવામાં આવ્યો. ગોપનીય ડેટા ચોરવા માટેનો ગુનો. બૅન્કના સ્ટ્રૉન્ગરૂમમાંથી પૈસા ચોરાય તો ચોર ગુનેગાર કે બૅન્કના અધિકારી ગુનેગાર? અધિકારીઓની ભાગીદારી વિના કોઈ ચોરી કરી શકે ખરું? આધારના કેસમાં ચોરી દલાલોએ સરકારી અધિકારીઓ સાથે મળીને કરી હતી અને રિપોર્ટરને એ વેચવામાં આવી હતી. પત્રકાર ખરીદનાર છે, ચોરનાર નથી. આ દેશમાં ખરીદ-વેચાણનો ધંધો એટલો વ્યાપક અને રાબેતાનો છે કે આખેઆખા પાસવર્ડની બજારકિંમત માત્ર ૫૦૦ રૂપિયા છે.
એક તો આધાર જેવી પવિત્ર ગાય, એમાં સરકારનાં અભય વચનો, દરેક ચીજને આધાર સાથે લિન્ક કરવાની ઘાઈ, એવા દરેક પ્રસંગે નવાં અભય વચનો, સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરેલાં સોગંદનામાંઓ દ્વારા ગોપનીયતાના કરવામાં આવેલા દાવાઓ માત્ર ૫૦૦ રૂપિયામાં ઉઘાડાં પડી ગયાં. સત્તાવાળાઓને જ્યારે સમજાઈ ગયું કે ભરબજારે નાક કપાઈ ગયું છે અને ‘ધ ટ્રિબ્યુન’ના એડિટર અને એનાં રિપોર્ટર રચના ખૈરાને દેશદ્રોહી ઠેરવવામાં અર્નબ ગોસ્વામીઓની સેવા લેવામાં આવે તો પણ આબરૂ બચી શકે એમ નથી, ત્યારે સરકારે સૂર બદલ્યો હતો અને આધારનો હવાલો સંભાળનારા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કૌભાંડની તપાસ કરવામાં ‘ધ ટ્રિબ્યુન’ની મદદ માગી હતી અને ફરી એક વાર ફ્રીડમ ઑફ પ્રેસની દુહાઈ આપી હતી.
તમને કદાચ ભક્તોના મેસેજ આવવા લાગ્યા હશે કે જે માહિતી ઉપલબ્ધ થઈ રહી છે એ માત્ર પ્રાથમિક સ્વરૂપની છે બાકી આંખના ડોળાની અને હાથના અંગૂઠાની પ્રિન્ટ સુરક્ષિત છે. આપણે તેમને ત્રણ સવાલ પૂછવા જોઈએ. એક, જે વિગતો ઉપલબ્ધ થઈ રહી છે એની સુરક્ષાની જવાબદારી સરકારની નથી એવો ખુલાસો સરકારે કર્યો હતો? ઊલટું સરકારે તો કહેવાતી પ્રાથમિક માહિતીની પણ સુરક્ષાની ગૅરન્ટી આપી હતી. બે, જે માહિતી ઉપલબ્ધ થઈ રહી છે એ ઓછી મહત્ત્વની નથી. તમારી આર્થિક હેસિયત જોઈને કોઈ પણ તમારી પાછળ પડી શકે છે. ત્રણ, જો સુરક્ષામાં જ ફાંકું હોય અને સુરક્ષિત કસ્ટડીમાં પ્રવેશી શકાતું હોય તો બાયોમેટ્રિક ડેટા કઈ વિસાતમાં? અંદર ઘૂસેલો ચોર ડિમાન્ડના આધારે નક્કી કરશે કે કઈ ચીજની ચોરી કરવી. આવતી કાલે કોઈ ત્રાસવાદી સંગઠનને, ફાર્મા કંપનીઓને કે બાયોટેક કંપનીઓને જો ચોક્કસ બાયોમેટ્રિક ડેટાની જરૂર પડશે તો એ પણ ઉપલબ્ધ થઈ જશે. કદાચ થતા પણ હશે, કોને ખબર છે. એનો ભાવ વધારે હશે અને એની લેવડદેવડ સરેઆમ નહીં થતી હોય એટલું જ.
હવે સરકારે કાંઈ કરવાનું નથી, એની નાદારી ઉઘાડી પડી ગઈ છે. હવે આપણે, નાગરિકોએ નક્કી કરવાનું છે કે આ આધાર નામની બલાનું શું કરવું? શંકા કરો, પ્રશ્ન પૂછો, ઊહાપોહ કરો, સૂચનો કરો અને સૂચનોની ચકાસણી કરો એમાં આગળ વધવાની અને સુરક્ષિત રહેવાની ચાવી છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 10 જાન્યુઆરી 2018
![]()


ગઈ કાલના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં ખબર છે કે અલાહાબાદની વડી અદાલતમાં ચાર દાયકાથી અપીલો ચુકાદાની રાહ જોતી પડી છે. અલાહાબાદની વડી અદાલતે સર્વોચ્ચ અદાલતને આપેલી માહિતી મુજબ ૧૪ અપીલો – ૧૯૭૬ (બે), ૧૯૭૭ (ચાર) અને ૧૯૭૮ (આઠ) – ચુકાદાની રાહ જોતી પડી છે. યાદ રહે કે આ બધી અપીલો છે અને એ પણ ફોજદારી ખટલાની છે. જગત આખામાં દીવાની કરતાં ફોજદારી ખટલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે, કારણ કે જેની સાથે જઘન્ય ગુનો આચરવામાં આવ્યો હોય તેને બને એટલો જલદી અને જો મોટી ઉંમર હોય તો તેને તેની હયાતીમાં ન્યાય મળવો જોઈએ. જો ગુનો ખૂનનો હોય તો તેના પરિવારજનોને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ. બીજું એટલું જ મહત્ત્વનું કારણ એ છે કે આરોપીને પણ ઝડપથી ન્યાય મળવો જોઈએ. જો તે ખરેખર ગુનેગાર હોય તો તેને તેણે કરેલા ગુનાની યોગ્ય અને પ્રમાણસર સજા મળવી જોઈએ અને જો તે ગુનેગાર ન હોય તો વહેલાસર નિર્દોષ છૂટવો જોઈએ. ગુનાના આરોપ સાથે માત્ર યાતના જ નહીં, કલંક પણ જોડાયેલું હોય છે એટલે આરોપીને પણ ઝડપથી ન્યાય મળવો જોઈએ.
