
પ્રશાંત મહાસાગરમાં વાનુઆતુ નામનો એક દેશ છે એનું નામ સાંભળ્યું છે? નહીં સાંભળ્યું હોય, મેં પણ પહેલીવાર સાંભળ્યું. એ નાનાં-નાનાં ૮૦ ટાપુઓનો દેશ છે અને તેની કુલ વસ્તી બે લાખ ૭૦ હજાર છે. પંજાબ નેશનલ બેન્કને ૧૩ હજાર કરોડ રૂપિયામાં નવડાવીને નાસી ગયેલો નીરવ મોદી તો હીરાપારખુ છે, તેણે પ્રશાંત મહાસાગરમાં પડેલા આ હીરાને પારખી લીધો હતો. પંજાબ નેશનલ બેન્કનું કૌભાંડ જાહેર (પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે એમ) કરવામાં આવ્યું એના ત્રણ મહિના પહેલાં નીરવ મોદીએ વાનુઆતુનું નાગરિકત્વ ખરીદવાની તજવીજ કરી હતી.
આ જગતમાં એવા ઘણા દેશો છે જે ગુનેગારોનું આશ્રયસ્થાન છે. થોડી આડવાત કરી લઈએ. ભારત આઝાદ નહોતું થયું અને અંગ્રેજોનું રાજ્ય હતું ત્યારે આપણું કાઠિયાવાડ આવી ખ્યાતિ ધરાવતું હતું. બાપુઓનું રાજ હતું અને કુલ ૨૨૨ બાપુઓ પોતપોતાની રિયાસતોમાં કાઠિયાવાડમાં રાજ કરતા હતા. કાયદો અને વ્યવસ્થાનું નામ નહીં અને જેની લાઠી એની ભેંસ. બાપુઓ વહીવટી આવડત પણ ખાસ ધરાવતા નહોતા એટલે મહેસૂલી આવક થતી નહોતી. અમલદારો અને ભાયાતો વચ્ચેથી આવક ચાંવ કરી જતા હતા. આ સ્થિતિમાં દરબાર ગઢના ખર્ચા પણ નીકળતા નહોતા ત્યાં રૈયતનું કલ્યાણ તો બહુ દૂરની વાત છે.
આવી સ્થિતિમાં હિન્દુસ્તાનભરના ગુનેગારો કાઠિયાવાડમાં આવીને છુપાતા હતા. કોઈ બાપુઓને કે ભાયાતોને પૈસા આપતા હતા, કોઈ ગામ ભાંગીને ભાગ આપતા હતા અને કોઈ વેશપલટો કરીને બાવા બનીને જિંદગી વિતાવતા હતા. કાઠિયાવાડમાં સૌથી વધુ ધાર્મિક સ્થાનો (કાઠિયાવાડી ભાષામાં જગ્યાઓ) અને સદાવ્રતો છે એનું કારણ આ છે. દયાનંદ સરસ્વતીએ તો અત્યારે ભગવાન તરીકે પૂજાતા એક સાધુને ઉત્તર પ્રદેશમાં ગુનો કરીને કાઠિયાવાડમાં છુપાયેલા ગુનેગાર તરીકે ઓળખાવ્યા હતા. આજે પણ હિન્દુસ્તાનમાં જેટલા સાધુઓ છે તેના ૮૦ ટકા એકલા કાઠિયાવાડમાં નજરે પડશે.
વિરમગામ લાઈનદોરી જેવો શબ્દપ્રયોગ પણ તમારે કાને પડ્યો હશે. એ જમાનામાં વિરમગામથી મુંબઈ રાજ્ય શરૂ થતું હતું. બાપુઓની રેલવે વિરમગામ આવે ત્યારે મુંબઈ રાજ્યની પોલીસ રેલવે પ્લેટફોર્મ પર આડાં દોરડાં બાંધીને ઊભી રહી જાય અને કાઠિયાવાડમાંથી બ્રિટિશ ભારતમાં પ્રવેશવા માંગતા એકેએક જણની તપાસ કરવામાં આવે. ગાંજો, અફીણ, જમૈયો, તમંચો તો સાથે નથીને તેની તપાસ કરવામાં આવે. આ અપમાનજનક તપાસ ગાંધીજીના આવ્યા પછી તેમના પ્રયાસના કારણે બંધ થઈ હતી. જો કોઈ કાઠિયાવાડીનું જાડું વર્તણૂંક નજરે પડે તો તેને વાયા વિરમગામ તરીકે ઓળખાવવામાં આવતો.
ઓગણીસમી સદીમાં ભારતમાં જે સ્થાન કાઠિયાવાડનું હતું એ અત્યારે પ્રશાંત મહાસાગરના અને કેરેબિયન સાગરના ટાપુઓના બનેલા દેશો ધરાવે છે. પૈસા આપો અને નાગરિકત્વ મેળવો. તમને એ દેશનો પાસપોર્ટ આપવામાં આવશે જેના આધારે તમે આખા જગતમાં ફરી શકશો અને ધંધો કરી શકશો. હા, વિરમગામ રેલવે સ્ટેશને જે રીતે તપાસ કરવામાં આવતી હતી એ રીતે જગતભરના એરપોર્ટ પર તમારી આકરી તપાસ કરવામાં આવશે. કોઈ મોટા દેશનો વતની બચુકલા દેશનો નાગરિક શા માટે બન્યો એ એક પ્રશ્ન પાસપોર્ટ ધારક સામે શંકા કરવા માટે પૂરતો છે, જે રીતે હિન્દુસ્તાની બોલનારો કાઠિયાવાડમાં શા માટે આવ્યો એ શંકા કરવા માટેનું દેખીતું કારણ હતું.
તો નીરવ મોદીએ તેર હજાર કરોડ રૂપિયામાં પંજાબ નેશનલ બેન્કને ઉઠાડી મૂકી એ પછી તે નાસી જવાની તૈયારી કરતો હતો. આ બાજુ કૃપાળુ શાસકો અને બેન્કના અધિકારીઓ અધીરા હતા કે ક્યારે નીરવભાઈ કોઈ દેશમાં ઠરીઠામ થઈ જાય અને ક્યારે અમે ખોટાખોટા ફરિયાદી તરીકે પોલીસ સ્ટેશન જઈએ; હાય રે, અમે તો લૂંટાઈ ગયા. આગળ કહ્યું એમ નીરવ મોદી નાસી ગયો એના કેટલાક મહિના પહેલાં વાનુઆતુ નામના દેશની સરકારનો સંપર્ક કર્યો હતો અને ૨૦૧૭ના નવેમ્બર મહિનામાં નાગરિકત્વ માટેના પૈસા પણ ચૂકવી દીધા હતા. આશ્ચર્ય હવે આવે છે. પરમ આશ્ચર્ય. ભારત સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવું આશ્ચર્ય.
વાનુઆતુ નામના પોણા ત્રણ લાખની વસ્તી ધરાવતા દેશના શાસકોએ નીરવ મોદી વિષે ભારતમાં અને અન્યત્ર તપાસ કરાવી તો ધ્યાનમાં આવ્યું કે આ ભાઈની ચાલચલગત બરોબર નથી અને મોટો કૌભાંડી છે. વાનુઆતુના શાસકોએ નીરવ મોદીની નાગરિકત્વની અરજી ફગાવી દીધી હતી. હાય રે, અમે તો લૂંટાઈ ગયાની ભારત સરકારે અને બેન્કના અધિકારીઓએ પોક મૂકી એના ત્રણ મહિના પહેલાં બચુકલા દેશના શાસકોને ખબર પડી ગઈ હતી કે આ માણસ ઠગ છે.
કાંઈ સમજ પડી? ભારતથી હજારો કિલોમીટર દૂર આવેલા સાવ નિર્ધન વાનુઆતુના શાસકોને જેની ખબર પડી એ પંજાબ નેશનલ બેન્કના સંચાલકોને અને ભારત સરકારને ખબર નહોતી. એવું બને? બીજું વાનુઆતુના શાસકોને કોઈ ગેબી અવાજ નહોતો સંભળાયો કે આ માણસથી સાવધાન રહેજો. વાનુઆતુના અધિકારીઓ ભારત આવ્યા હતા અને સત્ય જાણી ગયા હતા, માત્ર આપણને સત્યની જાણ નહોતી. આપણને તો ત્યારે ખબર પડે છે જ્યારે નીરવ મોદી પરિવાર સાથે વિદેશમાં ઠરીઠામ થઈ જાય છે. નાસી ગયા પછી ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરીને નીરવ મોદી લંડન ગયો હતો. ભારતે જ્યારે ખોટો ખોટો દેખાવ પૂરતો વાંધો લીધો ત્યારે બ્રિટિશ સરકારે કહ્યું હતું કે પાસપોર્ટ તમારો છે, વેલિડ છે, તેને રદ્દ કરાયો હોવાની અમને કોઈ જાણકારી આપવામાં નથી આવી, ભાળો તો પકડોની લૂકઆઉટ નોટિસ નથી બહાર પાડવામાં આવી, ત્યાં અમે શું કરીએ?
છે ને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી ઘટના? કહો જોઈએ, કોણ ૫૬ ઈંચની છાતી કોણ ધરાવે છે, વાનુઆતુના શાસક કે આપણા શાસક? હવે કિંગફિશર એર લાઈન્સના સ્થાપક વિજય માલ્યાએ કરેલા ગૌપ્યસ્ફોટ વિષે વિચારો. તેમણે લંડનની અદાલતની બહાર પત્રકારોને કહ્યું હતું કે ભારતમાંથી નાસી જતા પહેલાં તે નાણા પ્રધાન અરુણ જેટલીને મળ્યો હતો અને કોઈ એક રકમ ચૂકવીને મેટર ખતમ કરવાની ઓફર કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે હું આવતીકાલે જીનીવા જઈ રહ્યો છું. હવે કોઈ એમ તો ન જ કહે કે હું પાછો ફરવાનો નથી. અરુણ જેટલી કહે છે કે માલ્યા જૂઠું બોલે છે. વિજય માલ્યા લંડન પહોંચી ગયો એ પછી ભારત સરકારે અદાલતમાં પોક મૂકી હતી કે અરે રે આપણે લૂંટાઈ ગયા, વિજય માલ્યા નાસી ગયો છે.
એક સરખી ઘટના. પહેલાં વિજય માલ્યા અને પછી નીરવ મોદી-મેહુલ ચોકસી. ‘અરે રે આપણે લૂંટાઈ ગયા, આરોપી નાસી ગયા અને ખબર પણ ન પડી’. વાનુઆતુની ઘટના પછી તમે કોના પર ભરોસો મૂકશો? વિજય માલ્યા પર કે આપણા નાણા પ્રધાન અરુણ જેટલી પર?
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 15 સપ્ટેમ્બર 2018
વાનાઆતુના નકશા સૌજન્ય : "વિકિપીડિયા"
![]()


રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને વટાણા વેરી નાખ્યા છે. બી.જે.પી.ના સંસદસભ્ય ડૉ. મુરલી મનોહર જોશીની અધ્યક્ષતામાં, પાર્લામેન્ટ એસ્ટિમેટ્સ કમિટી સરકારી બેન્કોનાં ખોટાં થયેલાં નાણાંની તપાસ કરી રહી છે, અને તપાસના ભાગરૂપે કમિટીએ રઘુરામ રાજનની પૂછપરછ કરી હતી. ડૉ. રાજન અત્યારે અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં ભણાવે છે. કમિટીએ ડૉ. રાજનને પ્રશ્નોત્તરી મોકલી હતી અને કહ્યું હતું કે અત્યારે પ્રત્યક્ષ આવવાની જરૂર નથી, અહીં ઉપસ્થિત કરવામાં આવેલા પ્રશ્નો વિષે તમારો અભિપ્રાય આપશો તો ચાલશે.